Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અબડાસાની ચૂંટણી : કોની દિવાળી સુધરશે?

અબડાસાની ચૂંટણી : કોની દિવાળી સુધરશે?

06 October, 2020 03:25 PM IST | Mumbai
Mavaji Maheshwari

અબડાસાની ચૂંટણી : કોની દિવાળી સુધરશે?

કર્મચારીની આ હેરફેર કોવિડ–19ની માર્ગદર્શિકા મુજબ હશે એવું માનીએ તો પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની રહેવાનું છે.

કર્મચારીની આ હેરફેર કોવિડ–19ની માર્ગદર્શિકા મુજબ હશે એવું માનીએ તો પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની રહેવાનું છે.


કૉન્ગી ધારાસભ્યોનાં રાજીનામાંના કારણે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૮ વિધાનસભા બેઠકોનો ગંજીપો ચીપાઈ ગયો છે. દિવાળી પહેલાં
પેટા-ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે ત્યારે અબડાસાની બેઠક કોણ જીતશે એ વિશે અટકળ લગાવવી મુશ્કેલ હોવાનાં અનેક કારણો છે. કૉન્ગ્રેસમાંથી ચૂંટાઈને રાજીનામું આપનાર આઠ વિધાનસભ્યો પૈકી એક અબડાસાની બેઠક પર ૨૦૧૭માં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. અત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા ભારતીય જનતા પક્ષ (બીજેપી)ના ભાવિ ઉમેદવાર હોવાનું દેખાઈ રહ્યું છે. શાસક પક્ષથી ઊલટા ચાલનારા અબડાસા મતવિસ્તારના મતદારોએ કદી એક ઉમેદવારને બીજી વખત જિતાડ્યો નથી, એ પણ હકીકત છે. આ વખતે જોવાનું એ રહે છે કે અબડાસા કોની દિવાળી સુધારે છે?

ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીઓ યોજાશે ત્યારે દિવાળી આડે માત્ર ૧૦ દિવસ બાકી હશે. કોરોના મહામારીને કારણે દિવાળીના તહેવારો પણ ઝાકઝમાળ વગર પસાર થઈ જશે એવું લાગી રહ્યું છે. કદાચ ચૂંટણી આ તહેવારોમાં નવો જ રંગ ભરી દે એવું બની શકે, કારણ કે દિવાળી સુધીમાં કચ્છની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી હશે. આ વખતની ચૂંટણીઓ પર લૉકડાઉન અને એના પરિણામે આવેલી આર્થિક મંદીનાં કારણો વિપક્ષ કૉન્ગ્રેસના ફાયદામાં રહેશે કે બીજેપીના એ વિશે ભર્યા નાળિયેર જેવી સ્થિતિ છે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ ક્રમાંક જેને આપવામાં આવ્યો છે એ કચ્છની ૧ - અબડાસા બેઠકની પણ પેટા-ચૂંટણી યોજાઈ રહી છે. કચ્છની ૬ વિધાનસભા બેઠકો પૈકી અબડાસા સૌથી મોટો મતવિસ્તાર ધરાવે છે. મુસ્લિમ બાહુલ્ય ધરાવતા અબડાસા મતવિસ્તારમાં ક્ષત્રીય અને પાટીદારોના પણ નિર્ણાયક મત છે. અબડાસાની ચૂંટણીનાં પરિણામો વિશે શાણા રાજકીય પંડિતો કદીય ઉતાવળ કરતા નથી, કારણ કે આ મતવિસ્તારે અનેક વાર ધારણાઓ ખોટી પાડી છે. અબડાસા મતવિસ્તારમાં એક વાર જીતીને બીજી વાર ઊભો રહેનાર ઉમેદવાર હાર્યો છે એવો એનો ઇતિહાસ રહ્યો છે, જેમાં કચ્છના દિગ્ગજ નેતા અને કચ્છ બીજેપીના અધ્યક્ષ રહી ચૂકેલા સ્વ. જયંતી ભાનુશાલી ઉપરાંત ગુજરાત સરકારમાં રાજ્યપ્રધાન રહી ચૂકેલા તારાચંદ છેડા, નરેન્દ્રસિંહ જાડેજા, કૉન્ગ્રેસના વજનદાર નેતા મહેશ ઠક્કર પણ અબડાસામાં જીતીને બીજી વાર હાર્યા છે. અબડાસા મતવિસ્તારની ચાલ મોટે ભાગે શાસક પક્ષ વિરોધી રહી હોવાનું ચિત્ર સામે આવે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં કૉન્ગ્રેસમાંથી ચૂંટણી જીતનાર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ‘પ્રજાનાં કાર્યો માટે રાજીનામું આપ્યું છે’ એવું વિધાન કર્યાં પછી બીજેપીમાં જોડાઈ ગયા હતા. અત્યારે તેઓ સંભવિત ઉમેદવારોમાં અગ્રસ્થાને હોવાનું જણાઈ રહ્યું છે અને કૉન્ગ્રેસ ઉમેદવાર તરાસી રહી છે. ચૂંટણીને હજી એક મહિનો બાકી છે. અબડાસાનો મોટા ભાગનો વિસ્તાર ખેતી અને પશુપાલન પર નભે છે. આ વર્ષના ભારે વરસાદને કારણે ખેતીને બહુ જ નુકસાન થયું છે. આ વર્ષે પાણીની સમસ્યા નથી, પણ માર્ગોની સમસ્યામાં વરસાદે વધારો કર્યો છે. અબડાસાના મતદારો આ વખતે કોને મત આપે છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ચોમાસું ખેતીની સીઝન હોવાથી લોકો પોતાની આર્થિક પ્રવૃત્તિઓને મહત્ત્વ આપે છે કે લોકશાહીના પર્વમાં રસ લે છે એ જોવાનું પણ રસપ્રદ બની રહેશે.



Kutch
એક તરફ કોરોના મહામારીનો ભય હજી ટળ્યો નથી. તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને જરૂરી તબીબી ઉપકરણો વાપરવાની સલાહ આપવામાં આવી રહી છે. કારણ વગર ઘરની બહાર ન નીકળવાની રોજેરોજ જાહેરાત થઈ રહી છે એવા સમયમાં આ ચૂંટણી પર મહામારીની કેવીક અસર પડે છે એ પણ એક મુદ્દો બની રહેશે. લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી એવી ફરિયાદો વચ્ચે નેતાઓ અને પક્ષના કાર્યકરો માટે પ્રચાર કરવાનું હંમેશ મુજબ સરળ બનવાનું નથી. આ ચૂંટણી કોરોનાને કારણે વગોવાય નહીં એ શાસક પક્ષ માટે અગત્યનું છે. ચૂંટણી પોતે જ એક લોકમેળો છે, જેમાં ભીડ અને કતાર મહત્ત્વના છે, પરંતુ આવી સ્થિતિમાં ભીડ થવી અત્યંત જોખમી હોવાથી નેતાઓ અને પક્ષના કાર્યકરો ચૂંટણીપ્રચાર માટે વિજાણું સાધનો અને માધ્યમોનો ઉપયોગ કેવોક કરે છે એ પરિણામ પર અસર કરનારું પરિબળ બની રહે છે. તંત્રની બાજનજર વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પ્રચાર કરવો દરેક પક્ષ માટે પડકારભર્યું કાર્ય બની રહેવાનું છે. આ સ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાયાના આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની ફરિયાદો પણ થવાની છે. આ વખતની ચૂંટણીઓ ફરજિયાતપણે રાજકીય પક્ષોને પ્રચારપદ્ધતિ બદલવાની એક તક પૂરી પાડવાની છે, જે આવનારા સમયમાં નવો જ અધ્યાય શરૂ કરાવી શકે એવું બને. જો આવું થશે તો આવનારા સમયમાં ચૂંટણીપ્રચારની વ્યાખ્યાઓ બદલાઈ જશે. ભારતની વિવિધ અને ક્યાંક વિચિત્ર પરિસ્થિતિઓ વચ્ચે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ કરાવતા ભારતીય ચૂંટણીપંચની વિશ્વમાં એક નામના છે. સામાન્ય નાગરિકની સમજમાં ન ઊતરે એવું યુદ્ધ પછીનું કોઈ-કોઈ અગત્યનું અને જટીલ વહીવટી કાર્ય હોય તો એ ચૂંટણીઓ છે. દર વખતે ભારતીય ચૂંટણીપંચ આ કાર્ય દેશમાં કરાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યથી માંડીને સંસદની ચૂંટણીઓ દેશમાં યોજાય છે ત્યારે ચૂંટણીકાર્યમાં રોકાયેલા સ્ટાફ પર વહીવટી ભારણ આવે છે. આ વખતે કોરોના ઇફેક્ટ ચૂંટણી સ્ટાફ પર માનસિક અસર કરી શકે એવી શક્યતા છે, કારણ કે ચૂંટણી અત્યંત જટીલ પ્રક્રિયા છે, જેમાં કર્મચારીઓ જોડાય છે. મતદાન મથક સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપરાંત એ સાથે સંલગ્ન કર્મચારીઓ મહિનાઓ અગાઉ ચૂંટણીની તૈયારીઓ કરે છે ત્યારે પહોંચી વળવું શક્ય બને છે. અબડાસાની આ પેટા-ચૂંટણી વર્તમાન પરિસ્થિતિને કારણે વહીવટ માટે પણ એક પડકારજનક કાર્ય બની રહેવાનું છે. લખપત, અબડાસા અને નખત્રાણાનાં ગામોને આવરી લેતા અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૭૬ મતદાન મથક છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મતદારોની સંખ્યા જ્યાં ૧૦૦૦ કરતાં વધારે છે ત્યાં પેટા-મતદાન મથકો ઊભાં કરવાનાં હોવાથી હવે કુલ ૪૪૧ મતદાન મથકો પર મતદાન થશે. સામાન્ય રીતે અબડાસા વિધાનસભાની ચૂંટણી માટે ૨૧૦૦ જેટલા મતદાન મથકના કર્મચારીઓની જરૂર પડે, પરંતુ આ વખતે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ ટકા સ્ટાફ રોકવાનો હોવાથી ૪૨૦૦ જેટલા કર્મચારીઓ નીમાશે, જેમાં રિઝર્વ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સુરક્ષા-કર્મચારીઓ તો અલગ. સામાન્ય રીતે દરેક મતદાન મથક પર એક આર્મ્ડ ગાર્ડ અને એક અનઆર્મ્ડ ગાર્ડ રાખવામાં આવે છે. ૨૦૦૨થી ગુજરાતમાં વિધાનસભા અને સંસદની ચૂંટણીમાં પુરુષ કર્મચારીઓને તેમના મૂળ મતવિસ્તારને બદલે અન્ય વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવે છે. કર્મચારીઓની હેરફેર માટે સંખ્યાબંધ વાહનોની જરૂર પડે છે. આ વખતે અબડાસાની બેઠકની ચૂંટણી માટે ૯૨ જેટલી બસની જરૂર પડવાની છે એવો પ્રાથમિક અંદાજ છે. આ સામાન્ય નહીં, પરંતુ પેટા-ચૂંટણી હોવાથી આ વખતે મતદાન મથકની કામગીરી માટે અબડાસાના પુરુષ કર્મચારીઓ (પટાવાળા સિવાય)ને ક્યાંય કામગીરી કરવા જવું નહીં પડે, પરંતુ કચ્છની અન્ય વિધાનસભા વિસ્તારના કર્મચારીઓને અબડાસા માટે જવું પડશે. કર્મચારીની આ હેરફેર કોવિડ–19ની માર્ગદર્શિકા મુજબ હશે એવું માનીએ તો પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની રહેવાનું છે. અબડાસા બેઠકનું રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર કાર્યાલય નલિયા રહે છે. અબડાસાનાં કેટલાંક મતદાન મથકો નલિયાથી ૧૦૦થી વધારે કિલોમીટરનું અંતર ધરાવે છે. આગલા દિવસે રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરથી મતદાન સામગ્રી તેમ જ મતદાન પ્રક્રિયાનાં યંત્રો સાથે નીકળેલા કર્મચારીઓ બીજા દિવસે મોડી રાત સુધી પરત ફરે ત્યાં સુધીની પ્રક્રિયા એટલી ઉત્તેજનાભરી અને પડકારરૂપ છે કે એ પ્રત્યક્ષ જોવાથી જ સમજાય. જ્યારે ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો’ નારો ચાલી રહ્યો છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ચૂંટણી કરાવવી એ તંત્ર માટે પણ પરસેવો પાડનારું કાર્ય બની રહેશે. તેમ છતાં, ભારતીય કર્મચારીઓનું માનસ હંમેશાં આવાં કાર્યો માટે સજ્જ રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 03:25 PM IST | Mumbai | Mavaji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK