Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેરા ઘમંડ ટૂટેગા

તેરા ઘમંડ ટૂટેગા

10 July, 2022 12:17 PM IST | Mumbai
Hiten Anandpara

કંગના આમ તો કાયમ જંગના મૂડમાં હોય છે, પણ આ ઘટનામાં તેનો ઊંડો નિસાસો વણાયેલો હતો

પ્રતીકાત્મક તસવીર અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કંગનાના ઘર પર સત્તાનો હથોડો ઝીંકાયો ત્યારે તીર જેવા શબ્દોમાં એક સ્ત્રીનો શાપ વર્તાયેલો : આજ મેરા ઘર ટૂટા હૈ, કલ તેરા ઘમંડ ટૂટેગા. કંગના આમ તો કાયમ જંગના મૂડમાં હોય છે, પણ આ ઘટનામાં તેનો ઊંડો નિસાસો વણાયેલો હતો. મહાઆઘાડી સરકારને કર્મનું ફળ મળ્યું અને ઘમંડ ચૂરચૂર થયો. અભિમાની પ્રવક્તાના ત્રાસમાંથી માંડ-માંડ છૂટ્યા છીએ ત્યારે દેડિયાપાડાની કવયિત્રી મમતા શર્મા કહે છે...
રાવણોનાં મસ્તકો છેદાય એવું થાય છે
સૌ ગુમાનો ધૂળમાં રોળાય એવું થાય છે
વિશ્વના તખ્તો અને તાજો જીતીને ગર્જનાર
હાથ બંને ખાલી લઈને જાય એવું થાય છે
ખાલી હાથ શામ આયી હૈ, ખાલી હાથ જાએગી. પાવરનો ઉપયોગ હુંકાર કરવાને બદલે પ્યાર બરકરાર કરવામાં થવો જોઈએ. કાદવ જમા કરવા, ઉલેચવા અને ફેંકવામાં એટલો સમય બરબાદ થઈ જાય કે બીજ વાવવાનો વખત ચૂકી જવાય. સત્તાનું ગૌરવ હોવું જોઈએ, અભિમાન નહીં. સત્તાની ખુરસીમાં અદૃશ્ય ખીલા જડેલા હોય છે. બહુ ઊછળકૂદ કરો તો વસ્ત્રોની સાથે વ્યક્તિ પણ વેતરાઈ જાય. ડૉ. અપૂર્વ શાહ પ્રિસ્ક્રિપ્શનમાં ફિલોસૉફી આપે છે...
તું નથી ઈશ્વર અહીં અવતાર બીજા આવશે
આ જ સિંહાસન હશે, હકદાર બીજા આવશે
‘હું કરું’ ને ‘હું કહું’નો રાખ ના મનમાં અહમ્
ઊંચકીને લઈ જવા પણ ચાર બીજા આવશે
આપણે ઈશ્વરના પ્રતિનિધિઓ છીએ. અબજો જીવોને સંભાળવાનું કામ ભગવાનને પણ ભારે પડે એટલે તે જવાબદારીઓ વહેંચતો હોય છે. રંજ એ છે કે આપણે જવાબદારી નિભાવવાને બદલે અન્ય કોઈ નિભાવતો હોય એના રસ્તેય કાંટાનાં વાવેતર કરતા રહીએ. ગીરગઢડાના કવિ હસમુખ ટાંકનો શેર ખરેખર ટાંકવા જેવો છે... 
‘હું કરું, હું કરું’ એ હૃદયમાં વહે
વાત સૌ કોઈ પોતાની સૌને કહે
ક્યાં રહી છે સરળતા ચહેરા મહીં
ચોતરફ હુંપણું રોજ ઊડતું રહે
માણસને જાત પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, મમત નહીં. અરીસાને જોઈને મમતા વહાવવાનો શું અર્થ? હૃદય પર હાથ રાખીને કહેજો કે ઈશ્વરે આપણને જે આપ્યું છે એ આપણી લાયકાત કરતાં વધારે નથી? જો હોય તો એનું અભિમાન ન હોય, ગૌરવગાન હોય. ભારતી ગડા સ્વરાની વાત વાંચતા પહેલાં પાઘડી ઉતારવી પડશે... 
આવે તો તું દંભની બારી ટપીને આવજે
ખોલશે સૌ બારણાં પ્રેમે; નમીને આવજે
છે સુવર્ણથી મઢેલી નગરીના પાયે અહમ્
ગુપ્ત એવા ભોંયરેથી તું બચીને આવજે
આવનારી આપત્તિઓથી બચવા અને વર્તમાન સંજોગો સામે ઝીંક ઝીલવા સત્તાધીશો સલાહકાર રાખે છે. સલાહકાર પોતે ખરડાયેલો હોય તો ખાલી ફીફાં ખાંડવા પૂરતો સીમિત રહી જશે. આઘાડી સરકારના પતનમાં ખાયકી ઉપરાંત અહંકારના આસામીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. બીજી તરફ કામગરા કૉર્પોરેશનને કારણે કમનીય બ્રિજથી શોભતા સુરતના કમલેશ શુક્લની વાત લોચો ખાતાં-ખાતાં સાંભળવા જેવી છે...
ક્રોધ ને આવેશમાં, અભિમાન લઈને ક્યાં જશો?
જિંદગીભર આટલું તોફાન લઈને ક્યાં જશો?
છે કઠિન આ રાહ દિલભર, ચાલવાનું પણ ઘણું
આટલો આ ભાર ને સામાન લઈને ક્યાં જશો?
અભિમાન અપમાન તરફ દોરી જાય. અપમાન અવમાન તરફ દોરી જાય. આખરે ગુમાનનું ગંતવ્ય ગરકાવ થવા તરફ જ ગતિ કરવાનું. જલેબી ઉપર મરચું ભભરાવીને ખાશો તો પ્રવીણ શાહની વાત ગળે ઊતરશે...
એ ગણતરીમાં કદી આવ્યો હતો
જોકે સિક્કો આમ તો બોદો હતો
ગર્વ પર્વત જેવડો એને હતો
એક તણખો એટલે દાગ્યો હતો
કોઈની આંતરડી કકડાવીને મદનો અહેસાસ કરવો કે કોઈની આંતરડી ઠારીને ગદ્ગદ અનુભૂતિ રળવી એ આપણે નક્કી કરવાનું છે.   
ક્યા બાત હૈ
અટપટી આ જિંદગીનું ક્યાં ગણિત સમજાય છે?
રાખના માનવને હુંપદનો અહમ્ જો ખાય છે
જ્ઞાનનું અભિમાન અહીંયાં ભાન ભુલાવે સતત
આ જગતમાં ભેંસ સામે ભાગવત વંચાય છે
અલ્પા વસા
ઘમંડીઓ કેવા ઝૂમે છે નશામાં
તુમાખી જુઓ એમની હર અદામાં 
હો રાવણ કે કૌરવ કે હો કંસમામા
અભિમાન તૂટ્યું ને પોઢ્યા ચિતામાં
સંજય રાવ  
સંસ્કૃતિ ને દેશ પર અભિમાન કર
માતૃભાષા પોંખ, એનું ગાન કર
જો અસર ચારિત્ર્ય ને સૃષ્ટિ ઉપર
ઊર્ધ્વગામી રીત છે ઉત્થાન કર
ગુરુદત્ત ઠક્કર
આ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ્
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ
ઉમર ખૈય્યામ અનુ. શૂન્ય પાલનપુરી


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2022 12:17 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK