Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અપદ્યગદ્ય નાટક કરવાની વાતે જ મને એક્સાઇટ કરી દીધો

અપદ્યગદ્ય નાટક કરવાની વાતે જ મને એક્સાઇટ કરી દીધો

12 September, 2022 05:42 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

જોકે એ અમારા માટે આરંભે શૂરા જેવી જ વાત પુરવાર થઈ અને ધીમે-ધીમે અમે નાટકને રાબેતા મુજબની સ્ટાઇલ પર જ લઈ આવ્યા

ચેતન આનંદે આ ફિલ્મમાં અપદ્યગદ્ય શૈલીમાં સંવાદો રાખ્યા, જે કૈફી આઝમીએ લખ્યા.

જે જીવ્યું એ લખ્યું

ચેતન આનંદે આ ફિલ્મમાં અપદ્યગદ્ય શૈલીમાં સંવાદો રાખ્યા, જે કૈફી આઝમીએ લખ્યા.


આપણે વાત કરતા હતા મારા પ્રોડક્શનમાં બનેલા પચાસમા નાટક ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી’ની. બૉક્સ-ઑફિસ પર એ નાટક ઠીકઠાક રહ્યું. ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી’ ઓપન થયા પછી વિપુલ મહેતા મારી પાસે ‘અ મૅન હુ સ્યુડ ધ ગૉડ’ નામની ફિલ્મ લઈને આવ્યો અને મને કહ્યું કે રાઇટર ભાવેશ માંડલિયાએ આ ફિલ્મ ક્રૅક કરી છે. ગયા સોમવારે તમને કહ્યું એમ ફિલ્મમાં ભગવાન પર કેસ કરતા એક માણસની વાત હતી. મને આ વાત જરા પણ અપીલ કરી નહીં અને મેં મૂરખની જેમ ન તો ભાવેશ સાથે એ વિશે કોઈ વાત કરી કે ન તો ફિલ્મ જોઈ. સીધું જ કહી દીધું કે આવા સબ્જેક્ટ આપણે ત્યાં ચાલે નહીં. જોકે હું જબરદસ્ત ખોટો પુરવાર થયો અને ભાવેશે એ ફિલ્મ પરથી પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કર સાથે ‘કાનજી વિરુદ્ધ કાનજી’ નાટક કર્યું અને એ પછી તો એના પરથી હિન્દી નાટક પણ બન્યું અને ફિલ્મ પણ બની. મેં મારી લાઇફની સૌથી મોટી પ્રોફેશનલ ભૂલ કરી જેનો મને આજે પણ પારાવાર અફસોસ છે એ હું જાહેરમાં સ્વીકારું છું. ઍનીવે, ભૂતકાળ ભૂલીને આગળ વધીએ.

 વિપુલ ફરી મારી પાસે આવ્યો અને તેણે મને એક આઇડિયા સંભળાવ્યો. અગાઉ એ વિષય પર નાટક થઈ ગયું હતું. પ્રવીણ જોશીએ નાટક કર્યું હતું ‘સપનાનાં વાવેતર’, જે અંગ્રેજી નાટક ‘રેઇનમેકર’ પર આધારિત હતું તો અમોલ પાલેકરે આ જ નાટક પરથી ફિલ્મ પણ બનાવી હતી, ‘થોડા સા રૂમાની હો જાએ’. એમાં નાના પાટેકરનો રોલ એવા એક માણસનો હતો જે સપનાં વેચે છે. બહુ સરસ રોલ હતો અને નાના પાટેકરે અદ્ભુત રીતે એ કૅરૅક્ટર કર્યું હતું.



એક છોકરી જેનાં લગ્ન થતાં નથી. લગ્ન ન થવાને લીધે તેનામાં રુક્ષતા આવી જાય છે. આવી સિચુએશનમાં હીરો કઈ રીતે તેનામાં સપનાં ભરે છે અને એને લીધે કઈ રીતે તે છોકરીનાં લગ્ન થાય છે એની વાર્તા છે. અમારી વાર્તા એવી હતી કે સપનાં ભરવાની એ આખી પ્રોસેસમાં તે છોકરી રેઇનમેકરના પ્રેમમાં પડી જાય છે. અમે એવું નક્કી કર્યું કે આપણે આ નાટક સેમી-મ્યુઝિકલ બનાવીશું અને સાથોસાથ નવો આઇડિયા વિચાર્યો કે આખું નાટક અપદ્યગદ્યમાં કરવાનું. આ અપદ્યગદ્ય શું છે એ તમને સમજાવું.


અપદ્યગદ્ય એટલે પ્રાસાનુપાસ. આખેઆખું નાટક પ્રાસાનુપ્રાસમાં બોલાય. અગાઉ ચેતન આનંદની ફિલ્મ આવી હતી ‘હીર રાંઝા’. બહુ સરસ ફિલ્મ છે, જોજો. આ આખી ફિલ્મ અપદ્યગદ્ય એટલે કે પ્રાસાનુપ્રાસમાં એટલે કે કવિતાના ફૉર્મમાં બોલાય છે. કૈફી આઝમી સાહેબે એના સંવાદો લખ્યા હતા. આ પ્રકારનો પ્રયોગ અગાઉ ક્યારેય ફિલ્મોમાં થયો નહોતો એટલે વાત યુનિક બનતી હતી. અમને થયું કે આપણે આવું કંઈક કરવું જોઈએ. વાત નવી હતી અને એમાં કવિતા સાથે જોડાયેલો લેખક વધારે સારું કામ કરી શકે એ પણ સ્પષ્‍ટ હતું એટલે અમારા મનમાં અંકિત ત્રિવેદીનું નામ આવ્યું. 

અંકિતે તેની કરીઅરનું પહેલું નાટક મારું લખ્યું હતું, ‘બાને ઘેર બાબો આવ્યો’. એટલે હવે નાટકના ગ્રાફ વિશે પણ તેને ખબર પડવા માંડી હતી. મેં અને વિપુલે નક્કી કર્યું કે સંવાદોમાં પ્રાસાનુપ્રાસ છે તો અંકિતભાઈ આ નાટકમાં સરસ રહેશે. જોકે મિત્રો, મને અહીં કહેવા દો કે અમે આરંભે શૂરા પુરવાર થયા.


અમે મોટી-મોટી વાતો તો કરી કે અપદ્યગદ્યમાં નાટક કરીશું, પ્રાસાનુપ્રાસમાં કરીશું, મ્યુઝિકલ કરીશું; પણ જ્યારે રિયલમાં કરવા ગયા ત્યારે આમાંનું કશું થયું નહીં અને જેમ બધાં નાટકો કરીએ છીએ એવું આ નાટક બનીને રહી ગયું. નાટક બહુ ગ્રેટ બન્યું હોય એવું નહોતું, પણ બૉક્સ-ઑફિસ અને ચૅરિટી શોમાં સારું રહ્યું અને અમે એના ૧૧૦ શો કર્યા. 

મેં એક વાત વારંવાર કહી છે અને આજે ફરીથી કહું છું કે અમે કોઈ પણ વિદેશી કૃતિ લઈએ તો એમાં ઘણા ફેરફાર કરતા હોઈએ છીએ અને એ ફેરફાર કરવા જ પડે. જો તમે ફેરફાર કરતા નથી તો એ કૃતિ ક્યારેય ચાલતી નથી. એ સમય અને સંજોગોથી લઈને જે પ્રેક્ષકો માટે તમે એ કરતા હો એમને ધ્યાનમાં રાખવા જ પડે. અમે જે ‘રેઇનમેકર’ પરથી નાટક કરતા હતા એનું પહેલાં અમે ટાઇટલ રાખ્યું હતું, ‘આ છોકરીને મંગળ છે’. આ જ ટાઇટલથી અમે નાટકની વાર્તા તૈયાર કરવાનું શરૂ કર્યું.

એક ફૅમિલીની એમાં વાત છે. ફાધર છે, જેને બે દીકરા અને કોકિલા નામની એક દીકરી છે. મોટા દીકરાનાં લગ્ન થઈ ગયાં છે એટલે ઘરમાં તેની વાઇફ પણ છે. દીકરીને કુંડળીમાં મંગળ છે અને તે ટૉમબૉય ટાઇપ છે એટલે પોતાની બ્યુટી પર ધ્યાન આપતી નથી, જેને લીધે તેનાં મૅરેજ થતાં નથી. બાપને બિચારાને દીકરીનાં લગ્નને બહુ ચિંતા છે તો મોટા ભાઈને પણ ચિંતા છે કે બહેનનાં લગ્ન થતાં નથી. જોકે છોકરી પોતે ખૂબ હોશિયાર છે. પોળમાં રહેતા છોકરાઓનાં ટ્યુશન કરે છે, પતંગ અને ફટાકડા જેવા સીઝનલ બિઝનેસ કરીને તે પોતાનું કમાઈ લે છે. ફૅમિલી પર જરાય ભારરૂપ બનતી નથી. આ ફૅમિલીમાં બહારથી એક માણસ આવે છે, પણ તે આવે એ પહેલાંની વાર્તા એવી છે કે પોળમાં તેજસ નામનો છોકરો હતો. તે નાનપણથી કોકિલા સાથે મોટો થયો છે અને હવે અમેરિકા સેટલ થયો છે. આ તેજસ અમેરિકાથી પાછો આવે છે. ફૅમિલીના મનમાં છે કે તેજસ સાથે કોકિલાનું ગોઠવાઈ જાય તો કોકિલાની લાઇફ સુધરી જાય. આ વિચારે તે લોકો તેજસને ઘરે જમવા બોલાવે છે. ફાઇનલી છોકરાને ખબર પડે છે કે આ લોકો તેની દીકરી વળગાડવાના ચક્કરમાં છે એટલે તે છોકરીને સંભળાવીને જતો રહે છે. હવે ફૅમિલી પાસે કોઈ રસ્તો રહેતો નથી. 

ફૅમિલીની જે દુકાન હતી એ પણ રોડ કપાતમાં જતી રહેવાની છે. ઘરમાં બહુ ભારે વાતાવરણ છે અને ચારે બાજુએથી એ પરિવાર ફસાયો છે. ત્યાં જ એક માણસ આવે છે. વિશ્વાસ તેનું નામ. તે કહે છે કે હું તમારા બધા પ્રૉબ્લેમ સૉલ્વ કરી આપીશ. તે બધા પ્રૉબ્લેમ સૉલ્વ કરે છે. એટલું જ નહીં, તે આ છોકરીને પણ બ્યુટિફુલ બનાવે છે. અમેરિકાથી આવેલો પેલો તેજસ પણ હવે કોકિલાના પ્રેમમાં પડે છે તો બહારથી આવેલા વિશ્વાસના પ્રેમમાં કોકિલા પડી ગઈ છે. કોકિલાનાં મૅરેજ તેજસ સાથે થાય છે કે વિશ્વાસ સાથે એની આ આખી વાર્તા હતી. નાટકના કલાકારો અને કસબીઓની વાત કરતાં પહેલાં તમને કહી દઉં કે આ જ ‘રેઇનમેકર’ પરથી સંજય છેલે પણ ઊર્મિલા માન્તોડકર અને સંજય દત્તને લઈને ફિલ્મ ‘ખૂબસૂરત’ બનાવી હતી, જેનાં ગીત બહુ સરસ હતાં. ફિલ્મ પણ હિટ ગઈ હતી.

વાત કરીએ અમારા નવા નાટકના કસબીઓની.

નાટકની સ્ટોરી અને કન્સેપ્ટ વિપુલ મહેતાનાં હતાં તો કલા છેલ-પરેશ, મ્યુઝિક લાલુ સાંગો એટલે કે સ્ટૉક મ્યુઝિક, પ્રકાશ રોહિત ચિપલુણકાર અને પ્રચાર દીપક સોમૈયા. સંજય ગોરડિયા પ્રોડક્શન્સમાં નક્કી હોય છે એ જ કસબીઓ આ નાટકમાં પણ હતા. પછી વાત આવી કલાકારોની તો નાટકમાં કોકિલાના ફાધરના રોલમાં અમે અમારા ફેવરિટ અને મારાં બધાં નાટકોમાં હું જેના માટે રોલ કાઢું જ કાઢું એવા જગેશ મુકાતીને લીધો. વાત આવી મોટા દીકરાના રોલની. એ રોલ માટે વિપુલ મહેતાએ મને કહ્યું કે આ રોલ તમારે જ કરવાનો છે સંજયભાઈ. 

અગેઇન, મારે એ રોલ કરવો નહોતો. મારે લીડ રોલ કરવો હતો અને એ રોલમાં હું સક્સેસફુલ પણ હતો, પણ વિપુલનો આગ્રહ હતો એટલે મેં કશું પણ બોલ્યા કે પ્રતિકાર કર્યા વિના એ રોલ માટે હા પાડી દીધી. ના કહેવાની હોય એવા સમયે તમે હા પાડીને શું ભૂલ કરતા હો છો એની વાત અને નાટકનું બીજું કાસ્ટિંગ બાકી છે એની વાત પણ કરીશું આવતા અઠવાડિયે.

 અપદ્યગદ્ય એટલે પ્રાસાનુપ્રાસ. ચેતન આનંદની ફિલ્મ ‘હીર રાંઝા’ અપદ્યગદ્ય એટલે કે પ્રાસાનુપ્રાસમાં એટલે કે કવિતાના ફૉર્મમાં બોલાય છે. કૈફી આઝમી સાહેબે એના સંવાદો લખ્યા હતા. બહુ અદ્ભુત ફિલ્મ હતી

જોક સમ્રાટ

એક નિર્દોષ સવાલઃ

બાળકો ન થાય તો એ ગોદ લઈ શકાય.
તો પછી લગ્ન ન થાય તો વાઇફ ગોદ લઈ શકાય?

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2022 05:42 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK