Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અય માનવજીવન કૈસા રી તુ, હર થાલી મેં તેરા ચેહરા, તેરી હી થાલી મેં નહીં તુ!

અય માનવજીવન કૈસા રી તુ, હર થાલી મેં તેરા ચેહરા, તેરી હી થાલી મેં નહીં તુ!

29 September, 2021 08:02 AM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

વારંવાર મૂર્ખાઈ કરતા માણસ માટે સૌથી વધારે જાણીતો શબ્દ છે ‘ગધેડા જેવો છે!’ અરે ‘કાયદો ગધેડો છે’ એવું વાક્ય પણ પ્રચલિત છે. બાકી ઘણા દેશમાં ગધેડાનો મહિમા થયો છે.

અય માનવજીવન કૈસા રી તુ, હર થાલી મેં તેરા ચેહરા, તેરી હી થાલી મેં નહીં તુ!

અય માનવજીવન કૈસા રી તુ, હર થાલી મેં તેરા ચેહરા, તેરી હી થાલી મેં નહીં તુ!


એ તો દેવ જેવો માણસ છે, સાલો રાક્ષસ જેવો છે, ભૂત જેવો છે, શયતાન જેવો છે આવાં વાક્યો આપણે ઘણી વાર સાંભળ્યાં હશે. માણસ એક સામાજિક પ્રાણી છે, પરંતુ તેની સરખામણી સૌથી વધુ પ્રાણી, પશુ-પંખી અને જીવજંતુ સાથે થઈ છે. વિચાર્યું છે કદી? 
સ્વભાવે નરમ લાગતા માણસને કહીએ છીએ કે બિચારો ગરીબ ગાય જેવો માણસ છે. લુચ્ચા માણસને શિયાળ જેવો કહીએ છીએ, ઢોંગી માણસને બગલા જેવો બગભગત કહીએ છીએ, બુદ્ધિપૂર્વક છેતરનારને કે બુદ્ધિપૂર્વક પોતાનો સ્વાર્થ સાધનારને કાગડા જેવો ચતુર કહીએ છીએ. 
કાગડાની ચતુરાઈનો કિસ્સો બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. ઘડામાં પાણી તળિયે  હતું અને કાગડાને તરસ લાગી હતી. તેણે ચાંચ વડે એક પછી એક પથ્થર પકડીને ઘડામાં નાખ્યા અને પાણીનું તળ ઉપર આવ્યું ને એણે તરસ છિપાવી.
શૂરવીર કે બહાદુરને આપણે ઉપમા આપીએ છીએ ‘સિંહ જેવો ભડ છે.’ બહુ બોલ બોલ કરનારને કહીએ છીએ ‘શું કૂતરાની જેમ ભસે છે?’ અસ્પષ્ટ અને એકધારું બોલનારને ‘બકરીની જેમ બેં બેં ન કર’ કહીએ છીએ તો તીણું તીણું બોલનારને માટે કહીએ છીએ કે ‘ચકલીની જેમ ચીં ચીં ન કર.’ 
હળવે પગલે ચાલનારની સરખામણી બિલાડીની જેમ ચાલે છે કહીને કરીએ છીએ, તો ધીમે-ધીમે ચાલનારને કીડી, ગોકળગાય કે કાચબા સાથે સરખાવીએ છીએ. અલમસ્ત શરીર ધરાવનારને ગેંડા કે હાથીની સાથે સરખાવીએ છીએ તો સ્ત્રીની ચાલને ગજગામિની ચાલ  તરીકે પણ ઓળખીએ છીએ. 
શાંત માણસ કબૂતર તરીકે ઓળખાય છે. આમ પણ કબૂતર શાંતિના દૂત તરીકે ઓળખાય છે, તો ક્યારેક ગભરુ માણસ માટે કહીએ છીએ, ‘શું કબૂતરની જેમ ફફડે છે?’ 
લતા મંગેશકર ‘કોકિલકંઠી’ તરીકે ઓળખાય છે. મીઠું મધુર, લયબદ્ધ રીતે બોલતા માણસ માટે કહેવાય છે કે કોયલ જેવો અવાજ છે તો કર્કશ બોલનારા માટે ‘કાગડાની જેમ કાં કાં ન કર’ એવો ઠપકો અપાય છે કે ‘લક્કડખોદ’ પણ કહીએ છીએ. બે દુશ્મનો વચ્ચે સાપ-નોળિયા જેવો સંબંધ ગણાય છે.
અતિશય ઊંચાઈ ધરાવનારને જિરાફ જેવો ઊંચો તો વાંકાચૂંકા અંગવાળાને ઊંટ જેવો વાંકો  પણ કહીએ છીએ. આપણે જ્યારે કોઈને પૂછીએ કે ‘કેમ છે તબિયત?’ ત્યારે ઘણી વાર જવાબ મળે છે, ‘ઘોડા જેવી.’ ઘોડો તંદુરસ્તીનું પ્રતીક છે, તો મૂર્ખાઈનું પ્રતીક છે ‘ગધેડો.’ 
વારંવાર મૂર્ખાઈ કરતા માણસ માટે સૌથી વધારે જાણીતો શબ્દ છે ‘ગધેડા જેવો છે!’ અરે  ‘કાયદો ગધેડો છે’ એવું વાક્ય પણ પ્રચલિત છે. બાકી ઘણા દેશમાં ગધેડાનો મહિમા થયો છે. 
ગાંધીજીના વાંદરા તો જગપ્રસિદ્ધ છે. ઘણા પ્રશ્નો એમણે જગાડ્યા છે, જે બૂરું બોલતો નથી   એ બૂરું સાંભળે અને બૂરું જુએ છે. જે બૂરું જોતો નથી એ બૂરું સાંભળે છે અને બૂરું બોલે પણ છે? જે બૂરું સાંભળતો નથી તે જોતો પણ હશે અને બોલતો પણ હશે? કોઈ સ્પષ્ટતા નથી અને આપણે માટે એ ચર્ચા વ્યર્થ છે. બાપુએ એનો ફોડ પાડ્યો નથી તો આપણે કોણ? આપણે તો સબંધ છે વાંદરાની ઊછળકૂદ-કૂદાકૂદ, વાયડાઇની સામે. એક ડાળથી બીજી ડાળ પર કૂદવા સાથે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં વાડ ઠેકતા રાજકારણીઓ-નેતાઓ માટે કહેવાયું છે કે વાંદરાની જેમ ગુલાંટ મારી. ઉટપટાંગ રીતે વર્તતા માણસને વાંદરાની જેમ વર્તતો કહેવાય છે. 
ઘણી સ્ત્રીઓની આંખની સરખામણી માછલી સાથે થાય છે, ‘મીનાક્ષી.’ તો રડવાનો ઢોંગ કરનારા માણસોનાં આંસુને મગરમચ્છનાં આંસુ તરીકે ઓળખીએ છીએ. કેટલાક માણસોના વાળ કુદરતી રીતે કે પોતે કરાવેલી સ્ટાઇલથી એવા દેખાય છે કે આપણાથી સહજ રીતે બોલાઈ જાય છે કે કેવા સાહુડી જેવા વાળ છે તો આકુળ-વ્યાકુળ માણસને સાપની જેમ સળવળે છે એવું પણ કહીએ છીએ. ચીટકુ માણસ માટે મંકોડો ગોળને ચીટક્યો છે એવો શબ્દપ્રયોગ 
થયો છે. 
એદી-આળસુ માણસને સંબોધીએ છીએ કે ‘શું ભેંસની જેમ પડ્યો છે’ તો મૂઢ માણસને બળદ જેવો અને ભૂખ્યાડાંસને ‘ગીધ કે વરુ જેવો ભૂખ્યો’ તરીકે પણ સંબોધીએ છીએ. ઊંચા સાદે પડકાર કરનારની સરખામણી ‘વાઘની ત્રાડ’ તરીકે થાય છે. ચટ્ટાપટ્ટા ડ્રેસ પહેરનારને ‘ખિસકોલી’નું ઉપનામ આપણે આપ્યું છે. ખારીલા માણસ માટે ‘વીંછી જેવો ડંખીલો’ કહીએ છીએ. અનાડી કે હરામી લાગતા માણસની સરખામણી ‘સુવ્વર’ તરીકે થાય છે. 
મીઠું-મીઠું બોલીને છેતરનાર ‘ઉંદરની જેમ ફોલી ફોલીને ખાનારા’ તરીકે ઓળખાય છે તો  સલૂકાઈથી છેતરનાર માણસ માટે કહીએ છીએ, ‘મોર કળા કરી ગયો.’ 
નાનીઅમથી જેહાદ જગાડનારાઓ ‘કૂકડાની બાંગ’ પોકારનારા ગણાયા છે તો સમયે સમયે  વાણી અને વર્તન બદલતા માણસને આપણે કાચિંડો કહીએ છીએ. કોઈ વાતનો કેડો ન મૂકે, કામ પૂરું કરીને જ જંપે, પડ્યા છતાં હિંમત ન હારે એવા માણસને કરોળિયા સાથે સરખાવીએ છીએ. વાર-તહેવારે ઊમટી પડતા માણસોની સરખામણી ‘ચોમાસામાં અળસિયા ફૂટી નીકળ્યા’ એવું વિધાન કરીને કરીએ છીએ. એકનું એક રટણ કરનારાઓને કે ગોખેલું બોલી જનારાઓની સરખામણી ‘પોપટની જેમ બોલી ગયો’ એમ કરીએ છીએ. ધીમું-ધીમું બોલનારાઓ માટે કહીએ છીએ, ‘મચ્છરની જેમ ગણગણે છે.’ છૂપી રીતે કનડતા-ડંખતા માણસ માટે બોલીએ છીએ ‘માંકડની જેમ લોહી પીએ છે.’ એકબીજાને પછાડવા આતુર રહેનારને ‘દેડકાની જેમ ટાંગ ખેંચનારા’ કહીએ છીએ. સારા-નરસાનો ભેદ પારખનારને હંસ કહીએ છીએ જે નીર અને ક્ષીરને અલગ કરે છે. 
આવી બીજી અનેક સરખામણી છે, યાદ કરજો. 

સમાપન
કોઈની ખામી શોધવાવાળા 
માખી જેવા હોય છે 
જેઓ આખું શરીર છોડીને ઘા 
પર બેસતા હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2021 08:02 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK