Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી રંગભૂમિ પર પહેલો ગરબો ગવડાવ્યો એક પારસીએ

ગુજરાતી રંગભૂમિ પર પહેલો ગરબો ગવડાવ્યો એક પારસીએ

16 October, 2021 07:54 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પારસીઓનાં લગન વખતે ગવાતા ‘બેઠા ગરબા’ : ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ દ્વારા ગવાતા ગરબામાં રમૂજ સારીએવી સંખ્યામાં છે

૧૯મી સદીમાં પાયધોણી કંઈક આવું લાગતું હતું.

૧૯મી સદીમાં પાયધોણી કંઈક આવું લાગતું હતું.


એવણનું નામ શોરાબજી હોરમજી. ગામ મુંબઈ. કામ લગન કે બીજા સપરમા દહાડે  પારસીઓના ઘેર જઈ ગરબા ગવડાવવા અને એ પણ છેક ૧૯મી સદીના મુંબઈ શહેરમાં! એટલું જ નહીં, પોતાના ‘બનાવેલા’ ગરબાની પૂરાં ૪૭૪ પાનાંની ચોપડી પણ તેમણે છેક ૧૮૭૯માં છપાવી હતી. નામ જરા લાંબુંલચક છે : ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાનાં ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ ચોપડીના પહેલા પાના પર લેખકે પોતાની ઓળખ આ રીતે આપી છે : ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ એટલે કે લેખક પ્રોફેશનલ ગરબા ગવડાવનાર હતા. હવે જો એ વખતે કમસે કમ મુંબઈના પારસીઓમાં ગરબા ગાવા-ગવડાવવાનો ચાલ ન હોય તો કોઈ માણસ પ્રોફેશનલ ‘ગરબા ગવડાવનાર’ કઈ રીતે હોઈ શકે? હા, ગરબા ગવડાવીને બારે મહિના પેટિયું રળી શકાય એમ ન હોય એટલે ચીકન છાપવાનું કામ પણ કરતા. ના, ના. આ ચીકન એટલે મરઘાં-બતકાં નહીં હોં! એક જાતનું કપડું. એ જમાનામાં ચીકનની સાડી ખાસ્સી પૉપ્યુલર. ઘેરમાં લગન હોય તો બે-ચાર તો ખરીદવાની જ હોય. આમ, બન્ને કામ પારસી કુટુંબોનાં લગન સાથે સંકળાયેલાં. 
આ પુસ્તક છપાયેલું મુંબઈના ‘પરીંતરશ પરેશ’ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપખાનામાં અને એની કિંમત હતી ૬ રૂપિયા. આ રકમ એ વખતે ઘણી મોટી કહેવાય, પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણ ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી અને પછી પણ માગણી તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કિંમત’ ઘણાને પરવડતી નહોતી એથી એ ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકમાં શોરાબજીની એક વધુ ઓળખ મળે છે : ‘પુટલાં દેખાડનાર.’ એટલે? તેઓ જાહેર જગ્યામાં માટીનાં પૂતળાં બનાવી, લોકોને એ બતાવીને બે પૈસા રળી લેતા. કોનાં પૂતળાં બનાવતા હશે? સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેટ અને એ જમાનાના મુંબઈના બીજા નામીચા આગેવાનોનાં પૂતળાં બનાવતા, મુંબઈના પાયધોણી વિસ્તારમાં.  
પૂતળાં જોવાની મજા
મુંબઈનો એ લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધુની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલો આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગામના ટાપુઓને જુદી પાડતી છીછરી ખાડી હતી. ભરતી વખતે જ એમાં પાણી ભરાતું. એ સિવાય કાદવ-કીચડ પથરાયેલાં રહેતાં. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા, પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. એ વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. એવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગામના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડા લોકો પૂતળાં જોતા હશે. મુંબઈની પહેલવહેલી પોલીસચોકી પણ પાયધોણીમાં જ ૧૮૬૦માં શરૂ થયેલી, જે આજે પણ અડીખમ છે.   
માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ અડધો ડઝન જેટલાં પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે, કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.
પારસીના ગરબાની રમૂજ
આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારીએવી સંખ્યામાં છે : રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમૂજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી વગેરે.
અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે એવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિન્દુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિન્દુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. એમાંનાં કેટલાંક આ પ્રમાણે છે : ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંતીનો ગરબો, હિન્દુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશના વાલાજીનો ગરબો વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે એમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હૂંડીનો ગરબો. એની શરૂઆતમાં લખ્યું છે, આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે, પણ એમાંના ‘હિન્દુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એકશરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે, ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધું તેનો ગરબો.’ એની સાથેની નોંધમાં લખ્યું છે : ‘એ ગરબાને વાણીઆ લોકો ઘણો પસંદ કરે છે તથા હાલમાં આપના લોકો લગનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાય છે અથવા ગવરાવે છે.’ અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે! 
સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે એ સમૂહમાં ઘૂમતાં-ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં-ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? પુસ્તકના નામમાં પણ ‘બેઠા બેઠા ગાવાના’ તરીકે આ ગરબાને ઓળખાવ્યા છે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રિ દરમ્યાન ગુજરાત અને મુંબઈમાં તથા બીજે પણ નાગરાણીઓ બપોરના સમયે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી એવું લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા એથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઈને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.   
રંગભૂમિ પર ગરબા
ગુજરાતની ઓળખરૂપ ગણાતા ગરબાને મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર લાવવાની પહેલ પણ કરેલી એક પારસીએ. એવનનું નામ કેખુશરો કાબરાજી. ૧૯મી સદીના પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક, સમાજસુધારક, રંગભૂમિ, શાસ્ત્રીય સંગીત વગેરેના અચ્છા જાણકાર. તેમની ‘નાટક ઉત્તેજક મંડળી’એ શરૂઆતમાં તો પારસી-ગુજરાતી નાટકો સફળતાથી ભજવ્યાં, પણ પછી ચતુર કેખુશરોના ધ્યાનમાં આવ્યું કે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને નાટકશાળામાં લાવવા હોય તો ‘હિન્દુ’ કથાવસ્તુવાળાં નાટકો પણ ભજવવાં જોઈએ. એ જમાનાના લોકપ્રિય નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે રણછોડભાઈ પાસે માગ્યું નાટક. તેમણે પોતાનું ‘હરિશ્ચન્દ્ર’ નાટક આપ્યું. કાબરાજીને અને તેમની નાટક મંડળીને એ નાટક ગમ્યું તો ઘણું. એટલે રણછોડભાઈની પરવાનગી લઈને કાબરાજીએ ઘણી કાપકૂપ કરી. રણછોડભાઈના નાટકમાં સંસ્કૃત છંદોમાં શ્લોકો હતા, પણ ગીત નહોતાં અને એ વખતે ગીત વગરનાં નાટક તો ચાલે જ નહીં. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠૂમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચવાની તક ઊભી કરી અને આ નાટકને પ્રેક્ષકોએ માથે ઉપાડી લીધું. એ જમાનામાં એના ૧૧૦૦૦ પ્રયોગ થયા. પારસી પ્રેક્ષકોને પણ નાટક એટલું તો ગમી ગયું કે પછી ડૉક્ટર જેહાંગીર વાડિયાએ ‘પારસી હરીશચંદર’ નાટક લખ્યું અને એ પણ સફળતાથી 
ભજવાયું. એનાં ગીતો લખેલાં વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા પેસી પી. કાપડિયાએ.
હરિશ્ચન્દ્ર નાટકમાં કાબરાજીએ જે ગરબી ગવડાવેલી એની થોડી પંક્તિ :
થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું, કરી લો કાંઈ રૂડું કામ રહેશે કેવાનું. સારા સારા વીર ગયા ને ભૂપ ગયો તજી મોજ રે, જોરાવર જયકારી જગતમાં ફરતી જેની ફોજ.
આ રચનાને કહી છે ‘ગરબી’ પણ તખ્તા પર ‘સ્ત્રીઓ’ રજૂ કરે છે. અલબત્ત, આ ‘સ્ત્રીઓ’ એટલે સ્ત્રીના વેશમાં પુરુષો. કારણ એ વખતે હજી ગુજરાતી તખ્તા પર સ્ત્રીઓની એન્ટ્રીને વાર હતી. 
નોરતાંને વિદાય આપીને હવે તો આપણે શરદ પૂનમની રાતની રાહ જોઈએ છીએ ત્યારે ૧૮૯૯માં ભજવાયેલા ડાહ્યાભાઈ ધોળશાજીના નાટક ‘વીણાવેલી’ના એક ગરબા સાથે આજની વાત પૂરી કરીએ.
ઊગ્યો સખી સૃષ્ટિનો શૃંગાર હાર 
ચાલ, ચાલ, જોવાને ચંદ્રમા.
જોને પ્રેમઘેલી ભૂમિનારના દેદાર 
જોને ડોલે સૃષ્ટિ આનંદમાં. 
આનંદમાં ડોલતી મુંબઈ નગરીની વધુ વાતો હવે પછી....


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 07:54 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK