Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > નિષ્ફળ પિતા અને સફળ પુરુષ કે નિષ્ફળ પુરુષ અને સફળ પિતા : ઇતિહાસ કોને યાદ રાખે છે?

નિષ્ફળ પિતા અને સફળ પુરુષ કે નિષ્ફળ પુરુષ અને સફળ પિતા : ઇતિહાસ કોને યાદ રાખે છે?

16 June, 2024 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘માતૃત્વ’ શબ્દને આપણાં સાહિત્ય અને શાસ્ત્રોએ વધુ પડતો ગ્લૉ​રિફાય કર્યો છે. પિતાનું મહત્ત્વ પણ સંતાનના ઉછેરમાં ઘણું વધારે હોય છે એવું હવેના સમયમાં સ્વીકારવું રહ્યું.

પ્રતીકાત્મક તસવીર

હૅપી ફાધર્સ ડે

પ્રતીકાત્મક તસવીર


મહાભારતના પાંડુ સંતાનોને જન્મ આપી શકે એમ નહોતા. તેથી કુંતીએ પાંચ દેવોનું આહ‍્વાન કરીને પાંચ પુત્રોને જન્મ આપ્યો. વિચિત્રવીર્ય અને ચિત્રવીર્યના મૃત્યુ પછી કૃષ્ણ દ્વૈપાયન અથવા વેદવ્યાસ સાથે નિયોગ સાથે જન્મેલા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરની કથા વિશ્વની રોચક કથાઓમાંની એક છે. લેડી ચૅટર્લીઝ લવર કે લો​લિતા જેવી કથાઓ સ્ત્રી-પુરુષના સાવ જુદા જ સંબંધો નિરૂપે છે. આજથી સેંકડો વર્ષ પહેલાં લખાયેલી ‘ઇડીપસ’ અને ‘ઇલેક્ટ્રા’ની કથાઓ માતા-પુત્ર અને પિતા-પુત્રીના સંબંધોની માનસિકતાને આપણી સામે અલગ રીતે રજૂ કરે છે.


આદમની પાંસળીમાંથી સર્જાયેલી હવ્વા કે પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને ઈવનો જન્મ પ્રજોત્પત્તિ માટે થયો હતો એવું ધર્મપુસ્તકો કહે છે. મનુસ્મૃતિમાં લગભગ તમામ ઉપનિષદોમાં સ્ત્રીનું કામ વંશવેલો ચલાવવાનું કે સંતાનને જન્મ આપવાનું છે. આ બધી વાત પરથી એક તારણ નીકળી શકે કે સ્ત્રી જન્મજાત મા છે. પાંચ વર્ષની છોકરી ઢીંગલી સાથે જે રીતે રમતી હોય એ જોતાં તેનામાં મા જીવે છે એ વાતને કોઈ પ્રમાણની જરૂર નથી. સારી પત્ની કે મા બનવા માટે કારકિર્દી છોડનારી ન​ર્ગિસ, જયા ભાદુરી, માધુરી દીક્ષિત કે કિમી કાટકર જેવી અભિનેત્રીઓના દાખલા આપણી સામે છે. સુસ્મિતા સેને એક ઇન્ટરવ્યુમાં કહેલું, ‘હું પત્ની બનવા માટે રાહ જોઈ શકું છું, પરંતુ મા બનવા માટે મારે રાહ જોવાની જરૂર નથી.’ તેણે બે દીકરીઓ દત્તક લીધી છે. એવી જ રીતે ઍન્જલિના જોલી, માઇકલ જૅક્સન, તુષાર કપૂર અને કરણ જોહરે પણ બાળકો દત્તક લીધાં છે. અહીં પ્રશ્ન એ આવે છે કે મા માટે ‘માતૃત્વ’ અને પિતા માટે ‘પિતૃત્વ’નો અર્થ શો છે? મલ્લિકા સારાભાઈએ એક વાર તેમના એક ઇન્ટરવ્યુમાં કહેલું, ‘હું જ્યારે પીટર બ્રુક્સનું નાટક ‘મહાભારત’ કરતી હતી ત્યારે મારી દીકરીએ મને પૂછેલું કે દર વખતે તારે જ કેમ જવું પડે, કોઈ વાર ડૅડી જઈને દ્રૌપદીનો રોલ કેમ ન કરી શકે?’ જયા બચ્ચને તેમના પુસ્તક ‘ટુ બી ઑર નૉટ ટુ બી’માં તેમનો પણ આવો જ અનુભવ ટાંક્યો છે કે ‘ચુપકે ચુપકે’માં બન્ને જણ સાથે કામ કરતાં હતા, પરંતુ શ્વેતાએ રડતાં-રડતાં કહેલું, ‘ડૅડ કૅન ગો, યુ કૅન નૉટ...’‘માતૃત્વ’ શબ્દને આપણાં સાહિત્ય અને શાસ્ત્રોએ વધુ પડતો ગ્લૉ​રિફાય કર્યો છે. પિતાનું મહત્ત્વ પણ સંતાનના ઉછેરમાં ઘણું વધારે હોય છે એવું હવેના સમયમાં સ્વીકારવું રહ્યું. સામાજિક દૃષ્ટિએ દરેક માણસને પ્રેમ આપવાની સાથે-સાથે મેળવવાની સાઇકોલૉજિકલ જરૂરિયાત હોય છે તો આમાં સેક્સ કે જેન્ડરને મહત્ત્વ આપવાનું કારણ આજ સુધી સમજી શકાયું નથી. પિતૃત્વ કે માતૃત્વ બેમાંથી કશાયને પણ કોઈ એક વ્યાખ્યામાં બાંધ્યા વિના એની સાથે જોડાયેલી જવાબદારી, સંવેદના, લાગણીશીલતા અને વહાલને હવે બાળઉછેર સાથે જોડ્યા વિના છૂટકો નથી.


અભિનેત્રી કાજોલને સંતાન જન્મવાનું હતું ત્યારે અજય દેવગને, રીનાએ જ્યારે જુનૈદને જન્મ આપ્યો ત્યારે આમિર ખાને અને ટ્વિન્કલને સંતાન જન્મવાનું હતું ત્યારે અક્ષયકુમારે ત્રણ મહિનાના સબા​ટિકલ લીધેલા, અખબારોએ ત્યારે મજાક કરેલી; પરંતુ હવે ‘પૅટરનિટી લીવ’નું મહત્ત્વ ‘મૅટરનિટી લીવ’ જેટલું જ છે. એક જમાનામાં કહેવાતું કે ‘મારી પત્ની પ્રેગ્નન્ટ છે’, પરંતુ આજનો પુરુષ કહે છે, ‘અમે પ્રેગ્નન્ટ છીએ.’ હમણાં જ રણબીર કપૂરે નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં પોતાના પિતૃત્વના અનુભવ વિશે બહુ અદ્ભુત વાતો શૅર કરી. હવે પિતાનો રોલ બદલાયો છે. ફિલ્મોમાં, જાહેરાતમાં અને જીવનમાં પણ પિતા કોઈ ડરવાનું કે ડરાવવાનું સાધન નથી. બાળકના જન્મથી શરૂ કરીને એના સંપૂર્ણ ઉછેરમાં પિતાનું પ્રદાન અને અસ્તિત્વ વધુ ને વધુ મહત્ત્વનું બનતું જાય છે. આજથી થોડાં વર્ષો પહેલાં ગુલશન ગ્રોવર નામના અભિનેતાની પત્ની જ્યારે તેના બાળકને મૂકીને ચાલી ગઈ ત્યારે ગુલશન ગ્રોવરે એકલા હાથે પુત્રને ઉછેર્યો. પોતાની પત્ની રુમાદેવીના મૃત્યુ પછી કિશોરકુમારના જીવનમાં ગમે એટલી સ્ત્રીઓ આવી હોય, પરંતુ અમિતકુમાર આજે પણ કિશોરકુમારને એક શ્રેષ્ઠ પિતા તરીકે યાદ કરે છે. જવાહરલાલ નેહરુના પત્રો ‘લેટર્સ ટુ ઇન્દુ’માં એક અત્યંત સંવેદનશીલ પિતા જોઈ શકાય છે.

એની સામે આપણે જેને ‘પ્રેમ’ની નિશાનીના બેનમૂન નજરાણા તરીકે વિશ્વની અજાયબીઓમાં ગણીએ છીએ એ તાજમહલ બંધાવનાર શાહજહાંને એક ઉત્તમ પતિ તરીકે યાદ કરીએ છીએ, પરંતુ એક નાપાસ થયેલા પિતા તરીકે ઇતિહાસે તેને યાદ રાખ્યા છે. શાહજહાંને પદભ્રષ્ટ કરીને, પોતાના જ ભાઈઓને મારી નાખીને, તેમનાં માથાં કિલ્લાના દરવાજા પર લટકાવીને જ્યારે ઔરંગઝેબ ગાદીએ બેઠો ત્યારે તેણે પિતાને આઠ વર્ષ કેદ રાખ્યા. તેમને રોજ બારીએ બેસાડવામાં આવતા જેથી પિતાનું ખૂન કર્યું એવી અફવા ન ફેલાય. આઠ વર્ષ કેદ રહેલા પિતાને ઔરંગઝેબ એક વાર પણ મળ્યો નહીં. શાહજહાંએ ૨૪ વર્ષ સુધી કોઈ મોટું યુદ્ધ કર્યું નહીં, જ્યારે જીવનનાં ૨૭ વર્ષ ફૌજી તંબુઓમાં વિતાવી નાખનાર ઔરંગઝેબ એ જ ‘પ્રેમી’નો પુત્ર હતો એવું કોણ માને? જેણે વિશ્વની અજાયબીઓમાં ગણાતી કલાકૃતિનું સર્જન કર્યું તેના દીકરાએ સંગીતની ઠાઠડી કાઢી... પોતાની બહેનોને પરણવા ન દીધી!


દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ કદાચ દરેક પિતાએ વાંચવી જોઈએ. ‘સત્યના પ્રયોગો’માં જેનો ઉલ્લેખ નહીંવત્ છે એવા હરિલાલ ગાંધી શરૂઆતમાં એકદમ કહ્યાગરા, સમજણપૂર્વક વર્તતા અને ગાંધીજીના વારસ બનવાની લાયકાત ધરાવતા પુત્ર હતા; પરંતુ પછીથી તે માંસ, મ​દિરા અને બીજી તમામ બદીઓમાં ફસાયા. અંતે તેમનો મૃતદેહ એક સેક્સવર્કરને ત્યાંથી મળ્યો. કસ્તુરબાએ તેમને લખેલા પત્રમાંથી એક પત્રમાં તેમણે લખ્યું છે, ‘તારા વિશેના સમાચાર મળતા રહે છે, હૃદય વલોવાઈ જાય છે, ખૂબ દુઃખ થાય છે... તે કંઈ બોલતા નથી, પણ હું જોઈ શકું છું કે તેમને પણ ખૂબ દુઃખ થાય છે.’

ભારત આખાના યુવાનોને રાહ ચીંધનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો પુત્ર પોતે જ શા માટે આમ રાહ પરથી ભટકી ગયો હશે એવો સવાલ સહેજે ઊઠે.

જેને આ જગત ‘અવતાર’ ગણીને પૂજે છે એવા કૃષ્ણનાં પ્રિય પત્ની સત્યભામાના પુત્ર સાંબ પણ સુરાપાન કરતા. એક વાર એક ઋષિની મશ્કરી કરવા માટે તે સ્ત્રી બનીને ગયા. તેમના મિત્રોએ પૂછ્યું, ‘આ ગર્ભવતી છે. આને શું અવતરશે?’ ઋષિએ શાપ આપ્યો, ‘તેના પેટમાંથી મુશળ અવતરશે જેનાથી યાદવોનો નાશ થશે.’ શાપ સાચો પડ્યો...

આ તમામ વાતોમાંથી એક વાત પ્રસ્થાપિત થાય છે... પુરુષ ગમે એટલો સફળ હોય, પણ જો તે સારો પિતા ન બની શકે તો ઇતિહાસ તેની નિષ્ફળતાને યાદ રાખે છે. પુરુષ કદાચ નિષ્ફળ હોય, પરંતુ જો તે સારો પિતા હોય તો તેને ઇતિહાસમાં સ્થાન મળે કે નહીં, તેના સંતાનની સ્મૃતિમાં તે એક ઉત્તમ પિતા તરીકે સ્થાન પામે છે.

 

- કાજલ ઓઝા વૈદ્ય

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK