° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


અડીખમ આયુષ્ય અને આઝાદી પર્વ

22 September, 2022 04:39 PM IST | Mumbai
JD Majethia

આ વખતે પહેલી વાર જોવા મળ્યું કે આઝાદી પર્વ આપણે તહેવારની જેમ ઊજવ્યું. કોઈ રજા લઈને ફરવા ગયું નહીં અને ફરવા ગયા તેમણે પણ આખી-આખી રાત આઝાદી પર્વનું સેલિબ્રેશન કર્યું. પહેલી વાર એવું લાગ્યું કે ૧પ ઑગસ્ટનો દિવસ રાષ્ટ્રીય ધર્મનો દિવસ છે

આઝાદી પર્વ જેડી કૉલિંગ

આઝાદી પર્વ

આપણે વાત કરીએ છીએ આઝાદીના અમૃત મહોત્સવની અને એ વાત કરતાં-કરતાં જ મેં તમને કહ્યું કે મને આઝાદીનો સુવર્ણ મહોત્સવ એટલે કે સો વર્ષ જોવાં છે. એ જોવા માટે મારે હજી પચીસ વર્ષ વધારે જીવવું છે એવી ઇચ્છા પણ મેં તમને બધાને કહી. ઘણા મિત્રોના એવા મેસેજ આવ્યા કે અમારી પણ એ જ ઇચ્છા છે તો ઘણાએ પોતાના ઘરે રાખેલો તિરંગો પણ મોકલ્યો.
ગયા ગુરુવારની વાતને કન્ટિન્યુ કરતાં પહેલાં મને કહેવું છે કે આપણે આઝાદીનો આવો ઉત્સાહ અગાઉ ક્યારેય જોયો નહોતો. આ જે ઉત્સાહ હતો એનું સૌથી મોટું કારણ એ હતું કે આપણને બધાને આપણા તિરંગા સાથે કનેક્ટ કરવાનું કામ આપણા પ્રિય એવા નેતા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. મોદીસાહેબે જે રીતે ‘હર ઘર તિરંગા’નો સંદેશો સૌકોઈ સુધી પહોંચાડ્યો અને એની જે અસર થઈ એ અસર દેશભરમાં દેખાતી હતી.

જ્યાં જુઓ ત્યાં તિરંગો. અમારી સોસાયટીની તો તમને વાત મેં કરી જ પણ એ સિવાયની પણ મોટા ભાગની સોસાયટીમાં તિરંગાની લહેર દેખાતી હતી. આજે પણ હું ઘણી જગ્યાએ જાઉં છું તો બાલ્કનીમાં તિરંગો લહેરાતો દેખાય છે. તેમણે તિરંગો ઉતાર્યો જ નથી. મારે એક નાનકડું સૂચન કરવું છે. તિરંગો તમારે ત્યાં કાયમ લહેરાતો રહે એ બહુ સારી વાત છે અને તમે બીજાને પણ પ્રેરણા આપજો પણ સાથોસાથ તિરંગાના જે પ્રોટોકૉલ છે એ પણ પાળજો. જો તમને એની ખબર ન હોય તો તમને બહુ આસાનીથી એ પ્રોટોકૉલ ગૂગલ પરથી મળી જશે એટલે તમે તિરંગો તમારા ઘરે રાખો, પણ સાથોસાથ એ ઘરે રાખવો હોય તો શું-શું અને કેવા-કેવા નિયમો પાળવાના હોય એ પણ જાણી લેજો. તિરંગો ઉતાર્યા પછી એને રાખવાની પણ એક ખાસ કળા છે અને એ કળામાં પણ નિયમ છે એટલે જો તમે એ ન જાણતા હો તો એ પણ જાણી લેજો. યુટ્યુબ પર એની માટેના વિડિયો છે. ઉતારેલા તિરંગાને પૂરેપૂરા સન્માન સાથે વૉર્ડરોબમાં સાચવીને મૂકી દેજો, આવતા વર્ષે લહેરાવવાનો જ છે અને આનાથી બમણા ઉત્સાહ સાથે આપણે આઝાદીના પર્વને ઊજવવાનું છે.

મોદીસાહેબે ‘હર ઘર તિરંગા’નો સંદેશો આપ્યો હતો તો આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહે સોશ્યલ મીડિયાના ડિસ્પ્લે પિક્ચરમાં તિરંગો રાખવાનું સૂચન કર્યું હતું. આ સૂચન પણ સૌકોઈએ પાળ્યું અને અનેક ડિઝાઇનમાં તૈયાર થયેલા તિરંગાને ડિસ્પ્લે પિક્ચર બનાવીને સોશ્યલ મીડિયા પર સેટ કર્યું. આજે પણ ઘણા લોકોના પ્રોફાઇલમાં એ જ ડિસ્પ્લે જોવા મળે છે ત્યારે યાદ આવી જાય છે કે આ આખું વર્ષ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ સેલિબ્રેટ કરવાના છીએ.

ગયા ગુરુવારે તમને મેં વિનોદકુમારની પણ વાત કરી હતી. વિનોદકુમારનો એ વિડિયો યુટ્યુબ પર પણ છે. તમે જોજો, તમારાં રુંવાડાં ઊભાં થઈ જશે. બહુ ખરાબ શબ્દ છે, આપણે એ વાપરવો ન જોઈએ પણ જરૂરી છે એટલે કહું છું, એક અપંગ વ્યક્તિ આ રીતે પોતાની દેશભાવના સૌની સામે રજૂ કરે, પોતે તિરંગો બનીને સ્તંભ પર લહેરાય એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? ભલે એ અપંગ રહ્યો પણ મારે કહેવું છે કે દેશદાઝની બાબતમાં એના જેટલા મજબૂત પગ બીજા કોઈના નથી. અરે, બીજા કોઈની પાસે પગ જ નથી એવું કહીએ તો પણ ચાલે.
વિનોદકુમાર જેવા કેટકેટલા ઇન્સ્પાયરિંગ વિડિયોઝ આ સમયમાં આપણને જોવા મળે છે. અત્યારે પણ એ યાદ આવે છે અને તમને વાત કરું છું ત્યારે મને ગૂઝબમ્પ્સ આવે છે. એવો માહોલ હતો જાણે કે આખો દેશ ૧૯૪૭ની ૧પ ઑગસ્ટે મળેલી આઝાદીનો માહોલ રિક્રીએટ કરવા માગતો હોય અને સૌના મનમાં એવી જ ફીલિંગ્સ હતી. જરા યાદ તો કરો, આજથી પંચોતેર વર્ષ પહેલાં કેવો માહોલ હશે જ્યારે આપણને આઝાદી મળી હશે? ત્યારે કેવી ખુશી હશે? કેવો ઉમંગ અને ઉત્સાહ લોકોમાં પ્રસરી ગયો હશે? મને ખરેખર એ બધી વાતો જાણવાનું બહુ મન થાય છે, પણ એ ઉંમરના લોકો તો હવે ઓછા હોય અને હોય તો બધી વાતો કરવાની સક્ષમતા તેમનામાં ઓછી હોય.

જરા વિચારો કે પંચોતેર વર્ષનો આ ઉત્સાહ છે તો પચીસ વર્ષ પછી એટલે કે ૨૦૪૭ના આઝાદી પર્વ સમયે કેવો માહોલ હશે! આ જ કારણ છે કે મારે બીજાં પચીસ વર્ષ જીવવું છે અને એ બધું જોવું છે. મારા કરતાં પણ વધારે ઇચ્છા છે કે મોદીસાહેબ આ પચીસ વર્ષ રહે અને ૨૦૪૭ની ૧પ ઑગસ્ટ જુએ અને એને સફળ બનાવવા માટે આટલા જ ઉત્સાહ સાથે ભાગ ભજવે અને દેશને લીડ કરે. વિચાર તો કરો તમે, કેવા-કેવા આઇડિયા હશે એ સમયે, કલ્પના કરો. કલ્પના કરો કે કેવી અલગ-અલગ યોજનાઓ આવશે અને કેવો માહોલ ક્રીએટ થશે. 

એ જે કંઈ કરશે એ બધું મારે પણ જોવું છે અને એટલે જ મારે બીજાં પચીસ વર્ષ પૂરી સ્વસ્થતા સાથે અને તંદુરસ્તી સાથે જીવવાં છે. એ માટે હું મારી ફિટનેસ અને હેલ્થ પર પૂરું ધ્યાન આપીશ. જે મહેનત કરવાની હશે એ કરીશ અને ફૂડની બાબતમાં પણ અલર્ટ રહીશ. ટૂંકમાં મારાથી બનશે એ બધું કરીશ, બાકી તો જેવી ઈશ્વરની ઇચ્છા. 

તમે વિચાર કરો, આપણે ત્યાં સુધીમાં કેવો પ્રોગ્રેસ કર્યો હશે અને આપણે એ વર્ષે કેવું સેલિબ્રેશન કરતા હોઈશું! 

આ આખી વાત મારે વધારે વિસ્તારપૂર્વક કરવી છે અને એટલે જ હું આ ટૉપિક ચાલુ રાખવાનો છું પણ હા, એ ચોક્કસ કહીશ કે એક સમય હતો કે લોકો દર પંદરમી ઑગસ્ટે રજા પર નીકળી જતા અને વેકેશન કરીને પાછા આવતા, પણ તમે જોયું હશે, આ વર્ષે એવું નહોતું. મેં તો રીતસર નોંધ્યું છે કે એમાં આ વર્ષથી બહુ ઘટાડો થયો છે અને જે ગયા પણ છે તેમણે પણ દેશના ખૂણે-ખૂણેથી સવારથી રાત કે પછી આગલી રાતથી આઝાદી પર્વની સવાર સુધી આઝાદી માણી છે. ઘણી વાર આપણે આપણાં વર્ષોથી ચાલતા આવતા દિવાળી અને બીજા તહેવારો જ ઊજવતા, પણ આ વખતે પંદરમી ઑગસ્ટ પણ એ જ રીતે ઊજવાઈ. એ જોતાં એવું જ લાગતું હતું કે આ ખરેખર આપણો તહેવાર છે અને સાચું પણ એ જ છે. રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ હોતો નથી અને એ હોઈ પણ ન શકે.

તમે બીજી પણ એક વાત નોટિસ કરી હશે અને તમને પણ ગમી હશે કે આઝાદી પર્વના દિવસે લગાડેલા કાગળના રાષ્ટ્રધ્વજ આપણને બીજા દિવસે ક્યાંય રસ્તા પર પડેલા કે કચરાપેટીમાં નાખી દીધેલા દેખાતા, પણ આ વખતે લોકોએ રાષ્ટ્રધ્વજનું ખૂબ જ સારી રીતે સન્માન કર્યું અને એને પણ ગમે ત્યાં ફેંક્યા નહીં. એ ઘરમાં જે ફરકાવ્યા અને પછી ગડી વાળીને પાછા મૂકી દીધા. હવે એ આવતી પંદરમી ઑગસ્ટ કે પછી આવે એ છવીસમી જાન્યુઆરી ફરી કાઢશે અને ફરકાવશે. 

વાહ! ખરેખર દેશમાં પેટ્રિઓટિઝમની લાગણીનું મોજું ફરી વળ્યું છે, ઘણાં વર્ષ પછી આ દૃશ્ય જોવા મળ્યું છે. હું તો કહીશ કે મેં મારી આખી લાઇફમાં આટલું મોટું મોજું પહેલી વાર જોયું અને આટલો આનંદ માણ્યો. આ જે આનંદ છે, આ જે ખુશી છે એનો જશ જો કોઈને જતો હોય તો એ નરેન્દ્ર મોદી છે. તેમણે સાચા અર્થમાં રાષ્ટ્રીય નેતા બનીને દેશને સાથે લીધો છે. હું એક વાત કહીશ, આ દેશ તમારો ખરેખર આભારી છે; તમે આવા સુંદર વિચારો પ્લાન કરી અમારા સુધી પહોંચાડ્યા. દેશનો ઔદ્યોગિક રીતે તો ખરેખર વિકાસ થયો જ છે પણ સંસ્કૃતિની બાબતમાં પણ આપણે જે વિકાસ કર્યો છે એ પણ તમને આભારી છે એટલે ઈશ્વર મને પચીસ વર્ષનું અને તમને બીજાં પચાસ વર્ષનું અડીખમ આયુષ્ય આપે એવી પ્રાર્થના.

 આઝાદી પર્વના દિવસે લગાડેલા કાગળના રાષ્ટ્રધ્વજ આપણને બીજા દિવસે ક્યાંય રસ્તા પર પડેલા કે કચરાપેટીમાં નાખી દીધેલા દેખાતા, પણ આ વખતે લોકોએ રાષ્ટ્રધ્વજનું ખૂબ જ સારી રીતે સન્માન કર્યું અને એને પણ ગમે ત્યાં ફેંક્યા નહીં. ઘરમાં જે ફરકાવ્યા એને પછી ગડી વાળીને પાછા મૂકી દીધા.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

22 September, 2022 04:39 PM IST | Mumbai | JD Majethia

અન્ય લેખો

શનિવાર night (પ્રકરણ 77)

સવાલ પૂછ્યા પછી સંધ્યાએ ઍમ્બ્યુલન્સની વિન્ડોની બહાર નજર કરી. આકાશમાં ગોઠવાયેલા તારાની ગતિ જોઈને તેણે સમયનું અનુમાન લગાવ્યું. પરોઢ થવામાં હવે માંડ પોણો કલાકથી એકાદ કલાક જેટલો સમય હતો.

24 September, 2022 09:07 IST | Mumbai | Soham

ટ્રાવેલ રાઇડ સર્વિસિસની ગેરવાજબી વસૂલી માટે જાગ્રત થવું જરૂરી છે

કૅન્સલેશન ચાર્જિસની પણ ગેરવાજબી રીતે વસૂલી કરવામાં આવે છે

23 September, 2022 04:17 IST | Mumbai | Bhavini Lodaya

સમઝો તો ઇશારા કાફી હૈ

સાંભળી ન શકતા લોકો માટે સાંકેતિક ભાષા જ વરદાનરૂપ છે

23 September, 2022 01:00 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK