Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હિમાલય સાદ પાડીને મને બોલાવે છે

હિમાલય સાદ પાડીને મને બોલાવે છે

16 September, 2021 05:27 PM IST | Mumbai
Bhavini Lodaya

દર વર્ષે હિમાલયના જુદા-જુદા ટ્રેક્સ સર કરવા નીકળી પડતા મુલુંડના ૫૭ વર્ષના રાકેશ ફુરિયાને વિવિધ ટ્રેક દરમ્યાન રોમાંચક અને થથરાવી દેનારા અનુભવો થયા છે. તેમના થ્રિલિંગઅનુભવો ખરેખર માણવા જેવા છે

રાકેશ ફુરિયા

રાકેશ ફુરિયા


ટ્રેકિંગ અને સાઇકલ રાઇડિંગ તો જુવાનિયાઓનું જ પૅશન હોય. જો તમે પણ એવું માનતા હો તો ભૂલ છે. મુલુંડના ૫૭ વર્ષના રાકેશ ફુરિયાને મળશો તો નક્કી કહેશો કે પહાડો ખૂંદવાની અને નિસર્ગને માણવાની કોઈ ઉંમર નથી હોતી. ટ્રેકિંગ એ ખમીર અને ખંતનો વિષય છે. પહાડોને સર કરવાનો રોમાંચ અને થ્રિલ ગાંઠે બાંધી લેવા માટે રાકેશભાઈ દર વર્ષે હિમાલયની આસપાસના ટ્રેક પર ફરવા નીકળી પડે છે. ચાહે કંઈ પણ થઈ જાય, દર વર્ષે હિમાલયને એક્સપ્લોર કરવા એક નવા ટ્રેક પર તેઓ નીકળી જ પડે છે.  
ટ્રેકિંગની શરૂઆત 
યુવાનીમાં મુલુંડની આસપાસની ટેકરીઓ પર મિત્રો સાથે ફરવાનો જબરો શોખ ધરાવતા રાકેશભાઈ કહે છે, ‘નિસર્ગમાં ફરવું એ મારો બાળપણથી જ શોખ હતો. એ શોખ મને ધીરે-ધીરે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આવેલા પર્વતો સુધી ખેંચી ગયો. કુદરતી સૌંદર્યને નિહાળવા ભીમાશંકર ફૉરેસ્ટ, આહુપે ઘાટ, માલશેજ ઘાટ, ઇગતપુરી રેન્જ, રાયગડ, સિંહગડ, તોરનાનો કિલ્લો વગેરે મહારાષ્ટ્રમાં અનેક પર્વતો પર ટ્રેકિંગ કરતી વખતે પથ્થરોથી ભરેલા પહાડો અને વચ્ચે ઝરણાંનાં આહલાદક દૃશ્યોને માણવાની મજા જ અનેરી હોય. પહાડની ઊંચાઈએથી જે નજારો જોવા મળે એની મજા એટલી હતી કે મને બર્ફીલા પહાડો પર જવાની ઇચ્છા થવા લાગી. ૨૦૦૧માં YHAI (યુથ હૉસ્ટેલ અસોસિએશન ઑફ ઇન્ડિયા) તરફથી પશ્ચિમ બંગાળના સૌથી ઊંચા હિમાલયન ટ્રેક સંદકફુ પર ગયો હતો. થ્રિલિંગભર્યા આ ટ્રેકમાં સંદકફુથી બાવીસ કિલોમીટરનો પાસ બાર કલાકનો હતો. સવારે પાંચ વાગ્યે શરૂ કરીને સાંજે પાંચ વાગ્યે ડેસ્ટિનેશન પર પહોંચ્યા. આ જબરદસ્ત અઘરો ટ્રેક હતો. અમારે પર્વતની ટોચ પર ચાલવાનું હતું, જ્યાં બન્ને બાજુએ ખીણ હતી અને ત્યાં સુસવાટા મારતા ઠંડા પવન ફૂંકાતા હતા. કાંચનજંઘા રેન્જમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ વરસતો હતો. એક બાજુ જુસ્સો અને મનમાં થોડોક ફડકો પણ ખરો. એ ટ્રેક દરમ્યાન મારા બૂટ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા એટલે એને સૂકવવા માટે મેં કિચન ફાયર પાસે મૂક્યા. જોકે નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. સવારે જોયું તો બન્ને બૂટ અડધા સળગેલા હતા. હાફ બર્ન શૂઝ સાથે આગામી બે દિવસનો ટ્રેક મેં પૂરો કર્યો. મન મક્કમ હતું એટલે આખરે હિમાલયનો ટ્રેક પૂરો કર્યો ત્યારે અત્યંત ખુશી સાથે મન નાચી ઊઠ્યું.’
બ્રેક કે બાદ ફિર સે 
ત્યાર બાદ વ્યવસાયને સફળ કરવાના હેતુથી તેમના શોખ પર વિરામ આવી ગયો. જોકે દસ વર્ષ બાદ ફરી એક વાર ટ્રેકિંગનો પ્રેમ સળવળ્યો અને રાકેશભાઈ નીકળી પડ્યા કુદરતને માણવા. એ પછી તેમણે કદી પાછા વળીને જોયું નથી. રાકેશભાઈ કહે છે, ‘મેં ઘણા ટ્રૅક કર્યા છે, પણ એમાંથી સરપાસ, ડેલહાઉઝી ટ્રેક, ચંદ્રખાની ટ્રેક યાદગાર હતા. છેલ્લા  દિવસનો  અનુભવ પણ સાહસ સાથે પડકારભર્યો હતો. ભારે વરસાદ પડી રહ્યો હતો એટલે અમારા કૅમ્પ-લીડરે લગભગ પાછા ફરવાનું નક્કી કરેલું, પરંતુ બધા ટ્રેકરોએ આગળ વધવું હતું એટલે અમે જોખમ લઈને પણ આગળ વધવા માગતા હતા. બરફવર્ષાને લીધે બધા ટ્રેકર્સ કાંપી રહ્યા હતા, પણ રોમાંચ સાથે સાહસની મજા પણ મસ્ત હતી. બરફની ખીણમાં ઓછામાં ઓછા દસથી પંદર ફૂટ બરફ સાથે ટ્રેક કરવાનો હતો. અમે બધાએ ઠંડીથી ઠૂંઠવાતા-ઠૂંઠવાતા  સાંજે ૬ વાગ્યે ટ્રેક પૂરો કર્યો. આવો જ એક અનુભવ ઉત્તરાખંડ રાજ્યમાં રૂપકુંડ ટ્રેક જે ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ છે ત્યાં થયો હતો. છેલ્લા દિવસે ૧૫ ફૂટ બરફમાં ચાલવાનું હતું. દરેકને શ્વાસ લેવામાં તકલીફ હતી. બેબી સ્ટેપ લેતાં-લેતાં બરફમાં ખૂબ જ સાંકડા માર્ગ પર ચાલવાનું હતું. અમારી નજર સામે એક ટ્રેકર દસથી પંદર ફૂટ ઊંડે પડી ગયો, પરંતુ શેરપાએ તેને ગમેએમ કરીને પાથવે સુધી પહોંચાડ્યો ત્યારે અમને રાહત થઈ.’
દરેક ટ્રેકની અનોખી સુંદરતા 
ટ્રેકિંગની ખાસિયત એ છે કે દરેક નવા ટ્રેક પર નવી ચૅલેન્જિસ હોય. દરેક ટ્રેક વિવિધતા ધરાવતો  હોય છે એમ કહેતાં રાકેશભાઈ કહે છે કે, ‘હમ્તા પાસનો યાદગાર ટ્રેક ખૂબ સુંદર હતો. કુલુ વૅલીના વન, વનસ્પતિ અને પાઇન વૃક્ષોથી ભરેલા રસ્તા પર ટ્રેક શરૂ થયો, જ્યારે  સ્પિતી વૅલીની  ટેકરીઓ પર કોઈ વનસ્પતિ નહોતી. ચતરુ ગામના ઉતરાણ પર એક માર્ગ ચંદરતાલ તળાવ તરફ જાય છે, જે લદ્દાખ ક્ષેત્રના પેન્ગોન્ગ તળાવની સમકક્ષ છે.’
મનપસંદ ટ્રેક 
હજી આ જ વર્ષે ઑગસ્ટમાં પણ રાકેશ ફુરિયા એક નવા ટ્રેક પર ફરી આવ્યા. ભારતના સૌથી સુંદર ટ્રેક કાશ્મીર ગ્રેટ લેક્સ પર તેઓ ગયા હતા. આ ટ્રેક અત્યાર સુધીનો મારો સૌથી પસંદીદા ટ્રેક છે એમ કહેતાં રાકેશ ભાઈ ઉમેરે છે, ‘અમે આ ટ્રેક દરમિયાન ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ  ૭થી ૯ તળાવો જોયાં. એક બાજુ વનસ્પતિથી આચ્છાદિત હિલ્સ અને અન્ય સાઇડ ઘાસનાં મેદાનો. સરોવરો વાદળી રંગમાં રંગીન હતાં. આહા! જાણે સ્વર્ગમાં આવ્યા હોઈએ એવો અદ્ભુત નજારો જોઈને મનને થાય કે અહીં જ રહી જાઉં. ઘેટાં ઘાસનાં મેદાનો પર ચરતાં હતાં. ટ્રેકિંગ રોલિંગ હિલ્સ ઉતાર-ચડાવ  સાથે ખૂબ જ લાંબી હતી. અમે દરરોજ સવારે સાત વાગ્યે ટ્રેકિંગ શરૂ કરી સાંજે ૪.૩૦ વાગ્યે પૂરું કરતા. આઠ દિવસની આ ટ્રેકિંગ ટ્રિપ યાદગાર છે.’
ભારતના ટ્રેક્સ માણવાલાયક
ઘણા લોકોને ફૉરેન જઈને ટ્રેકિંગ કરવું ગમે છે, પણ રાકેશ ફુરિયાનું કહેવું છે કે ‘ફૉરેન કરતાં ભારતના ટ્રેક્સ વધુ માણવા જેવા છે. આપણે ત્યાં લગભગ દરેક રાજ્યમાં સારી પર્વતમાળાઓ છે. હિમાલયની આસપાસના ટ્રેક્સ તો અદભુત છે જ, સાથે સાઉથમાં જઈએ તો કેરળમાં મુન્નાર અને કોડાઈ કનાલ રેન્જ છે અને રાજસ્થાન અને કચ્છમાં રણમાં ટ્રેકિંગ અને કાળો ડુંગર છે. મેઘાલયમાં ગુફાઓ અને આસામ, અરુણાચલ પ્રદેશ અને લેહ-લદ્દાખના ટ્રેક્સ તો અત્યંત રમણીય છે.’
માઇન્ડ સ્ટ્રૉન્ગ જોઈએ
ટ્રેકિંગ કમ્પ્લીટ્લી માઇન્ડ ગેમ છે 
એમ જણાવીને રાકેશભાઈ કહે છે, ‘અમારી સાથે ૯૦ કિલો વજનની એક મહિલા હતી. તેણે સફળતાપૂર્વક ટ્રેક પાર કર્યું હતું, જ્યારે ઓછા વજનવાળા ભાઈ કરી શક્યા નહોતા. આ માટે માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ જરૂરી છે. એરોબિક એક્સરસાઇઝ કરીને સ્ટૅમિના વધારવો જરૂરી છે. 
બાકી ઉંમર અને વજન સાથે કોઈ લેવાદેવા નથી. કહેવાય છે કે નિયમિત ટ્રેકિંગ કરનારને ઑલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવી બીમારી નથી થતી. હું દર રવિવારે ટ્રેકિંગ માટે નીકળી પડું છું. વર્ષમાં બેથી ત્રણ વાર લૉન્ગ ટ્રેકિંગ માટે જાઉં છું. પર્વતો મને બોલાવે છે. દરેક વર્ષે હિમાલય સાદ પાડીને મને બોલાવે છે.’

સાઇકલ રાઇડિંગ પણ નિયમિત



ટ્રેકિંગની સાથે સાઇકલ રાઇડિંગનો પણ વિશેષ શોખ ધરાવતા રાકેશભાઈ કહે છે, ‘૨૦૧૬થી ચડાણવાળાં સ્થળોએ સાઇકલ રાઇડિંગ પણ કરું છું. હમણાં સુધીમાં ભારતનાં નૈનીતાલ, નાશિક, હિમાચલ, મનાલી, લેહ, ખરડુંગલા જેવાં અનેક સ્થળોએ સાઇકલ રાઇડિંગ કર્યું છે. હાલમાં જાન્યુઆરી મહિનામાં મુંબઈથી ગોવા છ દિવસનું સાઇકલ રાઇડિંગ કર્યું હતું. એક બાજુ દરિયો હોય 
અને બીજી બાજુ નારિયેળનાં ઝાડ તથા ગામડાંઓ દેખાય. રમણીય દૃશ્ય નિહાળતા જઈએ અને સવારી કરતા જઈએ. ખુશીની સામે થાકની તો ખબર જ ન પડે. આમ ટ્રેકિંગ અને સાઇક્લિંગ મારા જીવનની સ્વસ્થ અને ખુશહાલ રહેવાની જડીબુટ્ટી છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 05:27 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK