Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૃત્રિમ પગ સાથે એક વર્ષમાં વીસ મૅરથૉન દોડી ચૂકી છે આ યુવતી

કૃત્રિમ પગ સાથે એક વર્ષમાં વીસ મૅરથૉન દોડી ચૂકી છે આ યુવતી

15 June, 2021 10:33 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કૃત્રિમ પગ સાથે તમે ભણી-ગણીને સ્થાયી થઈ શકો છો, પણ શું સ્પોર્ટ્સપર્સન બનીને જાતને પુરવાર કરવાના કે પછી રેસ કરવાનાં સપનાં જોઈ શકો છો? જવાબમાં તમારા મનમાં નકાર ઉત્પન્ન થાય એ પહેલાં મળી લો કાંદિવલીની ૩૮ વર્ષની ખ્યાતિ મહેતાને

ખ્યાતિ મહેતા

ખ્યાતિ મહેતા


‘જીવનમાં એક સમય એવો હતો કે ખુદના પગ પર ઊભી રહી શકું એ માટે પણ તકલીફ હતી અને આજે મૅરથૉનમાં પાર્ટ લઈ રહી છું. એક ખોટા પગ સાથે મારા માટે મૅરથૉનમાં પાર્ટ લેવો એ એક દુ:સ્વપ્ન હતું. આજે જ્યારે હું મૅરથૉનમાં ચાલતી હોઉં છું ત્યારે હકીકતમાં હું ઊડતી હોઉં છું. પક્ષી ગગનમાં ઊડતું હોય ત્યારે જે ફ્રીડમ અને આનંદ મેળવતું હશે એટલી જ ફ્રીડમ અને આનંદ હું પણ પામી રહી છું. કદાચ આવું થતું હશે જ્યારે તમારી અક્ષમતાને તમે સક્ષમતામાં ફેરવી શકો છો. જોકે ઊડવાનું હજી શરૂ કર્યું છે. એક ઊંચી ઉડાન બાકી છે.’

આ શબ્દો છે કાંદિવલીમાં રહેતી અને પોતાની ટ્રાવેલ કંપની ચલાવતી આત્મનિર્ભર ૩૮ વર્ષની ખ્યાતિ મહેતાના, જેણે સોશ્યલ મીડિયા પર પોતાનું નામ ગર્લ વિથ પ્રોસ્થેસિસ રાખ્યું છે. પ્રોસ્થેસિસનો અર્થ ખોટું કે કૃત્રિમ અંગ થાય. ખ્યાતિનો જમણો પગ ખોટો છે. તે MBA સુધી ભણી છે અને આપબળે ચાલુ કરેલી ટ્રાવેલ કંપની ચલાવે છે. વીઝા કન્સલ્ટન્ટ તરીકે તેનું ખાસ્સું નામ છે. અત્યારના સમયમાં જ્યારે ટ્રાવેલનો બિઝનેસ બંધ થઈ ગયો છે ત્યારે પણ તેનું કન્સલ્ટન્સીનું કામ સાવ અટકી ગયું નથી. લોકોને દુનિયા આખામાં ફેરવતી અને ખુદ ફરતી ખ્યાતિને છેલ્લા દોઢ વર્ષથી સ્પોર્ટ્સ અને ફિઝિકલ ફિટનેસ ઘણી આકર્ષી રહી છે. એ રાહે ચાલતાં તેણે મૅરથૉનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. તેણે આ રાહ કઈ રીતે પકડી એ વિશે આજે જાણીએ.



નાનપણની તકલીફ


જન્મથી ખ્યાતિના પગ વાંકા હતા. એને ઑપરેશનની જરૂર હતી. જોકે તેના જમણા પગના ઑપરેશનમાં કોઈ મિસ્ટેકને કારણે તેનો જમણો પગ કાપી નાખવો પડ્યો. કેટલાંય વર્ષ સુધી તે રબરનો પગ વાપરતી. ૧૯૯૬-’૯૭માં તે ૧૪-૧૫ વર્ષની હતી ત્યારે તેણે તેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નાચે મયૂરી પાઠ અંતર્ગત સુધા ચંદ્રનના જીવન વિશે જાણ્યું અને પોતાના પેરન્ટ્સને આ વિશે જાણ કરી. ખ્યાતિનું જીવન સરળ બને એ માટે તેના પેરન્ટ્સ તેને જયપુર લઈ ગયા અને ત્યાં તેને જયપુર ફૂટ મળ્યો. ત્યાર બાદ ઘણાં વર્ષો પછી તેને એક જર્મન કંપની વિશે ખબર પડી જે ઑટો બેક. નામના કૃત્રિમ પગ બનાવે છે. આ માટે ૨૦૧૮માં તેણે માપ આપેલું, પણ તેના ફિટિંગનો પગ વ્યવસ્થિત બનતાં ૨૦૧૯નું વર્ષ આવી ગયું. ખ્યાતિનું માનીએ તો આ પ્રોસ્થેસિસ અત્યાર સુધીમાં સૌથી વધુ કમ્ફર્ટ દેનારો ઍડ્વાન્સ પગ હતો. એનાથી તેના માટે ચાલવું થોડું સરળ બન્યું હતું.

૧ કિલોમીટરથી શરૂઆત


૨૦૧૯માં જ ખ્યાતિ ‘ચૅલેન્જિંગ વન્સ’ નામના એક ગ્રુપ સાથે જોડાઈ જેમાં તેના જેવા ઘણા દિવ્યાંગ લોકો હતા. આ ગ્રુપમાં લોકોને મળીને તેણે જોયું કે ઘણા દિવ્યાંગ લોકો મૅરથૉનમાં ભાગ લે છે. આ સમયે ખ્યાતિ પોતાનું વજન ઓછું કરવાના પ્રયાસોમાં લાગેલી હતી. પોતાનો અનુભવ જણાવતાં તે કહે છે, ‘એક્સરસાઇઝ માટે મોટિવેશનની જરૂર સતત પડે છે. વળી એકલા જાતે એક્સરસાઇઝ કરવી થોડી બોરિંગ છે. આ દરમિયાન મને મૅરથૉન વિશે વધુ માહિતી મળી. મારી તાકાત ચકાસવા હું પોઇસર જિમખાનામાં ચાલી. મેં જોયું કે ૧૫-૧૬ મિનિટમાં હું એક કિલોમીટર ચાલી શકું છું. આનાથી વધારે ચાલવાનું હું વિચારી શકતી જ નહોતી. મુંબઈ મૅરથૉન ૬ કિલોમીટરની હોય છે, હું એ કઈ રીતે પૂરી કરીશ? એ સમય હતો ડિસેમ્બર ૨૦૧૯નો. મૅરથૉન જાન્યુઆરીમાં હતી. મારી પાસે એક જ મહિનો હતો એટલે મેં જિમ જૉઇન કર્યું અને સ્ટ્રેન્થ ડેવલપ કરવામાં હું લાગી પડી.’

તૈયારી જીત કી...

જિમમાં દરેક નૉર્મલ એક્સરસાઇઝ તેણે ટ્રાય કરી. સ્ક્વોટ્સ, ક્રન્ચીઝ, ડમ્બેલ્સ, વેઇટ્સ, સાઇક્લિંગ જેવી બધી જ એક્સરસાઇઝ તેણે પહેલી વાર ટ્રાય કરી. આ રીતે કડક સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કરી. જાન્યુઆરી ૨૦૨૦માં ખ્યાતિએ તેના જીવનની પહેલી મૅરથૉનમાં ભાગ લીધો અને ૬ કિલોમીટર ચાલી. આ મૅરથૉન ખ્યાતિ માટે જીવનનો સૌથી મોટો પડાવ હતો. એક એવો જંગ હતો જેની જીતે તેના માટે નવા દરવાજા ખોલી દીધા હતા. એ વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘મેં મૅરથૉન પૂરી કરી ત્યારે એક અલગ જ આનંદ અને ઉત્સાહ મારી અંદર વ્યાપેલા હતા જે ૩૮ વર્ષમાં મેં ક્યારેય અનુભવ્યા નહોતા. હું એક નવી જ ખ્યાતિને મળી હતી એ દિવસે, કારણ કે મારી અંદર આ શક્તિ પણ છે અને હું આ પણ કરી શકું છું એવી મને આશા જ નથી, મને ખબર જ નથી. આત્મવિશ્વાસનો દરિયો મારી અંદર ઘૂઘવતો હતો એ દિવસે અને મને ખબર હતી કે આ દરિયો શાંત રહે એવો તો નહોતો.’

પહેલી જીત

મૅરથૉનમાં ખ્યાતિને એટલી મજા પડવા લાગી કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આ પ્રકારની બીજી ચાર મૅરથૉનમાં તે ચાલી આવી. અને માર્ચમાં આવ્યો કોરોના. લૉકડાઉનને કારણે બધા ઘરમાં બંધ થઈ ગયા. કામકાજ બંધ થઈ ગયું. જોકે જે વ્યક્તિએ ૩૭ વર્ષે નવા જીવનમાં પગરણ કર્યું હોય તેના પગ થોભે કઈ રીતે? એ વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘મને ખબર પડી કે લૉકડાઉનમાં લોકો વર્ચ્યુઅલ મૅરથૉન કરે છે. મને આ આઇડિયા ગમી ગયો. આ પ્રકારની મૅરથૉનમાં તમારે ચાલવાનું અને તમારા મોબાઇલમાં રેકૉર્ડ થયેલાં સ્ટેપ્સ અને ડિસ્ટન્સ અપલોડ કરવાનાં. મોટિવેશન માટે આ પ્રકારની મૅરથૉન ખૂબ ઉપયોગી સાબિત થઈ.’

અવિરત પ્રયાસ

પોતાના ૬૮ વર્ષના પપ્પાને પણ ખ્યાતિ ચાલવા અને મૅરથૉનમાં ભાગ લેવા ઉત્સાહિત કરે છે. હાલમાં મૅરથૉન વગર પણ જે કોચ પાસે ખ્યાતિ ટ્રેઇનિંગ લઈ રહી છે તે દર ૧૫ દિવસે વન અવર રનનો પ્રોગ્રામ ચલાવે છે. એમાં ખ્યાતિ એક કલાકમાં પાંચ કિલોમીટર જેટલું ચાલી જાય છે. હાલમાં કોચ સરના બર્થ-ડે પર ખ્યાતિ પોતાના જીવનનું સૌથી લાંબું ચાલી હતી અને એ છે ૧૬ કિલોમીટર. આટલું લાંબું તે સળંગ ચાલી શકશે એવી તેને કલ્પના પણ નહોતી. જોકે એ તેણે સિદ્ધ કર્યું. એટલું જ નહીં, હાલ માર્ચમાં તે વૈષ્ણોદેવી ફરવા ગઈ હતી જ્યાં ૯ કિલોમીટરનું સીધું ચડાણ પણ ચડી. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા માટે એ ખૂબ અઘરું ચડાણ હતું. દર બે મિનિટે ઊભી રહી જતી હતી. જોકે મને અંદરથી એમ હતું કે આ ચડાણ પાર તો કરવું જ છે. હું ૯ કિલોમીટર ચડી અને પછી બૅટરી કારમાં આગળ ગઈ અને ઊતરતી વખતે સળંગ પૂરેપૂરા ૧૪ કિલોમીટર ચાલીને જ નીચે આવી.’

સ્પોર્ટ્સમાં આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા મનમાં લઈને ખ્યાતિ કહે છે, ‘આ બધા અનુભવો - પછી એ કોઈ મૅરથૉન હોય કે હાલમાં ૯૦૦૦ ફીટ ઉપરથી કરેલું પૅરા-ગ્લાઇડિંગ હોય - દરેક બનાવ મારામાં ગજબનો આત્મવિશ્વાસ ભરે છે. મને અનુભવાય છે કે હું પણ કરી શકું છું. મારે દુનિયાને એવું સાબિત નથી કરવું, પરંતુ ખુદને અનુભવ કરવું છે કે હું આ પણ કરી શકું છું. એ જ વિચારે હું નવી-નવી દિશાઓ એક્સપ્લોર કરતી રહું છું.’

સૂર્યનમસ્કારની નવી રીત 

ખ્યાતિની બન્ને કોણીએથી તેના હાથ સીધા થતા નથી. આ તેની બીજી શારીરિક ખોડ છે. એટલે નૉર્મલ લોકોની જેમ તે સૂર્યનમસ્કાર કરી શકતી નથી. જોકે ન કરી શકવું જાણે કે ખ્યાતિને તેના જીવનની ડિક્શનરીમાં રાખવું જ નથી. એટલે તેણે જાતે પોતાની આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સૂર્યનમસ્કાર કઈ રીતે કરી શકાય એ વિશે વિચાર્યું અને સમગ્ર પોઝને મૉડિફાય કરીને તે સૂર્યનમસ્કાર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 10:33 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK