° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


આઠ મહિનામાં ૩૩ કિલો વેઇટલૉસ

22 November, 2021 05:03 PM IST | Mumbai | Bhavini Lodaya

૧૦૮ કિલો વજન ધરાવતા મુલુંડના ૪૧ વર્ષના અમિત છેડાને ડૉક્ટરની ચીમકીએ એવા દોડતા કરી દીધા કે તેમણે મિશન વેઇટલૉસ હાથમાં લીધું. જાતે જ ટાર્ગેટ સેટ કરીને એવું પરિણામ મેળવ્યું કે પહેલાં તો લોકો ઓળખી જ ન શક્યા

આઠ મહિનામાં  ૩૩ કિલો વેઇટલૉસ

આઠ મહિનામાં ૩૩ કિલો વેઇટલૉસ

પહેલેથી જ ઓવરવેઇટ અને ખાવા-પીવાનો અતિશય શોખ ધરાવતા મુલુંડના ૪૧ વર્ષના અમિત નીતિન છેડા આમ તો દર વર્ષે ફૅમિલી હેલ્થ ચેકઅપ કરાવતા. ડૉક્ટર તરફથી ટકોર મળતી પણ ખાસ ગણકારતા નહીં. ગમે ત્યારે ખાવું, જમીને પણ થોડી વારમાં કોઈ ઑફર કરે તો ફરી નાસ્તો પણ કરી લેવો. ઘરે જઈને મોડેથી જમવું. એક આઇસક્રીમની જગ્યાએ ચાર ખાઈ લેવા. હરતાં-ફરતાં ચૉકલેટ, કૅડબરી, ડિઝર્ટ ખાઈ‍પીને મસ્ત રહેવાની જીવનશૈલીને કારણે વજન ૧૦૮ કિલો ઉપર પહોંચી ગયું. કોરોનાનો કેર ત્રાટક્યો એના થોડા દિવસ પહેલાં જ હેલ્થ ચેકઅપ કરાવ્યું અને ફૅમિલી ડૉક્ટર ચેતન છેડાએ છેલ્લી ચેતવણી આપી કે હવે જો વજન નહીં ઘટાડે તો ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કિડનીના ક્રૉનિક રોગો માટે તૈયાર રહેજે. એ જ વખતે કોરોનાનું લૉકડાઉન આવ્યું એ વિશે અમિતભાઈ કહે છે, ‘મનમાં અલાર્મ વાગ્યું કે હવે જાગવું પડશે. આ ઉંમરે હું બીમારીઓનો શિકાર થઈ જઈશ તો જીવન જીવીશ કઈ રીતે? આમ એ જ દિવસે વજન ઉતારવાનો નિર્ણય લીધો.’
શરીરનું મૉનિટરિંગ
‍જાગ્યા ત્યારથી સવાર. શુભ શરૂઆત માટે કદી મોડું નથી થતું. ચાહ મજબૂત હોય તો વ્યક્તિ ગમેતેટલી નબળાઈઓ સામે પણ અડગ રહી શકે છે.  વેઇટલૉસ જર્નીની શરૂઆત વિશે અમિતભાઈ કહે છે, ‘ડૉક્ટરની કહેલી વાતોએ મારા મનમાં જે જાગૃતિ લાવી એનાથી તરત જ એ જ દિવસે મેં રાત્રે મારો ડેઇલી કૅલરી ઇન્ટેક માપ્યો તો ૪૫૦૦ કૅલરી થઈ. જ્યારે મારા શરીર પ્રમાણે ૧૬૦૦ કૅલરી હોવી જોઈતી હતી. મને અહેસાસ થયો કે હું ત્રણ જણનું ખાવાનું એકલો જ ખાઉં છું. શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે, પરંતુ આપણે બધા ૭૦ ટકાના ભાગને ધ્યાન આપતા જ નથી. મેં મારા શરીરનું મૉનિટરિંગ શરૂ કરી દીધું. એમાં લૉકડાઉન મારા માટે વરદાનરૂપ બની ગયું અને મને થયું કે કદાચ આ જ શ્રેષ્ઠ ટાઇમનો સંયોગ છે.’
આખી ફૅમિલીનો પ્રયાસ
શરૂઆતની વેઇટલૉસ જર્નીમાં પેરન્ટ્સ, બાળક અને વાઇફ બધાંનો ભરપૂર સપોર્ટ મળતો ગયો અને ફન ઍક્ટિવિટીની જેમ બધાંએ ભાગ લીધો એમ જણાવતાં અમિતભાઈ કહે છે, ‘મેં ક્યારેય એક્સરસાઇઝ કરી નહોતી એટલે સ્કૂલમાં પીટી એક્સરસાઇઝ કરાવતા એવી હલકીફુલકી એક્સરસાઇઝની શરૂઆત કરી. સીડી ચડવા-ઊતરવાની પ્રૅક્ટિસ શરૂ કરી પહેલાં દસ માળ સુધી પછી વીસથી પચાસ માળ સુધી ચડ-ઊતર કરતો. શરૂમાં એક-એક કિલો વજન પગે  બાંધીને અને પછી બે-બે કિલો વજન બાંધીને ચડ-ઊતર કરું છું. રોજ એકથી દોઢ કલાક વૉક કરવા જાઉં છું. બહારનું ફૂડ અને હાઈ કૅલરી ફૂડ, ૯૦ ટકા સાકર બંધ કરી દીધી. ગોળ પણ લિમિટેડ. ઘરનું બનાવેલું દરેક ભોજન અને નાસ્તો સમયસર નિયમિત ખાતો. હૉલમાં એક ચાર્ટ બનાવીને મૂક્યો છે. દર વીકના ટાર્ગેટ અને મૉનિટરિંગ એમાં લખવાના. મારો દીકરો પણ ખૂબ હર્ષભેર મને મોટિવેટ કરતો. જ્યારે વજનકાંટા પર પર ઊભો રહેતો ત્યારે નેક્સ્ટ ટાર્ગેટ નક્કી કરતો.’
કૉમ્પ્લીમેન્ટનો અનુભવ
લૉકડાઉન પછી જ્યારે પહેલી વાર અમિતભાઈ ઑફિસ ગયા ત્યારે વેઇટલૉસને કારણે ઘણા લોકો ઓળખી જ ન શક્યા. અમિતભાઈ કહે છે, ‘મેં માસ્ક પહેર્યો હતો એટલે વેપારીઓ આવીને પૂછતા કે શેઠ નહીં આએ ક્યા? માસ્ક કાઢું તો તેઓ પૂછતા કે તમારો મોટો ભાઈ ક્યાં છે? આમ સૌ કોઈ આશ્ચર્યચકિત હતા અને ભરપૂર કૉમ્પ્લીમેન્ટ મળતાં ગયાં. હું દરેક કૉમ્પ્લીમેન્ટસ્ની ગણતરી રાખતો. એક કૉમ્પ્લીમેન્ટ એક ગ્લાસ પાણી. આમ કૉમ્પ્લીમેન્ટને પાણીથી રિપ્લેસ કરતો. હવે કામ પર હોઉં છું તો પણ ખાવા-પીવામાં નાની-મોટી દરેક ચીટિંગ બંધ. કોઈ આવે તો વડાપાંઉ ખાવું એ બધી પહેલાંની આદતો બંધ. રાત્રે આઠ પહેલાં જમી જ લેવાનો નિયમ આજે પણ પાળું છું અને ઘરે હોઉં ત્યારે ચોવિયાર કરું છું. ફ્રેન્ડસર્કલની પાર્ટીમાં જાઉં ત્યારે પણ લેટ નાઇટ કંઈ જ ખાવાનું નહીં. થોડા ચલેગા એવું જરાય નહીં વિચારવાનનું. રોજ ચાર લિટર પાણી પરવાનું, મહિનામાં એક ઉપવાસ અને આઠમના આયંબિલ કરું છું. માત્ર આદતોમાં ફેરફાર, નિયમિતતા, પૌષ્ટિક ભોજન અને વ્યાયામ દ્વારા મેં મારો વેઇટલૉસ કર્યો છે. દરેકને કહીશ કે કરીઅરનો ટાર્ગેટ બનાવીને જેમ મૉનિટરિંગ કરીએ છીએ એવું હેલ્થમાં પણ કરવું જોઈએ.’

ટ્રાયલ વિથ ફન

સ્વસ્થ રહેવા માટે શરૂ કરેલી વેઇટલૉસની જર્ની દ્વારા હૅન્ડસમ દેખાવાની ઇચ્છા પણ જન્મે એ સહજ છે. એમાં સુંદર પરિણામ આવતું ગયું એમ અમિતભાઈનો ઉત્સાહ વધતો ગયો. તેઓ કહે છે, ‘ગાર્મેન્ટનો વ્યવસાય ધરાવું છું. ફૅક્ટરી ઉપરથી એક સાઇઝ નાનું શર્ટ મંગાવતો જતો અને વૉર્ડરોબ પર લટકાવતો. દર અઠવાડિયે એક વાર ટ્રાય કરતો. શરૂઆતમાં બટન બંધ જ ન 
થતાં. પછી એક બટન, બે બટન એમ એક મહિનો એક સાઇઝ ઓછી કરવામાં લાગતી તો ક્યારેક બે મહિના. ઘરમાં અમે બધાં મારી ટ્રાયલ વખતે હસતા, મજાક કરતા. આમ ટ્રાયલ વિથ ફન સાથે ૪ XLમાંથી L સાઇઝ પર આવી ગયો.’

22 November, 2021 05:03 PM IST | Mumbai | Bhavini Lodaya

અન્ય લેખો

વહેલા જાગવું એ દિવસ પર મેળવેલી પહેલી જીત છે

વાત કેટલી સરસ અને સાચી છે પણ એ જાણવા એક વાર એનો અનુભવ કરવો પડે અને એ અનુભવ કરાવવાનું કામ રૉબિન શર્માએ ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં કર્યું છે

01 December, 2021 05:37 IST | Mumbai | Rashmin Shah

કળાકારી શીખો, મગજ આપમેળે કસાશે

વૃદ્ધાવસ્થામાં મગજની કસરત માટે જુદી-જુદી ઑડિયો-વિઝ્યુઅલ મેથડ કેટલી ઉપયોગી છે એ નિષ્ણાત પાસેથી સમજીએ

01 December, 2021 04:42 IST | Mumbai | Varsha Chitaliya

જીભથી પેટ સુધીના માર્ગથી શરીરને શું આપીશું, સ્વાસ્થ્ય કે પછી બીમારી?

પ્રકૃતિના સંતાન એવા જંગલના આશરે રહ્યા પછી કેમ મનમાં આપોઆપ ખુશી જન્મે છે? સહવાસ જો આટલો આનંદ આપવાનું કામ કરી જતો હોય તો પછી કેવી રીતે તમે એવું ધારી શકો કે ટેક્નૉલૉજી અને સિમેન્ટનાં જંગલ તમને ખુશી આપી શકે?

01 December, 2021 10:27 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK