° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


વાહ પરદાદી, વાહ!

03 August, 2022 01:15 PM IST | Mumbai
Rupali Shah | feedbackgmd@mid-day.com

૧૦૮ વર્ષનાં સાકરબા જાદવ ભલે કમરેથી થોડાંક વાંકાં વળી ગયાં છે, પણ પ્રપૌત્રી હીરલ જેઠવાના સંતાનને રમાડવાની ઇચ્છા જરૂર છે

સાકરબા 100 નૉટ આઉટ

સાકરબા

જીવનનાં ઉલ્લાસભર્યાં નીરોગી ૧૦૦ વર્ષ પૂરાં કરવાં એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જોકે સાંતાક્રુઝ ઈસ્ટનાં સાકર ધરમશી જાદવ તો જન્મ શતાબ્દીનેય વટાવી લગભગ ઉંમરના ૧૦૮ વર્ષના પડાવે પહોંચી ચૂક્યાં છે. જીવનની અનેક તડકી-છાંયડી જીરવી ચૂકેલાં સાકરબા આજે કદાચ ભલે થોડાં કમરેથી વાંકાં વળ્યાં છે પણ તેમનું અડીખમ અને જાજરમાન વ્યક્તિત્વ, ચપળતા અને કામ પ્રત્યેની ચીવટ ભલભલા યુવાનોને પણ શરમાવી દેનારાં છે.  

સાકરબહેન મૂળ ઝિંઝુડાનાં વતની. એ જમાના પ્રમાણે લગ્ન સાવ કુમળી વયે થઈ ગયાં હતાં. એક દીકરો અને સાત દીકરીઓનો તેમનો બહોળો પરિવાર. જોકે આજે તો એમાંનાં અમુક હયાત નથી. તેમનો એકનો એક દીકરો નંદલાલ અને વહુ તારાબહેન પણ આજે હયાત નથી. આ નંદલાલ અને તારાનાં બે દીકરા ભરત અને દીપક અને એક દીકરી જયશ્રી ભરત જેઠવા. નંદલાલ જાદવના બે દીકરાઓમાંનો એક દીકરો દીપક અને તેમની પત્ની વિમુ સાથે એટલે કે પૌત્ર અને પૌત્રવધૂ સાથે આ દાદીમા રહે છે.  

પરિવારના તમામ સભ્યોને આપેલો પ્રેમ આજે તેમને માત્ર વ્યાજ જ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પાછો મળે છે. પોતાની તમામ દીકરીઓ, પૌત્રી વચ્ચે પૌત્ર દીપક અને વિમુની એકની એક દીકરી પ્રપૌત્રી હીરલ નિકુંજ જેઠવા તેમની અતિશય લાડલી છે. પરદાદીની લાડલી હીરલ પણ તેમને ‘મહાહેતવાળી દયાળી મા’ જ માને છે. નાનપણમાં હીરલનો પડ્યો બોલ ઝીલનારાં અને હીરલની દરેક ઇચ્છા પૂરી કરનારાં પરદાદીની અધૂરી ઇચ્છાઓ હીરલને પણ પૂરી કરવી ગમે છે. ઉત્સાહથી વાત કરતાં હીરલ કહે છે, ‘મારાં પરદાદીએ ઘણાં વર્ષો એકલાં જીવન ગુજાર્યું છે. મારા દાદા એટલે કે તેમનો દીકરો ૨૩ વર્ષ દુબઈમાં રહ્યાં હતાં. દાદાની ખૂબ ઇચ્છા હતી કે તેઓ ફ્લાઇટમાં બેસે. કોરોનાકાળ પહેલાં જ તેમની ઇચ્છા પ્રમાણે માને અમે પહેલી વાર ફ્લાઇટમાં બેસાડ્યાં. વિન્ડો સીટ હતી. તેમણે ખૂબ એન્જૉય કર્યું. તેમની બૅગ પરનો ફ્લાઇટનો ટૅગ પણ તેમણે હજી કાઢ્યો નથી.’ 

વાતચીત દરમિયાન તેમનો ફોટો આપવા બાબતની વાત થઈ તો તરત જ સાકરબાએ હીરલને ટહુકો કર્યો કે હા, હું તો પહેલેથી જ સારી દેખાઉં છું.

સાકરબા ફિટ ઍન્ડ ફાઇન છે. પોતાનું દરેક કામ જાતે કરે છે. અત્યાર સુધી તો તેઓ પૌત્રવધૂ વિમુને પણ હેલ્પ કરતાં. જોકે હવે કપડાં સંકેલવા જેવું નાનું-મોટું કામ જ કરે છે. તેમની આંખો તેજસ્વી છે. ત્રણેક વર્ષ પહેલાં તેમની આંખે મોતિયાનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. ફિઝિકલી ફિટ હોવાની સાથે તેમની મેમરી પણ ખૂબ શાર્પ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિને તેઓ ભૂલતાં નથી. ફોન મેમરીને કારણે આપણી યાદશક્તિ બહેર મારી ગઈ છે ત્યારે આ વડીલ આપણને શરમાવી જાય એવાં છે. 

ટાઇમ મૅનેજમેન્ટ પ્રમાણે તેઓ સવારે ચાર વાગ્યે ઊઠીને દિનચર્યા પતાવી ભગવાનનું નામ લીધા પછી જ ચા-પાણી-નાસ્તો કરે છે. નાસ્તામાં બ્રેડ-બટર, પરાઠાં, થેપલાં કંઈ પણ ચાલે. જમવામાં બે રોટલી-શાક, ચમચી જેટલાં દાળ-ભાત ખાય. સાંજે સાતની આસપાસ જમી લે. જોકે સાંજના જમવામાં તેમને વડાપાંઉ, સૅન્ડવિચ, પીત્ઝા, પાસ્તા, મૅગી, હોટેલનું ફૂડ બધું જ ચાલે. જોકે બધું મર્યાદિત પ્રમાણમાં. 

કામમાં પર્ફેક્ટ સાકરમા કપડાં પહેરવાની બાબતે પણ ચીવટ ધરાવે છે. ઘરની વહુ-દીકરીઓને કેવાં કલર કૉમ્બિનેશન અને કપડાં શોભે એ બાબતે પણ તેમનું પૂરતું ધ્યાન રહે છે. આજે પણ તેઓ અપ-ટુ-ડેટ સાડી પહેરે છે અને લગ્ન થયેલી પ્રપૌત્રી હીરલને કાળો કલર ન પહેરવા બાબતે પણ ટોકે છે. 

બાને થોડી હવે ચાલવામાં તકલીફ પડે છે પણ પૌત્ર અને પૌત્રવધૂના પરિવાર સાથે આ વડસાસુ વટથી બહાર ફરવા જાય છે. તાજેતરમાં જ તેઓ મીરા રોડની એક હોટેલમાં જઈ આવ્યાં હતાં. દીપકભાઈના પરિવારને તો સાકરમા પ્રત્યે પ્રેમ અને આદર છે જ. જોકે સાકરમા ફક્ત આ પરિવારનાં જ નહીં, બધાનાં હેતાળ મા બની ગયાં છે. પાડોશી, સગાંસંબંધી બધાંને જ તેમના માટે ખૂબ આદર છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ઘણા લોકો તેમના આશીર્વાદ લેવા આવે છે. 

પ્રપૌત્રી હીરલનો જન્મ થયો એ વખતે તેમણે હીરલ પરણે ત્યાં સુધી મારે જીવવું છે એવી જિજીવિષા દાખવી હતી અને આજે પચીસ વર્ષની હીરલનાં લગ્ન પણ તેમણે જોઈ લીધાં અને હવે તેમની ઇચ્છા હીરલના સંતાનને રમાડવાની પણ છે.  

03 August, 2022 01:15 PM IST | Mumbai | Rupali Shah

અન્ય લેખો

ભારતની આઝાદીના સોમા વર્ષે બ્રિટને આપણને શું ગિફ્ટ આપવી જોઈએ?

કોહિનૂર હીરો. હા, એનાથી બેસ્ટ બીજી કોઈ ગિફ્ટ હોઈ પણ ન શકે. હું આશા રાખું કે ૨૦૪૭ની પંદરમી ઑગસ્ટે બ્રિટન સરકાર આ સ્ટેપ લે અને ભારતમાંથી જે હીરો એ લઈ ગયા છે એ ભારતને પરત કરે

06 October, 2022 04:07 IST | Mumbai | JD Majethia

ભાષાપુરાણઃ અસ્તિત્વની આ લડત જીતવી હશે તો એનો વ્યાપ વધાર્યા વિના છૂટકો નથી

ગુજરાતીઓના ઇન્વિટેશન કાર્ડ પણ અંગ્રેજીમાં હોય છે અને ગુજરાતીઓ વાતો પણ અંગ્રેજીમાં કરવાનું પસંદ કરે છે

06 October, 2022 03:58 IST | Mumbai | Manoj Joshi

અનેક મર્યાદાઓ છતાં આત્મનિર્ભરતા એ જ જીવનમંત્ર

આજીવન સાથે રહેનારી શારીરિક-માનસિક મર્યાદાઓ અને જબરદસ્ત પરાવલંબી સ્થિતિ છતાં હિંમત ટકાવી રાખનારા સેરિબ્રલ પૉલ્ઝીના દરદીઓની સંઘર્ષકથા જાણશો તો સૅલ્યુટ કરવાનું મન થશે

06 October, 2022 02:22 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK