Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લેઝી આઇ, ક્લિયર વિઝન

લેઝી આઇ, ક્લિયર વિઝન

30 July, 2021 01:10 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આંખો ભલે નબળી હોય, પણ ઑબ્જેક્ટને અલગ ઍન્ગલથી જોતા આવડે તો ફોટોગ્રાફીના ફીલ્ડમાં ઘણી તક છે એવું માનતો બોરીવલીનો ૧૯ વર્ષનો નવ્યનીલ જગડા ફુરસદના સમયે કૅમેરા લઈને રસ્તાઓ પર રઝળપાટ કરવા નીકળી પડે છે

નવ્યનીલ લેઝી આઇની સમસ્યા છે. ડાબી આંખની તુલનામાં તેની જમણી આંખ ઘણી નબળી છે.

નવ્યનીલ લેઝી આઇની સમસ્યા છે. ડાબી આંખની તુલનામાં તેની જમણી આંખ ઘણી નબળી છે.


બોરીવલીના રહેવાસીઓ ચામુંડા સર્કલ પાસેથી સેંકડો વાર પસાર થયા હશે. આ વિસ્તારની ઇમારતોને ક્યારેય ધારી-ધારીને જોઈ છે એવું કોઈ પૂછે તો મોટા ભાગના લોકોનો જવાબ હશે કે બિલ્ડિંગમાં શું જોવાનું? રેલવે સ્ટેશન, બસ-સ્ટૉપ, સ્ટ્રીટ શૉપિંગ, ગાર્ડન, દરિયાકિનારો વગેરે સ્થળો મુંબઈગરાઓના દૈનિક જીવનનો એક ભાગ છે અને એમાં વિશેષ કશું દેખાતું નથી. જોકે આપણને કૉમન લાગતી આ તમામ જગ્યાને ફોટોગ્રાફરની નજરથી જુઓ તો ચોક્કસ નવું લાગે. બોરીવલીના ૧૯ વર્ષના ફોટોગ્રાફર નવ્યનીલ જગડાને મુંબઈના રસ્તાઓ પર સ્ટોરી દેખાય છે. ફોટોગ્રાફીના જુનૂનને કારણે આટલી નાની ઉંમરમાં તેની કરીઅરમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે ત્યારે વાત કરીએ આ યંગ બૉયની લાઇફ-સ્ટોરીની અને પૅશનપંતીની.

મુંબઈ મેરી જાન




ફોટોગ્રાફ સાથે સ્ટોરી કનેક્ટેડ હોય તો ફોટોગ્રાફરને અને ફોટો જોનારને રસ પડે. સ્ટોરી ઇઝ એવરી વેર, યુ જસ્ટ હૅવ ટૂ લુક - આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં નવ્યનીલ કહે છે, ‘આપણું મુંબઈ એવું શહેર છે જ્યાં દરેક પ્રકારની સ્ટોરી મળી જાય. તમને નૉર્મલ લાગતી વસ્તુ કે જગ્યા મને જુદી દેખાય એ સ્ટ્રીટ ફોટોગ્રાફીની ખાસિયત છે. હું એને કૅમેરાના ઍન્ગલથી એવી રીતે કૅપ્ચર કરવાની કોશિશ કરું જેથી ફોટો જોઈને પબ્લિકને પણ રોજ જોયેલી જગ્યા નવી દેખાય અને વધુ ગમવા લાગે. લાસ્ટ યર સ્ટ્રીટ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી. બોરીવલીના ચામુંડા સર્કલ ફરતે આવેલી ઇમારતને ડિફરન્ટ ઍન્ગલથી કૅપ્ચર કર્યા પછી ઇન્ટરેસ્ટ વધ્યો. હવે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે શું ખુલ્લું હશે એની તપાસ કરીને નીકળું જેથી શૂટ કરવામાં સમસ્યા ન નડે. સ્ટ્રીટ ફોટોગ્રાફીમાં રૅન્ડમ ઑબ્જેક્ટને કૅપ્ચર કરું છું. ઇમારતો, શૉપિંગ એરિયા, લૅન્ડસ્કેપ અને નેચર પર વધુ ફોકસ હોય. મુંબઈનાં લગભગ તમામ જાણીતાં આર્કિટેક્ચર બિલ્ડિંગો તેમ જ ક્રૉફર્ડ માર્કેટ, મરીન ડ્રાઇવ, ચોપાટી, રેલવે સ્ટેશન જેવી પૉપ્યુલર પબ્લિક પ્લેસ પર જઈને ફોટોશૂટ કર્યું છે. સોશ્યલ મીડિયા પેજ પર ફોટો સાથે મુંબઈકરની સ્ટોરી શૅર કરવાની પણ અલગ મજા છે.’

૩૬૦ ડિગ્રી ટર્ન આઉટ


સ્કૂલ-લાઇફમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનવાનું સપનું સેવનાર નવ્યનીલની કરીઅરની વાત કરીએ તો ‘થ્રી ઇડિયટ્સ’ના ફરહાન કુરેશીને મળતી આવે છે. હસતાં-હસતાં તે કહે છે, ‘મારું ઘર નૅશનલ પાર્કની નજીક હોવાથી બારીમાં જુદાં-જુદાં પક્ષીઓ આવીને બેસે. સાતમા ધોરણમાં હતો ત્યારથી મમ્મીના મોબાઇલમાં નેચરના ફોટો પાડતો. નાનપણથી જંગલ વિસ્તાર સાથે કનેક્ટેડ રહ્યો છું તેથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનવું હતું. જોકે ઘરમાં બધાને લાગતું હતું કે હું એન્જિનિયર બની શકીશ. એટલે ટેન્થ પછી સાયન્સ સ્ટ્રીમમાં ઍડ્મિશન લીધું, પણ પછી એન્જિનિયરિંગ ટફ લાગ્યું. આખો દિવસ ભણ-ભણ કરું તો ફોટોગ્રાફ્સ ક્યારે પાડું? ફોટોગ્રાફીમાં દિલચસ્પીને લીધે ટ્વેલ્થ પછી સ્ટ્રીમ ચેન્જ કરી. અત્યારે કાંદિવલીની કેઈએસ કૉલેજમાંથી ફિલ્મ, ટેલિવિઝન ઍન્ડ ન્યુ મીડિયા પ્રોડક્શનમાં બૅચલર્સ કરું છું. આ અભ્યાસક્રમમાં શૉર્ટ ફિલ્મ બનાવવી, સિનેમૅટોગ્રાફી વગેરે વિષયો સામેલ છે. થયું એવું કે લૉકડાઉનમાં કોઈ કારણસર એક વર્ષ ડ્રૉપ લેવો પડ્યો એમાં સ્ટ્રીટ ફોટોગ્રાફી તરફ વધુ ડાઇવર્ટ થઈ ગયો. આ એક્સ્પીરિયન્સ બાદ ટ્રાવેલ ફોટોગ્રાફર બનવાની ઇચ્છા છે.’

બિહાઇન્ડ ધ કૅમેરા

નવ્યનીલ સેલ્ફ લર્નર છે. પ્રોફેશનલ કૅમેરા હૅન્ડલ કરતાં જાતે શીખ્યો છે. તે કહે છે, ‘ફોટોગ્રાફી માટેનું મારું જુનૂન જોઈને ત્રણ વર્ષ પહેલાં પેરન્ટ્સે કૅનન ૭૦૦ ડી કૅમેરા લઈ આપ્યો હતો. હમણાં પણ એ જ વાપરું છું. ફોટોગ્રાફીને લગતા કોર્સમાં રસ છે ખરો, પણ સર્ટિફાઇડ કોર્સની ફી ઘણી ઊંચી હોવાથી હાલમાં વિચાર અમલમાં મૂકી શકાય એમ નથી. નસીબજોગે છેલ્લા એક વર્ષથી મૅરેજ ઍન્ડ ઇવેન્ટ્સમાં ફોટોગ્રાફી માટે કામ મળવા લાગ્યું છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે જવાનું થાય ત્યારે ફ્રેન્ડ પાસેથી અથવા રેન્ટ પર કૅમેરા લાવવો પડે છે. આ ફીલ્ડમાં હજી ઘણા ઊંડા ઊતરવું છે. ફોટો જોઈને લોકો સમજી જાય કે બિહાઇન્ડ ધ કૅમેરા ફોટોગ્રાફર કોણ છે એ લેવલ સુધી પહોંચવું મારું ડ્રીમ છે. સપનાંઓ પૂરાં કરવાની દિશામાં એક ડગલું આગળ વધવા હાલમાં મારા પોતાના કૅપ્ચર કરેલા ફોટોગ્રાફ્સને મૅગેઝિનના રૂપમાં પ્રસ્તુત કરવાની તૈયારી ચાલે છે. એમાં દરેક ફોટો સાથે ઓછા શબ્દોમાં લખેલી સ્ટોરી પણ હશે.’

લાઇફ જર્ની

નવ્યનીલ લેઝી આઇની સમસ્યા છે. ડાબી આંખની તુલનામાં તેની જમણી આંખ ઘણી નબળી છે. આ કારણસર ફોટોગ્રાફીના ફીલ્ડમાં એન્ટ્રી લેવી તેના માટે સરળ નહોતી. તે કહે છે, ‘આંખમાં પૅચ પહેરતો હતો ત્યારે છ મહિના સુધી માઇગ્રેશનની સમસ્યા રહી હતી. મારી વીકનેસને સ્ટ્રેન્ગ્થમાં કન્વર્ટ કરવી ચૅલેન્જિંગ હતું, પરંતુ પછી યુઝ્ડ-ટૂ થઈ ગયું. હા, નાઇટ ફોટોગ્રાફી વખતે થોડું રિસ્ટ્રિક્શન આવે ખરું. બીજી આંખ પર વધુ સ્ટ્રેસ પડે અને બે-ત્રણ વાર શૉટ લેવા પડે એવું બને. જોકે નબળી દૃષ્ટિ ફોટોગ્રાફી સાથેની મારી લાઇફ જર્નીમાં અને પૅશનમાં રુકાવટ બને એ મને ક્યારેય મંજૂર નહોતું તેથી મૅનેજ કરી લઉં છું.’

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 01:10 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK