Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટિપ આપવામાં કોણ વધુ ચિંગૂસ?

ટિપ આપવામાં કોણ વધુ ચિંગૂસ?

05 September, 2022 04:07 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

વિદેશનો એક સર્વે કહે છે કે ટિપ આપવાની બાબતમાં પુરુષો બહુ ચિંગૂસ હોય છે, પણ શું ભારતમાં પણ એવું જ છે? અમે કેટલાંક સ્ત્રી-પુરુષોને પૂછી જોયું તો કંઈક જુદું જ જાણવા મળ્યું. ટિપની બાબતમાં સ્ત્રી-પુરુષોની કેવી ગણતરીઓ હોય છે એ આજે જાણવાનો પ્રયત્ન કરીએ

ટિપ આપવામાં કોણ વધુ ચિંગૂસ?

સ્પેશ્યલ સ્ટોરી

ટિપ આપવામાં કોણ વધુ ચિંગૂસ?


વર્ષો પહેલાંની એક વાત છે. એક ભારતીય સજ્જન અમેરિકા ફરવા ગયા. એક દિવસ ત્યાં તેઓ પોતાના એક મિત્ર સાથે રેસ્ટોરાંમાં જમવા ગયા. બિલ આવ્યું ૪૮ ડૉલર. તેમણે ખિસ્સામાંથી ૫૦ ડૉલરની નોટ કાઢી બિલ ચૂકવ્યું. વેઇટર કાઉન્ટર પર જઈ બાકીના બચેલા બે ડૉલર પાછા લઈ આવ્યો. આ બે ડૉલર પેલા સજ્જને વેઇટર માટે ટિપ તરીકે ટેબલ પર જ છોડી દીધા. જેવા તેઓ રેસ્ટોરાંમાંથી બહાર નીકળવા ગયા કે દરવાજા પાસે જ કાઉન્ટર પર બેઠેલા રેસ્ટોરાંના માલિકે તેમને મોઢું મચકોડીને તેમના બે ડૉલર પાછા આપી દીધા. આ જોઈ પેલા ભારતીય સજ્જન અચરજમાં મુકાયા. તેમણે પોતાના મિત્ર તરફ જોયું. તો તેમના અમેરિકન મિત્રે તેમને સમજાવ્યું કે અમેરિકા જેવા દેશોમાં ટિપ તરીકે બિલની કુલ રકમના ઓછામાં ઓછા ૨૦ ટકા આપવાની પ્રથા છે. એનાથી ઓછી ટિપને ત્યાંની રેસ્ટોરાંના માલિકો તથા વેઇટર્સ પોતાના અપમાન તરીકે જુએ છે. ૪૮ ડૉલરના બિલ પર અંદાજે ૧૦ ડૉલર જેટલી ટિપ આપવી પડે એ સાંભળી પેલા ભારતીય સજ્જનના આશ્ચર્યનો પાર ન રહ્યો. 

સદ્ભાગ્યે ભારતમાં આપણે આવી કોઈ પ્રથાનું પાલન કરવું પડતું નથી. આપણે ત્યાંના વેઇટર્સ ૧૦-૨૦ રૂપિયાની ટિપ પણ સ્વીકારી લેતા હોય છે, પરંતુ પ્રશ્ન એ છે કે ટિપ આપવાની સાચી રીત શું છે? ટિપ આપતી વખતે આપણે ભારતીયો કેવી કેવી ગણતરીઓ કરતા હોઈએ છીએ? સાથે જ ટિપ આપવાની બાબતમાં કોણ વધુ ઉદાર હોય છે, સ્ત્રીઓ કે પુરુષો? ચાલો આજે આ બાબત પર એક નાની ચર્ચા કરી લઈએ.



રાજસ્થાનના નાગોર ગામના દેરાવાસી જૈન વરુણ સમદારિયાએ ચાર વર્ષ પહેલાં બોરીવલીના મોક્ષ પ્લાઝામાં સ્કાઇડેક નામે પોતાની રેસ્ટોરાં શરૂ કરી હતી. દુર્ભાગ્યે ચાર મહિનામાં જ લૉકડાઉન આવતાં તેમણે એ બંધ કરી દેવી પડી, પરંતુ પોતાના એ ચાર મહિનાના અનુભવની વાત કરતાં વરુણ કહે છે, ‘હોટેલ-ઇન્ડસ્ટ્રી એ મૂળ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, પરંતુ પહેલાંની સરખામણીમાં આપણે ત્યાંના કસ્ટમર્સની હવે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો પાસેથી અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. રેસ્ટોરાંની જ વાત કરું તો હવે લોકો બહાર ખાવા જાય ત્યારે તેમની અપેક્ષા ફક્ત ફૂડ સારું હોય એટલી જ નથી રહી. ફૂડની સાથે એનું પ્રેઝન્ટેશન સારું હોય, હોટેલનું ઍમ્બિયન્સ સારું હોય, ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોય, લાઇટિંગ સારી હોય, સ્ટાફ મળતાવડો અને સારી સર્વિસ આપનારો હોય વગેરે જેવી અનેક બાબતો હવે લોકો ધ્યાનમાં લેતા થયા છે. સ્વાભાવિક રીતે ટિપની રકમ પર પણ આ બધી બાબતોની અસર પડતી જ હોય છે. તેમ છતાં મારું એક સામાન્ય નિરીક્ષણ એવું રહ્યું હતું કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વધુ ટિપ આપતા હોય છે, જેના મુખ્ય કારણ તરીકે મેં નોંધ્યું હતું કે મહિલાઓ સ્વભાવે જ ભોજન પ્રત્યે અતિ સંવેદનશીલ હોય. તેથી માત્ર મહિલાઓનું ગ્રુપ આવ્યું હોય ત્યારે તેઓ ખપ પૂરતું જ ઑર્ડર કરે, જ્યારે પુરુષો ભોજનની બાબતમાં અને એમાંય ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી સાથે હોય ત્યારે હંમેશાં જરૂર કરતાં વધુ ફૂડ ઑર્ડર કરે. આ જ વૃત્તિ ટિપ આપવાની બાબતમાં પણ જોવા મળે. ટિપ આપવાની બાબતમાં પણ મહિલાઓ કંજૂસ તો નહીં, પરંતુ ગણતરીબાજ ચોક્કસ હોય છે. જ્યારે પુરુષ પોતાની મન, મરજીનો માલિક હોય છે.’


ટિપ પાછળ ગણતરી


વરુણ સમદારિયા, દીપક શાહ અને મમતા શાહ

જાણે મહિલાઓનો બચાવ કરતાં હોય એમ ઘાટકોપરમાં રહેતાં ભાવનગરના દશા શ્રીમાળી મેકઅપ આર્ટિસ્ટ મમતા શાહ કહે છે કે, ‘આપણે ત્યાં મહિલાઓનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓનું હોટેલમાં ખાવા જવાનું મહદ્ અંશે પરિવારજનો સાથે બનતું હોય છે. તેથી હોટેલની પસંદગી પણ મોટા ભાગે આજે ફૅમિલી મેમ્બર્સને કયું ક્વિઝીન ખાવું છે એના આધારે જ થતી હોય છે. વળી ફૅમિલી સાથે ગયા હોઈએ ત્યારે બિલ ચૂકવવાની જવાબદારી પણ ઘરના પુરુષો જ સંભાળતા હોય છે. આવામાં તેઓ જે ટિપ આપે એ અમે માન્ય રાખીએ છીએ. બલકે આવા અવસરોએ મોટા ભાગે અમે મહિલાઓ કેટલું બિલ આવ્યું છે કે કેટલી ટિપ આપી છે એ પૂછતાં પણ નથી, પુરુષો પણ અન્ય દેશોની જેમ બિલની કુલ રકમના ચોક્કસ ટકા જેટલી ટિપ આપવા જેવી કોઈ પદ્ધતિ અનુસરતા નથી. બિલ ચૂકવ્યા બાદ પાછા આવેલા પૈસામાંથી જે ચેન્જ આવ્યું હોય એ તેઓ ટિપ તરીકે મૂકીને આગળ વધી જતા હોય છે. અમારે મહિલાઓએ એકલાં હોટેલમાં ત્યારે જ જવાનું બને જ્યારે અમારી કિટી પાર્ટી હોય. આવા વખતે અમે બિલની કુલ રકમ બધામાં સરખે ભાગે વહેંચી લઈએ અને વ્યક્તિદીઠ જે અમાઉન્ટ થયું હોય એનો રાઉન્ડ ફિગર કરી બાકીના પૈસા ટિપ તરીકે છોડી દઈએ. દા.ત. પર હેડ ૨૩૫ રૂપિયા આવ્યા હોય તો બધાં ૨૫૦ રૂપિયા કાઢી પોતપોતાના તરફથી બાકીના ૧૫ રૂપિયા ટિપ તરીકે રહેવા દઈએ. પુરુષો પોતાના પરિવાર સાથે ગયા હોય કે પોતાની બૉય્ઝ ગૅન્ગ સાથે, તેઓ આવી કોઈ ગણતરી કરતા નથી.’

અહીં મમતાબહેનની વાતમાં સૂર પુરાવતાં ચીરાબજારમાં રહેતાં અને અનુવાદક તરીકે કામ કરતાં અમદાવાદનાં દ્વિવેદી મેવાડા બ્રાહ્મણ અવની જોશી કહે છે, ‘ટિપ આપવાની બાબતમાં સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો ઉદાર નહીં, ઉડાઉ હોય છે. ટિપ આપતી વખતે તેમના મનમાં કોઈ લૉજિક હોતું નથી, પરંતુ અમે મહિલાઓ જેટલી કરકસરથી ઘર ચલાવીએ છીએ તેટલું જ લૉજિકલી વિચારી ટિપ પણ આપીએ છીએ, જેમ કે કિટી પાર્ટી કે સ્કૂલ અથવા કૉલેજ ફ્રેન્ડ્સના ગેટ-ટુગેધર માટે હોટેલમાં ગયાં હોઈએ ત્યારે ઘણી વાર અમારી સંખ્યા ૨૦-૨૫ને આંબી જતી હોય છે. આવામાં બધાંએ મળીને ખૂબ અવાજ કર્યો હોય, કિટી પાર્ટી હોય તો ગેમ્સ રમ્યાં હોઈએ, પોતપોતાની આવશ્યક્તા અનુસાર વેઇટરને આમતેમ દોડાવ્યો હોય વગેરે જેવું ઘણું બનતું રહેતું હોય છે. આવા વખતે અમે વ્યક્તિદીઠ ૫૦-૭૫ રૂપિયા ગણીને ટિપ તરીકે ૧૨૦૦-૧૫૦૦ રૂપિયા આપ્યા હોવાનું પણ ઘણી વાર બન્યું છે. અલબત્ત, આટલી મોટી ટિપ આપવા પાછળ લૉજિક છે, ઉદારતા કે ઉડાઉ વર્તન નહીં.’ 

સર્વિસ ચાર્જ કાપીને ટિપ 

ભારતમાં ટિપ આપતી વખતે બીજી જે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ છે સર્વિસ ચાર્જ. આ બાબતે વાત કરતાં ખારનિવાસી માંગરોળના શ્રીમાળી માંગરોળ વૈષ્ણવ દીપક શાહ કહે છે કે, ‘ભારતમાં હવે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ફરજિયાત થઈ ગયો છે. મોટા ભાગની વસ્તુઓથી માંડી દરેક પ્રકારની સેવા માટે આપણે જીએસટી ચૂકવીએ જ છીએ. તેમ છતાં કેટલીક રેસ્ટોરાં પોતાના બિલમાં જીએસટી ઉપરાંત અલગથી સર્વિસ ચાર્જ પણ ફરજિયાત લગાડી લોકોને છેતરતી હોય છે. કાયદાકીય રીતે આ ગેરકાનૂની છે. સર્વિસ ચાર્જ આપવો કે ન આપવો એ કસ્ટમરની મરજી છે. તેમને સર્વિસ ન ગમે તો તેઓ એ રદ પણ કરાવી શકે છે, પરંતુ આપણે ત્યાં લોકોમાં આ બાબતે જોઈએ એટલી જાગૃતિ ન હોવાથી હોટેલના માલિકો એનો ગેરફાયદો ઉઠાવે છે. તેથી હું કે મારા મિત્રો જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે બિલને હંમેશાં ઝીણવટપૂર્વક જોઈએ છીએ. એમાં સર્વિસ ચાર્જ લગાડવામાં આવ્યો હોય તો મૅનેજરને બોલાવી આગ્રહ કરીને એ કૅન્સલ કરાવીએ છીએ. ત્યાર બાદ ઉદારતાપૂર્વક ટિપ આપવામાં અમને કોઈ વાંધો નથી, કારણ સર્વિસ ચાર્જ તરીકે જે ફન્ડ એકઠું થાય છે એ આખરે હોટેલના માલિકના ગજવામાં જાય છે, પરંતુ આપણે જે ટિપ આપીએ છીએ એ વેઇટર્સને મળે છે. વેઇટર્સનો પગાર બહુ ઓછો હોય છે, એમ છતાં આપણને જોઈતી બધી સર્વિસ તો તેઓ જ પૂરી પાડે છે. તેથી તેમનું મન રાજી રહે એ માટે બિલની કુલ રકમના ૫-૧૦ ટકા ટિપ તરીકે આપવા જ જોઈએ એવું મારું માનવું છે.’

અવની જોશી

`ટિપ આપવાની બાબતમાં સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો ઉદાર નહીં, ઉડાઉ હોય છે. ટિપ આપતી વખતે તેમના મનમાં કોઈ લૉજિક હોતું નથી` : અવની જોશી

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2022 04:07 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK