° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાયેંગે ઐસા લગતા હૈ

21 October, 2020 03:49 PM IST | Mumbai | Pankaj Udhas

દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાયેંગે ઐસા લગતા હૈ

પહેલું આલબમ મારું ‘આહટ’ અને બીજું આલબમ ‘મુકર્રર’.

પહેલું આલબમ મારું ‘આહટ’ અને બીજું આલબમ ‘મુકર્રર’.

આપણે વાત કરીએ છીએ ‘ખઝાના’ની. ગઝલના આ ફેસ્ટિવલનો શુભારંભ થયો ત્યારે હું સાવ નવો-સવો. ૧૯૮૦માં મારું પહેલું આલબમ આવ્યું અને એ પછીના વર્ષે મ્યુઝિક ઇન્ડિયાએ ‘ખઝાના’નો શુભારંભ કર્યો. પહેલા ફેસ્ટિવલની તારીખ મને આજે પણ યાદ છે.
૧પ ઑગસ્ટ. ૧પમીએ પ્રારંભ અને ૧૭મીએ રાતે ફેસ્ટિવલ પૂરો. ત્રણ દિવસનો આ પ્રોગ્રામ હતો. ડેટ યાદ હોવાનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ મારા પિતાશ્રી પણ છે. કેવી રીતે એની જ ચર્ચા આપણે હવે કરીશું, પણ એ પહેલાં આપણે વાત કરીએ ૧૯૮૧ની ૧પ ઑગસ્ટના ‘ખઝાના’ના પહેલા દિવસની.
પહેલો ‘ખઝાના’ આપણી તાજ હોટેલમાં રાખવામાં આવ્યો હતો. એ સમયે મારી પાસે ફિએટ કાર હતી. એ કાર જાતે ચલાવીને હું અને મારી વાઇફ ફરીદા અમે બન્ને હોટેલ પર પહોંચ્યાં અને પછી હું સીધો ડ્રેસિંગરૂમમાં ગયો. પહેલા ફેસ્ટિવલમાં ખૂબ ઉમદા અને સિનિયર કહેવાય એવા કલાકારો પર્ફોર્મન્સ આપવાના હતા. એકેક નામ એવાં હતાં જે સાંભળીને જ આપણું દિલ ખુશ થઈ જાય. રાજેન્દ્ર મહેતા, અહમદ હુસેન-મહમદ હુસેન, અનુરાધા પૌડવાલ, તલત અઝીઝ, ભૂપિન્દર સિંહ અને મિતાલી, અનુપ જલોટા, ચંદનદાસ અને એવા જ બીજા ૨૦થી ૨પ જેટલા ગઝલગાયકો કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, કાર્યક્રમનું સંચાલન એ સમયના જાણીતા કવિ હસન કમાલને સોંપવામાં આવ્યું હતું.
આમ તો હું આ બધા કલાકારોનો બહુ મોટો ફૅન, બધા કલાકારો મારા પ્રિય, પણ ભૂપિન્દર સિંહ મને અનહદ ગમે. તેમની ખૂબ બધી ગઝલો મેં સાંભળી હતી. તેમણે ગાયેલાં ફિલ્મી ગીતો પણ મારાં ફેવરિટ. હોટેલ પહોંચીને હું ડ્રેસિંગરૂમમાં ગયો તો મને ત્યાં ભૂપિન્દર સિંહ મળ્યા. તેમની સાથે ખૂબ વાતો કરી, આનંદથી તેમને માણ્યા અને એ પછી બધાએ સાથે નક્કી કર્યું કે ‘ખઝાના’ના મોટા ભાગના કલાકારોમાં પંકજ ઉધાસ નવા કલાકાર છે એટલે આપણે શરૂઆત તેમનાથી કરીએ. વાત સાચી હતી, ગઝલના ક્ષેત્રમાં મારી પાપા પગલી જ કહેવાય. મને કહેવામાં આવ્યું કે આપણે આ ફેસ્ટિવલની શરૂઆત તમારાથી કરીએ છીએ. મારે પર્ફોર્મ કરવાનું હતું એ તો નક્કી જ હતું એટલે મારી તૈયારીઓ પણ થઈ ગયેલી. મેં ફાઇનલ તૈયારીઓનો પ્રારંભ કર્યો. પહેલા દિવસે કાર્યક્રમ થોડો વહેલો શરૂ થયો.
સાંજે સાડાસાત વાગ્યે.
સ્ટેજ ગોઠવાઈ ગયું, માહોલ બની ગયો અને ઑડિયન્સ પણ આવી ગયું હતું. એ વખતે એવું હતું કે આ પ્રકારનું સંગીત જમીન પર બેસીને બેઠકના સ્વરૂપમાં સાંભળવામાં આવતું એટલે બોલરૂમમાં ગાદી-તકિયા ગોઠવાયા હતાં, જેના પર આવીને લોકો ગોઠવાઈ ગયા હતા. થોડી અનાઉન્સમેન્ટ અને એ પછી મારું નામ અનાઉન્સ કરવામાં આવ્યું અને હું સ્ટેજ પર જઈને બેઠો. મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ જાણીતા ગઝલગાયકોની ગઝલ ગાવી નહીં, એ જ ગાવું જે મારું પોતાનું હોય અને લક્કીલી મારાં બે આલબમ આવી ગયાં હતાં. એક તો ‘આહટ’ અને બીજું તો એ જ દિવસે આવેલું ‘મુકર્રર’. આ બન્ને આલબમોની મોટા ભાગની ગઝલો મને અંગત રીતે ખૂબ પસંદ હતી તો સાથોસાથ એ પણ ખૂબ સારું હતું કે ‘આહટ’ની બધી રચનાઓ પણ લોકોને ખૂબ ગમી હતી. કાર્યક્રમની શરૂઆત મેં મારી જ ગાયેલી મુમતાઝ રાશિદની એક બહુ જાણીતી રચનાથી કરી...
‘પત્થર સુલગ રહે થે કોઈ નક્શે-પા ન થા
હમ જિસ તરફ ચલે થે, ઉધર રાસ્તા ન થા...’
કમાલનું ઑડિયન્સ હતું, બધા ખુશ-ખુશ થઈ ગયા. ગઝલ, એના શબ્દો અને વચ્ચે-વચ્ચે હસન કમાલની ટિપ્પણીઓ, તેમણે ચૂંટી રાખેલા શેર આવે એટલે વાતાવરણમાં જબરદસ્ત ઉછાળો આવે. એ સમયે જે શેર આવી રહ્યા હતા, જે શાયરીઓ હતી એ કોઈએ અગાઉ પણ સાંભળી નહોતી એટલે બધાને ખરેખર જલસો પડી ગયો.
પરછાઇયોં કે શહર મેં તન્હાઇયાં ન પૂછ
અપના શરીકે-ગમ કોઈ અપને સિવા ન થા
આ શબ્દો મુંબઈ શહેરનું બયાન છે, માણસ પોતાની જાતને કેટલો એકલો માને છે કે એ આ શહેરમાં એકલો પડી ગયો છે અને હવે એકલતા સિવાય તેની પાસે કશું બચ્યું નથી. એકલતા વચ્ચે પડછાયાને પોતાનો સાથી માનવાની નોબત આવી ગઈ છે.
આ ગઝલ પૂરી કરીને મેં સહેજ હળવાશ અનુભવી. જોકે એ હળવાશ માત્ર આ કાર્યક્રમ પૂરતી સીમિત હતી, કારણ કે મારા મનમાં, મારી આંખો સામે બીજી એક જગ્યાનું દૃશ્ય સતત ચાલ્યા કરતું હતું.
મેં બીજી ગઝલની શરૂઆત કરી.
મારી ખૂબ જ પૉપ્યુલર થયેલી એ ગઝલના શબ્દો હતા...
‘દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ,
હમ ભી પાગલ હો જાયેંગે ઐસા લગતા હૈ...’
ગઝલના મુખડા સાથે જ ઑડિયન્સ ઝૂમી ઊઠ્યું, એને મજા આવી ગઈ. મુખડું પૂરું કરીને હું પહેલા અંતરા પર આવ્યો અને હજી તો પહેલો શેર ગયો હશે ત્યાં ‘ખઝાના’ના ઑર્ગેનાઇઝર એવા મ્યુઝિક ઇન્ડિયાના એક સ્ટાફ-મેમ્બર બૅકસ્ટેજથી ફ્રન્ટમાં મારી પાસે આવ્યા અને હળવેકથી મારા કાનમાં કહ્યું, ‘તમારા પિતાજીની તબિયત બહુ જ ખરાબ છે, તમે તાત્કાલિક ભાટિયા હૉસ્પિટલ પહોંચો.’
હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે જીવનમાં કોઈ પણ કલાકારને આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે, ક્યારેય નહીં. એ સમય ખૂબ વસમો હોય છે. એ સમયે તમારા મનમાં એકસાથે અઢળક વિચારો આવી જાય છે અને તમારે નક્કી કરવાનું આવે છે કે હવે આગળ શું કરવું. એ સમયે પણ મારે જ નક્કી કરવાનું હતું કે હવે શું કરવું.
ઊભો થઈને ચાલતો થાઉં કે પછી મારું જે કામ છે એ પૂરું કરીને હું જાઉં?

એક બહુ જૂની કહેવત છે, જેને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ખૂબ સરસ રીતે દેખાડી હતી અને એ પછી તો એ કહેવત ખૂબ જાણીતી પણ થઈ...
‘Whatever may happen, Show must go on.’
તમારો શો, તમારો કાર્યક્રમ તમે અટકાવીને બંધ ન કરી શકો. ચૅલેન્જ આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ પણ પડે, પણ તમારો શો અટકવો ન જોઈએ. આર્ટિસ્ટના જીવનની આ બહુ મોટી ચૅલેન્જ કહેવાય, કશ્મકશ કહેવાય. કાનમાં પેલા ભાઈના શબ્દો ગુંજતા હતા અને મોઢામાં ગઝલ ચાલતી હતી. સામે ઑડિયન્સ હતું, જે સતત દાદ આપતું હતું. ક્ષણવારમાં જ નિર્ણય લેવાનો હોય છે આવી ઘડીઓમાં, મેં નક્કી કર્યું કે મારી ફરજ છે કે ‘ખઝાના’ના કાર્યક્રમના પહેલા દિવસના આ કાર્યક્રમ વચ્ચેથી ઊભા ન થવું, આ એક કલાકારને શોભા નહીં દે.
ગઝલ આગળ વધારી અને આગળ વધતી ગઝલ સાથે આંસુઓને પણ મનમાંથી ઉડાડવાનું કામ શરૂ કર્યું. મન રડતું હતું અને ચહેરા પર ઑડિયન્સ માટે આછું સ્માઇલ હતું. દિલમાં પીડા હતી અને જીભ પર શબ્દો પણ ભારોભાર પીડાભર્યા જ હતા...
‘કિસ કો પત્થર મારું કૈસર, કૌન પરાયા હૈ
શીશ-મહલ મેં ઇક-ઇક ચેહરા અપના લગતા હૈ
હા, એ ક્ષણ એવી જ હતી. દિલ અને દિમાગ વચ્ચે કોઈ જાતનો તાલમેલ ન રહે અને શરીરનાં બધાં અંગો એકમેક સાથેનું સંગઠન છોડીને પોતપોતાની રીતે કામ કરવા માંડે એવો એ ઘાટ હતો. મેં ગઝલ પૂરી કરી. એ સમયની પીડા અને એ સમયની વેદના આજે પણ મારા મનમાં અકબંધ છે.
આનંદની વસમી ઘડી ઃ પહેલું આલબમ મારું ‘આહટ’ અને બીજું આલબમ ‘મુકર્રર’. આ બીજું આલબમ મારા હાથમાં આવ્યું એ સમયે મારા પિતાશ્રી સિરિયસ અવસ્થામાં હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા.

 (એ વસમી ઘડીની આગળની વાતો અને ‘ખઝાના’ની બીજી વાતો કરીશું આપણે આવતા બુધવારે.)

21 October, 2020 03:49 PM IST | Mumbai | Pankaj Udhas

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK