Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક દિવસ એવું શું બન્યું કે મનમોહન દેસાઈએ ગુસ્સામાં પુત્ર કેતનને ખખડાવી નાખ્યો?

એક દિવસ એવું શું બન્યું કે મનમોહન દેસાઈએ ગુસ્સામાં પુત્ર કેતનને ખખડાવી નાખ્યો?

10 June, 2023 04:30 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

‘મર્દ’માં દારા સિંહ ઘોડેસવારી કરતા ઍરોપ્લેનને દોરડું નાખીને ઊભું રાખે છે એ દૃશ્ય જોઈ પ્રેક્ષકો સીટી મારશે એની તેમને પૂરી ખાતરી હતી.

એક દિવસ એવું શું બન્યું કે મનમોહન દેસાઈએ ગુસ્સામાં પુત્ર કેતનને ખખડાવી નાખ્યો?

વો જબ યાદ આએ

એક દિવસ એવું શું બન્યું કે મનમોહન દેસાઈએ ગુસ્સામાં પુત્ર કેતનને ખખડાવી નાખ્યો?


I do not always know what I want, but I do know what I don’t want. - Stanely Kubrik (Hollywood film maker)

એક સફળ ડિરેક્ટર પોતાની ફિલ્મમાં શું જોઈએ છે એ બાબતમાં અસમંજસમાં હોઈ શકે પરંતુ શું નથી જોઈતું એ બાબતમાં ચોક્કસ હોય છે. મનમોહન દેસાઈ પણ પોતાની ફિલ્મોની ટ્રીટમેન્ટની બાબતે કોઈ પણ જાતની દ્વિધામાં નહોતા. જે પ્રેક્ષક ત્રણ કલાક માટે મનોરંજનની તલાશમાં થિયેટરમાં આવે છે તેને એક ક્ષણ માટે પણ જો કંટાળો આવે તો એના જેવું કોઈ પાપ નથી એમ તેમનું માનવું હતું. તેમના માટે ‘કૉમન મૅન’ રાજા હતો અને રાજાને નારાજ કરવો તેમને પોસાય એમ નહોતું. આ કારણે જ તેમની ફિલ્મોમાં તર્કને નહીં, ગતકડાને વધારે મહત્ત્વ આપવામાં આવતું. 



તેમની પાસે દરેક તર્કનો જવાબ પણ હાજર હતો. ‘મર્દ’માં દારા સિંહ ઘોડેસવારી કરતા ઍરોપ્લેનને દોરડું નાખીને ઊભું રાખે છે એ દૃશ્ય જોઈ પ્રેક્ષકો સીટી મારશે એની તેમને પૂરી ખાતરી હતી. એ દિવસોમાં એક જાહેરાત ખૂબ લોકપ્રિય હતી. બાળક દૂધ પીવાની ના પાડે  ત્યારે મા કહે, ‘દૂધ પીશ તો દારા સિંહ જેવો બળવાન થઈશ.’ આ સાંભળી બાળક મનોમન પરાક્રમનાં સપનાં જોતો રાજીખુશીથી દૂધ પી લેતો અને જ્યારે પડદા પર એ સપનાં સાકાર થાય ત્યારે બાળક અને માબાપ તાળીઓ અને સીટીથી એને વધાવી લેતાં. મનમોહન દેસાઈ કહેતા, ‘આ તો સિમ્બૉલિક સીન છે. દારા સિંહ તો બળનું પ્રતીક છે.’ 


આ જ ફિલ્મમાં એક સ્ત્રી વાઘને નમસ્કાર કરે છે ત્યારે વાઘ પાછળ ફરીને એ સ્ત્રીને નમસ્કાર કરે છે. ‘આવું કદી શક્ય નથી’ એવી ટીકા કરનાર લોકોને તેમણે મહાભારતનો પ્રસંગ ટાંકીને ચૂપ કરી દીધા હતા. તેમની સેલ્સમૅનશિપ જબરી હતી. એમ કહેવાય કે તે સપનાંના સોદાગર હતા. પ્રામાણિકતાથી એક ટિકિટમાં અનેક સપનાંઓ વેચવાનો ધંધો કરતા મનમોહન દેસાઈ કદી એવો દાવો નહોતા કરતા કે હું ‘ક્લાસિક’ ફિલ્મ બનાવું છું. હા, જેમ હોટેલનો માલિક પોતાની હોટેલમાં જમતો નથી એમ મનમોહન દેસાઈને પોતાની નહીં, આર્ટ ફિલ્મો જોવાનો શોખ હતો. ‘અર્ધસત્ય’ તેમને ખૂબ ગમી હતી. એમ છતાં તેઓ એ રસ્તે કદી નથી જવાના એ બાબતે પણ એટલા જ સ્પષ્ટ હતા. ભારતની અલગ-અલગ જાતિના સામાન્ય જન તેમનું ઑડિયન્સ હતું અને તેમના માટે જ તેમણે ફિલ્મો બનાવી. 

ગયા અઠવાડિયે મિત્ર ગુડ્ડુ શર્માએ મનમોહન દેસાઈ અને ફિલ્મ ‘સુહાગ’ની અનેક રસપ્રદ વાતો શૅર કરી હતી એ આપ સૌએ વાંચી. ‘સુહાગ’ શર્મા બંધુઓની પહેલી અને અંતિમ ફિલ્મ હતી. એનું શું કારણ હતું એ પ્રશ્નનો જવાબ આપતાં તે કહે છે, ‘અમારી ઇચ્છા હતી કે ફિલ્મોનું નિર્માણ કરીએ, પરંતુ પહેલી જ ફિલ્મમાં એક વાતની પ્રતીતિ થઈ કે આ અમારું કામ નથી. સતત તમે ટેન્શનમાં જ રહો, દોડધામ કરો અને ખર્ચનો કોઈ હિસાબ ન રહે ત્યારે એમ થાય કે બસ, હવે બહુ થયું. ભલે અમને પૈસા મળ્યા પરંતુ એક અનુભવ લેવો હતો એ લઈ લીધો. અમિતાભ બચ્ચન, શશી કપૂર, મનજી, દરેક કહે કે તમે શા માટે આગળ નથી વધતા; પરંતુ એ શક્ય નહોતું. મનજી સાથે અમારે છેવટ સુધી સારા સંબંધ હતા. ખારમાં અમારા બંગલા પર ઘણી વાર આવતા. અમારો વિશાળ ડ્રોઇંગ રૂમ જોઈ કહેતા, ‘અહીં તો એક હેલિકૉપ્ટર લૅન્ડ થઈ શકે. મેં સ્વપ્નલોકમાં ફ્લૅટ લઈ ભૂલ કરી. મારે બંગલો લેવો જોઈતો હતો.’ જોકે તેમને ખેતવાડીનું વળગણ હતું. તેમને ત્યાંના શોરગુલ અને ગિરદીવાળું વાતાવરણ જીવંત લાગતું. એટલે બે વર્ષ ‘સ્વપ્નલોક’માં રહીને ‘મને આ ફાઇવસ્ટાર હોટેલમાં નહીં ફાવે, અહીંથી કોઈ માણસ દેખાતો નથી’ એમ કેતનને (પુત્ર) કહીને ખેતવાડીમાં આવી ગયા. મનજી બોલચાલમાં ભલે ગાળો આપીને વાત કરતાં પરંતું એ અપશબ્દોમાં પણ તેમનો પ્રેમ છલકાતો. એમની પાસેથી ઘણું શીખવા જેવું હતું.’  


ગુડ્ડુ શર્મા પાસેથી મનમોહન દેસાઈ અને ઇન્ડસ્ટ્રીની અનેક ‘ઑફ ધ રેકૉર્ડ’ વાતો જાણવા મળી. આપણને રસ છે તેમના સ્વભાવનો કલાઇડોસ્કોપ જોવામાં, જે તેમના એક નિખાલસ ઇન્ટરવ્યુમાં દેખાઈ આવે. ‘હું ‘આર્ચી’ કૉમિક્સનો શોખીન છું. મને ‘ટૉમ ઍન્ડ જેરી’નાં કાર્ટૂન ખૂબ ગમે. જે રીતે ઉંદર બિલાડીથી બચવા એક પછી એક યુક્તિ અજમાવે એ જોવાની મજા પડે. મને એમાંથી ચેઝ સીક્વન્સની પ્રેરણા મળે. ‘મર્દ’નો વિચાર મને ‘ફૅન્ટમ’ પરથી આવ્યો. મને થાય એક પાનવાળો, ડબ્બાવાળો કેમ હીરો ન બની શકે. સ્ટેશન પર કૂલીઓને જોતાં-જોતાં મનમાં થયું કેવા એકમેકને મદદ કરે છે, હળીમળીને રહે છે, લોકોનો બોજ ઉપાડે છે. અને મેં ફિલ્મ બનાવી ‘કૂલી’, જે મારા જીવનની મોટામાં મોટી હિટ ફિલ્મ હતી. દિલ્હીમાં એમના માટે સવારના સાત વાગ્યાના શો રાખ્યા હતા. દરેક કૂલી પોતાનો લાલ ડ્રેસ પહેરીને આવતા.’

મનમોહન દેસાઈના મનપસંદ સંગીતકાર હતા નૌશાદ અને શંકર જયકિશન. તેમની ફિલ્મોમાં ગીતસંગીત લોકપ્રિય બને એ વાતનો તે ખાસ ખ્યાલ રાખતા. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘લક્ષ્મીકાન્ત પ્યારેલાલ સાથે કામ કરવાની મજા આવી. આજકાલ અનુ મલિક મારી ફિલ્મોમાં સંગીત આપે છે. એનું કારણ એટલું જ કે અમે અહીં ખેતવાડીમાં કામ કરીએ. પહેલાં  ગીતના સિટિંગ્સ માટે મારે દૂર પરામાં જવું પડતું. આવવા-જવામાં ત્રણ-ચાર કલાક વીતી જાય. એ લોકો એટલા બિઝી છે કે ધાર્યું કામ ન થાય. મારે મારી સગવડ પ્રમાણે, મારા સમયે કામ કરવું છે. મારે લાઇનમાં ઊભું નથી રહેવું. મારા કલાકારો, ટેક્નિશ્યન્સ, દરેક સાથે હું આ જ સિદ્ધાંતથી કામ કરું છું. પૂરતા પૈસા આપ્યા પછી મારી ઇચ્છા પ્રમાણે, મારા સમયે કામ થાય તો જ મને મજા આવે.
જેની સાથે મારું ટ્યુનિંગ છે તેને હું મારી ફિલ્મોમાં રિપીટ કરું છું. મને હસતાં-રમતાં ફિલ્મો બનાવવી ગમે છે. હું ગાળો બોલું છું પણ કોઈને ખોટું નથી લાગતું, કારણ કે સૌને ખબર છે કે મારા દિલમાં તેમના માટે પ્રેમ સિવાય બીજું કશું નથી. હું સારું કે ખરાબ, જે હોય તે મોઢા પર જ કહી દઉં. મને પાછળથી કોઈનું બૂરું બોલવાની આદત નથી. કેતન મહેતા, શ્યામ બેનેગલ સારી ફિલ્મો બનાવે છે. ‘તમસ’ કેવળ મનોરંજક નથી, અદ્ભુત ફિલ્મ છે. ગોવિંદ નિહલાણીને બુકે મોકલાવીને મેં અભિનંદન આપ્યાં. એનો અર્થ એમ નહીં કે Serious cinema is a great cinema. કોઈ આર્ટ ફિલ્મ સારી ન હોય તો પ્રોડ્યુસરને સામે જ કહી દઉં. અમે પણ ઘણી બકવાસ ફિલ્મો બનાવીએ છીએ. મારું સપનું છે ‘લવ સ્ટોરી ઑફ અ કૉલગર્લ’ બનાવું. મારી ઇચ્છા ‘લવ બર્ડ્સ’ બનાવવાની છે. જોઈએ શું થાય છે. હું નહીં તો મારો દીકરો ચોક્કસ બનાવશે.’ 

મનમોહન દેસાઈનો પુત્ર કેતન દેસાઈ ૧૮ વર્ષનો હતો ત્યારથી પિતાના અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. શમ્મી કપૂરની પુત્રી કંચન સાથે તેનાં લગ્ન થયાં છે. શમ્મી કપૂર અને મનમોહન દેસાઈની મૈત્રીની શરૂઆત ‘બ્લફ માસ્ટર’ના દિવસોથી હતી. બન્યું એવું કે અડધી ફિલ્મ થઈ અને ડિસ્રિા બ્યુટર્સની માગ આવી કે ફિલ્મ ટેક્નિકલરમાં હોવી જોઈએ. એ દિવસોમાં શમ્મી કપૂરની ‘જંગલી’ કલરમાં બની અને હિટ થઈ. સુભાષ દેસાઈ પૈસાની ખેંચમાં હતા. પૂરી ફિલ્મ નવેસરથી કલરમાં બને એવી શક્યતા નહોતી. શમ્મી કપૂરની મદદથી માંડ-માંડ એ ફિલ્મ પૂરી થઈ. જ્યારે મનમોહન દેસાઈ બે વર્ષ કામ વિનાના હતા ત્યારે શમ્મી કપૂરે ‘બદતમીઝ’ અપાવી, જે લોકપ્રિય થઈ અને મનમોહન દેસાઈની ગાડી આગળ વધી.  એક ઇન્ટરવ્યુમાં કેતન દેસાઈ કહે છે, ‘મારાં અને કંચનનાં અરેન્જ્ડ મૅરેજ છે. શમ્મી અંકલ અને પપ્પા સારા મિત્રો છે. એક દિવસ પપ્પા કહે, ‘શી ઇઝ રાઇટ ગર્લ ફૉર યુ, પ્રોવાઇડેડ શી અગ્રીઝ. તેનો ઉછેર ફિલ્મી વાતાવરણમાં નથી થયો.’ 

અમે બંને મિડલ ક્લાસ વૅલ્યુઝમાં માનીએ છીએ. મારી માતાનું અવસાન થયું ત્યારે હું નાનો હતો એટલે હું પપ્પાની ખૂબ નજીક છું. માતાની ઇચ્છા હતી કે હું ડૉક્ટર કે વકીલ બનું પણ મને સંગીતમાં રસ હતો. હું ગિટાર વગાડતો. ૧૮ વર્ષનો હતો ત્યારે ઘરમાં કોઈ નહોતું એટલે મહેફિલ કરી, જેમાં મ્યુઝિશ્યન્સ સાથે બારગર્લ્સ ડાન્સ કરતી હતી. અચાનક મમ્મી-પપ્પા આવ્યાં. આ ધમાલ જોઈ પપ્પાએ ગુસ્સામાં મને ખખડાવી નાખ્યો, What is this nonsense? આ ઘર છે, કોઠો નથી.’ મને અલ્ટિમેટમ આપતાં કહે, ‘કાં તો મ્યુઝિશ્યન બન અથવા ફિલ્મમાં આવ.’ અને હું તેમનો અસિસ્ટન્ટ બન્યો. મને એ વાતનું અભિમાન છે કે હું મનમોહન દેસાઈનો પુત્ર છું.’ આવતા શનિવારે મનમોહન દેસાઈ ‘ધ ફૅમિલી મૅન’ના અંગત જીવનના ચડાવ-ઉતારની વાતો સાથે આ શ્રેણીનું સમાપન કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 04:30 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK