Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ત્રણ મહિનામાં બજાર ક્યાંથી ક્યાં

ત્રણ મહિનામાં બજાર ક્યાંથી ક્યાં

29 June, 2020 05:11 PM IST | Mumbai
Jayesh Chitalia

ત્રણ મહિનામાં બજાર ક્યાંથી ક્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બજાર ક્યારે અને કયા કારણે ઘટે કે વધે એ કળી શકાય એવું નથી, સતત ગ્લોબલ કારણો ટૂંકા ગાળાની અસરમાં બજારને ઉપર-નીચે કરતાં રહ્યાં છે અને આવું વલણ જ હાલ ચાલુ રહેવાની શક્યતા ઊંચી છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો અગાઉ કરતાં વધુ સક્રિય અને લેવાલ બનવા લાગ્યા છે, ભારતીય ઇક્વિટી માર્કેટ છેલ્લા ત્રણ મહિનામાં રિકવરીના મામલે શ્રેષ્ઠ સાબિત થઈ છે. જો કે હજી ઘણા પડકાર ઊભા હોવાથી સાવચેતી જરૂરી હોવાથી પ્રોફિટ બુકિંગ મહત્ત્વનું સૂત્ર બનશે.

ગયા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારનો આરંભ પૉઝિટિવ થયો હતો. સેન્સેક્સ ૩૫૦૦૦ની નજીક અને નિફ્ટી ૧૦૩૦૦ આસપાસ સવારના પ્રથમ તબક્કામાં જ થઈ ગયા હતા. આ બન્ને ઇન્ડેકસની ઊંચાઈનો  ઘણોખરો  ભાર રિલાયન્સે જ ઊંચકયો હતો. જેનું માર્કેટ કૅપ પ્રથમવાર ૧૫૦ અબજ ડૉલરને પાર કરી ગયું હતું. સોમવારે સેન્સેક્સ ગ્લોબલ સંકેતને પગલે ૪૦૦ પૉઇન્ટ સુધી ઊંચે જઈ અંતમાં પ્રોફિટ બુકિંગને પરિણામે ૧૭૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૬૬ પૉઇન્ટ પ્લસ સાથે ૧૦૩૧૧ બંધ રહ્યો હતો. હાલ કંઈક અંશે કોવિડ-19ના વધવાના ભય વચ્ચે પણ ભારતીય ફાર્મા કંપનીઓ દ્વારા કોવિડના ઇલાજની આવી રહેલી દવા પૉઝિટિવ ભૂમિકા ભજવી રહી છે. મંગળવારે બજારમાં રિકવરીનો સતત ચોથો દિવસ હતો, તમામ સેક્ટરમાં વ્યાપક લેવાલી અને પૉઝિટિવ ગ્લોબલ સંકેતોની અસર હતી, જેને લીધે સેન્સેક્સ ૫૧૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૬૦ પૉઇન્ટ જેટલો વધીને બંધ રહ્યો હતો. નિફ્ટીએ ૧૦૪૫૦ની સપાટી વટાવી લીધી હતી, જ્યારે સેન્સેક્સ ૩૫૪૦૦ ઉપર ટકી રહ્યો હતો. સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેકસ પણ વધ્યા હતા.



કોરોનાનો ભય હજી ઊભો છે


બુધવારનો બજારનો આરંભ પણ પૉઝિટિવ થયો હતો. સેન્સેક્સ ૨૦૦ પૉઇન્ટ ઊછળીને ૩૬૦૦૦ તરફ જવાની ચાલ બતાવતો હતો. જોકે બપોરે ૧૨ પહેલાં તો માર્કેટમાં કરેક્શન પણ શરૂ થઈ ગયું હતું, જે થોડા સમય બાદ ફરી રિકવરી અને કરેક્શનમાં પલટાતું રહ્યું હતું. અર્થાત સતત ટ્રેડિંગ- લે-વેચ ચાલુ હોવાનું પ્રતિત થતું હતું. કોરોનાનું ઇન્ફેકશન ગ્લોબલ સ્તરે ફેલાઈ રહ્યું હોવાના અહેવાલે બજારમાં ડાઉનટર્ન આવ્યો હતો, જોકે પ્રોફિટ બુકિંગ પણ એક મહત્ત્વનું કારણ હતું. અંતમાં  સેન્સેક્સ ૫૬૧ પૉઇન્ટ તૂટીને ૩૪૮૬૮ અને નિફ્ટી ૧૬૫ પૉઇન્ટ ઘટીને ૧૦૩૦૫ બંધ રહ્યો હતો. ગુરુવારે ગ્લોબલ સંકેત નબળાં હોવા છતાં ભારતીય માર્કેટ પૉઝિટિવ ખૂલ્યું હતું. કિન્તુ બપોર સુધીમાં તે બુધવારની જેમ નેગેટિવ થઈ ગયું હતું. માર્કેટને ૩૫૦૦૦ કે ૧૦૦૦૦ ઉપરનું લેવલ ડાઇજેસ્ટ થતું નથી, જેથી કાં તો ઘટાડાનું કોઈ કારણ આવી જાય છે અથવા પ્રોફિટ બુકિંગ આવી જાય છે. ગુરુવારનું માર્કેટ સતત વોલેટાઇલ રહ્યું હતું, યુએસમાં કોરોનાના કેસ વધવાથી  અને ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ ગ્લોબલ ગ્રોથમાં પાંચ ટકાના ઘટાડાની વ્યક્ત કરેલી ધારણાની પણ અસર થઈ હતી. ભારત માટે પણ આઇએમએફ તરફથી ગ્રોથ આઉટલુક બદલાયો હતો અને ઇન્ફેક્શનના કેસ વધવાની ભીતિ વ્યક્ત થતાં બજાર અંતમાં નબળું પડી  ગયું હતું. જોકે સેન્સેક્સ માત્ર ૨૬ પૉઇન્ટ ઘટીને ૩૫૦૦૦ નીચે અને નિફ્ટી માત્ર ૧૬ પૉઇન્ટ ઘટીને ૧૦૩૦૦ નીચે બંધ રહ્યા હતા.

બજારનું વધુ ધ્યાન


આર્થિક પ્રવૃત્તિઓ પર

શુક્રવારે ફરી બજારે પૉઝિટિવ આરંભ કરી સેન્સેક્સને ૩૦૦ પૉઇન્ટ ઉછાળ્યો હતો, ટ્રેડિંગ સત્ર  દરમ્યાન બજાર સતત વધઘટ કરતું આખરમાં સેન્સેક્સ ૩૨૯ પૉઇન્ટ વધીને ૩૫૧૭૧ અને નિફ્ટી ૯૪ પૉઇન્ટ સુધરીને ૧૦૩૮૩ બંધ રહ્યા હતા. દેશભરમાં પ્રથમવાર લૉકડાઉન જાહેર થયું એ ૨૫ માર્ચે સેન્સેક્સ ૨૮૫૩૫ હતો, જે હાલ જૂનના અંતે (શુક્રવારે) ૩૫૦૦૦ ઉપર બંધ છે, જે લાંબા ગાળાના વિશ્વાસનો સંકેત કરે છે એમ કહી શકાય. અત્યારે ઇન્ફેક્શનના વધુ આક્રમણ તેમ જ ફેલાવાના ભય અને જિઓપૉલિટિકલ (ચીન સાથેના સીમાવિવાદ) વચ્ચે પણ બજાર સતત વધી રહ્યું છે, જે આર્થિક પ્રવૃત્તિઓને પુનઃ કાર્યરત થવાની બાબતને મહત્ત્વ આપી રહ્યું હોવાનું સાબિત કરે છે. અર્થાત જેમ –જેમ આર્થિક પ્રવૃત્તિ વેગ પકડશે તેમ તેમ બજારનો વિશ્વાસ અને સેન્ટિમેન્ટ વધવાની આશા છે. જોકે આ વરસના બાકીના છ મહિના વધુ પડકારરૂપ બનવાની ધારણા પણ વ્યક્ત થાય  છે, કારણ કે ઇકૉનૉમી રિવાઈવ થવામાં સમય લઈ રહી છે. અમુક અપવાદરૂપ સેક્ટર સિવાય દરેક સેક્ટરમાં હજી નિષ્ક્રિયતા વધુ છે. તેથી જ બજારનો વર્તમાન સુધારો પણ ડાઇજેસ્ટ થવો કઠિન છે, જેની ચર્ચા આપણે ગયા વખતે પણ કરી હતી. આ સુધારો ક્યાં બ્રેક મારશે એ કળવું કઠિન છે, તેથી સાવચેતી આવશ્યક બને છે. આ હિસાબે જ પ્રોફિટ બુકિંગ પણ તરત આવી જતું હોવાનું નોંધાય છે. 

ફાર્મા સ્ટૉકસમાં સાવચેતી જરૂરી

ફાર્મા શૅરોની ગતિવિધિથી અંજાઈ જવું જોઈએ નહીં, હાલ કોવિડ-19ના નામે ઘણી કંપનીઓ પોતાની દવા લાવી રહી છે, જેની કંપનીના શૅરના ભાવ પર સારી અસર જોવા મળે છે, પરંતુ તેને કાયમી માની લઈ શકાય નહીં. કોવિડ-19ની હોમિયોપથી તેમ જ આયુર્વેદિક દવાઓ પણ બહાર આવતી રહી છે, જે લિસ્ટેડ  ફાર્મા કંપનીઓને ભારે પડી શકે છે, જેથી માત્ર કોવિડની દવાના નામે માર્કેટને એન્કેશ કરવા માગતી હોય અથવા રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરતી હોય એમની સામે રોકાણકારો સ્માર્ટ બને યા સાવચેત રહે એ જરૂરી છે.

પ્રોફિટ બુકિંગ કરવાનું શીખવું જરૂરી

બજારના ઉછાળાનો ઉપયોગ પ્રોફિટ બુકિંગ માટે કરવાનું ચૂકશો નહીં, કારણ કે આ ઉછાળો કામચલાઉ રહેવાની શક્યતા ઊંચી રહેશે. બાકી લાંબા ગાળાના ઉદ્દેશ સાથે ખરીદેલા શૅરમાં પ્રોફિટ બુકિંગની ઉતાવળની જરૂર નથી, પરંતુ હા, તેમાં પણ આંશિક પ્રોફિટ બુકિંગ કરીને એ નાણાંથી  અન્ય અથવા એ જ શૅર ઘટાડામાં ખરીદી શકાય. યાદ રહે, બજારને તેજી સમજી લેવાની ભૂલ કરશો નહીં. અત્યારના સુધારા-વધારા માત્ર સેન્ટિમેન્ટ તેમ જ પ્રવાહિતાના જોર પર ચાલી રહ્યા છે. બાકી ઇન્ડેકસ વેઇટેજવાળા સ્ટૉકસ વધવાની અસરરૂપે દેખાય છે, એને સાચી કે નક્કર તેજી કહી શકાય નહીં, પણ જેમણે લાંબા ગાળાનું અને સ્ટૉક સ્પેસિફિક રોકાણ કરવાનું છે એમણે આ બધું વિચારવાની આવશ્યકતા નથી, તેમણે માત્ર લક્ષ્ય સાથે ફન્ડામેન્ટલ્સવાળા સ્ટૉકસ જમા કરતા જવાનું છે અથવા એસઆઇપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)  ચાલુ રાખવાના છે.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 05:11 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK