Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આપકા સમય શુરૂ હોતા હૈ કબ?

આપકા સમય શુરૂ હોતા હૈ કબ?

10 November, 2014 05:12 AM IST |

આપકા સમય શુરૂ હોતા હૈ કબ?

આપકા સમય શુરૂ હોતા હૈ કબ?



શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

ભારતીય અર્થતંત્રના વર્તમાન અને ભાવિ ચિત્રને જગતના ટોચના રોકાણકારો- બિઝનેસમેન સૌ કોઈ જોઈ-જાણી ગયા છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભલે હજી ઘણા ઉદ્યોગપતિઓ ભાગ ન લઈ શક્યા કે ગ્લોબલ ઇન્વેસ્ટરો પણ હાજર ન રહી શક્યા, પરંતુ ભારતનું ભાવિ જોઈ શકે એવી વાતો તેમના સુધી પહોંચી છે ખરી. બજેટમાં જે આવે એ, પરંતુ બજેટ પહેલાં આર્થિક સુધારાનો દોર સતત ચાલતો રહેશે. હવેના સમયમાં રાજકીય ઘટનાઓ કરતાં આર્થિક ઘટનાઓ વધુ ચાલતી રહેશે. નરેન્દ્ર મોદીએ કૅપ્ટન કે ટીમ-લીડર તરીકે પોતાની ટીમ વિસ્તારીને દરેકને કામગીરી-મિશન સોંપી દીધું છે.

વધુમાં ઍડ્મિનિસ્ટ્રેશનમાં પણ મોદી પોતાની વિચારધારા સાથે બંધબેસતા ખાસ માણસોની નિમણૂક કરી રહ્યા છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઘણી વાતો-ચર્ચા થઈ છે, જેમાંથી ઘણા સંકેત પણ મળે છે. હવે એક બાજુ આર્થિક સુધારા અને એનો અમલ ચાલતા રહેશે, જ્યારે બીજી તરફ બજાર ચાલશે. ઇન્ડેક્સની નવી ઊંચાઈ તરફની યાત્રા તો નક્કી જ છે, સવાલ માત્ર સમયનો છે. આવા સમયમાં રોકાણકારોએ પણ પોતાનું દિમાગ ચાલતું કરી દેવું જોઈએ. શૅરબજારને સમય સાથે કોઈ બાંધી શકતું નથી. તમારે લાંબો સમય આપવો પડશે એમ સમજીને ચાલવાનું રાખો. ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સામેની વ્યક્તિને જવાબ માટે ચોક્કસ સેકન્ડ આપીને કહેતા હોય છે કે આપકા સમય શુરૂ હોતા હૈ અબ... પરંતુ અહીં શૅરબજારમાં રોકાણકારો સામે સવાલ કરવો પડે કે આપકા સમય શુરૂ હોતા હૈ કબ?


ડિસઇન્વેસ્ટમેન્ટનો દોર શરૂ થવામાં




નાણાપ્રધાને ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી દીધી છે. હવે ટૂંક સમયમાં એક પછી એક જાહેર સાહસના શૅરોની ઑફર આવવાની શરૂ થશે. એમાં સેઇલ (SAIL-સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) તેમ જ ONGC (ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન) વગેરેથી આરંભ થશે. રોકાણકારો માટે આ એક લાંબા ગાળાની તક બનીને આવી રહી છે. જોકે આમાં શૉર્ટ ટર્મ અભિગમ રાખવો નહીં. જો કોઈ રોકાણકારો દિશાહીન થઈને આડીઅવળી સ્ક્રિપ્સ જમા કરતા હોય તો એને બદલે આ મજબૂત જાહેર સાહસોમાં રોકાણ અજમાવવું વધુ સલાહભર્યું રહેશે. આ સફળતા માટે બજારને તાજું અને તેજીમય રાખવું સરકારના હિતમાં છે, જેથી બજારને સતત જોઈતું ટૉનિક અપાતું રહે તો નવાઈ નહીં.


ખાનગીકરણનો ઉપાય સાર્થક નીવડશે?



નાણાપ્રધાને માંદાં જાહેર સાહસોને પ્રાઇવેટ ક્ષેત્રને સોંપી દેવાની તૈયારી બતાવી છે. એમાં તેમણે વ્યવહારુ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. આમ કરવામાં બે વાત થશે. એક બાજુ સતત ખોટ કરતી કંપનીઓની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકાશે, જ્યારે બીજી બાજુ ખાનગીકરણને પરિણામે એ એકમોને રિવાઇવલની તક મળશે. જો એ ટકી ગયા તો ઉદ્યોગના લાભમાં રહેશે અને લોકોની રોજગારી પણ ટકી રહેશે. નવી સરકાર આમાંના માંદા જેવા એકમોને જાહેર તિજોરી પર બોજ બનવા દેવા માગતી નથી. એને કરદાતાઓ પર પણ બોજ માનવામાં આવે છે. આવો બોજ ઓછો કરીને સરકાર પોતાની ખાધ પણ નીચે લાવી શકશે. અમુક બાબતોમાં જે ઉપાય સરકાર પાસે નથી હોતા એ પ્રાઇવેટ ક્ષેત્ર પાસે હોય છે. જોકે અમુક જાહેર સાહસોને ખરીદવા કેટલી અને કોણ પ્રાઇવેટ કંપનીઓ તૈયાર થશે એ સવાલ છે. બની શકે સરકારે આ માટે કોઈ વિશેષ ઑફર આપવી પડે.


રેટકટ-ગ્રોથની આશા પર મીટ


નાણાપ્રધાન સાથેની બેઠકમાં ભારતીય કૉર્પોરેટજગતે વ્યાજદરમાં કાપની અપેક્ષા પણ વ્યક્ત કરી છે. ફુગાવાના નામે રિઝર્વ બૅન્કે જેને લાંબા સમયથી પકડી રાખ્યા છે એ વ્યાજદરમાં હવે ઘટાડાની આશા પૂરી થવાનો સમય નજીક આવી ગયો છે. આ ડિસેમ્બરમાં રિઝર્વ બૅન્ક એ આશા પૂરી કરે એમ જણાય છે. બૅન્કો પાસેની ઊંચી પ્રવાહિતા એનો સંકેત આપે છે. જોકે રિઝર્વ બૅન્કની સ્વતંત્રતા-સ્વાયત્તતા સામે સરકાર દરમ્યાનગીરી પસંદ નહીં કરે એવું કહેવાય છે, પરંતુ હવે રિઝર્વ બૅન્ક સામે ચાલીને રેટકટ માટે તૈયાર રહે તો નવાઈ નહીં. ઇન્વેસ્ટમેન્ટ માહોલને વેગ આપવા હવે રેટકટની વાત ક્લાઇમૅક્સ પર છે.


આશાવાદ અને વિશ્વાસમાં ઉછાળો



મૂડીબજાર-શૅરબજારમાં વિશ્વાસનું સ્તર સતત વધી રહ્યું છે. આશા તો ક્યારની ઊંચે પહોંચી ગઈ છે, જેણે બજારને વારંવાર નવી ઊંચાઈ આપી છે. સેન્સેક્સ ૨૮,૦૦૦ ક્રૉસ થઈ આવ્યો છે. હવે ૩૦,૦૦૦ની હકીકત બહુ દૂર નથી. નાના-મોટા રોકાણકારો સહિત વિદેશી રોકાણકારો ફરી સક્રિય થઈ ગયા છે. જપાનના પ્રવાહિતાના પગલાએ ગયા સપ્તાહમાં નવું જોર આપી દીધું હતું. આ દોર હવે ચાલતો રહેવાની અપેક્ષા છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ માર્કેટ માટે મૂડમાં આવી ગયાં છે, કારણ કે એના રોકાણકારોનો ઉત્સાહ પણ જોરમાં છે. આમ ચારે બાજુથી માર્કેટ પ્રત્યેનો આશાવાદ ઉછાળા મારી રહ્યો હોય ત્યારે માર્કેટ ઉછાળા વિના કેમ રહી શકે. માર્કેટ છલાંગ માટે જેટલી વાર લગાડશે એટલી વાર રોકાણકારો માટે તકનો સમય ગણાશે.

હવે સંસદના શિયાળુ સત્ર અને રિઝર્વ બૅન્ક પર નજર

નાણાપ્રધાને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં કરેલી એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વાત છે રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સ (પાછલી તારીખથી કરવેરો લાગુ કરવો)ની. નાણાપ્રધાને આ પગલાને અગાઉની સરકારની મોટી ભૂલ ગણાવી છે જેથી હવે એટલું તો સ્પક્ટ થાય છે કે આ સરકાર આવા પગલાથી દૂર રહેશે. એને લીધે ગ્લોબલ ઇન્વેસ્ટરોને આવી કરવેરાવિષયક અનિશ્ચિતતાનો સામનો કરવાનો નહીં આવે. વધુમાં ગ્લોબલ ઇન્વેસ્ટરો સહિત સ્થાનિક રોકાણકારોના માથેથી પૉલિસી પૅરૅલિસિસનો ભય ચાલ્યો ગયો છે. સરકાર સતત આર્થિક નીતિવિષયક નિર્ણયોનો અહેસાસ કરાવી રહી છે. બસ, હવે કેવળ અમલીકરણના મામલે થોડી રાહ જોવાની રહેશે. કેટલીક બાબતોમાં તો અમલ પણ શરૂ થઈ ગયો છે. નાણાપ્રધાન સહિત ટોચના વિવિધ મિનિસ્ટર્સ પાસેથી વિશ્વે ઘણી વાતો સાંભળી લીધી છે. હવે સંસદના શિયાળુ સત્ર (જેમાં ઘણા મહત્વના ખરડા-નિર્ણયો પસાર થવાની આશા છે) તેમ જ આગામી મહિને રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષા પર સૌની નજર રહેશે અને એ પછી બજેટ મોટી ઘટના બનીને આવશે. આ બધું હવે બહુ દૂર નથી. અર્થતંત્ર અને બજાર માટે વધુ અચ્છે દિન નજીક આવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2014 05:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK