Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આવક મર્યાદિત કે અનિશ્ચિત હોય ત્યારે કઈ વસ્તુ ઉપયોગી થાય છે?

આવક મર્યાદિત કે અનિશ્ચિત હોય ત્યારે કઈ વસ્તુ ઉપયોગી થાય છે?

18 November, 2019 12:42 PM IST | Mumbai
Khyati Mashroo

આવક મર્યાદિત કે અનિશ્ચિત હોય ત્યારે કઈ વસ્તુ ઉપયોગી થાય છે?

ભારતીય કરન્સી

ભારતીય કરન્સી


નાણાંનું રોકાણ કરવાની વાત આવે ત્યારે ઘણા લોકોને એ સવાલ થાય છે કે રોકાણ માટેનાં નાણાં ક્યાંથી લાવવાં. સાચી વાત છે, રોકાણ કરવા માટે પહેલાં નાણાંની જરૂર હોય છે. આથી જ નાણાકીય આયોજનમાં નાણાંના પ્રવાહ વિશે સ્પષ્ટતા હોવી આવશ્યક છે. આવકમાંથી નાણાં બચાવ્યાં હશે તો એનું રોકાણ કરી શકાશે. આજના રોકાણકારો માટે ચાદર પ્રમાણે સોડ તાણવાનું ઘણું મુશ્કેલ હોય છે. આવામાં નાણાંની બચત કરવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

મેં જોયું છે કે ઘણા લોકો જીવનના બચતના તબક્કામાં આવક કરતાં વધારે ખર્ચ કરતા હોય છે. તમને થશે કે એ કેવી રીતે શક્ય છે, પણ જો તમે ક્રેડિટ કાર્ડનો વિચાર કરશો તો મારી વાત સાચી લાગશે. કેટલાય લોકો આવક આવે એની પહેલાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરી ચૂક્યા હોય છે. આવી રીતે જીવનારા લોકોને જ્યારે જીવનના પાછલા તબક્કે નાણાંની જરૂર પડે ત્યારે ઘણી મુશ્કેલી પડતી હોય છે.



આથી જ કારકિર્દીના શરૂઆતના કાળમાં જ આવક અને જાવકનું સંતુલન જાળવીને બચત કરવા પર ધ્યાન આપવાની જરૂર હોય છે. જીવનમાં એક તબક્કે આવકનું સાધન રહેતું નથી. આવામાં બચત જ ઉપયોગી થતી હોય છે. ચાલો, આપણે નાણાંના પ્રવાહ વિશે વાત કરીએ...


નાણાંના પ્રવાહનો એક હિસ્સો છે આવક

આવકનો મુખ્ય આધાર નોકરી, વ્યવસાય કે ધંધા પર છે. નોકરિયાતોનો પગાર વધવાની એક મર્યાદા હોય છે, જ્યારે વ્યવસાય કે ધંધામાં આવકની અનિશ્ચિતતા હોય છે.


નાણાંના પ્રવાહનો બીજી હિસ્સો છે ખર્ચ

જે રીતે આવક મર્યાદિત કે અનિશ્ચિત હોય છે એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી વાત એ છે કે ખર્ચ પર કાબૂ રાખી શકાય છે. ખર્ચ બે પ્રકારના હોય છે ઃ નિશ્ચિત અને સ્વૈચ્છિક.

દર મહિને કરિયાણું, સંતાનોના શિક્ષણ પાછળનો ખર્ચ, ભાડું, વીજળી-પાણી-ટેલિફોન વગેરેનાં બિલ જેવા ખર્ચ નિશ્ચિત હોય છે. તમે ફરવા જાઓ કે પિક્ચર જોવા કે હોટેલમાં જમવા જાઓ એ બધા ખર્ચ સ્વૈચ્છિક હોય છે. આવા ખર્ચની યાદી બનાવવા જઈએ તો ઘણી લાંબી થાય છે. સ્વૈચ્છિક ખર્ચને કાબૂમાં રાખવા માટે ઘણી શિસ્ત રાખવી પડે છે.

સારો રોકાણકાર એને જ કહેવાય જે પોતાના સ્વૈચ્છિક ખર્ચ પર કાબૂ મૂકતો હોય. વળી, આવક હાથમાં આવે એની પહેલાં જ ખર્ચનો અંદાજ કાઢી લેવો જોઈએ. વળી, ખર્ચ પર સતત ધ્યાન પણ રાખવું જોઈએ. મોટા ભાગના લોકો ખર્ચ થઈ ગયા પછી એના વિશે અફસોસ કરતા હોય છે.

નાણાંના પ્રવાહનો ત્રીજો ઘટક છે બચત

સામાન્ય રીતે આવકમાંથી ખર્ચ બાદ કરતાં જે બચે એને બચત કહેવાય છે, પરંતુ ખરી રીતે તો આવકમાંથી બચત કરી લીધા બાદ જે રકમ બચે એમાંથી ખર્ચ કરવો જોઈએ. બચતનું હંમેશાં અલગથી રોકાણ કરવું જોઈએ. ઘણા રોકાણકારો હાલની આવક અને અગાઉની બચતને એક જ ખાતામાં રાખતા હોય છે. આથી તેમને પોતાના માસિક ખર્ચનો ચોક્કસ અંદાજ આવતો નથી.

બચત વિશે એટલું કહી શકાય કે આવકમાંથી આશરે ૨૫થી ૩૦ ટકા જેટલી રકમની બચત કરવી જોઈએ. આમાં કોઈ અઘરું ગણિત રહેલું નથી.

કમાનાર દરેક વ્યક્તિએ પોતાના ખર્ચની બાબતે સભાન રહેવું જોઈએ. આવક કરતાં ખર્ચ વધી જાય એ સ્થિતિ સંપૂર્ણપણે અનિચ્છનીય છે, કારણ કે એમ કરવાથી કરજની જાળમાં ફસાઈ જવાનો વખત આવે છે અને નિવૃત્તિકાળ માટેનું ભંડોળ જમા થઈ શકતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 12:42 PM IST | Mumbai | Khyati Mashroo

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK