રિલાયન્સની જિયો ઇફેક્ટ શું છે?: કેટલા ગણું વળતર ઇન્વેસ્ટરને મળ્યું?

Published: Jul 08, 2020, 12:01 IST | Sushma B Shah | Mumbai

રિલાયન્સમાં જિયો ઈફેક્ટ : ત્રણ મહિનામાં શૅરનો ભાવ બમણો અને ત્રણ વર્ષમાં કંપનીનું મૂલ્ય સવાત્રણ ગણું થયું છે

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

શૅરબજારમાં કોરોના વાઇરસની ભારે વેચવાલી પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં જે જંગી ઉછાળો આવ્યો છે તેની પાછળ સૌથી મોટું પરિબળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવમાં બમણાથી પણ વધુ વૃદ્ધિ છે. કંપનીએ વાઇરસ અને લૉકડાઉનના કપરા સમયમાં પોતાની સંપૂર્ણ દેવાંમુક્ત બનવાની યોજનાના ભાગરૂપે ૧૧ સપ્તાહમાં જિયો પ્લૅટફૉર્મમાં એક ડઝન જેટલા વિદેશી રોકાણકારોની હારમાળા સર્જી છે. જિયો રિલાયન્સનો સૌથી નવો બિઝનેસ છે અને તેમાં સૌથી વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં આવી જ રીતે જિયોની મોબાઈલ સેવા લૉન્ચ થઈ ત્યારે રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિયો થકી કંપની રોકાણકારો માટે એક નવી સંપત્તિસર્જનની ગાથા લખી રહી હોય એવું લાગી રહ્યું છે.

ચાર દાયકા અગાઉ માત્ર ૨૮.૨૦ લાખ શૅર સાથે પબ્લિક ઇશ્યુ લાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે દેશની સૌથી મોટી કંપની છે. આ કંપનીનો ૧૯૭૭માં આવેલો પબ્લિક ઇશ્યુ સાતગણો ભરાયો હતો. એટલે કે ૨.૮૨ કરોડ રૂપિયા પોતાના પબ્લિક ઇશ્યુમાં એકત્ર કરનાર આ કંપની આજે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.

સોમવારે ૧૮૫૧.૪૦ રૂપિયાના ભાવે બંધ રહ્યો ત્યારે કંપનીનું માર્કેટ કૅપ ૧૧.૭૬ લાખ કરોડ રૂપિયા હતું. રાઇટ ઇશ્યુ બાદ કંપનીના પાર્ટલી પેઇડ શૅરનું પણ લિસ્ટિંગ થયું છે જેનો ભાવ ૯૫૭ રૂપિયા બંધ આવ્યો હતો એટલે તેનું કુલ માર્કેટ કૅપ ૪૦,૪૪૨ કરોડ રૂપિયા થયું હતું. આમ બન્ને ભેગા મળી કંપનીનું કુલ માર્કેટ કૅપ ૧૨ લાખ કરોડ રૂપિયા કે ૧૬૦ અબજ ડૉલર થયું છે. બીજા સ્થાને આવતી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિઝના ૮.૪૯ લાખ કરોડ રૂપિયા કરતાં ૨૮ ટકા વધારે છે. દેશની ટોચની ૩૦ કંપનીઓના ઇન્ડેક્સ સેન્સેક્સની કંપનીઓના કુલ મૂલ્યમાં રિલાયન્સનો હિસ્સો ૧૬.૫ ટકા જેટલો છે અને બીએસઈ ઉપર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કૅપમાં રિલાયન્સનો હિસ્સો ૮.૧ ટકા જેટલો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો દેશનો સૌથી મોટો રાઇટ ઇશ્યુ તાજેતરમાં પૂરો થયો હતો. કોરોનાની મહામારી અને લૉકડાઉનના કારણે જ્યારે વિશ્વભરમાં આર્થિક મંદી અને તીવ્ર નાણાભીડની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે ૫૩,૧૨૪ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ ૧.૫૯ ગણો ભરાયો હતો અને એ દર્શાવે છે કંપની ઉપર રોકાણકારોને પૂરતો ભરોસો છે.

૪૪ વર્ષમાં રોકાણ ૭૭૦ ગણું વધ્યું

શૅરબજારમાં રોકાણ કરતા વડીલો અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જાણતા જ હશે કે ફાઇનૅન્સ મૅનેજમેન્ટના સિદ્ધાંતમાં શૅરહોલ્ડરની સંપત્તિનું સર્જન કરવું, તેને મહત્તમ કરવી મોખરે હોય છે. એટલે જ રિલાયન્સને વેલ્થ કરીએટર તરીકે અવ્વલ ગણવામાં આવે છે અને કંપની આ એરણે ઉત્તમ દરજ્જે પાસ થાય છે.

ધીરુભાઈ અંબાણીએ શરૂ કરેલી ટેક્સ્ટાઈલ્સથી પેટ્રોકેમિકલ્સની આ સફરમાં હવે કંપનીના પરંપરાગત બિઝનેસ (ટેક્સ્ટાઈલ્સ, ઑઈલ અૅન્ડ ગૅસ)ના બદલે હવે રીટેલ, મોબાઈલ સર્વિસિઝ બિઝનેસનો હિસ્સો વધી રહ્યો છે. કંપનીનું લિસ્ટિંગ થયું પછીની ૪૪ વર્ષની આ સફરમાં કંપનીએ સતત પ્રગતિ કરી છે અને દરેક વખતે રોકાણકારોનું સંપત્તિસર્જન થયું છે.

૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરી ૧૦૦ શૅર મેળવનાર (ઇશ્યુ સમયે કંપનીના શૅરનો ભાવ ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો) આજે કંપનીના ૪૦૦ શૅરનો માલિક હશે. કંપનીએ ૨૦૦૯ અને પછી ૨૦૧૭માં બે વખત એક શૅર સામે એક શૅરના બોનસની જાહેરાત કરી હતી. આ ગણતરીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડી-મર્જર (મુકેશ અંબાણી અને નાના ભાઈ અનિલ અંબાણી છૂટા પડ્યા ત્યારે કમ્યુનિકેશન, કેપિટલ, એનર્જી બિઝનેસ છૂટા પડ્યા હતા) તેમ જ રાઈટ ઇશ્યુમાં લાગેલા શૅરની ગણતરી કરી નથી. ૧૦૦૦ રૂપિયાના રોકાણનું મૂલ્ય સોમવારના બંધ ૧૮૫૧.૪૦ના ભાવે જે ૭,૪૦,૫૬૦ ગણાય.  

આ ઉપરાંત કંપનીએ આપેલા ડિવિડન્ડની કમાણી અલગ. કંપનીએ ચૂકવેલા અંતિમ અને ઈંટરિમ ડિવિડન્ડની ૧૯૮૯-૯૦થી વિગતો ઉપલબ્ધ છે અને આ સમયગાળામાં કંપનીએ ચૂકવેલા ડિવિડન્ડ અને ૪૦૦ શૅર હોય તો કુલ ૩૦,૧૦૦ રૂપિયાની રકમ શૅરહોલ્ડરને મળી હોય. આ ગણતરીમાં બોનસ ઇશ્યુના કારણે વધેલા શૅરની ગણતરી કરી લીધી છે. એટલે કે શૅરના ભાવ અને ડિવિડન્ડ સહિત રોકાણકારને ૧૦૦૦ રૂપિયા સામે અત્યારે કુલ ૭,૭૦,૬૬૦ની રકમ મળી રહી છે.  શૅરહોલ્ડરનું રોકાણ ૭૭૦ ગણું થયું છે. વ્યાજનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો ૧૬.૩૦ ટકા વળતર દર વર્ષે, ૪૪ વર્ષથી મળતું આવી રહ્યું છે.
જોકે દરેક રોકાણકાર નસીબવંતો હોઈ શકે નહીં. એવા સેંકડો હશે કે જેણે ૧૯૭૭માં પબ્લિક ઇશ્યુમાં અરજી નહીં કરી હોય, એવા કેટલાયે હશે કે જેમણે શૅરમાં રોકાણ કરવાનું છેલ્લા એક દાયકામાં ચાલુ કર્યું હોય અને એવા લોકો પણ હશે કે તેમણે સમયાંતરે, પોતાની જરૂરિયાત અનુસાર શૅર લાગ્યા હશે તે વેચી પણ નાખ્યા હોય. માર્ચ ૨૦૦૧ના રોજ રિલાયન્સના શૅરમાં કુલ નાના રોકાણકારો પાસે હિસ્સો ૧૫.૭૩ ટકા કે ૧૬.૫૭ કરોડ શૅર હતા. માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ રોકાણકારો પાસે ૮.૯૭ ટકા હિસ્સો છે અને ૫૫.૫૦ કરોડ શૅર છે. આ દર્શાવે છે રોકાણકારોનો હિસ્સો ભલે ઘટ્યો હોય તેમની પાસે શૅરોની સંખ્યા ચોક્કસ વધી છે.

જિયો ઈફેક્ટથી ટૂંકાગાળામાં મોટી હરણફાળ

સંપત્તિસર્જનનું દ્રષ્ટાંત લાંબાગાળાના વળતરની સમજ આપે છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરનું પ્રદર્શન ટૂંકાગાળામાં તો એના કરતાં પણ વધારે ઉત્તમ રહ્યું છે.

કોરોના વાઇરસના કારણે માર્ચ મહિનામાં વૈશ્વિક શૅરબજારમાં આવેલી ભારે વેચવાલીના સમયે રિલાયન્સના શૅરના ભાવ ૮૬૭.૮૨ રૂપિયાની એક વર્ષની નીચી સપાટીએ પટકાયા હતા. સોમવારે શૅરના ભાવ વિક્રમી સપાટી પહોંચ્યા હતા. સમગ્ર ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૧૩ ટકા વધ્યો છે. આ ત્રણ મહિનામાં રિલાયન્સના શૅર ખરીદનારના નાણાં બમણા કરતાં પણ વધારે થયા છે. કારણકે ભાવ ૮૬૭.૮૨ રૂપિયાની સામે વધી ૧૮૫૧.૪૦ રૂપિયા થઈ ગયો છે.

શૅરબજારમાં લગભગ છ વર્ષ સુધી રિલાયન્સના શૅર સ્થિર રહ્યા હતા પણ રિટેલ વ્યાપારમાં આક્રમક વેચાણવૃદ્ધિ અને તેની સાથે ૪-જી મોબાઈલની શરૂઆત થતાં જ રિલાયન્સના શૅરમાં તેજીની ચમક જોવા મળી હતી. ત્રણ વર્ષમાં કંપનીનું કુલ બજાર મૂલ્ય ૫,૧૫,૪૦૦ કરોડ રૂપિયા સામે બમણાથી પણ વધુ થઈ સોમવારે ૧૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનું સીમાચિન્હ પાર કરનાર દેશની સૌથી મોટી કંપની બની છે. એટલે કે જેમ લાંબાગાળામાં કંપનીએ સતત વળતર આપ્યું છે એમ ટૂંકાગાળામાં પણ એટલી જ ઝડપથી રોકાણકારોની સંપત્તિનું નિર્માણ થયું છે.

કોરોના વાઇરસના કારણે જ્યારે અન્ય કંપનીઓ કે મૅનેજમેન્ટ પોતાનો બિઝનેસ સાચવવામાં પડ્યા હતા ત્યારે રિલાયન્સે પોતાની મોબાઈલ ટેકનૉલૉજી કંપની જિયો પ્લૅટફૉર્મમાં કુલ ૧૨ વિદેશી મૂડીરોકાણકારો આણ્યા છે અને તેમની પાસેથી કંપનીમાં ૧,૧૭,૫૮૮.૪૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. ઑક્ટોબર ૨૦૧૯માં રિલાયન્સે પોતાને માર્ચ ૨૦૨૧ સુધીમાં સમ્પૂર્ણ દેવાંમુક્ત કરવાની જાહેરાત કરી હતી તેના ભાગરૂપે આ રકમ એકત્ર કરવામાં આવી છે. સમયમર્યાદા કરતાં દેવાંમુક્ત બની રહી હોવાથી લિસ્ટેડ શૅરમાં રોકાણકારો આકર્ષાયા હતા.

રિલાયન્સ એટલે નંબર વન

રિલાયન્સ દેશની સૌથી મોટી ખાનગી કંપની છે
જામનગર ખાતેની ક્રૂડ ઑઈલ રિફાઇનરી એક સ્થાન ઉપર આવેલી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે.
દેશમાં ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ કરવેરો (એક્સાઈઝ, જીએસટીની દૃષ્ટિએ) ભરતી કંપની છે
દેશની કુલ નિકાસમાં નવ ટકા જેટલો હિસ્સો ધરાવતી સૌથી મોટી નિકાસકાર કંપની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK