Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચોખ્ખું વળતર અને વાસ્તવિક વળતર વચ્ચેનો ફરક

ચોખ્ખું વળતર અને વાસ્તવિક વળતર વચ્ચેનો ફરક

10 June, 2019 12:27 PM IST | મુંબઈ
વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

ચોખ્ખું વળતર અને વાસ્તવિક વળતર વચ્ચેનો ફરક

કરન્સી

કરન્સી


વર્તમાન સમયમાં તમને જોઈએ તેના કરતાં ઘણી વધારે માહિતી ઉપલબ્ધ છે. સવારે ઊઠીએ ત્યારથી લઈને રાત્રે પથારીમાં પડીએ ત્યાર સુધી, અને ઊંઘમાં પણ, આપણે કામ, કામ અને કામ કરતાં રહીએ છીએ અને માહિતીની વચ્ચે ગોથાં ખાતાં રહીએ છીએ. આપણા વિચારોમાં ચાલતી કેટલીક વાતો નિશ્ચિત હોય છે અને કેટલીક અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે.

આપણને મળતી માહિતીઓમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (રીટેલ ફુગાવો) અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (હોલસેલ ફુગાવો)ના દર વિશેના સમાચારો પણ સામેલ હોય છે. એ સમાચારો સમયાંતરે અખબારોમાં અને અન્ય માધ્યમો પર વાંચતાં રહીએ છીએ, પણ ખરેખર તેનો અર્થ શું થાય છે એના વિશે ઊંડાણમાં વિચાર કરતા નથી.



થિયરીની દૃષ્ટિએ જોઈએ તો અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિનો અંદાજ મેળવવા માટેનો એ માપદંડ છે. ફુગાવો એટલે દેશમાં ચીજવસ્તુઓના ભાવની સ્થિતિ.


જીવનમાં ઘણી એવી વસ્તુઓ અને બાબતો હોય છે, જે આપણી આંખની સામે હોવા છતાં આપણે ભાગદોડને લીધે તેમની સામું જોતા નથી અને તેના વિશે વિચાર કરતા નથી. 

આજે આપણે જરા અટકીને આ ફુગાવા વિશે વિચાર કરીએ. આપણે ફુગાવાની દૃષ્ટિએ એક વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે ક્યાં છીએ તેનો વિચાર કરીએ.


ધારો કે તમને દિવાળી નિમિત્તે શોપિંગ કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. તમે એ પૈસાથી ખરીદી કરવાને બદલે સેવિંગ્સ ખાતામાં રકમ જમા કરાવી દીધી, કારણ કે તમારી પાસે દિવાળીમાં જોઈએ એ બધી વસ્તુઓ પહેલેથી હતી.

એ વાતને એક વર્ષ વીતી ગયું અને હવે તમને કેટલીક વસ્તુઓ ખરીદવાની જરૂર જણાય છે. તમે સેવિંગ્સ ખાતામાંથી રકમ ઉપાડવાનું નક્કી કરો છો. તમે ૧૦,૦૦૦ રૂપિયા જમા કર્યા હતા, પણ હવે તમે પૈસા લેવા જશો તો તમને ૧૦,૪૦૦ રૂપિયા મળશે (વ્યાજનો દર ૪ ટકા ગણીને). વધુ પૈસા મળવાથી તમને સારું લાગશે. તમને થશે કે બૅન્કમાં પૈસા મૂક્યા એ સારું કર્યું. તમને પૈસા વધ્યા એ સારું ભલે લાગ્યું હોય, પણ વાસ્તવિક જીવનમાં શું બન્યું એનો વિચાર કરવા જેવો છે.

તમે જે વસ્તુઓ ગઈ દિવાળીમાં ખરીદી હોત એ વસ્તુઓનો હાલનો ભાવ ૧૦૦૦ રૂપિયા વધી ગયો છે, કારણ કે ફુગાવો એટલો વધારે છે. આમ, તમને ભલે ૧૦,૪૦૦ રૂપિયા મળ્યા, પણ એ જ વસ્તુઓ ખરીદવા માટે તમારે ૧૧,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

તમારા વ્યાજના દર કરતાં ફુગાવાનો દર વધારે હોવાને કારણે આવું બન્યું. સેવિંગ્સ ખાતામાં તમને મળેલું વળતર ચોખ્ખું વળતર હતું, પરંતુ વાસ્તવિક વળતરની દૃષ્ટિએ જોઈએ તો તમારાં નાણાંનું મૂલ્ય ૬૦૦ રૂપિયા ઘટી ગયું હતું. આમ કહેવાનું કારણ એ કે જે વસ્તુ તમને ૧૦,૦૦૦ રૂપિયામાં મળતી હતી એનો ભાવ ૧૧,૦૦૦ રૂપિયા થઈ ગયો છે. તમને ૪૦૦ રૂપિયા વધારે મળ્યા એને બાદ કરીએ તો તમારે ૧૧,૦૦૦માં ખરીદી કરવા માટે ૬૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડે. આમ, તમારાં નાણાંનું મૂલ્ય ૬૦૦ રૂપિયા ઘટી ગયું કહેવાય.

આ પણ વાંચો : ડિજીટલ ચુકવણીને વેગ આપવા 1થી 10 લાખ સુધીની રોડક ઉપાડ પર ટેક્ષ ઝીકાશે

આ તો ફક્ત એક વર્ષની વાત થઈ. લાંબા ગાળાનો વિચાર કરીએ તો જોઈ શકાય છે કે ફુગાવાને કારણે નાણાંનું મૂલ્ય સતત ઘસાતું રહે છે. આથી વળતરનો વિચાર કરતી વખતે ચોખ્ખા વળતરનો નહીં, પણ વાસ્તવિક વળતરનો વિચાર કરવો જરૂરી બને છે.

આપણે લક્ષ્ય સુધી પહોંચવા માટે દોડતાં રહીએ છીએ, પણ શું ક્યારેય થોભીને વિચાર કરીએ છીએ કે આપણે યોગ્ય રસ્તા પર દોડી રહ્યા છીએ? ઉપરોક્ત ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે ફુગાવાના દર કરતાં વધારે દરે વળતર મળતું રહે એ જરૂરી છે. એમ કરવા માટે રોકાણનાં એવાં સાધનો પસંદ કરવાં પડે, જેમાં ફુગાવાના દર કરતાં વધુ વળતર મળતું હોય. ખાલી દોડાદોડ કરવાનું નહીં, પણ સમજદારીપૂર્વક પોતાના લક્ષ્ય તરફ યોગ્ય માર્ગ પર દોડવાનું અર્થપૂર્ણ કહેવાય એવું આપણે અહીં જોઈ શકીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 12:27 PM IST | મુંબઈ | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK