Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઓછાથી કેવી રીતે ચલાવી લેવું એ શીખવું દરેક માણસ માટે જરૂરી હોય છે

ઓછાથી કેવી રીતે ચલાવી લેવું એ શીખવું દરેક માણસ માટે જરૂરી હોય છે

17 June, 2019 12:17 PM IST |
વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

ઓછાથી કેવી રીતે ચલાવી લેવું એ શીખવું દરેક માણસ માટે જરૂરી હોય છે

કરન્સી

કરન્સી


સંતાનોને સારી વાતો કેવી રીતે ગળે ઉતારવી એ વાલીઓ માટે એક મોટો સવાલ હોય છે. માતાપિતાએ સંતાનોને મૂલ્યોનું શિક્ષણ આપવા ઉપરાંત તેમનામાં સારી નાણાકીય આદતો પણ કેળવવી જરૂરી છે. આ રીતે તેમના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરી શકાય છે. આ વખતની ઉનાળુ રજાઓ પૂરી થઈ રહી છે ત્યારે ચાલો આપણે બાળકોને જીવનમાં ઉપયોગી થાય એવું નાણાકીય જ્ઞાન આપવા વિશે વાત કરીએ.

• આપણે નાણાંનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પરથી નક્કી થાય છે કે આપણે સંપત્તિનું સર્જન કરી શકીશું કે ગરીબ થઈ જઈશું. આપણને જીવનમાં મળેલી તકોની ભૂમિકા પણ મહત્વની હોય છે.



• લોકોને થયેલા અનુભવોની અસર જીવન પર પડતી હોય છે. તેમાંથી ઘણા અનુભવો આપણા હાથની બહારના હોય છે. દરેક વ્યક્તિનો જન્મ અલગ અલગ મૂલ્યો ધરાવતા પરિવારોમાં, દેશમાં, અલગ અલગ પેઢીમાં થતો હોય છે. લોકો ભલે માને કે ન માને, એ બધી બાબતોનો આપણા જીવન પર પ્રભાવ પડતો હોય છે.


• આપણે પરિશ્રમને ઘણું મહત્ત્વ આપીએ છીએ, પરંતુ એ પણ જાણી લેવું જરૂરી છે કે માત્ર પરિશ્રમથી જ બધી સફળતા મળે એ જરૂરી નથી. સાથે જ એ પણ કહેવું ઘટે કે ગરીબી માત્ર આળસને કારણે આવે છે એવું નથી. લોકોની સાથેના (અને પોતાની સાથેના પણ) વ્યવહારમાં આ બાબતને ધ્યાનમાં રાખવી.

• જેની પાસે નાણાકીય શક્તિ છે એ માણસ પોતાને જ્યારે જોઈએ ત્યારે પોતાને જોઈએ એ અને પોતાને ગમે એ રીતે બધું કરી શકે છે. નવી-નવી વસ્તુઓથી જે આનંદ મળે છે તેના કરતાં વધારે ખુશી પોતાની ઇચ્છા મુજબ બધું મેળવવામાં હોય છે.


• નવું-નવું નવ દિવસ એ ઉક્તિ બધી વસ્તુઓને લાગુ પડે છે. જોકે, કામકાજના કલાકો પોતાની રીતે નક્કી કરવાની છૂટ અને કામ કરવા માટે વધારે દૂર જવું ન પડે એ સ્થિતિ લોકોને ઘણી માફક આવતી હોય છે. તાકીદના સમયે આવશ્યક નાણાં પૂરતા પ્રમાણમાં મળી રહે એટલી બચત હોય એ સ્થિતિ હંમેશાં સારી હોય છે. પોતે જ્યારે ઇચ્છે ત્યારે નિવૃત્તિ લઈ શકે એ સ્થિતિ પણ બધાને ગમતી હોય છે. આમ, સ્વતંત્રતા એ ઘણું મોટું સુખ હોય છે.

• તમારે હંમેશાં જાદુઈ કામગીરી બજાવવાની જરૂર હોતી નથી. લાંબા સમય સુધી સતત ગરબડ જ કર્યા કરો એવી સ્થિતિ ન હોય એ તમારા માટે પૂરતું છે. પારાવાર નુકસાન કરાવે એવી ભૂલો ટાળવી જોઈએ. કરજના બોજ તળે દબાઈ જવું એ સૌથી મોટી ભૂલ છે.

• ઓછાથી કેવી રીતે ચલાવી લેવું એ શીખવું દરેક માણસ માટે જરૂરી હોય છે. તમારી આવક કે રોકાણ પરના વળતર પર તમારો કોઈ કાબૂ હોતો નથી. ઓછાથી કામ ચલાવી લેવાનું તમારા હાથની વાત છે.

• તમારી પાસે કેટલું છે એ તમારી આવક પરથી નક્કી થતું નથી. તમારી જરૂરિયાત એના પરથી નક્કી થતી નથી કે તમારી પાસે કેટલું છે.

આ પણ વાંચો : ફેડની બેઠક પર બજારની નજર - યુઆનમાં ઘટાડો

• તમારાં માતાપિતા તમને મદદ થાય અને તમારી સામે સંભાવનાઓનાં દ્વારા ખુલ્લાં થાય એ માટે મહેનત કરશે, પરંતુ તેના લીધે તમે બગડી જાઓ એવું થવું જોઈએ નહીં. જ્યાં સુધી નાણાંની અછત ઊભી થતી નથી ત્યાં સુધી તેનું મૂલ્ય સમજાતું નથી. તમને જોઈએ એ બધું જ ક્યારેય મળી શકવાનું નથી એટલી સમજ હોય તો માણસ જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત સમજી શકે છે. એ તફાવત સમજી લીધા બાદ તમે બજેટ બનાવવાનું અને બચત કરવાનું તથા તમારી પાસે જેટલું છે તેનું મૂલ્ય સમજવાનું કામ આસાનીથી કરી શકો છો. જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ શકે એટલા પ્રમાણમાં કરકસર કરવાનું શીખી ગયેલી વ્યક્તિ જીવનના ઉતાર-ચડાવોને વધુ સારી રીતે સંભાળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 12:17 PM IST | | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK