શૅરબજાર ઘટી રહ્યું હોય એવા સમયે કઈ ભૂલો કરવી નહીં?

Published: Feb 03, 2020, 11:56 IST | Khyati Mashroo | Mumbai

શૅરબજારમાં તેજી ચાલી રહી હોય ત્યારે તેનો લાભ લઈ લેવાની વૃત્તિ સાથે લોકોને તેમાં રોકાણ કરવાનું મન થઈ જતું હોય છે, પરંતુ ખરો પડકાર તો ઘટતા જતા બજારમાં રોકાણ કરવાનો હોય છે.

શૅર માર્કેટ
શૅર માર્કેટ

શૅરબજારમાં તેજી ચાલી રહી હોય ત્યારે તેનો લાભ લઈ લેવાની વૃત્તિ સાથે લોકોને તેમાં રોકાણ કરવાનું મન થઈ જતું હોય છે, પરંતુ ખરો પડકાર તો ઘટતા જતા બજારમાં રોકાણ કરવાનો હોય છે. જો શૅરબજારમાં થોડા દિવસમાં મોટું કરેક્શન આવી જાય તો રોકાણકારો, ખાસ કરીને નવા રોકાણકારો બેબાકળા બની જાય છે. બજારની મંદીના સમયમાં જ રોકાણકારો મોટી મોટી ભૂલો કરતા હોય છે, કારણકે તેમને શું કરવું તેની ગમ પડતી નથી. ઉતાવળમાં લોકો ખોટા નિર્ણયો લઈને પોતાની મહેનતની કમાણી ગુમાવી દેતા હોય છે.

આ તો થઈ સમસ્યાની વાત. તેમાંથી છુટકારો મેળવવાનો શું કોઈ રસ્તો છે? શૅરબજારમાં સતત ઘટાડો ચાલી રહ્યો હોય એવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે અહીં જણાવેલી કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

ગભરાટ

શૅરબજારની નબળાઈના સમયમાં લોકો ગભરાઈ જવાની ઘણી મોટી ભૂલ કરતા હોય છે. ખરી રીતે તો આવા સમયે શાંત મગજથી વિચાર કરવો જોઈએ. બજાર તૂટવાનાં ખરાં કારણો જાણ્યા વગર જો બજાર છોડી દેવાનો નિર્ણય લેવામાં આવે તો ફરીથી બજાર વધ્યે નફો રળવાની સુવર્ણ તક તમે ગુમાવી બેશો એવું શક્ય છે. શૅરબજાર પડે ત્યારે ભયભીત થવાને બદલે યોગ્ય વ્યૂહ ઘડવાની જરૂર હોય છે. અહીં નોંધવું જરૂરી છે કે બજાર તૂટવાની ઘટના થોડા સમય પૂરતી જ હોય છે, કારણકે બજારની ચાલ જ વધઘટની હોય છે. પોતાનાં નાણાકીય લક્ષ્યો માટે લાંબા ગાળાનું રોકાણ કર્યું હોય તો જરાપણ ડરવું જોઈએ નહીં.

એસઆઇપી બંધ કરાવવી

ઘણા બધા રોકાણકારો બજાર પડે ત્યારે એસઆઇપી બંધ કરાવી દેતા હોય છે. ખરી રીતે તો એસઆઇપી કરાવવાનો ઉદ્દેશ્ય લાંબા ગાળાનું રોકાણ કરવાનો હોય છે. ટૂંકા ગાળાની બજારની ભાવચંચળતા તેમને અસર કરતી નથી. ખરી રીતે તો બજાર તૂટે ત્યારે મ્યુચ્યુઅલ ફંડના મૅનેજરો વધુ પ્રમાણમાં ઈક્વિટી ખરીદતા હોય છે, જેથી તેમને રૂપી-કોસ્ટ એવરેજિંગનો લાભ મળી શકે.

આવી રીતે કરાયેલા રૂપી-કોસ્ટ એવરેજિંગનો લાભ પછીથી બજાર વધે એવા સમયે મળતો હોય છે. આથી બજાર ઘટે ત્યારે એસઆઇપી બંધ કરાવવી નહીં.

પેની સ્ટૉકની ખરીદી

ઘટી રહેલા બજારમાં પેની સ્ટૉક્સ ખરીદવાની લાલચમાં લોકો ફસાતા હોય છે. નબળી કંપનીઓના આવા શૅર ઓછા ભાવે મળતા હોવાથી એ લેવાનો લોભ થતો હોય છે, પરંતુ એમ કરવાનું ટાળવું જોઈએ. આવા શૅરમાં પ્રવાહિતા ઓછી હોય છે અને જ્યારે તમે વેચવા જાઓ તો ખરીદદાર ન મળે એવું પણ બને. એમાંય જો વળી એ સ્ટૉક્સ શૅરબજારમાંથી ડિલિસ્ટ થઈ જાય તો બધાં નાણાં ડૂબી જવાનું જોખમ હોય છે.

શૅર ખરીદવા માટે નાણાં ઊછીનાં લેવાં

શૅર ગમે તેટલો મજબૂત હોય, તેને ખરીદવા માટે નાણાં ઊછીનાં લેવાં એ મોટી ભૂલ છે. તેનું કારણ એ છે કે જો એ શૅરના ભાવ ઘટવા લાગે તો ઘટેલા ભાવના નુકસાન ઉપરાંત ઊછીનાં લીધેલાં નાણાં પરના વ્યાજની ચુકવણીનું નુકસાન ભોગવવું પડે છે.

કઈ ભૂલો ટાળવી એ જાણી લીધા બાદ હવે આપણે જાણવું રહ્યું કે સ્ટૉક માર્કેટમાં રોકાણ કરતી વખતે પહેલાં અર્થતંત્ર, પછી ઉદ્યોગ (સેક્ટર) અને પછી કંપની એમ ત્રણેને સમજવાં જોઈએ. અર્થતંત્ર નબળું ચાલી રહ્યું હોય ત્યારે બધું જ નબળું હોય છે અને એ પ્રગતિના પંથે હોય ત્યારે બધે જ ઉત્સાહ હોય છે. કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી), ફુગાવો, સરકારની સ્થિરતા વગેરે તમામ પરિબળોને સમજવાની જરૂર હોય છે.

શૅરબજારના રોકાણકારોએ બીજા એક પરિબળ પર ખાસ નજર રાખવાની હોય છે. એ પરિબળ છે બૉન્ડ પરની ઊપજ અર્થાત્ બૉન્ડ યિલ્ડ. બૉન્ડ પરની ઊપજ વધી રહી હોય એવા સમયે શૅરબજારમાં કરેક્શન આવવાની શક્યતા હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK