Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માળખાકીય સુધારાઓ પર ભાર મૂકી રહી છે RBI

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માળખાકીય સુધારાઓ પર ભાર મૂકી રહી છે RBI

31 August, 2020 11:43 AM IST | Mumbai
Jitendra Sanghavi

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માળખાકીય સુધારાઓ પર ભાર મૂકી રહી છે RBI

આરબીઆઈ

આરબીઆઈ


૨૦૦૮ની વિશ્વની આર્થિક અને નાણાકીય કટોકટી (માનવસર્જિત) કરતાં કોરોનાની મહામારીને કારણે સર્જાયેલ આર્થિક અને નાણાકીય કટોકટી જુદા પ્રકારની અને વધારે ગંભીર છે. આ વખતની રિકવરી પણ વધારે ધીમી હશે. ૨૦૦૮ની કટોકટી ઘણાં વર્ષોના આર્થિક વિકાસના સારા દર પછી અને વિશ્વના અર્થતંત્રમાં મેક્રો ઇકૉનૉમિક સ્થિરતાના સમયે આવી હતી. જ્યારે કોવિડ-19થી વિશ્વના અર્થતંત્રને પડેલ ફટકો પડ્યા ઉપર પાટુ મારવા જેવો છે, કારણ કે છેલ્લા કેટલાક ક્વૉર્ટરથી આર્થિક વિકાસનો દર ઘટી રહ્યો છે. આ પ્રકારના વિધાન ગયે અઠવાડિયે પ્રસિદ્ધ કરાયેલ રિઝર્વ બૅન્કના વાર્ષિક અહેવાલના છે. કોવિડ-19 પછીનું વિશ્વ જુદું જ હશે અને ઘણાં ‘ન્યુ નોર્મલ’ સ્થપાશે.

અગાઉ રિઝર્વ બૅન્કના મતે આર્થિક વિકાસનો દર ફિસ્કલ ૨૧ના પ્રથમ ક્વૉર્ટરમાં ઘટવાની શક્યતા હતી. બૅન્કના મતે હવે આ ઘટાડો જુલાઈ-સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહેવાની સંભાવના વધી છે. આમ થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકેલ સ્થાનિક લૉકડાઉન હોઈ શકે.



રાહતના પૅકેજો નાના નાના ડોઝના છતાં સતત ચાલુ હોવાથી ઉત્પાદનની ગુમાવેલી ક્ષમતાને પાછી મેળવવા, આર્થિક અને નાણાકીય સ્થિરતા સાથે આપણા અર્થતંત્રની ગાડીને ઝડપથી પાટે ચડાવવા અને આર્થિક વિકાસના દરના લાંબા ગાળાના સાતત્ય માટે વિશાળ ફલકના માળખાકીય સુધારાઓની તાતી જરૂર પર પણ રિઝર્વ બૅન્કે ભાર મૂકયો છે. આ સુધારાઓમાં ઉત્પાદન ક્ષેત્રના, નાણાકીય ક્ષેત્રના, કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી હરીફ શક્તિ વધારે તેવા સુધારાઓ પ્રત્યે બૅન્કે અંગુલિ નિર્દેશ કર્યો છે. જેમાં ચોક્કસપણે મુખ્ય બંદરોના ખાનગીકરણ, લૅન્ડ, લેબર અને પાવરના માળખાકીય સુધારાઓના અમલ માટે જીએસટી કાઉન્સિલ જેવી કાઉન્સિલની રચના, ઉદ્યોગો માટે મુક્ત જમીન ઉપલબ્ધિની જાહેરાતની રાજ્ય સરકારોને અપીલ અને પ્રોત્સાહન, સૉલર પેનલના ઉત્પાદન માટે પ્રોત્સાહક પૉલિસી, રેલવેમાં સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ તથા ચાવીરૂપ કાચા માલસામાનનું ભંડોળ ઊભું કરવા માટેની પૉલિસીનો સમાવેશ થાય છે.


ઉત્પાદન ક્ષેત્રોને મળેલા બૅન્કોના ધિરાણના ઘટાડાને ધ્યાનમાં લઈને રિઝર્વ બૅન્કે કમર્શિયલ બૅન્કોને ધિરાણ પરત્વેના જોખમને અતિ ગંભીરતાથી ન લેવાની વાત પણ અહેવાલમાં કરી છે.

થોડા સમય પહેલાં વિશ્વ બૅન્કે પણ ભારતને અત્યારની વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આર્થિક માળખાકીય સુધારાઓ પર ભાર આપવાની સલાહ આપી હતી. ગયે અઠવાડિયે મેકિન્ઝી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટે પણ ભારત માટેના તેના એક અહેવાલમાં માળખાકીય સુધારાઓની અનિવાર્ય જરૂરનો ઉલ્લેખ કર્યો છે. જેમાં લેબર રિફૉર્મ્સ, સોશ્યલ સિક્યૉરિટી નેટ, આયાતો ઉપરની ડ્યુટીના માળખાની વિસંગતિઓ દૂર કરવા, લોકોને પોતાની માલિકીનાં ઘર લેવા માટે કરની રાહતો અને વીજ ક્ષેત્રના સુધારાઓનો સમાવેશ થાય છે. જો આ સુધારાઓને અગ્રક્રમ આપવામાં નહીં આવે તો ભારત માટે દસકા માટે સ્થગિત થતી આવકો અને જીવનની ગુણવત્તા સામેનાં જોખમો ઊભા છે.


આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના અહેવાલ ગ્લોબલ મેક્રો આઉટલુકમાં હાલની કટોકટીને પહોંચી વળવા ફિસ્કલ ક્ષેત્રનાં પગલાઓ ઉપરાંત ઉત્પાદનની ક્ષમતા કોવિડ-19 પહેલાના સ્તરે લાવવા માટે અને જાળવી રાખવા માટે માળખાકીય સુધારાઓની સલાહ આપી છે. માળખાકીય સવલતો વધારવા અને સુધારવા માટેનો ખર્ચ પણ આર્થિક વિકાસને પુશ કરવામાં મદદ કરી શકે એવો મત વ્યક્ત કર્યો છે. મૂડીઝે કોરોનાને લીધે સપ્લાય ચેઇનના ભંગાણને કારણે ભારત સહિતના વિકસતા દેશોમાં ખાદ્ય ચીજોમાં થયેલ ભાવવધારાનો ઉલ્લેખ કર્યો છે પણ આ ભાવવધારો કામચલાઉ હશે. લાંબે ગાળે તે ભાવોના ઘટાડામાં પરિણમશે. આર્થિક સ્લો-ડાઉન અને ક્રૂડ ઑઇલના ભાવોનો ઘટાડો આવતા બે વરસ માટે ભાવને કાબૂમાં રાખવામાં મદદ કરશે. આર્થિક સ્લો-ડાઉન અને બૅન્કોની નબળાઈ એકબીજાને મજબૂત કરશે અને ભારતની ઉત્પાદનક્ષમતા પર લાંબા ગાળાનું નુકસાન કરશે. તો પણ જી-૨૦ વિકસતા દેશોમાં માત્ર ભારત, ચીન અને ઇન્ડોનેશિયા જ ૨૦૨૦ના ઉત્તરાર્ધ (જુલાઈ-ડિસેમ્બર) અને ૨૦૨૧માં આર્થિક વિકાસના દરમાં સારો વધારો નોંધાવશે એવો આશાવાદ મૂડીઝના અહેવાલમાં વ્યકત કરાયો છે.

કોરોનાની મહામારીએ દેશમાં લૉકડાઉન દાખલ કરાતાં સપ્લાય ચેઇનમાં ભંગાણ પાડ્યું તો બીજી તરફ લોકોની આવક ઘટતાં અસરકારક માગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. પરિણામે આર્થિક વિકાસનો દર ઘટ્યો. શરૂઆતના ઇમર્જન્સી સ્ટેજે વિશ્વની અન્ય કેન્દ્રવર્તી બૅન્કોની જેમ રિઝર્વ બૅન્કે સિસ્ટમમાં જરૂરી લિક્વિડિટી (નાણાંની પ્રવાહિતા) પૂરી પાડીને પરિસ્થિતિ સંભાળી લીધી. હવે જ્યારે આર્થિક આઉટલુક આશાસ્પદ નથી અને ભવિષ્ય પરનો ભરોસો ઓછો હોવાથી ખાનગી ક્ષેત્ર રોકાણ કરવા માટે આગળ આવે તેમ નથી એ સંજોગોમાં જાહેર ક્ષેત્રના, ખાસ કરીને માળખાકીય સવલતો માટેના પ્રોજેક્ટોમાં, રોકાણ પર આપણે મદાર રાખવો પડશે. સોનાના ભાવ ઐતિહાસિક ટોચ પર હોવાથી પણ ખાનગી મૂડી સોનાના રોકાણને અગ્રક્રમ આપે તે સ્વાભાવિક છે.

૧૯૨૯-૩૦ના ગ્રેટ ડિપ્રેશન અને ગ્રેટ સ્ટૉક માર્કેટના કડાકા પછી અમેરિકામાં ત્યારના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે સંખ્યાબંધ જાહેર કામના પ્રોજેક્ટો શરૂ કર્યા. જેને કારણે હજારો રોજગારીનું સર્જન થતાં અમેરિકા આર્થિક કટોકટીમાંથી બહાર આવ્યું.

ભારતે ૨૦૨૪-૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના નિર્ધારને વળગી રહેવું હોય તો ૧૪૦૦ બિલ્યન ડૉલર જેવી માતબર રકમ માળખાકીય સવલતો વધારવાના કે સુધારવાના પ્રોજેકટોમાં રોકવી પડશે.

કેન્દ્ર સરકાર તેનું દેવું વધારે (૨૦૨૧ સુધીમાં કેન્દ્રની અને રાજ્યોની ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૧૧ ટકા જેટલી થઈ શકે) કે નોટો છાપીને તેનું મોનેટાઇઝેશન કરે તેની મર્યાદા હોઈ શકે. સરકારી બૉન્ડમાં પણ જાહેર ક્ષેત્રની બૅન્કો અને ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જ રોકાણ કરતી હોવાનો આપણો સામાન્ય અનુભવ છે. મે ૨૦૨૦માં પણ આમ જ બનેલ. પરિણામે બૅન્કોની ખાનગી ક્ષેત્રમાં ધિરાણ કરવાની ક્ષમતા ઘટે છે. જેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સહન કરવાનો વખત આવે છે. ભારતનું વિદેશી દેવું જીડીપીના ૩.૫ ટકા જેટલું જ છે જે વિશ્વના ઘણા દેશોની સરખામણીએ નીચું છે. આ ગુણોત્તર વિદેશી દેવું વધારીને વધારી શકાય જે દેશના આર્થિક વિકાસમાં સહાયભૂત બની શકે.

વિદેશી રોકાણકારો માટેની ઋણ માર્કેટમાં રોકાણ કરવાની મર્યાદા વધારીને વિદેશી મૂડીને આકર્ષી શકાય. આંતરરાષ્ટ્રીય બૅન્કો અને સંસ્થાકીય રોકાણકારો લગભગ ૧૨૦ ટ્રિલ્યન ડૉલરની એસેટ મેનેજ કરે છે. તેનો નાનો હિસ્સો પણ ટૅપ કરી શકીએ તો નીચા વ્યાજના દરે સારું એવું ભંડોળ આપણને રોકાણ માટે મળી રહે. માળખાકીય પ્રોજેક્ટોને પૂરા થતા અને બ્રેક-ઇવન થતાં વર્ષો લાગી જાય છે અને તેમને લાંબા ગાળાના ફાઇનૅન્સ (લોન)ની જરૂર પડે છે. આપણી પાસે આવી લાંબા ગાળા માટે ફાજલ પાડી શકાય તેવી લિક્વિડિટી નથી.

રાજ્ય સરકારોની જીએસટીની આવક ઘટી છે. કેન્દ્ર સરકાર તરફથી આ આવકની ઘટ માટે અપાતું વળતર પણ ઓછું થયું છે. એ સંજોગોમાં રાજ્યોના મૂડીરોકાણ ખર્ચમાં પણ ઘટાડો થવાનો છે. રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રની આ પરિસ્થિતિમાં પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રના લક્ષ્યાંકને થોડું પાછું ઠેલવામાં આવે તો પણ કેન્દ્ર સરકારે જ મુખ્ય રોકાણકાર તરીકેની અને ડિમાન્ડ ઊભી કરવાની જવાબદારી સ્વીકારવી પડશે.

આ જવાબદારી એ સંજોગોમાં નિભાવવાની છે જ્યારે વરસના બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં આર્થિક વિકાસના દરના ઘટાડાની શક્યતા છે અને તેને પરિણામે ફિસ્કલ ૨૧ના આખા વર્ષમાં આર્થિક વિકાસનો દર પાંચ ટકાથી પણ વધુ ઘટી શકે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારની કરવેરાની અને અન્ય આવકો પણ ઘટવાની. અર્થતંત્ર પાટે ચડવા માંડે એ પછી પણ આવી આવકો તરત તો વધવા ન જ માંડે.

જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ વધારવા માટે સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ અૅન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફન્ડનું મૂડીરોકાણ વધારવાના ગંભીર પ્રયાસ કરવા પડશે. વિશ્વ બૅન્કના ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેકસમાં ભારતનો ક્રમાંક વિશ્વના દેશોમાં ખૂબ આગળ આવતો હોવા છતાં તેની ગણતરીની અમુક મર્યાદાઓને કારણે તે ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતાનો સાચો ખ્યાલ આપતી નથી. આ અને અન્ય વજૂદવાળા કારણોને લઈને હાલપૂરતું વિશ્વ બૅન્કે આ ઇન્ડેકસના આંકડા બહાર પાડવાનું મુલતવી રાખ્યું છે. એટલે સરકારે આ દિશામાં પણ ઠોસ કદમ ઉઠાવવા પડશે.

રિઝર્વ બૅન્કે તેના અહેવાલમાં કરેલ માળખાકીય સુધારાઓને અગ્રતા આપીને જ સરકાર ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ વધારી શકે અને તે દ્વારા રોકાણકારોનો વિશ્વાસ પણ. આવા સુધારાઓનો પ્રામાણિક અમલ દેશની આંતરરાષ્ટ્રીય હરીફ શક્તિ વધારશે જે વિશ્વ વેપારની ડામાડોળ સ્થિતિમાં અને વધતા જતા સંરક્ષણવાદ સામે ટકી રહેવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

૨૦૧૩થી ભારતની નિકાસો લગભગ સ્થગિત થઈ ગઈ છે. (વિશ્વની નિકાસનો દર પણ નજીવો જ છે) ત્યારે માળખાકીય સુધારાઓના માધ્યમે જ ભારત અર્થતંત્રની ગાડીને પાટા પર લાવી શકે. મુસીબતો આવે ત્યારે એકલી નહીં પણ તેની વણઝાર આવતી હોય છે. ચીન અને તેના થોડા સાથી દેશોની વિશ્વના ઘણા દેશો સાથેની કૉલ્ડ વૉર અને થોડા દેશો સાથેનું વેપારયુદ્ધ વકરે તો તેની ગંભીર અસર આપણા અર્થતંત્ર પર પડી શકે. સાઉથ વેસ્ટ મોન્સૂન ઓવર ઑલ નોર્મલ છે, પણ ઑગષ્ટ મહિનાના નોર્મલથી ૨૩ ટકા વધુ વરસાદે દેશના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જી છે અને ઊભા ખરીફ પાકને નુકસાન પહોંચાડવાની સંભાવના પણ વધારી છે.

આમ ચારે બાજુની વિપરીત પરિસ્થિતિથી ઘેરાયેલા હોઈએ અને હજી પણ આગળનો રોડમેપ સ્પષ્ટ દેખાતો ન હોય ત્યારે કોઈ પણ ભોગે માળખાકીય સુધારાઓનો અમલ જ પરિસ્થિતિને બચાવી શકે. દૃઢ નિર્ણયશક્તિશાળી સરકાર એમાં સફળ રહેશે એવી આશા રાખી શકાય.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2020 11:43 AM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK