Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકી નબળા રીટેલ સેલ્સ ડેટાથી સોનામાં ઝડપી ઉછાળો

અમેરિકી નબળા રીટેલ સેલ્સ ડેટાથી સોનામાં ઝડપી ઉછાળો

16 October, 2014 05:26 AM IST |

અમેરિકી નબળા રીટેલ સેલ્સ ડેટાથી સોનામાં ઝડપી ઉછાળો

અમેરિકી નબળા રીટેલ સેલ્સ  ડેટાથી સોનામાં ઝડપી ઉછાળો


gold


બુલિયન બુલેટિન-મયૂર મહેતા


અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રીટેલ સેલ્સ ડેટામાં ૦.૩ ટકાનો ઘટાડો થતાં તેમ જ જાન્યુઆરી પછી પ્રથમ વખત રીટેલ સેલ્સ ઘટતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડૉલરની મજબૂતીને પગલે છેલ્લા બે દિવસથી સોનાના ભાવ ઊંચા મથાળેથી ઘટી રહ્યા હતા, પણ ચીનનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પાંચ વર્ષના તળિયે પહોંચતાં અને યુરો ઝોનની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીની ગવર્નમેન્ટે ગ્રોથ પ્રોજેક્શન ઘટાડતાં સોનામાં સેફ હેવન બાઇંગ વધુ સ્ટ્રૉન્ગ બન્યું હતું. વળી ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ) હોલ્ડિંગમાં પણ છેલ્લાં બે સપ્તાહમાં પ્રથમ વખત ઉછાળો નોંધાયો હતો. ભારતની સોનાની આયાત ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં સાડાચારગણી વધી હોવાના સમાચારે પણ સોનાને મજબૂતી આપી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે ડૉલરની મજબૂતીને પગલે સોનાના ભાવ સતત ઘટતા રહ્યા હતા. કૉમેક્સ ડિસેમ્બર વાયદામાં સેટલમેન્ટ ૪.૩ ડૉલર વધીને ૧૨૩૪.૩૦ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ ફૂ-ટ્રેડિંગમાં ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટમાં ૯.૫ ડૉલર ઘટીને સોનાનો ભાવ ૧૨૨૪.૮૦ ડૉલર થયો હતો. ઓવરનાઇટ ડૉલરની મજબૂતી વધતાં સોનાનો ભાવ વધુ ઘટતાં ગઈ કાલે સવારે સ્પૉટ માર્કેટમાં સોનાનો ભાવ ૧૨૨૩.૫૦ ડૉલર ખૂલ્યો હતો. અમેરિકી રીટેલ સેલ્સ ડેટા જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ સોનાનો ભાવ ઊછળીને ૧૨૩૭.૬૦ ડૉલર થયો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૦૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૩૦ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૫૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૭ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૮૦ ડૉલર ખૂલીને ૭૮૪ ડૉલર રહ્યો હતો.

સેફ હેવન અપીલ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ડૉલરની મજબૂતીને લીધે બીજા દિવસે વધ્યો હતો, પણ ગ્લોબલ ઇકૉનૉમિક કન્ડિશન વધુ ને વધુ ખરાબ થતી જતી હોવાથી સોનામાં દરેક ઘટાડે સેફ હેવન અપીલ ઉજાગર થશે. ચીનનો ઘ્ભ્ત્ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) સપ્ટેમ્બર મહિનામાં પાંચ વર્ષના તળિયે પહોંચ્યો હતો. ચીનની સરકારે ઘ્ભ્ત્નો ટાર્ગેટ ૩.૫ ટકાનો રાખ્યો છે જે સપ્ટેમ્બરમાં ૧.૬ ટકા જ આવતાં સરકારના ટાર્ગેટ કરતાં ઘણો નીચો હોવાથી ચીનની ઇકૉનૉમીની નબળાઈ ફરી એક વખત સામે આવી હતી. બીજી તરફ યુરો ઝોનની સૌથી મોટી ઇકૉનૉમી જર્મનીનું ઇન્ફ્લેશન સતત ત્રીજા મહિને ઘટીને સાવ તળિયે પહોંચી ગયું હતું. જર્મન ગવર્નમેન્ટે ચાલુ વર્ષનો ગ્રોથ-રેટ ૧.૮ ટકાથી ઘટાડીને ૧.૨ ટકા અને ૨૦૧૫નો ગ્રોથ-રેટ બે ટકાથી ઘટાડીને ૧.૩ ટકા કર્યો હતો.

ETP હોલ્ડિંગ વધ્યું

સોનાનો ભાવ ચાર સપ્તાહની ઊંચી સપાટીએ ૧૨૩૭.૯૦ ડૉલર થતાં અને ઘટયા ભાવથી ૫૪ ડૉલરનો ઝડપી ઉછાળો આવતાં ગોલ્ડ ચ્વ્ભ્ના હોલ્ડિંગમાં સતત બે સપ્તાહના ઘટાડા બાદ પ્રથમ વખત વધારો જોવા મળ્યો હતો. ગોલ્ડ ચ્વ્ભ્ના હોલ્ડિંગમાં મંગળવારે ૩.૭ ટનનો વધારો થઈ કુલ હોલ્ડિંગ ૧૬૬૬ ટને પહોંચ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ ૫.૯ ટકા વધ્યા બાદ ઑક્ટોબરના આરંભે એક તબક્કે ચાર વર્ષના તળિયે પહોંચી જતાં ETP હોલ્ડિંગ સાવ ઠપ થઈ ચૂક્યું હતું.

 ફિઝિકલ બાઇંગ

ભારત અને ચીનનું સોનામાં ફિઝિકલ બાઇંગ ચાલુ ક્વૉર્ટર અને છેક જાન્યુઆરી સુધી સ્ટ્રૉન્ગ રહેશે એવી આગાહી સાઉથ આફ્રિકાની સૌથી મોટી સ્ટાન્ડર્ડ બૅન્કે કરી હતી. ભારતમાં દિવાળીના તહેવારોની ઘરાકી બાદ લગ્નગાળાની ઘરાકી જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની ધારણા છે. ચીનમાં ફેબ્રુઆરીમાં લુનાર નવા વર્ષની ઉજવણી અગાઉ દર વર્ષે સોનાની મોટા પ્રમાણમાં ડિમાન્ડ નીકળતી હોય છે. અન્ય ઍનલિસ્ટોના જણાવ્યા અનુસાર જો સોનાનો ભાવ હાલના લેવલે જળવાઈ રહેશે તો જાન્યુઆરી સુધી ફિઝિકલ બાઇંગનો સર્પોટ મળતો રહેશે.

દિવાળીના તહેવારોમાં ડાયમન્ડ જ્વેલરી પાંચ ટકા મોંઘી થઈ

ભારતીય મહિલાઓમાં દિવસે ને દિવસે ડાયમન્ડ જ્વેલરીનો ક્રેઝ વધી રહ્યો છે. દિવાળીના તહેવારો અગાઉ રફ ડાયમન્ડ પ્રોવાઇડ કરનાર લંડનની ડી બિયર્સ કંપનીએ ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો હતો, જ્યારે રશિયાએ પણ રફ ડાયમન્ડના ભાવમાં બેથી ત્રણ ટકાનો વધારો કર્યો છે. ભારતમાં મોટા ભાગે લંડન અને રશિયાથી જ રફ ડાયમન્ડનો પુરવઠો આવી રહ્યો છે ત્યારે આ બન્ને દેશોના સપ્લાયરોએ રફ ડાયમન્ડના ભાવમાં વધારો કરતાં ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન ડાયમન્ડ જ્વેલરી પાંચ ટકા મોંઘી રહેશે એવું મુંબઈના અગ્રણી ઝવેરીઓએ જણાવ્યું હતું.

સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં સાડાચાર ગણી ને ચાંદીની સવાબે ગણી વધી

દેશની સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં વધીને ૩.૭૫ અબજ ડૉલરની નોંધાઈ હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બરની ઈમ્પોર્ટ ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં સાડાચાર ગણી વધુ નોંધાઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૬૮.૨૫ કરોડ ડૉલરની ઈમ્પોર્ટ નોંધાઈ હતી. આગલા મહિના ઑગસ્ટમાં સોનાની ૨.૦૩ અબજ ડૉલરની અને જુલાઈમાં ૧.૮૧ અબજ ડૉલરની સોનાની ઈમ્પોર્ટ થઈ હતી. સપ્ટેમ્બરમાં સોનાની ઈમ્પોર્ટમાં ઉછાળો નોંધાતાં દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૧૮ મહિનાની ઊંચાઈએ ૧૪.૨ અબજ ડૉલર થઈ હતી. ગયા વર્ષે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઑલટાઇમ હાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૪.૮ ટકા સુધી પહોંચતાં સરકારે સોનાની આયાત પર અનેક નિયંત્રણો લાદી દીધાં હતાં, પણ થોડો સમય કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ કાબૂમાં રહ્યા બાદ હવે ફરી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધવા લાગી છે. સપ્ટેમ્બરમાં ચાંદીની આયાત સવાબે ગણી વધીને ૪૭.૭૦ કરોડની ડૉલરની નોંધાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2014 05:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK