વોડાફોનની કામગીરી સુધરી પણ ખોટમાંથી બહાર આવી નહીં

Published: Feb 14, 2020, 14:57 IST | Mumbai Desk

વોડાફોનની કામગીરી સુધરી પણ ખોટમાંથી બહાર આવી નહીં : સુપ્રીમ કોર્ટના એજીઆર કેસના નિકાલ પર અસ્તિત્વનો આધાર

દેશની અગ્રણી મોબાઇલ સેવા આપતી વોડાફોન આઇડિયા ચાલુ રહે કે બંધ થઈ જશે એનો સઘળો આધાર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી મોડિફિકેશન અરજી પર રહેશે. જાન્યુઆરીમાં ફાઇલ કરેલી આ અરજી પર આજે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
દરમિયાન, વોડાફોન આઇડિયાએ આજે ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીએ પોતાનાં પરિણામોમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની જવાબદારીમાં રાહત મળે એના માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કંપની પાસે હાથ પર એટલી રોકડ કે રોકડનો પ્રવાહ નથી કે બધી જવાબદારી પૂર્ણ કરી શકે અને કંપની ચાલુ પણ રહી શકે. પરિણામ અમે કંપની ચાલુ છે એ રીતે તૈયાર કર્યા છે પણ એનો આધાર સુપ્રીમ કોર્ટની મોડિફિકેશન અરજીના ચુકાદા પર ટકેલો છે.
ડિસેમ્બર ક્વૉર્ટરનું પરિણામ
વોડાફોન આઇડિયાએ અન્ય કંપનીઓની જેમ મોબાઇલ ટેરિફમાં ડિસેમ્બરમાં વધારો કર્યો હોવાથી કંપનીની આવક સપ્ટેમ્બર કરતાં બે ટકા વધી ૧૧,૦૮૯ કરોડ રૂપિયા થઈ છે. કંપનીને ઍવરેજ રેવન્યુ પર યુઝર પણ ૮૯ રૂપિયા સામે (ડિસેમ્બર ૨૦૧૮ સામે) વધીને આ ડિસેમ્બરમાં ૧૦૯ રૂપિયા થયા છે. 4G ગ્રાહકોની સંખ્યા વધી છે. ડેટા ડાઉનલોડ પણ વધ્યા છે. આમ છતાં એજીઆર અને અન્ય જવાબદારીઓના કારણે ડિસેમ્બર ૨૦૧૯ના અંતે વોડાફોન આઇડિયાએ ૬૪૩૮ કરોડ રૂપિયાની ખોટ કરી છે.
અત્રે નોંધવું જોઈએ કે વોડાફોન પર કુલ ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જેમાંથી સરકારને અલગ-અલગ રીતે ચૂકવવાના ૮૮,૫૩૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આની સામે હાથ પર ૧૨,૫૩૦ કરોડ રૂપિયાની રોકડ છે. વોડાફોન અને આઇડિયા વચ્ચે મર્જરના કારણે કંપની નવું મૂડીરોકાણ પણ કરી રહી છે. વળી એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં વોડાફોનને પોતાના ટાવર અને ઓપ્ટિકલ ફાઇબર કંપનીમાં હિસ્સો વેચવાની હજી પરવાનગી નથી મળી રહી જેથી મિલકત વેચીને પણ દેવું ઘટાડવાનું શક્ય નથી. આ સમયમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૨૩ જાન્યુઆરી સુધીમાં ૫૩,૦૦૦ કરોડ રૂપિયાની રકમ એજીઆર પેટે ચૂકવવાની બાકી હતી. ભારતી ઍરટેલ સાથે કંપનીએ આ એજીઆરની ચુકવણીમાં રાહત મળે, શરતોમાં ફેરફાર થાય કે વ્યાજ માફ મળે એ માટે અરજી કરી છે. જો અરજીમાં કોઈ રાહત નહીં મળે તો વોડાફોન માટે અસ્તિત્વ ટકાવી રાખવું લગભગ અશક્ય લાગી રહ્યું છે.
સપ્ટેમ્બરમાં ઐતિહાસિક ખોટ કરી
નવેમ્બર મહિનામાં વોડાફોન આઇડિયાએ જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં કોઈ કે ક્વૉર્ટરમાં સૌથી મોટી ખોટ નોંધાવવાનો વિક્રમ કર્યો હતો. બીજા ક્વૉર્ટરમાં કંપનીએ ૫૦,૯૨૦ કરોડ રૂપિયાની જંગી ખોટ નોંધાવી હતી. કંપનીને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક ૧૪ વર્ષ જૂના કેસમાં મોટી રકમ કેન્દ્ર સરકારને ચૂકવવાની જોગવાઈ કરવી પડી છે. એપ્રિલથી જૂનના સમયગાળામાં કંપનીની ખોટ ૪૯૯૪ કરોડ રૂપિયા હતી, પણ ૩૦,૭૦૦ કરોડ રૂપિયાની વિશિષ્ટ ખોટના કારણે બીજા ક્વૉર્ટરમાં વોડાફોન આઇડિયાની ખોટ વધી ગઈ છે.
એ સમયે પરિણામ જાહેર કરતાં સુપ્રીમ કોર્ટના આદેશ વિશે કંપનીએ જણાવ્યું હતું કે લાઇસન્સ ફી તરીકેની જવાબદારી ૨૭,૬૧૦ કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ યુસેજ માટે ૧૬,૫૪૦ કરોડ રૂપિયા અને ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની રકમ વ્યાજ અને પૅનલ્ટી’ પેટે આપવાની રહે છે. ટિપાર્ટમેન્ટની નોટિસ અને અન્ય પરિબળોના આધારે કંપનીએ ૨૫,૬૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ હાલમાં બીજા ક્વૉર્ટરમાં કરી છે. આવી જ રીતે કંપનીએ ડિફર્ડ ટૅક્સ પેમેન્ટની મિલકત પેટે ગણવાની બંધ કરી દેતાં એના કારણે ૧૩,૯૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હોવાથી કુલ ખોટ ૫૦,૯૨૦ કરોડ રૂપિયા થાય છે.
વોડાફોન અને ઍરટેલની રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ માટે સ્પેક્ટ્રમ ફી ભરવામાં રાહત આપવાની જાહેરાત થઈ છે. આ ઉપરાંત દેશની ત્રણેય કંપનીઓમાં વધુ આવક ઊભી કરી નફાશક્તિ જાળવી રાખવા માટે પ્રી-પેઇડ કાર્ડના ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવા માટે નવા ટૅરિફ પણ જાહેર કરવામાં આવ્યા છે. એજીઆરના અગાઉના ચુકાદા અંગે ફેરવિચારણા કરવા અંગેની બન્ને કંપનીઓની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે એટલે આદેશમાં ફેરફાર કરવા, દંડની રકમ માફ કરવા અંગે હપ્તામાં નાણાં પરત કરવા માટે વોડાફોન, ઍરટેલ અને તાતા ટેલીએ સુપ્રીમમાં મોડિફિકેશન અરજી કરી છે જેની સુનાવણી હજી બાકી છે.
બિરલાની બિઝનેસ આટોપી લેવાની વાત
દેશના ટોચના ઉદ્યોગગૃહમાંથી એક એવા આદિત્ય બિરલા જૂથના વડા કુમાર મંગલમ બિરલાએ ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર કોઈ રાહત નહીં આપે તો વોડાફોન આઇડિયાનો મોબાઇલ સેવાઓનો બિઝનેસ બંધ કરી દેવો પડશે. અમારે દુકાન બંધ કરવી પડશે એવું બિરલાએ સરકાર રાહત નહીં આપે તો વોડાફોનને ભવિષ્યમાં કેવી રીતે ચલાવશો એવા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. બિરલા હિન્દુસ્તાન ટાઇમ્સના લીડરશિપ સમિટમાં બોલી રહ્યા હતા.
બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારની રાહત નહીં મળે તો પોતાનું જૂથ આ કંપનીમાં નવું રોકાણ કરશે નહી. ખરાબ નાણાં પાછળ સારાં નાણાં ખર્ચ કરવાનો કોઈ મતલબ સરતો નથી એમ તેમણે જણાવ્યું હતું. બિરલાએ એમ પણ જણાવ્યું હતું કે રાહત નહીં મળે તો કંપનીને નાદારીના રસ્તે લઈ જવી પડશે.
અગાઉ વોડાફોન ગ્લોબલે ચેતવણી આપી હતી
અગાઉ ૧૨ નવેમ્બરે વોડાફોન ગ્લોબલના પરિણામની જાહેરાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સીઈઓ નીક રીડે કુમાર મંગલમ બિરલા જેવી જ વાત કરી હતી. યોગ્ય ઉકેલ નહીં આવે તો સ્થિતિ અત્યંત ગંભીર છે. જો કંપની ચાલી શકે નહીં તો એ ચોક્કસ નાદારી તરફ જ આગળ વધે એમ રીડે જણાવ્યું હતું. બિરલાની આઇડિયા સાથે વોડાફોન આ કંપનીમાં ૪૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
વર્ષ ૨૦૧૭માં વોડાફોન અને આઇડિયા મર્જ થયા પછી કંપનીએ ગ્રાહકોની દૃષ્ટિએ પોતાનું દેશમાં નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે અને એ પછી દર ત્રિમાસિક ગાળામાં કંપનીએ ખોટ પણ જાહેર કરી છે. રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ભારતમાં વૉઇસ કૉલ મફત કરતા અને ડેટાના ભાવ ઘટાડી નાખતાં વોડાફોન આઇડિયાની હાલત વધારે કફોડી થઈ છે.
વોડાફોન ગ્રુપ યુરોપ સિવાયની બજારમાં ટેલિકૉમ સેવાઓમાંથી નીકળી રહ્યું છે અને હવે ભારતમાં પણ નવું મૂડીરોકાણ કરવા તૈયાર નથી. અગાઉ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના રાઇટ ઇશ્યુમાં પણ વોડાફોને ઇચ્છા નહીં હોવા છતાં રોકાણ કર્યું હતું.
વોડાફોન ભારતમાં આવ્યાનાં ૧૦ વર્ષમાં કંપની હવે સંપૂર્ણરીતે ભારતમાંથી ઉચાળા ભરવાનું વિચારી રહી છે. માત્ર કંપનીની મુશ્કેલી નહીં, પણ હચિસન પાસેથી હિસ્સો ખરીદવા માટે ઇન્કમ ટૅક્સ વિભાગ સાથે ૨.૨ અબજ ડૉલરનો એક કેસ ૨૦૧૨થી લડી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK