Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્ક પૉલિસીની તાકીદની જાહેરાત

રિઝર્વ બૅન્ક પૉલિસીની તાકીદની જાહેરાત

23 May, 2020 02:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્ક પૉલિસીની તાકીદની જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કોરોના વાઇરસના કારણથી ભારતમાં લૉકડાઉન જાહેર કરવાની ફરજ પડી હોવાથી અને આગામી દિવસોમાં વાઇરસનો ફેલાવો, એનો ઇલાજ અને સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે દેશના અર્થતંત્રમાં માગ અને પુરવઠા પર ગંભીર અસરો થઈ રહી છે, ભવિષ્ય અનિશ્ચિત છે એવું આંકલન કરતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે રેપો રેટ (એટલે કે બૅન્કો જે વ્યાજદરથી રિઝર્વ બૅન્ક પાસેથી ધિરાણ મેળવે છે) એમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કર્યો છે.

છેલ્લાં ૨૦ વર્ષમાં રેપો રેટનું આ સૌથી નીચું સ્તર છે. આની સાથે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીનું આંકલન છે કે ૨૦૨૦-’૨૧માં દેશો આર્થિક વિકાસ દર નેગેટિવ રહી શકે છે (એટલે કે જીડીપીમાં વૃદ્ધિના બદલે ઘટાડો થઈ શકે છે). છેલ્લાં ૪૦ વર્ષમાં ભારતમાં નેગેટિવ આર્થિક વિકાસદર નોંધાયો નથી. જીડીપી કેટલી ઘટશે એ અંગે રિઝર્વ બૅન્કે કોઈ ચોક્કસ માત્રા જણાવી નથી, પણ દેશની સરકાર કે સેન્ટ્રલ બૅન્ક દ્વારા કોરોનાની દેશના અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે એની આ પ્રથમ સત્તાવાર સ્વીકૃતિ છે.



વ્યાજદરમાં ઘટાડો


માર્ચ મહિનામાં કોરોના વાઇરસની અસરો અને દરદીઓ ભારતમાં વ્યાપક રીતે જોવા મળ્યા પછી, લૉકડાઉન અમલમાં આવ્યા પછી બીજી વખત રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક, નિયત તારીખ વચ્ચે તાકીદે બોલાવવી પડી છે. માર્ચ મહિના પછી ભારતમાં બૅન્કે વ્યાજના દર ૧.૧૫ ટકા જેટલા ઘટાડ્યા છે. રેપો રેટ ઘટતાં રિવર્સ રેપો રેટ હવે ઘટીને ૩.૩૫ ટકા થઈ ગયો છે. બૅન્કો પોતાની પાસે ફાજલ નાણાં રિઝર્વ બૅન્કમાં જમા કરાવી જે વ્યાજ મેળવે એને રિવર્સ રેપો કહેવાય અને આ હવે ઐતિહાસિક નીચી સપાટી ૩.૨૫ ટકા કરતાં માત્ર ૦.૧૦ ટકા જ વધુ છે.

અહી નોંધવું જરૂરી છે કે દેશમાં સતત ઘટી રહેલા ફુગાવા અને આર્થિક વૃદ્ધિદર મંદ પડી રહ્યો હોવાથી રિઝર્વ બૅન્કે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં વ્યાજના દર ૧.૩૫ ટકા ઘટાડ્યા હતા. આમ છેલ્લાં ૧૭ વર્ષમાં ભારતમાં વ્યાજદર ૨.૪૫ ટકા જેટલો ઘટી ગયો છે.


વ્યાજદરમાં ઘટાડાની અસરથી ફાયદો થશે?

માત્ર વ્યાજદરના ઘટાડાથી અર્થતંત્રને ફાયદો થાય એવી શક્યતા હાલના તબક્કે, હાલના આર્થિક વાતાવરણમાં જણાતી નથી. એટલું ચોક્કસ છે કે મોટા ભાગની બૅન્કોના ધિરાણદર હવે રેપો રેટ સાથે જોડાયેલા હોવાથી ધિરાણના દર ઘટાડવા જ પડશે. સામે બૅન્કોની વ્યાજની કમાણી ઘટશે તો તેની સાથે ડિપોઝિટ પરના દરમાં પણ ઘટાડો થશે એટલે બચત અને માત્ર વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો પડી શકે કે નુકસાન થઈ શકે છે.

અત્યારે દેશની આર્થિક સ્થિતિ નાજુક છે. લૉકડાઉનને કારણે ઉત્પાદન (પુરવઠો) અને માગ (ડિમાન્ડ) બન્નેને અસર થઈ છે. લૉકડાઉન હળવું કરવામાં આવ્યું છે, પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનના ૬૦ ટકા હિસ્સા હજી પણ કોરોના વાઇરસની અસર હેઠળના રેડ ઝોનમાં આવે છે. આ ઉપરાંત, સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે માગ અને પુરવઠા બન્ને પર અસર પડવાની છે એટલે ધિરાણની માગ પણ ઓછી રહેવાની છે. બીજું, અનિશ્ચિત વાતાવરણમાં બૅન્કો પણ જોખમ લઈને ધિરાણ આપવા તૈયાર ન હોવાથી માત્ર વ્યાજદરના ઘટાડાથી અર્થતંત્ર ધમધમતું થઈ જશે એવી આશા રાખવી વધારે પડતી છે.

એટલું ચોક્કસ છે કે આત્મનિર્ભર પૅકેજમાં ૩,૦૦,૦૦૦ કરોડ રૂપિયાની એમએસએમઈને લોન આપવાની છે એમાં કેન્દ્ર સરકાર ગૅરન્ટર હોવાથી એમાં થોડી રાહત મળશે, પણ વ્યાજદરની વર્તમાન સ્થિતિ માત્ર ટકી રહેવામાં મદદ કરશે અને નહીં કે આર્થિક પ્રવૃત્તને વેગવંતી બનાવવામાં!

લોન પાછી કરવામાં વધુ ત્રણ મહિનાની રાહત, નિકાસકારો અને રાજ્યોને મદદ

માર્ચ મહિનામાં પૉલિસી જાહેર કરતી વેળાએ રિઝર્વ બૅન્કે લોનના હપ્તા પાછા કરવા માટે ત્રણ મહિનાની મુદત આપી હતી. ૧ માર્ચ ૨૦૨૦ના દિવસે જે લોન બાકી હોય એના ત્રણ મહિના સુધી હપ્તો ભરે નહીં તો એને ડિફૉલ્ટ ગણવું કે ક્રેડિટ સ્કોર માટે નેગેટિવ ગણવું નહીં એવી રાહત આપવામાં આવી હતી. રિઝર્વ બૅન્કે હવે આ મોરેટોરિયમ વધુ ત્રણ મહિના વધારી આપ્યું છે એટલે કે ઑગસ્ટ સુધી હપ્તો ન ભરવાની રાહત આપવામાં આવી છે.

આ ઉપરાંત, હપ્તાની બાકી રકમ, જો ૬ મહિનાની ઉપરોક્ત સ્કીમનો લાભ લેવામાં આવે તો – બાકીની રકમ  અલગની લોન ગણી એ નાણાકીય વર્ષમાં (માર્ચ ૨૦૨૧ સુધીમાં) હપ્તેથી ભરવાની છૂટ આપી છે. અગાઉ એવી જોગવાઈ હતી કે ત્રણ મહિના પછી બાકી રકમ એકસાથે ભરી દેવી પડશે. આ એક મોટી રાહત છે.

  આ ઉપરાંત, વર્કિંગ કૅપિટલ ધિરાણ કે કૅશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ માટે બૅન્કો અને અન્ય ધિરાણ આપતી સંસ્થાઓને લોન લેનારને વધુ ત્રણ મહિનાની રાહત આપી છે. એમાં પણ જૂનને બદલે ઑગસ્ટ સુધી રાહત આપવામાં આવી છે અને એના પર વ્યાજ ચૂકવવાનું પણ જરૂરી નથી. આ ઉપરાંત મોટાં કૉર્પોરેટને ધિરાણની મર્યાદા અત્યારે ૨૫ ટકા હતી એ વધારીને ૩૦ ટકા કરવામાં આવી છે જેથી આ કંપનીઓને પણ વધુ ધિરાણ ઉપલબ્ધ બની શકે.

રાજ્યોને ૧૩,૩૦૦ કરોડ રૂપિયાની રાહત

રાજ્ય સરકારોની જામીનગીરી જે વર્ષે પાકે એમાં કોઈ આકસ્મિક સંજોગોમાં લિક્વિડિટીની સમસ્યા હોય તો એને ખાળવા માટે અલગ ફન્ડ રાખવામાં આવ્યું છે. આ અનામત ફન્ડમાં ઉપાડની મર્યાદામાં ફેરફાર કરવાની આજે જાહેરાત કરવામાં આવી છે એટલે રાજ્યોને વધારાના ૧૩,૩૦૦ કરોડ રૂપિયા મળશે. આ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં કુલ પાકતી રકમના ૪૫ ટકા જેટલા થાય છ એટલે રાજ્યોને પોતાની પાકતી જામીનગીરી માટે વધારાની રકમ ઊભી કરવી પડશે નહીં.

આયાત-નિકાસકારોને મદદ

લૉકડાઉન અને વૈશ્વિક સ્થિતિને કારણે આયાત અને નિકાસ પર ગંભીર અસર પડી છે. નિકાસ અને આયાત બન્નેમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધીમાં નિકાસ માટે ધિરાણ મેળવનારને એ પાછું (નિકાસની કમાણી) કરવાની મર્યાદા અત્યારે નિકાસ કર્યાની તારીખથી ૯ મહિના હતી જે વધારીને ૧૫ મહિના કરવામાં આવી છે.

આયાત અને નિકાસકારોને મદદ કરતી ઍક્સિસ બૅન્કને રિઝર્વ બૅન્કે ૧૫,૦૦૦ કરોડની વધારાની ધિરાણમર્યાદા આપવાની જાહેરાત કરી છે. ૯૦ દિવસની મુદતવાળી આ સ્કીમમાં ડૉલર સામે રૂપિયામાં સ્વાપ કરવા અને ધિરાણ એક વર્ષ સુધી રોલઓવર કરવામાં પણ આવી શકે છે. આયાતકારને પેમેન્ટ આપવા માટે અત્યારે ૬ મહિનાનો સમય મળે છે એના સ્થાને આપેલા ડૉલર હવે આયાતની તારીખના એક વર્ષ સુધી આયાતકાર પોતાની પાસે રાખી શકે એવી જાહેરાત કરવામાં આવી છે. 

દેશનો આર્થિક વિકાસ ૨૦૨૦-’૨૧માં નેગેટિવ રહેશે            

કમિટીએ માર્ચ મહિનાની તાકીદની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧નો આર્થિક અંદાજ આપવાનો ઇનકાર કર્યો હતો, પણ આજે નોંધ્યું છે કે એ નેગેટિવ રહેશે, એટલે કે જીડીપી વૃદ્ધિને બદલે એમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત નોંધ્યું છે કે દેશનો વિકાસ ફરી શરૂ થાય એનો આધાર કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં વૃદ્ધિદરમાં ઘટાડો કે એના ઇલાજ આધારિત છે. ભારતમાં નેગેટિવ વૃદ્ધિ છેલ્લા ચાર દાયકામાં ક્યારેય જોવા મળી નથી.

અહીં યાદ કરવું જરૂરી છે કે કોરોના વાઇરસ આવ્યો એ પહેલાં ભારતનો આર્થિક વિકાસદર ૨૦૧૯-ૅ૨૦માં ૪.૯ ટકા રહ્યો હોવાનો અંદાજ છે જે છેલ્લા એક દાયકામાં સૌથી નીચો છે. કોરોના વાઇરસને કારણે દેશના આર્થિક વિકાસ પર જ અસરો પડવાની છે એ અગાઉની ધારણા કરતાં વધારે ગંભીર છે અને દેશનાં કેટલાંક ક્ષેત્રોમાં તીવ્ર કટોકટી જોવા મળી રહી હોવાનું મૉનિટરી પૉલિસી કમિટીએ નોંધ્યું છે.

વિવિધ એજન્સી દ્વારા ભારતના આર્થિક વિકાસદરના અંદાજો આપવામાં આવ્યા છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ ૧.૬ ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. કેન્દ્ર સરકારનાં સુત્રોએ આત્મનિર્ભર પૅકેજમાં ૧.૨ ટકાની વૃદ્ધિ રહે એવો અંદાજ મૂક્યો હોવાનું જણાવ્યું છે તો ગોલ્ડમૅન શાસ જેવી ખાનગી સંસ્થા વૃદ્ધિ નેગેટિવ પાંચ ટકા રહે એવું માને છે.

શ્રમિકો ગામડે પાછા આવી ગયા હોવાથી તેમની અછત અને સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે લૉકડાઉન હળવું બન્યા પછી પણ નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં પણ ભારતનો આર્થિક દર નબળો કે ધીમો રહે એવું કમિટીએ નોંધ્યું છે. માગ ફરી બજારમાં જોવા મળે એ પહેલાં ત્રીજા અને ચોથા ક્વૉર્ટરમાં જો સપ્લાય અને લૉજિસ્ટિક હળવાં થાય, ફરી અગાઉની સ્થિતિએ આવે તો આર્થિક વૃદ્ધિ ફરી જોવા મળી શકે છે એમ કમિટી જણાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2020 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK