Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સુધારાની હૅટટ્રિકમાં નિફ્ટી ૭૯૦૦ ઉપર બંધ

સુધારાની હૅટટ્રિકમાં નિફ્ટી ૭૯૦૦ ઉપર બંધ

22 October, 2014 05:46 AM IST |

સુધારાની હૅટટ્રિકમાં નિફ્ટી ૭૯૦૦ ઉપર બંધ

સુધારાની હૅટટ્રિકમાં નિફ્ટી ૭૯૦૦ ઉપર બંધ



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ



સુધારાની હૅટટ્રિકમાં સેન્સેક્સ ગઈ કાલે ૧૪૬ પૉઇન્ટ વધીને ૨૬૫૭૫ તથા નિફ્ટી ૭૯૨૮ નજીક બંધ રહ્યા છે. બજારનો આરંભ અને અંત મજબૂત વલણમાં હતા. વચ્ચેનો ગાળો ઇન્ટ્રા-ડે કરેક્શન જેવો હતો. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૨ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલી ૨૬૬૧૫ની ટોચે ગયા બાદ આ કરેક્શનમાં ૨૬૪૦૭ના તળિયે ગયો હતો અને ત્યાંથી બાઉન્સ-બૅકમાં ૨૬૫૯૩ સુધી પહોંચ્યો હતો. આમ આખા દિવસમાં કુલ મળીને ૫૮૦ પૉઇન્ટની સ્વિંગ જોવા મળી હતી. જૅપનીઝ નિક્કી બે ટકા કે ૩૦૭ પૉઇન્ટ ગગડીને ૧૪૮૦૪ બંધ હતો. સાઉથ કોરિયા અને ચાઇનીઝ માર્કેટ પોણા ટકાની આસપાસ નરમ હતા. સામે સિંગાપોર સર્વાધિક ૦.૭ ટકા પ્લસ હતું. યુરોપ સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ પોણાથી પોણાબે ટકા નજીક ઉપર જણાતું હતું. યુરોપની મજબૂતીથી ઘરઆંગણે અંતિમ સેશન બજાર માટે સારું નીવડ્યું હતું. કોલ-બ્લૉક્સની નવેસરથી ફાળવણીની દિશામાં સરકાર સક્રિય બનતાં મેટલ, પાવર તેમ જ બૅન્કિંગ શૅર એકંદર વિશેષ ઝળક્યા હતા.



માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી


સુધારાની હૅટટ્રિકમાં સેન્સેક્સ તથા નિફ્ટી ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજથી ઉપર આવી ગયા છે, પરંતુ ૩૦ દિવસની મૂવિંગ ઍવરેજ વટાવવાનું હજી બાકી છે. રસાકસીવાળી માર્કેટ-બ્રેડ્થમાં ૧૪૭૩ શૅર વધેલા હતા, ૧૩૪૪ જાતો નરમ હતી. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૨ શૅર તથા બજારના ૨૪માંથી ૨૨ ઇન્ડાઇસિસ વધીને બંધ રહ્યા હતા. સેસાગોવા, ગેઇલ અને ભેલ ૪.૩થી ૪.૪ ટકા ઊંચકાયા હતા. વિપ્રો ૩ ટકા, મારુતિ સુઝુકી ૨.૩ ટકા, હીરો મોટોકૉર્પ બે ટકા તથા તાતા મોટર્સ દોઢ ટકો પ્લસ હતા. સામે ઓએનજીસી અને મહિન્દ્રમાં અઢી ટકાની નબળાઈ હતી. ઇન્ફોસિસ એક ટકો ડાઉન હતો. આઇટી શૅરમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પાંચ ટકા, માઇન્ડ ટ્રી ૪.૩ ટકા, ટીસીએસ ૦.૪ ટકા, ટેક મહિન્દ્ર ૧.૩ ટકા વધેલા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ, શોભા ડેવલપર્સ, ડીએલએફ અને ઑબેરૉય રિયલ્ટીના પાંચથી સાડાછ ટકાની તેજીના સહારામાં ૨.૬ ટકા મજબૂત હતો. ૨૩૧ શૅરની તેજીની સર્કિટમાં તો ૨૩૦ શૅર નીચલી સર્કિટે બંધ હતા. ભાવની રીતે બીએસઈ ખાતે ૧૨૬ કાઉન્ટર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચી સપાટીએ ગયા હતા. સામે ૭૪ શૅરમાં ઐતિહાસિક બૉટમ બની હતી.

બૅન્કેક્સ ઑલટાઇમ હાઈ

બૅન્કેક્સ મંગળવારે ૧૮,૮૨૮ની સર્વોચ્ચ સપાટીએ જઈ અંતે ૨૨૩ પૉઇન્ટ કે ૧.૨ ટકાની આગેકૂચમાં ૧૮,૭૮૭ બંધ હતો. એના ૧૨માંથી ૧૧ શૅર વધ્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૬ ટકા વધીને ૧૫૭૭ રૂપિયા, એક્સિસ બૅન્ક ૧.૩ ટકા વધી ૪૨૩ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૦.૧ ટકા વધીને ૮૯૬ તથા એસબીઆઇ ૦.૬ ટકા વધીને ૨૫૮૪ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૭૦ પૉઇન્ટનો લાભ થયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૪ શૅર ઊંચકાયા હતા. એમાંથી ઇન્ડિયન બૅન્ક ૪.૩ ટકા, આઇડીબીઆઇ ૩.૫ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર ૩.૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૮ ટકા, જેકે બૅન્ક ૨.૨ ટકા, દેના બૅન્ક ૨.૩ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ માયસોર ૨.૩ ટકા પ્લસ હતા. ઇન્ટ્રા-ડેમાં ઍક્સિસ બૅન્ક ૪૨૫ રૂપિયા નજીક, ઇન્ડસઇન્ડ બૅન્ક ૬૭૯ રૂપિયા, ફેડરલ બૅન્ક ૧૪૨ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ થયા હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૩.૮ ટકા ઘટીને ૨૫.૪૦ રૂપિયા બંધ હતો. પીએનબી ૨.૬ ટકા અને યુનિયન બૅન્ક ૧.૧ ટકા ડાઉન હતા. બૅન્ક નિફ્ટી ૧.૩ ટકાની આગેકૂચમાં ૧૬૪૨૭ બંધ હતો.

પાવર શૅર ઝળક્યા

કોલ-બ્લૉક્સની ઈ-ઑક્શન મારફત નવેસરથી ફાળવણીની દિશામાં સરકારી પગલાની અસરમાં પાવર શૅર ગઈ કાલે ઝળક્યા હતા. ૧૮માંથી ૧૬ શૅરની મજબૂતીમાં પાવર ઇન્ડેક્સ ૨.૬ ટકા પ્લસ હતો. પીટીસી ૪.૬ ટકાના ઉછાળે ૮૮.૫૦ રૂપિયા રહી ટૉપ ગેઇનર બન્યો હતો. જેએસડબ્લ્યુ એનર્જી ૩.૯ ટકા, ભેલ ૪.૩ ટકા, પાવરિગ્રડ ૩.૬ ટકા, એબીબી ૨.૯ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૩.૨ ટકા, અદાણી પાવર ૨.૬ ટકા, એનટીપીસી ૨.૮ ટકા, એનએચપીસી ૧.૮ ટકા, રિલાયન્સ પાવર ૨.૧ ટકા અપ હતા. ટૉરન્ટ પાવર એક ટકો અને તાતા પાવર સવા ટકો પ્લસ હતા. સામે જીએમઆર ઇન્ફ્રા બે ટકા ઘટીને ૨૧.૪૦ રૂપિયા તથા ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૧.૧ ટકાની નરમાઈમાં ૧૮૭ રૂપિયા બંધ હતા. સમગ્ર પાવર સેક્ટરમાં ૨૦ શૅર વધ્યા હતા. ૧૨ જાતો નરમ હતી. વીએસી પાવર તથા એસઈ પાવર જૈસે-થે હતા. ઇન્ડિયા બુલ્સ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧.૮૪ રૂપિયા બંધ હતો તો સુઝલોન પાંચ ટકાની મંદીની સર્કિટે ૧૧.૧૦ રૂપિયા રહ્યો હતો.

મેટલ શૅરને પણ હૂંફ

કોલ-બ્લૉક્સનું કારણ મેટલ શૅરમાંય નોંધપાત્ર હૂંફનું કારણ બન્યું હતું. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરના સુધારામાં ૧.૭ ટકા વધીને બંધ હતો. જિન્દલ સ્ટીલ સાડાસાત ટકાના ઉછાળે ૧૪૫ રૂપિયા બંધ હતો. સેઇલ ૫.૨ ટકા, સેસા સ્ટરલાઇટ ૪.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૮ ટકા તથા એનએમડીસી બે ટકા ઊંચકાયા હતા. તાતા સ્ટીલ સવા ટકાના સુધારામાં ૪૫૬ રૂપિયા બંધ હતો. હિન્દાલ્કો પણ સવા ટકો વધ્યો હતો. મોનેટ ઇસ્પાત ૫.૪ ટકા, શારદા એનર્જી ૭.૬ ટકા અપ હતા. સામે તાતા સ્પૉન્જ બે ટકા, ઓડિશા સ્પૉન્જ ૩.૭ ટકા, સાતવાહન ઇસ્પાત ૧.૮ ટકા, વેલકાસ્ટ સ્ટીલ સવાપાંચ ટકા, ભૂષણ સ્ટીલ પોણો ટકો ડાઉન હતા. માઇનિંગ શૅરમાં કોલ ઇન્ડિયા ૧.૬ ટકા ઘટીને ૩૫૫ રૂપિયા બંધ હતો. ગુજરાત નૅચરલ ૪.૪ ટકા, નાગપુર પાવર ૧૫ ટકા, વીબીસી ફેરો સવાબે ટકા નરમ હતા. ઓડિશા મિનરલ્સ ડેવલપમેન્ટ ૫.૫ ટકાની તેજીમાં ૩૩૯૨ રૂપિયા રહ્યો હતો. સાંડુર મેન્ગોનીઝ ૧.૭ ટકા અને એમઓઆઇએલ ૦.૯ ટકા વધેલા હતા.

ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ધરાશાયી

સરકારી આદેશ શૅરબજારની શું દશા કે અવદશા કરી શકે એનો નાનકડો પરચો ગઈ કાલે જોવા મળ્યો છે. સ્કૅમગ્રસ્ત એનએસઈએલને પ્ોરન્ટ કંપની ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી સાથે મર્જ કરવાનો સરકારી નિર્ણય જાહેર થતાંની સાથે જ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝનો શૅર માંડ પાંચેક મિનિટમાં જ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં સરી પડ્યો હતો અને ત્યાં જ ૧૭૦ રૂપિયા નીચે બંધ હતો. વૉલ્યુમ લગભગ ૧૬ લાખ શૅરનું હતું. ૨૧૨ રૂપિયાના આગલા બંધ સામે ભાવ ૨૧૩ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૧૭ રૂપિયા થયા બાદ બપોરે ૧.૪૦ વાગ્યે ૨૧૫ રૂપિયા ચાલતો હતો. સરકારી ફરમાનની અસરમાં પાંચેક મિનિટમાં જ ૨૦ ટકાની નીચલી સર્કિટે ૧૬૯.૬૫ રૂપિયા થઈ ગયો હતો. મર્જર થાય તો ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ ઉપર એનએસઈએલના સ્કૅમમાંની ૫૨૦૦ કરોડ રૂપિયાની જવાબદારી આવી પડશે. બાય ધ વે ૨૦૧૩-’૧૪ના વષાઅંતે ફાઇ. ટેક્નૉ.ની રિઝર્વ ૨૪૦૦ કરોડ રૂપિયાની છે. કંપનીનું માર્કેટકૅપ ૭૮૧ કરોડ રૂપિયા ગઈ કાલે રહ્યુ છે. મતલબ કે આખી કંપની વેચાય કે ખાલી થઈ જાય તો પણ અ ખુદ સંપૂર્ણપણે સ્કૅમનું સેટલમેન્ટ કરી શકે એમ નથી. 

બજારની અંદર-બહાર

વેલસ્પન કૉર્પ ત્રિમાસિક ગાળામાં ૩૩૭૭ લાખ રૂપિયાની ચોખ્ખી ખોટમાંથી ૫૨૫ લાખ રૂપિયાના નેટ પ્રૉફિટમાં આવતા શૅર ઉપરમાં ૮૨.૭૦ રૂપિયા થઈ અંતે પાંચ પૈસાના ઘટાડે ૭૮ રૂપિયા બંધ હતો.

સ્ટોન ઇન્ડિયાને ચાઇના તરફથી પ્રથમ વાર બૅક સિસ્ટમ્સની સપ્લાય માટે એક વર્ષનો ઑર્ડર મળ્યો છે. શૅર ૨૦ ટકાના જમ્પ બાદ અંતે ૧૨ ટકા વધીને ૪૯.૬૦ રૂપિયા હતો.


પીએનબીએ ૧૨ ટકા જેવા વધારામાં ૧૩૦૨૦ કરોડ રૂપિયાની ત્રિમાસિક આવક પર ૧૩.૮ ટકાના વૃદ્ધિદરથી ૫૭૫ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ કરતાં શૅર ઉપરમાં ૯૭૫ રૂપિયા થયા બાદ અંતે અઢી ટકા ઘટીને ૯૩૧ રૂપિયા હતો.

મોતીલાલ ઓસ્વાલ ફાઇ. સર્વિસિસે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૪૮૧ ટકાના વૃદ્ધિદરથી ૩૨૬૫ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કરતાં શૅર ૨૩૬ રૂપિયાની ટોચે જઈ છેલ્લે ૧.૩ ટકાના ઘટાડે ૨૧૭ રૂપિયા હતો.બીજીઆર એનર્જીને ૨૫૦ કરોડ રૂપિયાનો નવો ઑર્ડર મળતાં શૅર અઢી ગણા વૉલ્યુમે સવાચાર ટકાની મજબૂતીમાં ૧૫૭ રૂપિયા હતો.


કલ્યાણી સ્ટીલ સારાં પરિણામની અસરમાં સોમવારનો ૬.૨ ટકાની મજબૂતીમાં આગળ ધપાવતાં ગઈ કાલે ૧૫૯ રૂપિયાના નવા શિખરે જઈ છેલ્લે આઠેક ટકાની તેજીમાં ૧૫૬ રૂપિયા રહ્યો હતો.

બીઈએમએલ ૧૫ ગણા વૉલ્યુમે ૧૭ ટકાનો ઉછાળો દાખવીને ૬૫૨ રૂપિયા બંધ હતો.


મેઘમણિ ઑગેર્નિક્સ ૨૦ લાખ શૅરથી વધુના કામકાજમાં ૨૨.૨૦ રૂપિયાની મલ્ટિયર ટૉપ બનાવી ૧૫.૮ ટકાના જમ્પમાં ૨૧.૬૦ રૂપિયા બંધ હતો.એમસીએક્સ ૬ ગણા કામકાજમાં ઉપરમાં ૮૦૦ રૂપિયા થઈ પોણાછ ટકાની મજબૂતીમાં ૭૯૧ રૂપિયા બંધ હતો.

ઍડલૅબ્સ એન્ટરટેઇનમેન્ટના IPO માટે સેબીની મંજૂરી

સેબીએ ઍડલૅબ્સ એન્ટરટેઇનમેન્ટને IPO મારફત નાણાં ઊભાં કરવાની મંજૂરી આપી દીધી છે. કંપનીએ મે મહિનામાં સેબીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ નોંધાવ્યું હતું. આ દસ્તાવેજ એના ઇશ્યુના લીડ મૅનેજર ડોઇશ ઇક્વિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે નોંધાવ્યો હતો. ઍડલૅબ્સ એન્ટરટેઇનમેન્ટ ઍડલૅબ્સ ઇમેજિકા નામનો મનોરંજન પાર્ક ચલાવે છે. આ પાર્ક મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર છે જેનું નિર્માણ ફિલ્મનિર્માતા અને નિર્દેશક મનમોહન શેટ્ટીએ કરાવ્યું હતું. કંપનીએ ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા ૨.૩ કરોડ ઇક્વિટી શૅરનો પબ્લિક ઇશ્યુ લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઉપરાંત પ્રમોટર થિþલ પાર્ક લિમિટેડ પોતાના ૨૦ લાખ શૅર પણ વેચવા કાઢવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2014 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK