Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ સુધી આમ ને આમ ચાલશે બજાર!

બજેટ સુધી આમ ને આમ ચાલશે બજાર!

20 January, 2020 10:17 AM IST | Mumbai Desk
Jayesh Chitaliya

બજેટ સુધી આમ ને આમ ચાલશે બજાર!

બજેટ સુધી આમ ને આમ ચાલશે બજાર!


વીતેલા સપ્તાહમાં સેન્સેક્સે ૪૨૦૦૦નું નવું ઊંચું લેવલ બનાવ્યા બાદ હવે માત્ર બજેટની આશાએ આમ ને આમ બજાર ચાલશે. સ્મૉલ કૅપ અને મિડ કૅપ સ્ટૉક્સનો સારો સમય શરૂ થયો હોય એવું જણાય છે. વીતેલા સપ્તાહમાં આ શૅરો સૌથી વધુ ચાલ્યા. પરિણામે બ્રોડર માર્કેટમાં વધુ દમ જોવા મળ્યો હતો. હવેના સપ્તાહમાં આવો જ ટ્રેન્ડ રહેવાની શક્યતા છે. ઉછાળામાં પ્રૉફિટ-બુકિંગ અવશ્ય આવી શકે

વડા પ્રધાનના ઇકૉનૉમી રિવાઇવલના આશાવાદને પરિણામે ગયા સપ્તાહમાં ઉછાળા મારનાર બજારને ઈરાન-યુએસ શાંતિનો ટેકો પણ મળી ગયો હતો, જ્યારે હવે અર્થતંત્ર અને બજારની સૌથી મોટી આશા હાલ તો એકમાત્ર બજેટ છે. ગયા સોમવારે આ જ આશાને કારણે બજાર પોઝિટિવ શરૂઆત સાથે આગળ વધ્યું હતું અને અંતમાં સેન્સેકસ ૨૬૦ પૉઇન્ટ પ્લસ સાથે ૪૧૮૦૦ ઉપર તેમ જ નિફ્ટી ૭૫ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨૩૦૦ ઉપરની સપાટીએ બંધ રહ્યા હતા. આ ઇન્ડેકસ લેવલ અત્યાર સુધીના ઉચ્ચતમ લેવલ હતા. મહત્ત્વની વાત એ હતી કે હવે માત્ર ઇન્ડેકસ શૅર વધવાને બદલે સ્મોલ કૅપ અને મિડ કૅપ સ્ટૉક્સ પણ વધવા લાગ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.



મોંઘવારીના ઊંચા દરને કારણે
મંગળવારે બજારની સામાન્ય વધઘટ સાથે ઠંડી શરૂઆત થઈ હતી. સોમવારે બજાર બંધ થયા બાદ જાહેર થયેલા રિટેલ ફુગાવાના આંકડાએ થોડી ચિંતા વધારી હતી, આ ફુગાવો ૭.૩૫ ટકા જેવી ઊંચી સપાટીએ પહોંચી જતા ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક માટે વ્યાજદરમાં કાપ મૂકવાનું મુશ્કેલ બનશે એવું કહી શકાય. તેમ જ મોંઘવારી વધુ રહેતા લોકોની ખરીદશક્તિ પર પણ અસર થઈ રહી છે. મંગળવારની જાહેરાત મુજબ હોલસેલ ઇન્ફલેશન ઇન્ડેકસ સાધારણ વધીને ૨.૫૯ થયો હતો. આ માટે પણ ક્રૂડનો ભાવવધારો કારણ બન્યો હતો. જોકે સેન્સેક્સ ૯૩ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. મંગળવારે પણ સ્મોલ અને મિડ કૅપ ઇન્ડેકસ વધ્યા હતા. આ બન્ને દિવસ માર્કેટ વધવાનું કારણ યુએસ-ચીન વેપાર કરારના સારા સંકેત હતું. ચોથા દિવસે સતત વધેલી બજારમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સે નવી ઊંચાઈ બનાવી હતી.


૩૬ સત્રમાં ૧૦૦૦ પૉઇન્ટ પ્લસ
બુધવારે માર્કેટનો આરંભ નબળો અને નેગેટિવ થયો હતો. સતત ચાર દિવસની તેજી બાદ કરેકશન જરૂરી હતું. આમ પણ બજાર નબળાં આર્થિક સંજોગો અને પરિબળો વચ્ચે નવી ઊંચાઈ પર છે, જેનું સતત ટકી રહેવું અઘરું અને ગેરવાજબી પણ ગણાય. અેમ છતાં માર્કેટ ખાસ ઘટ્યું નહોતું. સેન્સેક્સ માત્ર ૮૦ પૉઇન્ટ અને નિફ્ટી માત્ર ૧૯ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો. નોંધનીય એ છે કે સ્મોલ કૅપ અને મિડ કૅપ વધ્યા હતા. અર્થાત્ ટ્રેન્ડ હવે સતત આ બે સેક્ટર તરફ આગળ વધી રહ્યો છે. લાર્જ કૅપમાં વધુ ઊંચાઈ મુશ્કેલ જણાય છે. હવે પછી તે વધશે તો પણ તેમાં ઝડપી પ્રૉફિટ બુકિંગ આવશે. ગુરુવારે બજાર સાધારણ વધઘટ સાથે પ્લસમાં રહ્યું હતું. જોકે સેન્સેક્સ ૪૨૦૦૦ના લેવલ સુધી પહોંચી ગયો હતો. માર્કેટની શરૂઆત કરેક્શન સાથે થઈ હતી. જોકે અંતે સેન્સેક્સ ૬૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. માત્ર ૩૬ સત્રમાં સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ વધી ગયો હતો.

આ સપ્તાહમાં સાવચેત અને સિલેક્ટિવ
શુક્રવારે બજારે ઠંડી શરૂઆત કરી હતી. યુએસ-ચીન વચ્ચેના વેપાર કરારનો પ્રથમ તબક્કો સહી થઈ ગયો હતો, જેમાં અમુક માલની આયાત ડયુટીમાં રાહત અપાતા એકંદરે ગ્લોબલ માહોલમાં શાંતિ રહી હતી અને બજારમાં કોઈ ખાસ હલચલ નહીં રહેતા સેન્સેક્સ ૧૩ પૉઇન્ટ પ્લસ થઈ ૪૧૯૪૫ બંધ રહ્યો હતો અને નિફ્ટી માત્ર ત્રણ પૉઇન્ટ જેવો માઇનસ થઈ ૧૨૩૫૨ બંધ રહ્યો હતો. પ્રોફિટ બુક કરવાનું વલણ વધુ પસંદ કરાયું હતું. સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ ૪૨ હજારને પાર કરી પાછો ફર્યો હતો. હવે નવા સપ્તાહમાં બજાર વર્તમાન સ્તરે વધઘટ કર્યા કરશે એવું અનુમાન છે. બજેટ સિવાય કોઈ પરિબળ નથી જે બજારને મોટી અસર કરે. લાર્જ કૅપ કરતાં સ્મોલ કૅપ અને મિડ કૅપ શૅરો હજી પણ તેજીમય ટ્રેન્ડમાં રહેશે. સિલેક્ટિવ સ્ટૉકસ પર વધુ નજર રહેશે. રિટેલ મોંઘવારીના ઊંચા દરને ધ્યાનમાં રાખતા રિઝર્વ બૅન્કની ફેબ્રુઆરી જ નહીં, એપ્રિલમાં જાહેર થનારી નાણાં નીતિમાં પણ હવે રેટ-કટ આવે એવી શકયતા નહીંવત થઈ ગઈ ગણી શકાય. હવે સાવચેતીનું વલણ વધશે, કેમ કે સ્થાનિક સ્તરે આર્થિક પરિબળો હજી નબળાં હોવાથી કરેકશનની તાતી જરૂર જણાય છે.


બજેટની આશા પર મોટો મદાર
બજેટની આશા ઊંચી હોવાનું હવે જગજાહેર છે. આ આશા માત્રથી બજારે તેજીનો ટ્રેન્ડ બનાવી લીધો છે. મોદી સરકારે વારંવાર અર્થતંત્રના રિવાઇવલ માટે વાતો કરી છે અને હવે તો નક્કર કદમ ભરવાનું વચન પણ આપ્યું છે. આ સિવાય મોદી સરકાર પાસે કોઈ વિકલ્પ પણ નથી. બજેટની જાહેરાતમાં મોદી સંભવત એક દાયકાનો રોડમેપ પણ આપે તો નવાઈ નહીં. પાંચ વરસમાં પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમીના કદની વાત તો તેમણે એક લક્ષ્ય તરીકે કરી જ છે, હવે તેને હાંસલ કરવાના પગલાંને જોર આપવાનો આરંભ થયો છે. આર્થિક વિકાસ દર-જીડીપી દર ઊંચો લઈ જવા માટે સરકારે એક નહીં, અનેક પગલાં ભરવાના છે અને આ બજેટ તે દિશામાં સૌથી મોટું, સંવેદનશીલ અને મહત્ત્વનું પગલું હશે.

વીતેલા દાયકામાં શું થયું ?
આ વરસથી શરૂ થયેલો નવો દાયકો વિશેષ મહત્ત્વનો છે, કારણ કે આ દાયકો ગ્લોબલ સ્તરે પણ પરિવર્તનનો પવન લઈને આવ્યો છે. વીતેલા દાયકામાં બજારમાં બૅન્ક અને કન્ઝયુમર સેક્ટરે સારું વળતર આપ્યું હતું જે આશ્ચર્યજનક પણ છે. જ્યારે રિયલ્ટી અને પાવર સેક્ટરે સૌથી ખરાબ કામગીરી બજાવી છે. વીતેલા દાયકામાં ફૉરેન સંસ્થાકીય ઇન્વેસ્ટરોએ ૧૧૫ અબજ ડૉલરનું રોકાણ કર્યું, જેમાં ભારતીય સંસ્થાકીય ઇન્વેસ્ટરોનું ઇક્વિટી રોકાણ ૨૪ અબજ ડૉલરનું રહ્યું અને મ્યુચ્યુઅલ ફન્ડ્સનું ૫૦ અબજ ડૉલરનું રહ્યુ. ૧૯૯૩થી આરંભ કરીને એફઆઇઆઇનું ભારતીય માર્કેટમાં રોકાણ ૧૯૦ અબજ ડૉલરનું રહ્યું છે, હાલ આ વર્ગ ભારતીય માર્કેટમાં આશરે ૨૧ ટકા હિસ્સો ધરાવે છે. આ બાબત નોંધપાત્ર ગણાય. અહીં એ નોંધવું પણ રસપ્રદ છે કે આ રોકાણપ્રવાહ આગામી સમયમાં વધવાની શકયતા ઊંચી છે. અલબત્ત મોદી સરકારનાં પગલાં અને ગ્લોબલ પરિબળો પણ આમાં ભાગ ભજવશે.

માર્ક મોબિયસનો પૉઝિટિવ મત
તાજેતરમાં જાણીતા ગ્લોબલ ઇન્વેસ્ટર માર્ક મોબિયસે ભારત માટે પોતાનો પૉઝિટિવ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતીય બજારમાં રોકાણ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. ભારત સરકાર ખર્ચ પર કાપ મૂકી રહી છે એ સારી નિશાની ગણાય, જોકે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવો જરૂરી છે. તેમણે ક્રૂડના ભાવની ચિંતા પણ વ્યક્ત કરી હતી, જો આ સ્થિતિ વણસે તો માર્કેટને ચોક્કસ અસર થઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 10:17 AM IST | Mumbai Desk | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK