Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમર્યાદિત ભાવવધારો મોનિટરી પૉલિસી માટે પડકાર રૂપ બન્યો છે

અમર્યાદિત ભાવવધારો મોનિટરી પૉલિસી માટે પડકાર રૂપ બન્યો છે

20 January, 2020 10:38 AM IST | Mumbai Desk
Jitendra Sanghvi

અમર્યાદિત ભાવવધારો મોનિટરી પૉલિસી માટે પડકાર રૂપ બન્યો છે

અમર્યાદિત ભાવવધારો મોનિટરી પૉલિસી માટે પડકાર રૂપ બન્યો છે


સરકારની ખરી કસોટી થવાની હોય એમ આર્થિક મોરચે એક પછી એક નબળા સમાચાર મળતા રહે છે. ચાલુ નાણાકીય વરસે આર્થિક વિકાસનો દર છેલ્લાં ૧૧ વરસનો (૨૦૦૮-૦૯ પછીનો) સૌથી નીચો દર હશે એવા સરકારી આંકડાઓ પ્રસિદ્ધ કરાયાના ગણતરીના દિવસોમાં ઉપલબ્ધ કરાયેલ આંકડાઓ ભાવવધારો બેકાબૂ બની રહ્યો હોવાનો અને સરકારની એ બાબતે નિષ્ફળતાનો નિર્દેશ કરે છે.

૨૦૨૪ સુધીમાં અર્થતંત્ર પાંચ ટ્રિલ્યન ડૉલરનું કરવાના વડા પ્રધાનના નિશ્ચયના પહેલા જ વર્ષે આર્થિક વિકાસનો દર પાંચ ટકા જેટલો નીચો રહેવાના અને કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના વધારાનો દર સાત ટકાની સપાટી કૂદાવી ગયાના સમાચાર આ લક્ષ્યાંક આંબવાની બાબતે સંદેહ ઊભો કરે છે.



આર્થિક વિકાસના દરનો ચાલુ વરસનો ઘટાડો નિશ્ચિત જણાયા પછી રિઝર્વ બૅન્ક આવતે મહિને વ્યાજના દર ઘટાડશે એ પાકેપાયે મનાતું હતું, પણ ડિસેમ્બર મહિને સીપીઆઇનો ૭.૩૫ ટકાનો વધારો (નવેમ્બર મહિને ૫.૫૪ ટકા અને ડિસેમ્બર ૨૦૧૮માં ૨.૧૧ ટકા) જાહેર કરાયા પછી રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજના દરઘટાડાની શક્યતા નહિવત્ જણાય છે. આ ભાવવધારો છેલ્લાં પાંચ વર્ષથી વધુ સમયનો સૌથી ઊંચો ભાવવધારો (જુલાઈ ૨૦૧૪માં ૭.૩૯ ટકા) છે.


આ સાથે ભાવવધારાએ રિઝર્વ બૅન્કંનુ મધ્યમ ગાળાનું બેથી છ ટકાનો લક્ષ્યાંક પણ જુલાઈ ૨૦૧૬ પછી પ્રથમ વાર વટાવી દીધો છે. રિઝર્વ બૅન્ક આર્થિક વિકાસનો દર વધે એ માટે સરકારે લીધેલ પગલાના પૂરક પગલાં લે છે, પણ જ્યારે ભાવવધારો બેકાબૂ બને અને તે પણ ફૂડ આર્ટિકલ્સનો ભાવવધારો, ત્યારે તેનો અગ્રક્રમ બદલાઈ જાય છે - કારણ એ કે ભાવવધારાને કાબૂમાં રાખવાની પ્રાથમિક જવાબદારી રિઝર્વ બૅન્કની છે.

આર્થિક વિકાસનો દર પા કે અડધો ટકો આમતેમ થાય (વધે કે ઘટે) તો તેની અસર મધ્યમ વર્ગ કે આર્થિક રીતે નબળા વર્ગ પર સીધી રીતે બહુ ઓછી થવાની કે ભાગ્યે જ થવાની, પણ ભાવવધારાની અવળી અસર દેશના નાગરિક પર તેની આવકના ઊલટા પ્રમાણમાં થવાની. જે તે વર્ગની આર્થિક આવક ઘટતી જાય તેમ ભાવવધારાની તે વર્ગ પરની અસર વધતી જવાની.


ડિસેમ્બર મહિને ફૂડ પ્રાઈસ ઇન્ડેક્સમાં ૧૪.૧ ટકાનો (નવેમ્બરમાં ૧૦.૦ ટકા અને ડિસેમ્બર ૨૦૧૮માં માઇનસ ૨.૬૫ ટકાનો વધારો થયો છે. આ વધારાનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં થયેલ ૬૧ ટકાનો અને કઠોળના ભાવમાં થયેલ ૧૫ ટકાનો વધારો છે.

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની મુદત સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂરી થશે. સરકારે ૨૦૧૬માં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા ઍક્ટ, ૨૦૩૪માં સુધારો કરીને રિઝર્વ બૅન્કને રેપો રેટના ફેરફાર દ્વારા ૨૦૨૧ સુધી ભાવવધારાનું ૪ ટકાનું લક્ષ્યાંક જાળવવા સૂચના કરી હતી. ભાવવધારો આ ૪ ટકાથી બે ટકા વધુ કે બે ટકા ઓછા એ બેન્ડમાં રહે એ માટે ભાવવધારાનું બેથી છ ટકાનું બેન્ડ નક્કી કરાયું હતું . છેલ્લાં ચાર વર્ષનો અનુભવ એમ જણાવે છે કે રેપો રેટની વધઘટની ફૂડ ઇન્ફલેશન પર ખાસ અસર જણાતી નથી.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે રેપો રેટ ઊંચો રાખવાની નીતિને કારણે આર્થિક વિકાસનો દર ધાર્યા પ્રમાણમાં વધતો નથી એટલે મોનિટરી પૉલિસી કમિટીની ટર્મ પૂરી થાય ત્યાં સુધીમાં સરકાર મૉનિટરી પૉલિસી ફ્રેમવર્કને તેના ઉદ્દેશમાં ધારી સફળતા મળી છે કે નહીં તેનો રિવ્યુ કરશે. સંભવ છે કે ચાર ટકાના ભાવવધારાનું લક્ષ્યાંક બદલવામાં આવે અથવા મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં સીપીઆઇ સાથે ડબ્લ્યુપીઆઇ ભાવાંક પણ ગણતરીમાં લેવામાં આવે અથવા મૉનિટરી પૉલિસીમાં ભાવવધારા સાથે આર્થિક વિકાસના દરનું લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવે.

ભારત ધીમા આર્થિક વિકાસ અને વધતા જતા ભાવના તબક્કામાં તો નથી પ્રવેશી રહ્યુંને એવો સવાલ પણ અર્થશાસ્ત્રીઓ પૂછી રહ્યા છે. આર્થિક વિકાસનો દર ઘટતો હોય (ઉત્પાદન અને રોજગારી ઘટતા હોય) ત્યારે પણ ભાવવધારો ઈચ્છનીય મર્યાદા ઓળંગે તો અર્થતંત્ર સ્ટેગ-ફલેશનમાં સરી પડે છે. આર્થિક વિકાસ અને ભાવવધારા બન્ને વચ્ચેનું સમતુલન જાળવવામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અને રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની ખરી કસોટી થશે.

માર્ચ ૨૦૨૦ના અંતે ભાવવધારાનો દર ડિસેમ્બર ૨૦૧૯ના ૭.૩૫ ટકાની સરખામણીએ ઘટે તો પણ એકાદ ક્વૉર્ટર માટે આ દર ૪-૪.૫ ટકાથી ઉપર રહેવાની નિષ્ણાતોની ગણતરી છે. શાકભાજીના ભાવ માર્ચમાં નીચા આવે તો પછી સીપીઆઇ હેડલાઈન ઈન્ફલેશન ઘટી શકે.

ફૂડ આઇટમના ભાવ વધે તો પણ સામાન્ય રીતે તેના વપરાશમાં બહુ ઘટાડો થતો નથી, પણ કુટુંબના ઓવરઑલ બજેટનાં વધુ નાણાં ફૂડ આઈટમ પર ખર્ચાઈ જતાં બીજી ચીજવસ્તુઓના વપરાશ અને માગ પર કાપ આવે છે.

મોદી સરકારે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીનો મૂળભૂત ઉદ્દેશ ભાવવધારાને કાબૂમાં રાખવાનો છે એવો નિર્ણય કરીને રિઝર્વ બૅન્ક માટે ભાવવધારાનું ૪ ટકાનો લક્ષ્યાંક નક્કી કર્યો ત્યારે આપણે આ માટે વિશ્વના ધોરણો અપનાવી રહ્યા હોવાની વાત કરાયેલ. આજે પાંચ વર્ષે ધોરણો અપનાવ્યા પછી ભાવવધારો બેકાબૂ બનતા એ પૉલિસીની સમીક્ષા કરવાની વાતો થઈ રહી છે. અસરકારક પૉલિસી માટે ૪ ટકાની ઉપર અને નીચેની ૨ ટકાની મર્યાદા સાંકડી કરવાની વાત વિચારાઈ શકે તેમ છે.

સ્ટેગ-ફલેશનની સ્થિતિ કામચલાઉ હોઈ શકે. જેવું પુરવઠા (સપ્લાય) પરનું દબાણ હળવું થાય એટલે કૉર ઇન્ફલેશનમાં ઘટાડો થવાનો. આવી પરિસ્થિતિ ૧૯૭૦ના દાયકામાં ઑઈલ શૉક (આંતરરાષ્ટ્રીય બજારમાં આસમાને પહોંચેલ ક્રૂડના ભાવની સ્થિતિ) ને કારણે અમેરિકામાં ઊભી થયેલ. એટલે ત્યારે ફેડ રિઝર્વે ભાવવધારાને કાબૂમાં લાવવા વ્યાજના દર વધારીને ૨૦ ટકા જેટલા કર્યા હતા અને ત્યારથી વિશ્વની મોટા ભાગની કેન્દ્રવર્તી બૅન્કોએ ઇન્ફલેશન ટાર્ગેટિંગને મૉનિટરી પૉલિસીનો મૂળભૂત ઉદ્દેશ તરીકે સ્વીકાર કર્યો અને ત્યારથી એવી માન્યતા પ્રબળ બની કે ટકાઉ આર્થિક વિકાસની પૂર્તિમાં ભાવની સ્થિરતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાવવધારો અર્થતંત્ર માટે સારો છે અને તેને કારણે દેશમાં નવી રોજગારીનું સર્જન થાય છે ત્યારે પ્રવર્તતી માન્યતાનો છેદ ઊડી ગયેલ અર્થાત તે ખોટી પુરવાર થયેલ.

ભારતની હાલની સ્ટેગ-ફલેશનની સ્થિતિ અમેરિકા કરતાં જુદી છે. આ સ્થિતિ ક્રૂડ ઑઈલને કારણે નહીં પણ કાંદાની પુરવઠા પરિસ્થિતિને કારણે છે જે લાંબો સમય ટકી શકે નહીં.

હેડલાઈન ઇન્ફલેશનના ૭.૩૫ ટકાના વધારામાં ફૂડના ભાવવધારાનો ૭૫ ટકા ફાળો છે. જ્યારે સીપીઆઇમાં તેનું વજન માત્ર ૪૬ ટકા છે. એટલે આ સ્થિતિ લાંબો સમય ટકી શકે નહીં. આ ભાવવધારાની અસર બીજી ચીજવસ્તુઓના કે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ભાવવધારા પર નથી પડી અને એટલે જ કૉર સેક્ટર (ફૂડ અને ફયુઅલ સિવાય) નો ભાવવધારો અંકુશમાં છે.
ઇન્ફલેશન ટાર્ગેટિંગના વિરોધીઓની દલીલ એવી છે કે આ માટે સીપીઆઇ ઇન્ડેક્સ (જેમાં ફૂડનું વજન બહુ વધારે છે)ની કરાયેલ પસંદગી જ અયોગ્ય છે, કારણ કે ફૂડના ભાવ પર વ્યાજના દરની અસર ખાસ થતી હોતી નથી. ફૂડના ભાવની વધઘટ તેના પુરવઠા પર વધુ આધાર રાખે છે.

એટલે ફૂડના ભાવ હેડલાઈન ઇન્ફલેશનના વધારામાં મોટો ભાગ ભજવતા હોય ત્યારે ભાવને કાબૂમાં રાખવા માટે મૉનિટરી પૉલિસી નબળું સાધન કે હથિયાર ગણાય. મૉનિટરી પૉલિસી (વ્યાજના દરની વધઘટ) ઔદ્યોગિક ચીજવસ્તુઓની કે સેવાઓની માગ પર અસર કરી શકે, ફૂડ આઈટમની માગ પર નહીં.

ઇન્ફલેશન ટાર્ગેટિંગની તરફેણ કરવાવાળાની દલીલ એ છે કે ફૂડના ભાવવધારાનો ફાયદો મિડલમૅન (દલાલો અને એજન્ટો જેવા વચેટિયાઓ) ને વધુ થતો હોય છે જે સેવાના ક્ષેત્રનો એક ભાગ છે. આ ફાયદો ખેડૂતોને મળતો નથી. એટલે મૉનિટરી પૉલિસીનો ભાવવધારાને કાબૂમાં રાખવાનો ઉદ્દેશ કૃષિક્ષેત્રના સુધારાઓ કર્યા સિવાય પાર પડી શકે નહીં.

સપ્લાય ચેઈન (પુરવઠાની સાંકળ)ના સુધારા અને ઊંચી કાર્યક્ષમતા બધાને આવરી લે તેવા ઇન્કલુઝીવ ગ્રોથ માટે કેટેલિસ્ટનું કામ કરી શકે. એનું કારણ એ છે પુરવઠાની સુવ્યવસ્થા વપરાશકારો દ્વારા ચૂકવાતી છૂટક કિમતમાં ખેડૂતોનો હિસ્સો વધારી શકે. પાયાની મુખ્ય ફૂડ આઇટમોના છૂટક ભાવમાં અત્યારે કિસાનોનો હિસ્સો ૨૮થી ૭૮ ટકા વચ્ચે બદલાયા કરે છે. લાંબુ ટકી ન શકે એવી ચીજવસ્તુઓ (શાકભાજી, ફળો વગેરે)માં આ હિસ્સો નાનો છે જ્યારે અનાજ જેવી ટકાઉ આઈટમોમાં ખેડૂતોનો આ હિસ્સો મોટો છે.

સ્ટેગ-ફલેશનનો આ તબક્કો પૂરો થાય ત્યાં સુધી હવે રિઝર્વ બૅન્ક પૉલિસી રેટ ઘટાડવાનું નહીં વિચારે એ નક્કી ગણાય. એટલે પણ આગળના ઍક્શન (કાર્યવાહી) માટેનો તખતો કેન્દ્ર સરકારના પૉલિસીને લગતા સુધારાઓ તરફ ફેરવાય છે. આ સુધારાઓ માટે બધાની નજર સરકારના ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર છે.

એક બાજુ સરકાર ખર્ચ વધારીને આર્થિક વિકાસ વધે તેવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા છે તો બીજી તરફ સરકારી ખર્ચની ભાવવધારા પર શી અવળી અસર પડે તે મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. ૨૦૧૦થી ૨૦૧૪ વચ્ચે થયેલ ભાવવધારા માટે પ્રજાકલ્યાણની જુદી જુદી યોજનાઓ દ્વારા અને કૃષિ પેદાશના ઊંચા ટેકાના ભાવને કારણે થયેલ વધુ પડતા સરકારી ખર્ચને જ દોષ દેવાય છે.

ફૂડના ભાવને લીધે થયેલ રેકૉર્ડ ભાવવધારા અને ફિસ્કલ ડેફિસિટના સંભવિત વધારાની ચિંતા વચ્ચે એક રૂપેરી કોર છે અને તે છે ખેત-ઉત્પાદનોના ભાવના વધારાની હંગામી પ્રકૃતિ અને સર્વવ્યાપી ભાવ પરના દબાણનો અભાવ.

ભાવ પરનું દબાણ પુરવઠાની અછતને કારણે હોઈ અને તેથી કામચલાઉ હોઈ ૨૦૧૯ના પહેલા ક્વૉર્ટર પછી તે હળવું થાય અને ૨૦૧૯ના છેલ્લા ક્વૉર્ટરમાં ભાવવધારો ફરી એકવાર બે અઢી ટકા જેટલો પણ થઈ જાય. અેમ છતાં કેન્દ્ર સરકાર આ બાબતને હળવાશથી લઈ શકે નહીં.

કેન્દ્ર સરકારે તેના આગામી અંદાજપત્ર દ્વારા તે અર્થતંત્રના અને પ્રજાના રોજ-બ-રોજના પ્રશ્નો અંગે ચિંતિત છે એવો અહેસાસ કરાવવો જ પડશે. સમસ્યાઓનું શક્ય એટલું ટૂંકા ગાળાનું નિરાકરણ જ સરકારની વિશ્વસનીયતા વધારી શકે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 10:38 AM IST | Mumbai Desk | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK