Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા, જપાન અને પશ્ચિમના અનેક દેશોએ રાહતનાં પૅકેજ જાહેર કર્યાં

અમેરિકા, જપાન અને પશ્ચિમના અનેક દેશોએ રાહતનાં પૅકેજ જાહેર કર્યાં

04 May, 2020 12:21 PM IST | Mumbai
Jitendra Sanghvi

અમેરિકા, જપાન અને પશ્ચિમના અનેક દેશોએ રાહતનાં પૅકેજ જાહેર કર્યાં

ભારતીય ઈકૉનોમી

ભારતીય ઈકૉનોમી


ગઈ કાલે લૉકડાઉન ૨.૦ પૂર્ણ થતાં બે તબક્કાના દેશવ્યાપી લૉકડાઉનના ૪૦ દિવસ પૂરા થયા અને આજથી ૧૪ દિવસનો લૉકડાઉન ૩.૦ શરૂ થયો. જુદા-જુદા પ્રદેશો, જિલ્લાઓ અને રાજ્યોમાં આ મહામારીની અસર ઓછી-વત્તી છે, પણ નિર્વિવાદ રીતે એક વાત ચોક્કસ છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતે એક દેશ તરીકે સારો એવો કાબૂ મેળવ્યો છે. અલબત્ત, એ માટેની ભારે કિંમત ચૂકવીને. આ સિદ્ધિ મેળવવા અર્થતંત્રના ચક્કાજામ કરવા પડ્યા.

અત્યાર સુધી કોઈ પણ કારણે કેટલાક ધંધાઓએ થોડા વખત માટે પડતી (સ્લોડાઉન) અનુભવી હોય એવું બન્યું છે, પણ બધા ધંધાઓએ ૪૦ દિવસ જેટલા લાંબા સમય માટે એકસાથે માત્ર પડતી જ અનુભવી, એટલું જ નહીં; સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયા હોય એવો તો આ પહેલો જ અનુભવ છે. સાથે અર્થતંત્રના બધા હિસ્સેદારો (ઉત્પાદક, વપરાશકાર, રોકાણકાર, બચત કરનાર)ને એકસાથે પારાવાર મુશ્કેલીઓ પડી હોય એવો પણ આપણો પ્રથમ અનુભવ છે.



એ જે હોય તે, પણ આપણે કોરોનાના વાઇરસને અત્યાર સુધી માત કરવાના એકમાત્ર ઉદ્દેશમાં સફળ રહ્યા એ દેશની નોંધપાત્ર સિદ્ધિ છે.


હવે આજથી દેશનો અગ્રક્રમ બદલાઈ રહ્યો છે. રેડ ઝોન (જ્યાં મહામારી સતત વધી રહી છે)ને બાકાત રાખી ઑરેન્જ ઝોન (જ્યાં મહામારી કાબૂમાં છે) અને ગ્રીન ઝોન (જ્યાં કોવિદ-19થી સંક્રમિત એક પણ દરદી રિપોર્ટ નથી કરાયો)માં સરકારના રૂલ્સ અને રેગ્યુલેશન્સને આધીન રહીને નાની-મોટી આર્થિક પ્રવૃત્તિઓની આંશિક છૂટછાટ આપવામાં આવી છે.

આ તો આપણા પ્રશ્નોની અને સમસ્યાઓની શરૂઆત થઈ છે. આ પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં કારીગરોની અછત (પોતાને વતન પાછા ફરી ગયેલા કામદારોને કારણે) ઉત્પાદનની એક એસેમ્બલી લાઇન ચલાવવા માટે જરૂરી અનેક કાચી સામગ્રી અને સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધિ, કૅશફ્લો અટકવાને કારણે કારીગરોને વેતનની ચુકવણી માટે નાણાભીડ, રોકાણકારોનાં ઇન્વેસ્ટમેન્ટનાં જુદાં-જુદાં સાધનોમાંથી ઊઠી ગયેલો વિશ્વાસ, રિઝર્વ બૅન્કે સિસ્ટમમાં રોકડની ઉપલબ્ધિ વધે અને વ્યાજના દર નીચા આવે એ માટે લીધેલાં અનેક પગલાંઓ પછી પણ બૅન્કોની ધિરાણ આપવા માટેની નામરજી, કરવેરાની આવકના ભારે ઘટાડા વચ્ચે ચોક્કસ પ્રકારના ખર્ચમાં કાપ મૂકવાનું અસંભવ હોય ત્યારે પણ રાહતનું પૅકેજ જાહેર કરવા માટે સરકાર પરનું દબાણ, કામ-ધંધા છૂટી જતાં ઘરે બેસીને રસ્તા પર આવી ગયેલ બેરોજગારોના પ્રશ્નો જેવી અનેક સમસ્યાઓ મોં ફાડીને આપણી સામે ઊભી છે.


આ બધી સમસ્યાઓથી ડર્યા સિવાય ધીમે-ધીમે સપ્લાય લાઇનમાં પડેલું ભંગાણ ઓછું થાય અને સામે એ માટે ડિમાન્ડનું સર્જન થાય અને અર્થતંત્ર વધુ પડતા નુકસાનમાંથી બચે એ માટે આપણી પાસે ધીમી શરૂઆત સિવાય બીજો વિકલ્પ પણ ક્યાં છે?

આપણે આજે ૪૦ દિવસના લૉકડાઉન પછી એવા તબક્કે ઊભા છીએ જ્યાં અર્થતંત્રમાં જાન લાવવાના પ્રયાસ ન આદરીએ તો લૉકડાઉનનો મૂળભૂત ઉદ્દેશ (લોકોના જાન બચાવવાનો) માર્યો જાય અને ભૂખમરાથી થતાં મરણ કોરોનાની મહામારીને કારણે થતા મરણના આંકને અનેક ગણો ઓળંગી જાય એવો નિષ્ણાતોનો મત છે.

વર્લ્ડ લેબર ઑર્ગેનાઇઝેશનના એક અંદાજ પ્રમાણે આ મહામારીને કારણે અસંગઠિત ક્ષેત્રે વિશ્વમાં ૧૬૦ કરોડ લોકો બેકાર બનવાની શક્યતા ઊભી થઈ છે (વિશ્વના કુલ લેબરફોર્સના ૫૦ ટકા). વિકસિત દેશો કરતાં ભારત જેવા વિકસતા દેશોમાં સામાન્ય સંજોગોમાં પણ બેરોજગારીનો આંક ઊંચો હોય છે એટલે આ વિપરિત પરિસ્થિતિમાં આપણી રોજગારીને સૌથી મોટો ફટકો પડી શકે.

આ બધા આંકડાઓ આપવાનો આશય કોઈ ડર પેદા કરવાનો નથી, પણ આપણા બારણે જે સમસ્યા ટકોરા મારી રહી છે એથી માહિતગાર રહેવાનો છે. સમસ્યા ભણી આંખ આડા કાન કરવાનો આ સમય નથી. એ સમસ્યાનું સમાધાન નથી પણ કદાચ સમસ્યા એનાથી વધારે વકરી શકે.

સરકાર સામેનો પડકાર કલ્પનાતીત છે. સામા પ્રવાહે તરવાના આ સમયે પાણીની ઊંડાઈથી માહિતગાર હોઈએ તો જ બચી જવાય, સામે કિનારે પહોંચવાની સંભાવના ગણાય.

સરકારે રાહતનું એક મોટું પૅકેજ હજી કેમ જાહેર નથી કર્યું, એ માટે કાયદામાં શું સુધારા કરવા પડે કે એની દૂરગામી અસર (સારું કરવા જતાં ઊભી થતી ખરાબ અસર-સાઇડ ઇફેક્ટ)ની વાત કરીએ એ પહેલાં એ વાત પર ભાર મૂકવો જોઈએ કે કોરોનાના આ ઝાટકા પછી એક પ્રજા તરીકે આપણે પહેલાંની લાઇફસ્ટાઇલ ભૂલીને લાઇફસ્ટાઇલના નવા ‘નૉર્મલ’ (માપદંડ કે ધોરણો) સ્વીકારવા પડશે. આ ફેરફાર નાનોસૂનો નહીં હોય. એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે અને માનસિક તૈયારી પણ એટલી જ જોઈશે.

મીટિંગના નિયમો બદલાઈ જશે, હળવા-મળવાના, ફરવાના, ખાણી પીણીનાં નવાં ધારાધોરણો (આ મહામારીના અંકુશ માટે જરૂરી હોય એવા બધા) સ્વીકારવા જ પડશે. એના અમલ માટે સરકારનો સાથ આપવો પડશે.

રોગપ્રતિકારક શક્તિ વધારીને આ મહામારી અટકાવવાનો વ્યક્તિગત રીતે કરાતો સામૂહિક પ્રયત્ન સરકાર માટે મોટી રાહત ગણાશે. બિનજરૂરી ખર્ચ અનિવાર્યપણે ઘટાડવાની આજની મજબૂરીને હેબીટ તરીકે વિકસાવવી પડશે. કૅશની ઉપલબ્ધિના પ્રશ્નો વચ્ચે અને અર્થતંત્રની અસંખ્ય સમસ્યાઓ વચ્ચે કરકસર (ખર્ચાઓની તર્કસંગતતા) વ્યક્તિને તો ટકી રહેવામાં મદદ કરે જ, પણ રાષ્ટ્રીય સ્તરે સાધન-સંપત્તિનો દુર્વ્યય અટકે તો સરકારની સમસ્યા પણ હળવી થાય. આપણા રોજબરોજના જીવનમાં થતા અનાજ (રાંધેલા ખોરાક)નો બગાડ અટકાવવા દ્વારા રાષ્ટ્રની મોટી મદદ થઈ શકે.

હવે સરકાર પાસેથી અપેક્ષિત રાહતના પૅકેજની વાત. સરકારે ૨૦૨૦-’૨૧ના અંદાજપત્રમાં ૩૦.૪‍ લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અને ૨૨.૪ લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂક્યો હતો. આ ખર્ચ અને આવક વચ્ચેનો ગેપ એટલે ૮ લાખ કરોડ રૂપિયાની ફિસ્કલ ડેફિસિટ. કોરોનાની મહામારી સિવાય પણ અર્થતંત્રના સ્લોડાઉનને કારણે (કરવેરાની અને જાહેર ક્ષેત્રના એકમોના ડાયવેસ્ટમેન્ટ દ્વારા થનારી આવકના ઘટાડાને લીધે) આ ફિસ્કલ ડેફિસિટ વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા પહોંચવાની શક્યતા હતી.

હવે બહુ અપેક્ષિત વધારાના ૧૦ લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરી અર્થતંત્રને બચાવવું હોય તો એ થકી થોડો ભાવવધારો પણ થવાનો. આ માટે સરકારે બે મહત્વના કાયદાકીય સુધારાઓ કરવા પડે. લોકસભામાં સરકાર પક્ષે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે આ સુધારાઓ કરી શકાય એમ છે. બીજો વિકલ્પ એ માટેનો વટહુકમ બહાર પાડવાનો છે.

૧. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી ઍન્ડ બજેટ મૅનેજમેન્ટ (એફઆરબીએમ) ઍક્ટ, ૨૦૦૩નો સુધારો કરી ૨૦૨૦-૨૧માં પર્મિસિબલ ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૫ ટકામાંથી યોગ્ય રીતે વધારવાની જોગવાઈ કરવી.

૨. રિઝર્વ બૅન્ક ઍક્ટમાં ૨૦૧૬ના સુધારા દ્વારા રિઝર્વ બૅન્કને માર્ચ ૨૦૨૧ સુધીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ભાવવધારાને ૪ ટકા જાળવવાનો આદેશ (પ્લસ-માઇનસ બે ટકાનું બેન્ડ) અપાયો છે એ લિમિટ દૂર કરવી. આ સુધારાને કારણે રિઝર્વ બૅન્ક આર્થિક વિકાસના વધારા માટે સરકારનો સાથ આપી શકશે અને ધિરાણ પર કાપ મૂકવા મજબૂર નહીં થાય. આ બન્ને સુધારાઓ કદાચ ટૂંકા ગાળાના પેઇન જેવા લાગે તો પણ લાંબા ગાળાના ગેઇન જેવા છે. લાંબા ગાળે એ દ્વારા જ અત્યારે કોરોનાના વમળમાં ફસાયેલું અર્થતંત્ર સુધરી શકે અને દેશમાંની આર્થિક સ્થિતિ સ્થિર અને સધ્ધર બની શકે.

આ સંદર્ભમાં જપાને તાત્કાલિક ધોરણે જાહેર કરેલ ૨૪૦ બિલ્યન ડૉલર (લગભગ ૧૭ લાખ કરોડ રૂપિયા)ના પૅકેજનો ઉલ્લેખ કરવો રહ્યો. જપાન એના લગભગ ૧૩ કરોડ નાગરિકોને દરેકને ૯૩૦ ડૉલરની સહાય (કૅશ હેન્ડ આઉટ) કરશે. (કુલ રકમ ૧૨૦ બિલ્યન ડૉલર) બાકીના ૧૨૦ બિલ્યન ડૉલર સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા-વધારવા માટે કરશે.

ભારત આ પૅકેજ જેટલું વહેલું જાહેર કરશે એટલું અર્થતંત્રને નુકસાન ઓછું થશે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 12:21 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK