Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Budget 2020: આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે

Budget 2020: આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે

03 February, 2020 11:56 AM IST | Mumbai
Jitendra Sanghvi

Budget 2020: આવકવેરાના દરનો ઘટાડો આવકાર્ય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય અર્થતંત્ર વિશેષરૂપે આર્થિક સ્લૉડાઉનનો સામનો કરી રહ્યું છે ત્યારે એ એકસ્ટ્રા-ઑર્ડિનરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે લેવાતાં પગલાં પણ એકસ્ટ્રા-ઑર્ડિનરી હોવાં જોઈએ એ વિષે કોઈ બેમત હોઈ શકે નહીં.

નિર્મલા સીતારમણનું ૨૦૨૦-’૨૧નું અંદાજપત્ર આ સંદર્ભમાં મૂલવવું જોઈએ. નાણાપ્રધાન સામેનો સૌથી મોટો પડકાર હતો ખાનગી વપરાશખર્ચના વધારા દ્વારા ચીજ-વસ્તુઓની માગ વધારવાનો અને એ દ્વારા આર્થિક વિકાસનો દર વધારવાનો.



નાણાપ્રધાને અંદાજપત્રમાં આવકવેરાના દર ઘટાડીને નોકરિયાત વર્ગના હાથમાં થોડા વધુ રૂપિયા આવશે એવી વાત કરી છે, એ વાત સાચી. મુદ્દાની વાત એ છે કે દેશમાં પાંચ ટકાથી ઓછા નાગરિકો જ આવકવેરાનાં રિટર્ન ફાઇલ કરે છે. તેમનાં મોટા ભાગનાં રિટર્ન ઝીરો ટૅક્સવાળાં હોય છે એટલે કરવેરાના દરની નજીવી રાહત, આવકાર્ય હોય તો પણ, વપરાશખર્ચને જોઈતા પ્રમાણમાં પૂરા કરી શકે નહીં. ભારત તેનાં ગામડાંઓમાં વસે છે. આ ગ્રામ્ય વિસ્તારોના વપરાશખર્ચનો ઘટાડો મોટી ચિંતાનો વિષય હતો. આવકવેરાના દરના ઘટાડાથી ગ્રામીણ વિસ્તારના લોકોના વપરાશખર્ચ વધે એવી ખાસ સંભાવના નથી એટલે નાણાપ્રધાનનું આ પગલું આર્થિક વિકાસનો દર વધારવામાં કેટલી મદદ કરશે એ સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે.


તેમણે વ્યક્તિગત આવકવેરાના કાયદામાં ૧૦૦ જેટલી છૂટમાંની ૭૦ છૂટ નાબૂદ કરી છે. એ પગલું અલબત્ત વેરાની સરળતા વધારશે એ ખરું.

અંદાજપત્રની નાણાપ્રધાનની ૧૬૫ મિનિટની લાંબી (કદાચ રેકૉર્ડ-બ્રેક) સ્પીચ પછી પણ આપણો સર્વસામાન્ય અનુભવ એ છે કે બજેટ ડૉક્યુમેન્ટની ફાઇન પ્રીન્ટ ન જોઈએ કે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એનું ડિરેક્શન ન કરે ત્યાં સુધી બજેટ ગ્રોથ ઓરીએન્ટેડ છે કે ભાવવધારામાં પરિણમે એવું કે એવાં કોઈ વિશેષણો આપવાથી દૂર રહેવું યોગ્ય ગણાય. ભૂતકાળમાં અંદાજપત્રના દિવસે નાણાપ્રધાનના બજેટને જે રીતે મૂલવાય છે એ ફાઇન પ્રીન્ટ જોયા પછી અપસાઇટ ડાઉન જેવો ફેરફાર થયો છે. શૅરબજાર કે સેન્સેક્સ બજેટને જે પ્રતિભાવ આપે એ પણ પછીના થોડા દિવસોમાં બદલાતો હોય છે.


કંપનીઓ પાસેથી લેવાતો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ, અપેક્ષા પ્રમાણે નાબૂદ કર્યા પછી પણ સેન્સેક્સ ગગડ્યો છે એટલે કાં તો આ ફેરફારની અસર શૅરધારકો કે ઇન્વેસ્ટરો પર કેવી પડશે એ વિષે કોઈ સ્પષ્ટ ચિતાર મળતો નથી.

સ્પીચમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે ડિવિડન્ડ પરનો ટૅક્સ શૅરહોલ્ડર ભરશે, પણ એમાં હાલમાં મળતી છૂટછાટ નાબૂદ કરાઈ છે, ઘટાડાઈ છે કે અકબંધ રખાઈ છે એ જાણ્યા પછી જ સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટરોનો જે પ્રતિભાવ આવે એ સાચો ગણાય.

નાણાપ્રધાને ટૅક્સ-પૅયર ચાર્ટરની અને ટૅક્સ ભરવાની બાબતે હ્યુમન ઇન્ટરફેસ ઘટાડવાની વાત કરી છે એ આવકાર્ય છે. બૅન્કોની ડિપોઝિટ પરનો ઇન્શ્યૉરન્સ એક લાખથી વધારીને પાંચ લાખનો કરાયો છે એને સારો પ્રતિસાદ મળશે.

થોડું લાંબું વિચારીએ કે પ્રજાની જ સરકારી બૅન્કોમાં મુકાતી ડિપોઝિટની પૂરેપૂરી સલામતી કે વીમો કેમ નહીં? આ પરસેવાની કમાણીનું ગમે ત્યારે હવામાં બાષ્પીભવન થઈ જાય એવા ડરના ઓછાયા નીચે જીવવું કેટલું વાજબી ગણાય? સરકાર ધારે તો આ ડિપોઝિટોના વીમા પર નજીવા પ્રીમિયમ લઈને પણ સામાન્ય કે મધ્યમ વર્ગના માણસો કે સિનિયર ‌‌સિટિઝન રાહતનો શ્વાસ લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકે. લાઇફ ઇન્શ્યૉરન્સ હોય, એક્સિડેન્ટ ઇન્શ્યૉરન્સ હોય, હેલ્થ ઇન્શ્યૉરન્સ હોય તો ડિપોઝિટ માટેનો ઇન્શ્યૉરન્સ કેમ નહીં?

આપણે અમેરિકા કે પશ્ચિમના બીજા દેશોની જેમ નાગરિકો માટેની સોશ્યલ સિક્યૉરિટી સ્કીમ પૂરી નથી પાડી શકતા, પણ તેમની પોતાની જીવનભરની નાની કમાણી સહીસલામત રહે એવું કેમ ન વિચારી શકાય?

એ પછી બૅન્કોની સધ્ધરતા માટેના નૉર્મ્સ એવા સ્ટ્રીક્ટ નક્કી કરવા જોઈએ કે બૅન્ક ફેલ થવાનો વારો ભાગ્યે જ આવે. ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ તેની લોન પરત કરવામાં નિષ્ફળ જાય તો એ NPAને સૂલટાવવા પ્રજા પાસેથી કરવેરારૂપે ઉઘરાવેલાં નાણાંમાંથી બૅન્કોના રીકૅપિટલાઇઝેશન માટે સરકાર જાહેર ક્ષેત્રની બૅન્કોને નાણાં ફાળવે જ છે. અંદાજપત્રમાં સિનિયર સિટિઝન્સને થતી વ્યાજની આવક પરના વેરાની મુક્તિમર્યાદા પણ વધારાઈ નથી.

સામાન્ય રીતે અંદાજપત્રની સ્પીચોમાં શબ્દોના સાથિયા પુરાતા હોય છે, પણ વાસ્તવિક્તા કંઈક જુદી જોવા મળતી હોય છે. કરવેરા ઊઘરાવતી વખતે નાગરિકોની કનડગત ન થાય એનો કાયદામાં ઉલ્લેખ કરાય છે, પણ જ્યારે કરવેરાની અંદાજિત આવકમાં ઘટાડો થાય ત્યારે ઑફિસરોને એવા સ્ટ્રીક્ટ ટાર્ગેટ અપાતા હોય છે જે પૂરા કરવા માટે કરદાતાઓની હેરાનગતિ કરાતી હોય છે.

નાણાપ્રધાને અર્થતંત્રનાં જુદાં-જુદાં ક્ષેત્રો માટે આવતા વર્ષ માટે જે રકમ ફાળવાઈ હોય એનો ઉલ્લેખ કર્યો છે જે રૂટિન બાબત છે, પણ આ ફાળવણી ચાલુ વર્ષની અંદાજિત રકમ સાથે અને સુધારેલ રકમ સાથે કેમ કમ્પેર થાય છે તે જાણ્યા સિવાય માત્ર આવતા વર્ષની ફાળવણીના  આંકડાથી કોઈ નક્કર તારવણી ન કરી શકાય.

ગયા જુલાઈમાં રજૂ કરાયેલ બજેટમાં ૨૦૧૯-’૨૦ના આર્થિક વિકાસનો દર ૭ ટકા મૂકવામાં આવ્યો હતો જે હવે પાંચ ટકા કે એથી પણ ઓછો રહેવાની સંભાવના છે જે છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી નીચો આંક છે.

એટલે અંદાજપત્રની સ્પીચનો સામાન્ય શિરસ્તો છે કે જે વરસનું અંદાજપત્ર હોય એ વર્ષ માટેના આંકડા સારા દેખાડવા અને આગલા વર્ષના સુધારેલા આંકડા નબળા બતાવવા તો વાંધો નહીં, કારણ એ કે સૌની નજર જે વર્ષનું બજેટ હોય એના આંકડા પર જ કેન્દ્રિત થયેલી હોય.

આ અંદાજપત્રમાં સરકારે ૨૦૨૦-૨૧ના વર્ષના નોમિનલ (ચાલુ ભાવે) જીડીપીને વધારાનો દર ૧૦ ટકા દર્શાવ્યો છે, પણ ઉપર દર્શાવેલ કારણોથી આ આંકડાની વિશ્વસનીયતા ઘટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે ચાલુ વર્ષ (૨૦૧૯-’૨૦)માં નોમિનલ જીડીપી ૭.૫ ટકાના દરે વધવાની ગણતરી છે જે છેલ્લાં ૪૦ વર્ષનો સૌથી નીચો આંક છે.

અંદાજપત્રની આટલી લાંબી સ્પીચનો થોડો હિસ્સો આની અગાઉના અંદાજપત્રના ઉલ્લેખ કરાયેલ નિર્ણયો અંગેના એક ઍક્શન ટેકન રિપોર્ટ માટે ફાળવાય તો સરકારની વિશ્વસનીયતા તો વધે જ, પણ વહીવટની પારદર્શિતા (ટ્રાન્સપેરન્સી)ની છાપ પણ આપોઆપ ઊભી થાય.

અંદાજપત્રની સ્પીચમાં આ માટેની સ્પેસ ઊભી કરવા અર્થતંત્રને સીધી રીતે ન સ્પર્શતી હોય એવી કરાયેલ વાતોને દૂર કરીને એનો બજેટ ડૉક્યુમેન્ટમાં સમાવેશ કરી શકાય.

નાણાપ્રધાને સ્પીચમાં આડકતરી રીતે નોકરીઓની નવી તકો ઊભી થશે એવી અછડતી વાત કરી છે. દેશમાં આજે બેરોજગારીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. નાણાપ્રધાન છેલ્લા એક વર્ષમાં રોજગારી ક્ષેત્રે જેટલી નવી નોકરીઓ સર્જાઈ, કયા ક્ષેત્રમાં સર્જાઈ એની વિગતો આપે તો અંદાજપત્રની સ્પીચ વધુ અર્થસભર બને.

રોજગારીનું સર્જન એ તો આજની સળગતી સમસ્યા છે અને એ દ્વારા જ અર્થતંત્રની બધી  સમસ્યાઓ (ઉત્પાદનની, માગની, વપરાશની, ભાવવધારાની) હલ કરી શકાય એ પણ નિર્વિવાદ છે.

આજે સીપીઆઇનો ભાવવધારો પણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે છે. કહેવાની જરૂર નથી કે આર્થિક વિકાસના દરમાં પા કે અડધા ટકાની વધઘટથી કદાચ સામાન્ય માણસના જીવનને બહુ ઓછી અસર થાય છે, પણ આજે ૭ ટકાથી ઉપરનો ભાવવધારો અને એમાં પણ ફૂડ આર્ટિકલ્સનો ૧૪ ટકાનો ભાવવધારો સામાન્ય માણસ કે ગરીબને સૌથી વધુ સ્પર્શે છે તો એ આ બે પાયાની સમસ્યાઓ (બેરોજગારી અને ભાવવધારો) વિષે નાણાપ્રધાનની સ્પીચમાં અકળ મૌન કેમ?

આપણે અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલવાની પહેલ કરી શકીએ, એનો ટાઇમ (સાંજના પાંચને બદલે સવારના ૧૧), રેલવે બજેટને મુખ્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવાની પહેલ કરી શકીએ તો અંદાજપત્રની સ્પીચનો ઢાંચો બદલવાની અને એને વધારે ધારદાર બનાવવાની પહેલ કેમ ન કરીએ?

રહી વાત ફિસ્કલ ડેફિસિટની. સરકારી તિજોરી કૉર્પોરેટ વેરાના ઘટાડાથી, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સની નાબૂદીથી અને કરવેરાના દરના ઘટાડાથી હજારો કરોડની આવક ગુમાવવાની હોય તો સરકારની આવક ક્યાંથી વધશે અથવા તો ફિસ્કલ ડેફિસિટનાં લક્ષ્યાંક કેવી રીતે જળવાઈ રહેશે એ વિષે જજમેન્ટ બેસવું આજે શક્ય નથી અને એ વાજબી પણ નથી એ માટે બજેટ પેપર્સની રાહ જોવી રહી.

છતાં એ ઉલ્લેખ કરવો રહ્યો કે ફિસ્કલ ડેફિસિટના આંકડા કરતાં જેની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે એ રેવન્યુ ડેફિસિટનો આંકડો વધુ મહત્વનો છે અને ફિસ્કલ ડેફિસિટ પર્સન્ટેજ પૉઇન્ટ વધી કે ઘટી એ કરતાં સરકારી ખર્ચનું કૉમ્પોઝિશન (ઘટકો) અને ક્વૉલિટી (ગુણવત્તા) વધુ મહત્વના છે.

એ સાથે માત્ર કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ નહીં, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ ફિસ્કલ ડેફિસિટની ચર્ચા જ વધુ અર્થસભર ગણાય.

આજે કેન્દ્ર સરકાર વધુ ને વધુ કરવેરાનાં નાણાં રાજ્યોને ફાળવે છે અને રાજ્ય સરકારો સબસિડી (રોકડ સહાય) અને ખેડૂતોના દેવા માફ કરવામાં એનો કેવો ખોટો વ્યય કરે છે એની વિગતે ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.

કેન્દ્ર સરકારના પોતાના સબસિડીના ખર્ચનો ઉલ્લેખ કરવાનું પણ નાણાપ્રધાને ટાળ્યું છે. એ ઘટાડીને પણ ફિસ્કલ ડેફિસિટ સરભર કરી શકાય.

બદલાતા વિશ્વ સાથે અને વધતી જતી ગળાકાપ હરીફાઈમાં ઊભા રહેવા માટે પણ આપણે દોડવું પડશે. પાંચ ટ્રિલ્યન ડૉલરનું ૨૦૨૪ની સાલનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાના ભગીરથ કામમાં આ બજેટ પુશ કરશે, પણ ચાલુ વર્ષે કે આવતા એક વર્ષમાં આર્થિક ચિત્ર કેટલું સુધરશે એ કહેવું કઠિન છે. એ માટેની તક નાણાપ્રધાને ગુમાવી છે એમ તો ન કહી શકાય, પણ એનો વધુ સારો ઉપયોગ જરૂર કરી શકાયો હોત.

(લેખક ઇિન્ડયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 11:56 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK