Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Budget 2020: જાણો નિર્મલા સીતારમણ રડાવશે કે હસાવશે?

Budget 2020: જાણો નિર્મલા સીતારમણ રડાવશે કે હસાવશે?

01 February, 2020 07:31 AM IST | Mumbai

Budget 2020: જાણો નિર્મલા સીતારમણ રડાવશે કે હસાવશે?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે શનિવારે બજેટ રજૂ કરશે. બજેટની બધી તૈયારીઓ, લોકોનાં સલાહ-સૂચન, માગણીઓ, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર, ઉદ્યોગો, વેપારીઓ અને અનેક લોકોએ પોતાની રજૂઆત સરકારને કરી હશે. સ્વાભાવિક છે કે દરેકને ખુશ કરવું શક્ય નથી હોતું, પણ જે આર્થિક પરિસ્થિતિમાં બજેટ રજૂ થઈ રહ્યું છે એને કારણે અપેક્ષાઓ પણ અનેકગણી વધી ગઈ છે.

જુલાઈ ૨૦૧૯માં એનડીએ સરકાર ફરીથી સત્તા પર આવ્યા પછી બજેટ રજૂ થયું હતું. આ બજેટ અપેક્ષાઓમાં ઊણું ઊતર્યું હતું. ભારતમાં આર્થિક વિકાસદર ધીમો પડી રહ્યો છે, કેટલાંક ક્ષેત્રોમાં મંદી જેવી સ્થિતિ છે એ ત્યારે સરકારે સ્વીકાર્યું નહોતું. એ પછી સપ્ટેમ્બરમાં સરકારે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવાની ફરજ પડી જેમાં મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ માટે કૉર્પોરેટ ટૅક્સ ૧૫ ટકા ઘટાડવાની જાહેરાત સીમાચિહ્‍નરૂપ છે અને એની સાથે જ પગારદાર વર્ગને પણ રાહત મળશે એવી બિનસત્તાવાર, અનૌપચારિક વાતો વહેતી થઈ હતી. હવે બજેટમાં આ આશા પરિપૂર્ણ થાય છે કે કનહીં એ એક સવાલ છે.

કૉર્પોરેટ ટૅક્સમાં રાહત થકી સરકારે કંપનીઓને ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની રાહત આપી હતી. સરકાર એવું માને છે કે ગ્રાહકો નહીં, પણ મૂડીરોકાણ કરતી કંપનીઓ કે ઉદ્યોગોને જો રાહત આપવામાં આવે તો એ વધારે રોકાણ કરશે અને એનાથી વધુ રોજગારી થશે અને વધારે ડિમાન્ડ આવશે. આ વિચારધારામાં કોઈ ફેરફાર થાય છે કે નહીં એ જોવાનું રહ્યું.

નાણાખાધ વધશે એ નક્કી છે



કેન્દ્ર સરકાર પાસે બજેટ પહેલાં બે વિકલ્પ છે; એક, નાણાશિસ્તને વળગી રહે અને કોઈ પણ પ્રકારની મોટી રાહત આપે નહીં અને બીજું, નાણાશિસ્તને ભૂલી જાય. નાણાખાધ (એટલે એ સરકારની કુલ આવક સામે ખર્ચમાં રહેતી ખાધ) ભલે વધે, પણ કરની રાહત આપીને લોકોના ખિસ્સામાં વધારે નાણાં ફાળવીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે વધારે નાણાંની ફાળવણી કરી માગ પણ વધારે અને રોકાણ પણ વધારે.

બજેટ ૨૦૧૯-’૨૦માં નાણાપ્રધાને ખાધ ૭.૦૭ લાખ કરોડ રૂપિયા અંદાજી હતી. એપ્રિલથી ડિસેમ્બરમાં આ ખાધ બજેટ સામે ૧૩૨ ટકા કે ૯.૩૧ લાખ કરોડ રૂપિયા પહોંચી છે. કેન્દ્ર સરકારની કરની આવકનો અંદાજ ૧૬.૪૫ લાખ કરોડ રૂપિયા અંદાજાયો હતો એની સામે માત્ર ૫૪ ટકા કે ૯.૦૪ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે આગામી વર્ષની ભૂલી જાઓ, ચાલુ નાણાકીય વર્ષમાં જ ખાધ વધીને આવશે અને એ માટે સરકારની કરની આવકો ધારણા કરતાં ઓછી રહે એ મુખ્ય કારણ છે.

આ સ્થિતિમાં સરકાર બૅલૅન્સ રાખે એવી શક્યતા છે. એટલે કે થોડી રાહત આપશે, થોડો ખર્ચ વધારશે, નાણાખાધ વધશે પણ બહુ મોટી નહીં હોય.


પગારદાર વર્ગને રાહત

એવી માગણી થઈ રહી છે કે કેન્દ્ર સરકારે વ્યક્તિગત કરદાતાને ૬.૫૦ લાખ રૂપિયા સુધીની કરની આવક વેરામુક્ત કરવી જોઈએ. આમ થાય તો લગભગ ૫.૨૪ કરદાતામાંથી એકસાથે અડધાથી વધુ કરવેરાનાં માળખાં બહાર આવી જશે. લોકોને બહુ મોટી રાહત આપે એવું આ પગલું સરકાર સીધું ભરે છે કે નહીં એ વિચારવું રહ્યું, કારણ કે સામે કરની આવકમાં પણ જંગી ફટકો પડી શકે છે. એને બદલે સરકાર રોકાણની મર્યાદા ૧.૫૦ લાખથી વધારીને ૨.૫૦ લાખ કે ૩ લાખ રૂપિયા કરી શકે છે. આ મર્યાદાનો લાભ પણ બહુ લોકોને મળશે.


શૅરબજારની અપેક્ષાઓનું શું?

નાણાપ્રધાન માટે શૅરબજારને નિરાશ કરવું અત્યારે પોસાય એમ નથી. ગયા બજેટમાં સુપર રિચ ટૅક્સની અસરથી શૅરબજારની તેજીમાં મોટો ફટકો પડ્યો હતો. રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. સર્વેક્ષણ વેલ્થ ક્રીએશનની હિમાયત કરે છે. નાણાખાધને અંકુશમાં રાખવા માટે સરકારી કંપનીઓના શૅર કે હિસ્સા વેચવાના આવશે. ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય ભલે છેલ્લાં ચાર વર્ષમાં ક્યારેય સિદ્ધ થયું ન હોય, ૨૦૨૦-’૨૧ માટે પણ એ આક્રમક અને ઊંચું જ રહેશે. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે શૅરબજારમાં તેજી અને સધ્ધરતા જરૂરી છે એટલે કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં થોડી રાહત મળે. સંભવ છે કે સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ પણ ઘટી શકે અથવા નાબૂદ થાય.

આ ઉપરાંત બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનના ફન્ડિંગ માટે, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને બૅન્કિંગ ક્ષેત્રના સુધારા માટે પણ વ્યાપક પગલાંની જાહેરાત થશે એ વાત તો નિશ્ચિત છે.

ચીજો મોંઘી થશે

ભારતમાં ઉત્પાદન કરવાનું સસ્તું બને અને ભારતીય કંપનીઓ આયાત કરતાં સસ્તા ભાવે ચીજો બજારમાં વેચી શકે એ માટે સરકાર એવી સંખ્યાબંધ ચીજો છે જેના પર કસ્ટમ-ડ્યુટીમાં વધારો કરી શકે છે. ઇલેક્ટ્રૉનિક્સ, મોબાઇલ, મૉનિટર, કલર ટીવી જેવી ચીજો પર અને ખાસ કરીને ચીનથી આવતી ચીજો પર જંગી ટૅક્સ લાદવામાં આવી શકે એવી શક્યતા છે.

શું આર્થિક વિકાસ આગળ વધશે?

આર્થિક સર્વેક્ષણમાં વર્ષ ૨૦૧૯-’૨૦નો આર્થિક વિકાસદર ૭ ટકા રહેશે એવો જુલાઈમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો. અત્યારે આ વિકાસદર ૧૧ વર્ષમાં સૌથી નીચે પાંચ ટકા રહે એવી સરકારની ધારણા છે. ફરી એક વખત સર્વેક્ષણ ૨૦૨૦માં આર્થિક વિકાસદર વધીને ૬થી ૬.૫ ટકા રહે એવો આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો છે.

ભારતીય અર્થતંત્રમાં વિકાસદર ધીમો પડવાની શરૂઆત ૨૦૧૭-’૧૮માં જ થઈ હતી એવું કેટલાક વૈશ્વિક વિશ્લેષકો અગાઉ કહી ચૂક્યા છે. આજે જ જોકે સરકારે આ વાતનો આડકતરો સ્વીકાર કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯નો વિકાસદર ૬.૮ ટકા રહ્યો હોવાનો અગાઉનો અંદાજ આજે ઘટાડીને ૬.૧ ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જાણો ક્યારે રજૂ કરવામાં આવ્યું ભારતનું સૌથી પહેલું બજેટ અને તેની ખાસિયતો

અન્ય ક્ષેત્રોની ડિમાન્ડ

કૃષિ : કૃષિ માટે વધારે ધિરાણ, ઉપરાંત ભારતમાં વિષમ આબોહવાને કારણે ખેતીનું નુકસાન અટકાવવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં આમૂલ પરિવર્તન આવી શકે છે. આ ઉપરાંત કૃષિ સંશોધન સહિતની ચીજોમાં રાહત મળશે.

સામાજિક સેવાઓ : આરોગ્ય, શિક્ષણ, પાણી, સ્વચ્છતા જેવી ચીજોમાં વ્યાપક રોકાણ માટેની વિવિધ યોજના જાહેર થશે. 

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2020 07:31 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK