Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ 2020: જીએસટી કાયદામાં કરાયેલા સુધારા અનિવાર્ય અને આવકાર્ય

બજેટ 2020: જીએસટી કાયદામાં કરાયેલા સુધારા અનિવાર્ય અને આવકાર્ય

02 February, 2020 07:39 AM IST | New Delhi
Shailesh Sheth

બજેટ 2020: જીએસટી કાયદામાં કરાયેલા સુધારા અનિવાર્ય અને આવકાર્ય

જીએસટી

જીએસટી


નાણાપ્રધાન નિર્મલા સિતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે રજૂ કરેલ અંદાજપત્ર અન્વયે જીએસટી સંબંધી કાયદાની અમુક જોગવાઈઓમાં કેટલાક અનિવાર્ય કે આવકારપાત્ર કહી શકાય એવા સુધારા સૂચવ્યા છે. જીએસટી સંબંધી અંદાજપત્રની મુખ્ય દરખાસ્તો પર અત્રે નજર ફેરવીએ...

સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૧૦મા ‘કમ્પોઝિશન લેવી’ સંબંધી જોગવાઈઓ સમાવિષ્ટ છે. ‘કમ્પોઝિશન યોજના’નો લાભ લેવા ઇચ્છુક સપ્લાયરની પાત્રતા અને એ સંબંધી શરતો સેક્શન ૧૦ના સબ-સેકશન (૨)માં નિર્દિષ્ટ કરવામાં આવી છે. પ્રસ્તુત જોગવાઈઓમાં સુધારો કરીને સર્વિસ, પ્રોવાઇડર્સ સંબંધી અમુક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. સૂચિત દરખાસ્ત મુજબ અત્રે દર્શાવેલ સર્વિસ પ્રોવાઇડર્સ ‘કમ્પોઝિશન લેવી’નો લાભ નહીં લઈ શકે.



૧. જેઓની સેવા પર જીએસટી લાગુ પડતો નથી. ૨. જેઓ સેવાની ‘આંતરરાજ્ય સપ્લાય’ કરે છે. ૩. જેઓ ઈ-કૉમર્સ ઑપરેટર્સ દ્વારા સેવા આપે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ઉપરોક્ત નિયંત્રણો કેવળ ‘માલના સપ્લાય’ને લાગુ પડે છે.


સેક્શન ૧૬(૪)માં સુધારો કરીને ‘ડેબિટ નોટ’ના આધારે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લેવાની શરતને હળવી બનાવવાની દરખાસ્ત છે. હાલ કરદાતા દ્વારા ઇશ્યુ કરવામાં આવતી ડેબિટ નોટનો મૂ‍ળ ઇન્વોઇસની તારીખ સાથે સંબંધ છે. ધારો કે વર્ષ ૨૦૧૭-’૧૮માં જો ઇન્વોઇસ ઇશ્યુ કરવામાં આવ્યું હોય અને એ સંબંધી ડેબિટ નોટ વર્ષ ૨૦૧૯-૨૦માં ઇશ્યુ કરવામાં આવે તો એ ડેબિટ નોટ પર ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લેવા સંબંધી કાનૂની વિવાદ સર્જાઈ શકે છે. સૂચિત દરખાસ્ત મુજબ ડેબિટ નોટના મૂળ ઇન્વોઇસની તારીખ સાથેના જોડાણને દૂર કરવામાં આવેલ છે અને ડેબિટ નોટની તારીખના આધારે જ ક્રેડિટ મેળવવાની પાત્રતા નક્કી થશે.
જીએસટીના અમલની શરૂઆતથી જ ગેરરીતિઓ એને છેતરપિંડીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આ‍વતા રહ્યા છે. બોગસ બિલિંગ આધારે ક્રેડિટ લઈ અને એના આધારે રિફન્ડ મેળવવાની અનેક તરકીબો કેટલાંક લેભાગુ અને અસામાજિક તત્ત્વો અજમાવી રહ્યાં છે. ઝાઝે ભાગે આ પ્રકારે છેતરપિંડી આચરનાર વ્યક્તિઓ અન્યના ઓઠા હેઠળ જ કામ કરતી હોય છે. આ ‘માસ્ટર માઇન્ડ’ તરીકે કામ કરતી વ્યક્તિઓ છેતરપિંડીનો સઘ‍ળો લાભ ગજવે કરતી હોવા છતાં એ કાયદાની પકડમાંથી છૂટી જાય છે, કારણ કે પ્રવર્તમાન સેક્શન ૧૨૨ અને ૧૩૨માં આવા ‘માસ્ટર માઇન્ડ્સ’ની સામે દંડાત્મક અને ક્રિમિનલ કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી.

સૂચિત અંદાજપત્રીય દરખાસ્ત મુજબ પ્રસ્તુત સેક્શન ૧૨૨ અને ૧૩૨માં સુધારો કરીને આ પ્રકારના ‘માસ્ટર માઇન્ડ’ની સામે પણ દંડાત્મક અને ક્રિમિનલ કાર્યવાહી થઈ શકે એવી જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે. પ્રસ્તુત સુધારો અનિવાર્ય છે અને આવકારપાત્ર પણ છે.


સેક્શન ૧૭૨ અંતર્ગત કેન્દ્ર સરકારને સીજીએસટી ઍક્ટની જોગવાઇઓના અમલમાં સર્જાતી કે દૃષ્ટિગોચર થતી મુશ્કેલીઓના નિવારણ અર્થે ‘ઑર્ડર’ ઇશ્યુ કરવાની સત્તા ઉપલબ્ધ છે. આ પ્રકારે ‘ઑર્ડર’ કેવળ જીએસટી કાઉન્સિલની ભલામણના આધારે જ થઈ શકે એ નોંધવું ઘટે. પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર કાયદાના અમલની તારીખથી એટલે કે ૧ જુલાઈ, ૨૦૧૭થી કેવળ ૩ વર્ષ સુધી એટલે કે ૩૦ જૂન, ૨૦૨૦ સુધી જ પ્રસ્તુત જોગવાઈ હેઠળ ઑર્ડર ઇશ્યુ કરી શકે છે.

સૂચિત દરખાસ્ત મુજબ હવે આ સમયમર્યાદા ૩ વર્ષથી વધારીને ૫ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે એટલે કે કેન્દ્ર સરકાર ૩૦ જૂન, ૨૦૨૨ સુધી સેક્શન ૧૭૨ હેઠળ ‘ઑર્ડર’ ઇશ્યુ કરી શકશે.

સૂચિત દરખાસ્ત અત્યંત ગંભીર અને ટીકાપાત્ર છે. એ નોંધનીય છે કે સેક્શન ૧૭૨ની આ જોગવાઈ હેઠળ હાલ પર્યંત કુલ ૧૪ ઑર્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે અને આ જોગવાઈનો બેફામપણે ગેરુપયોગ જ થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ જોગવાઈનો કાયદાની ઉપરવટ જવા માટે કે કાયદાકીય જોગવાઈને ચાતરી જવા માટે જ ઉપયોગ પણ થયો છે. એ સંજોગોમાં ‘ઑર્ડર’ ઇશ્યુ કરવાની સમયમર્યાદા વધારવાનું આ પગલું સર્વથા અનુચિત છે.

ઉપરોક્ત મુખ્ય સુધારા સૂચવતી દરખાસ્તો ઉપરાંત અમુક અન્ય સુધારા પણ જીએસટી સંબંધી કાયદામાં સૂચવવામાં આવ્યા છે જેની વિગતે ચર્ચા હાલપૂરતી મુલતવી રાખીએ.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2020 07:39 AM IST | New Delhi | Shailesh Sheth

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK