૨૦૨૦માં સ્વાસ્થ્યનો વિચાર અને ૨૦૨૧માં સંપત્તિનો વિચાર કરવાનો

Published: Jul 13, 2020, 11:09 IST | Jitendra Sanghavi | Mumbai Desk

વધતા જતા કોરોનાના સંક્રમણથી ગભરાટ નહીં, પણ સાવધાની વર્તવી પડશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાથી સંક્રમિત થતા લોકોની દિન-પ્રતિદિન વધતી જતી સંખ્યાને લીધે સરકાર અને પ્રજામાં ચિંતાનો માહોલ ઊભો થવો સ્વાભાવિક છે. સંખ્યાની બાબતે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલ ૧૦ દેશોમાં સ્થાન પામ્યા પછી આગળ વધતા-વધતા આજે ભારત ત્રીજા નંબરે છે. હવે માત્ર અમેરિકા અને બ્રાઝિલ ભારત કરતાં આગળ પહેલા અને બીજા નંબરે છે.કોઈ પણ દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલ લોકોની માત્ર સંખ્યા જોવાને બદલે તે આંકડાનું દેશની કુલ વસ્તીની ટકાવારીમાં મૂલ્યાંકન કરવું જોઈએ. ૧૩૫ કરોડની વિશાળ (વિશ્વમાં ચીન પછી બીજા નંબરે) વસ્તી ધરાવતા દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૮ લાખની છે. એટલે એક લાખની વસ્તીએ ૬૦ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. અમેરિકામાં આ સંખ્યા એક લાખે ૧૦૦૦ અને બ્રાઝિલમાં ૮૫૦ની છે. આ મહામારીથી સૌથી વધુ પીડાતા ૨૦ દેશોમાં ભારતનો એક લાખની વસ્તીએ અસરગ્રસ્ત લોકોનો આંક સૌથી નીચો છે. આમ આ દૃષ્ટિએ દેશમાં હાલની મહામારી ઠીકઠીક કન્ટ્રોલમાં છે એમ કહી શકાય.
આ આંકડાઓ કે સરખામણી પ્રજામાં ફેલાતા ભયને રોકવા માટે અને હકારાત્મક ઊર્જા કે વાઇબ્રેશન ઊભા કરવા માટે છે, પણ સાથે સાથે એક વાત ખ્યાલમાં રાખવી રહી. કોરોનાની મહામારીના કેસ આવતા થોડા મહિનાઓમાં કેટલા વધશે એના જુદાજુદા અંદાજોથી ડર્યા સિવાય એ અંદાજો પ્રમાણે કદાચ પણ બીમારીનું પ્રમાણ વધ્યું તો તેને પહોંચી વળવા અને તેનાથી થતું નુકસાન ઓછામાં ઓછું થાય તે માટે સજજ થઈ જવું પડે. હવે ચોમાસાના મહિના શરૂ થયા એટલે પાણીજન્ય રોગનું પ્રમાણ સામાન્ય રીતે વધતું હોય છે.
મહામારીનું પ્રમાણ વધશે અને કોરોનાગ્રસ્તની સંખ્યા ઉત્તરોત્તર વધતી જશે એ દલીલ સાવ જ નકારી કાઢવા જેવી નથી.
એક તરફ આગળ આંકડા આપ્યા તે પ્રમાણે વસ્તીની ટકાવારીની દૃષ્ટિએ કોવિડ-19ના કેસ ભારતમાં પ્રમાણમાં બહુ ઓછા છે તો બીજી તરફ વસ્તીના પ્રમાણમાં તે માટેના ટેસ્ટની સંખ્યા પણ ભારતમાં ખૂબ ઓછી છે. અત્યાર સુધી થયેલ કુલ ટેસ્ટ ૧.૧૩ કરોડ (જૂલાઈ ૧૧ સુધી) એક લાખની વસ્તીએ ૮૨૦ ટેસ્ટ, અમેરિકા (૧૨,૪૦૦) અને બ્રાઝિલ (૨૧૦૦)માં આ સંખ્યા બહુ મોટી છે. મેક્સિકો, પાકિસ્તાન અને બંગલા દેશને છોડીને ૨૦ સૌથી વધુ સંક્રમિત દેશોમાં આપણે ત્યાં ટેસ્ટની સંખ્યા સૌથી ઓછી છે.
આપણે ત્યાં ટેસ્ટ ઓછી કેમ થાય છે તેનાં કારણોમાં એક કારણ એ માટેની સગવડ અને સાધનો (લૅબોરેટરી અને ડૉકટરોની સંખ્યા તથા એ માટેની કિટની ઉપલબ્ધિ) ઓછા હોય તે હોઈ શકે.
કેટલીક રાજ્ય સરકારોની વધુ ટેસ્ટ કરવા પ્રત્યેની ઉદાસીનતા પણ તે માટે જવાબદાર હોઈ શકે, કારણ કે ટેસ્ટ વધુ કરીએ એટલા પૉઝિટિવ કેસની સંખ્યા પણ વધવાની જ.
રાજ્ય સરકારોએ ટેસ્ટ વધુ કરવામાં પાછીપાની કરવી ન જોઈએ. ટેસ્ટ થશે અને પરિણામ પૉઝિટિવ આવશે તો પણ દરદીની હાલત ગંભીર બનતી અટકશે. રીકવરીનો રેટ જે આજે ૬૩ ટકા જેટલો છે (૧૦૦ પૉઝિટિવમાંથી ૬૩ તરત રીકવર થાય છે) તે પણ વધશે; લાંબા સમય માટે એક્ટિવ રહેતા કેસ ઘટશે અને મરણનું પ્રમાણ પણ ઘટશે.
આજે ભારતમાં મરણનું પ્રમાણ સંક્રમિત થયેલ દરદીના ત્રણ ટકાથી પણ ઓછું છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ પ્રમાણ ચાર ટકા આસપાસ છે. ભારતે બે મોરચે લડવું પડશે. (૧) ટેસ્ટની સંખ્યા વધારતા જવું, એમ થાય અને પૉઝિટિવની સંખ્યા વધે તો ત્રણ ટકાનો મરણનો દર પણ કોવિડ-19થી થતાં મોતની સંખ્યામાં વધારો કરી શકે એટલે બીજી તરફ દરદીઓને ટ્રીટ કરવાની સગવડ વધારેને વધારે પ્રમાણમાં વધારતા રહીને રીકવરીનો રેટ વધારવો પડશે.હાલમાં આપણી પાસે કોવિડ-19નું મારણ વેક્સિન તો છે નહીં. એ વેક્સિન શોધવા માટે અનેક દેશો, અનેક રીસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ અને અનેક વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલની સફળતા પછી તે ક્યારે દરદી માટે ઉપલબ્ધ બનશે તે અંગે પણ જાતજાતના દાવા થઈ રહ્યા છે. એ વિવાદમાં નહીં ઉતરતા અત્યારે તો વેક્સિનની ગેરહાજરીમાં આ રોગ અન્ય ઉપલબ્ધ દવાઓ દ્વારા અને બીજા ખાનપાનના નિયમો દ્વારા કેમ નિવારવો તથા તે થતો અટકે તે માટેની કાળજી અને શિસ્ત માટેના કડક પાલન માટેની એક સઘન ઝુંબેશ પ્રચાર માધ્યમનાં સાધનો દ્વારા ચલાવવી જોઈએ.
ટેસ્ટનું પ્રમાણ વધારવાની જરૂર એટલે છે કે એસિમટોમેટિક (રોગના લક્ષણ ન દેખાતાં હોય તેવા) માણસોની ટેસ્ટ પણ પૉઝિટિવ આવે છે. એટલે ટેસ્ટની સંખ્યા વધારીને આ મહામારીને કાબૂમાં રાખવાનો અન્ય કોઈ અસરકારક વિકલ્પ અત્યારે તો દેખાતો નથી.
આ બધા અંદાજા સાચા પડે કે ન પડે, કોવિડ-19 વધુ વણસે કે ન વણસે, આ આપત્તિને અવસરમાં ફેરવવાનો આ સમય છે. જેમાં દેશમાં સારામાં સારી સ્વાસ્થ્ય માટેની સેવાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઊભી કરાવી જોઈએ. સ્વાસ્થ્ય માટેની સેવાઓનું આ માળખું અને નેટવર્ક મજબૂત અને કાર્યક્ષમ હશે તો ભવિષ્યની આવી કોઈ પણ આફતના સમયે તે હાથવગા બનશે. આ બાબતે ક્યુબા આપણું રોલમોડેલ બની શકે. ૧.૧૩ કરોડની વસ્તી ધરાવતા આ લેટિન અમેરિકન દેશમાં કોરોનાના માત્ર ૨૫૦૦ દરદીઓ અને કોવિડ-19થી થયેલ ૧૦૦ કરતાં ઓછા મૃત્યુ. એક નાનું એવું વાઇરસ વિશ્વના અર્થતંત્ર માટે અને લોકોના જાન માટે આટલું ખતરારૂપ બની શકે તેવી કલ્પના કોઈ દૂરંદેશીએ પણ કરી ન હતી, પણ હવે જ્યારે તે એક નગ્ન સત્યરૂપે આપણી સામે આવીને ઊભું છે ત્યારે હિંમતથી તેને પડકારી ભવિષ્યના આવા કોઈ પણ સંભવિત ખતરા સામે સુરક્ષાવ્યવસ્થા ઊભી કરવામાં જ શાણપણ ગણાય. ધીમે પગલે આર્થિક વિકાસ પણ વધી રહ્યો હોય ત્યારે સારા ચોમાસાને સથવારે, આવી તબીબી ટીમોની નિ:સ્વાર્થ સેવાભાવના અને કેન્દ્ર સરકારની સંવેદનશીલતા આપણને આ આપત્તિમાંથી સાંગોપાંગ (ઓછામાં ઓછા નુકસાન સાથે) પાર ઉતારશે એવા વિશ્વાસ સાથે જ આગળ વધવું હિતાવહ ગણાશે.
૩૦ ટકા કંપનીઓ ૭૦ ટકા કેપેસીટીએ કામ કરતી થઈ છે. ડિજિટલ પેમેન્ટનું વૉલ્યુમ વધ્યું છે. કન્ઝ્યુમર ગુડઝની માગ વધી છે. ટ્રેકટરનું ઉત્પાદન જૂન મહિને વધીને ૧૭ મહિનાનું સૌથી વધુ થયું છે (જૂન ૨૦૧૯ કરતાં ૨૫ ટકા વધુ). ઔદ્યોગિક ઉત્પાદનમાં એપ્રિલમાં ૫૮ ટકાનો ઘટાડો અને મેમાં ૩૫ ટકાનો ઘટાડો (લૉકડાઉન આંશિક હળવો થતાં) થયો છે. જૂનમાં તે માત્ર ૧૫થી ૨૦ ટકાનો જ રહેવાની ગણતરી છે. ૪૨ દિવસમાં એમએસએમઇ યુનિટોને સરકારની ગેરંટીવાળી ૧.૧૦ લાખ કરોડ રૂપિયાની લોન બૅન્કોએ મંજૂર કરી છે.
જોકે કેટલાંક રાજ્યોના શહેરી વિસ્તારોમાં ફરી લૉકડાઉન દાખલ કરાતાં રોજગારીનું ચિત્ર ૫ જુલાઈના પૂરા થતાં અઠવાડિયામાં આગળના અઠવાડિયા કરતાં થોડું નબળું રહ્યું છે. (બેરોજગારીનો દર ૧૦.૭ ટકામાંથી વધીને ૧૧.૩ ટકા). ચીન સાથે હાલપૂરતું સમાધાન થઈ ગયું છે. કોવિડ-19 લાંબા સમય માટે ચાલે તો આપણો હકારાત્મક અભિગમ જ તેની માનસિક અસર ઓછી કરી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK