આ અખાત્રીજે કરો સોનાની ખરીદી, ઘરમાં હંમેશા રહેશે બરકત

Published: May 06, 2019, 17:11 IST | મુંબઈ

મંગળવાર એટલે કે અખાત્રીજનો શુભ દિવસ. કહેવાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી બરકત આવે છે. અખાત્રીજના દિવસે લોકો ખાસ સોનાની ખરીદી કરે છે.

અખાત્રીજ સોની વેપારીઓ માટે રહેશે શુભ
અખાત્રીજ સોની વેપારીઓ માટે રહેશે શુભ

અક્ષય તૃતિયા એટલે વણજોયું મુહૂર્ત. કહેવામાં આવે છે કે આ દિવસે કોઈ વસ્તું પરખ્યા વગર પણ ખરીદી શકાય છે અને તે લાભકારી હોય છે. આ અખાત્રીજ પર સોની બજારમાં કેવો માહોલ રહેશે જાણો સંદીપભાઈ સોની પાસેથી.

'અખાત્રીજનું અનેરું મહત્વ'
અખાત્રીજના મહત્વની વાત કરતા ઓમ અલંકાર જ્વેલર્સના માલિક સંદીપભાઈ કહે છે કે, 'સોની વેપારીઓ માટે અખાત્રીજનું અનેરું મહત્વ છે. આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. સોના સાથે આ દિવસે ચાંદીની પણ ખરીદી કરવામાં આવે છે. લોકો મુહૂર્તને સાચવવા ચોક્કસથી ખરીદી કરે છે'.

'આ વર્ષે સોનું ખરીદવા થશે પડાપડી'
સંદીપભાઈ કહે છે કે આ વખતે સોનું ખરીદવા માટે પડાપડી થશે. આ વખતે પણ લોકો સોનું ખરીદવા માટે બજારમાં ઉમટી પડશે.

સોનાની ખરીદીના ટ્રેન્ડ વિશે વાત કરતા સંદીપભાઈ કહે છે કે, 'લોકો મોટા ભાગે અખાત્રીજના દિવસે સોનાની ગિની ખરીદવાનું વધારે પસંદ કરે છે. કારણ કે તેમાં મેકિંગ ચાર્જિસ નથી લાગતા. ગિનીને સાચવીને રાખવામાં આવે છે અને જ્યારે ઘરેણાં બનાવવાના હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે'.

'અમારો ધંધો વિશ્વાસે ચાલે છે'
ઑનલાઈન પણ જ્વેલરી મળતી થઈ બાદ સોની વેપારીઓ પર શું અસર પડે છે તેના વિશે વાત કરતા સંદીપભાઈ કહે છે કે, 'અમારો ધંધો વિશ્વાસે ચાલે છે. ઑનલાઈન ખરીદી કરવામાં ઘણીવાર વેલ્યૂ, સાઈઝ અને ડિઝાઈનની સમસ્યા આવે છે. જો તમે વસ્તુને હાથમાં લઈને જુઓ તો તમને આઈડિયા આવે. અલગ-અલગ સ્ટેટના કારીગરો અલગ-અલગ કલા ધરાવે છે. તમામ લોકોની મહેનત બાદ એક ઘરેણું બને છે. તેને તમે પ્રત્યક્ષ જુઓ તો જ તમને તેની કારીગરીનો અંદાજ આવી શકે છે. જ્યારે ઑનલાઈન શોપિંગમાં ફોટો જોઈને બરાબર અંદાજ નથી આવી શકતો.'

gold


'અખાત્રીજ માટે એક મહિના પહેલાથી તૈયારી'
અખાત્રીજના દિવસે લોકો તેમને પોસાય એટલું સોનું ચોક્કસથી ખરીદે છે. આ દિવસ માટે સોની વેપારીઓ એક મહિના પહેલાથી જ તૈયારી શરૂ કરે છે. સંદીપભાઈ કહે છે કે, 'અમે પહેલાથી જ પ્લાનિંગ બનાવીને રાખીએ છે. કારીગરોને ડિઝાઈન પણ આપી દઈએ છે. જેથી અખાત્રીજના દિવસે અમે ડિઝાઈન રેડી કરી રાખીએ.'

'અખાત્રીજનો દિવસ શુભ રહેશે'
અખાત્રીજના દિવસે નીકળતી ખરીદી વિશે વાત કરતા સંદીપભાઈ કહે છે કે, 'દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજે સારી ખરીદી થશે. વેકેશનનો માહોલ છે એટલે લોકો આરામથી ખરીદી કરી શકે છે. કોઈ લોકો ક્યારેય હાજર ન હોય તો સંબંધીઓને પણ સોનું ખરીદી રાખવાનું કહે છે જેથી મુહૂર્ત સાચવી શકાય.' સાથે સંદીપભાઈના કહેવા પ્રમાણે આ દિવસે સોના ચાંદીના કારોબારમાં પણ તેજી રહેશે.

સોનું અને તેના મહત્વ વિશે વાત કરાત સંદીપભાઈ કહે છે કે, 'સુખ હોય કે દુઃખ સોનું તમામ સમયમાં સાથ નિભાવે છે. પહેલાના માણસો ધીમે-ધીમે સોનું ખરીદીને રાખતા હતા. જેથી સંકટના સમયે કામ લાગે. આજે પણ ક્યાંકને ક્યાંક આ પરંપરા જળવાઈ રહી છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK