Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આ વાઇરસની ગંભીર અસર ઘટતાં બજારોમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળશે

આ વાઇરસની ગંભીર અસર ઘટતાં બજારોમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળશે

17 February, 2020 12:04 PM IST | Mumbai
Jayesh Chitalia

આ વાઇરસની ગંભીર અસર ઘટતાં બજારોમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળશે

નિફ્ટી

નિફ્ટી


આપણે ગયા વખતે શૅરબજારમાં લાંબા ગાળાનો અભિગમ અપનાવી સારા શૅર જમા કરતા રહેવાની વાત કરી હતી, વાસ્તવમાં આ વાત સતત દોહરાવવાનું કારણ એ છે કે લોકો મોટેભાગે બજારને ટૂંકા સમયગાળાની દૃષ્ટિએ જ જુએ છે ત્યારે આ લાંબા ગાળાનું હેમરિંગ જરૂરી બને છે. આ વાતને આગળ વધારતા કહેવું છે કે શૉર્ટ ટર્મમાં માર્કેટ કૉન્સોલિડેટ થવાનો પ્રયાસ કરશે. મંદી યા તેજી, કોઈ પણ એક બાજુનું નક્કર ટ્રિગર નથી. બજેટની અસર પૂરી થઈ ગઈ. હવે ફરી બજાર નવા નિર્ણયો તેમ જ બજેટની અસરરૂપે આવનારાં વધુ પગલાં કે અમલીકરણની રાહ જોવાની રહેશે. બજાર જે રીતે ચાલ ચાલી રહ્યું છે એ અર્થતંત્ર બૉટમઆઉટ થઈ રહ્યું હોવાનો નિર્દેશ કરે છે છતાં ઉતાવળ કરવામાં સાર નથી, પણ લાંબા ગાળા માટે સજ્જ રહેવામાં શાણપણ ખરું.

ફન્ડામેન્ટલ્સ મહત્ત્વનાં



હવે બજાર  ફન્ડામેન્ટલ્સ પર ચાલશે, વ્યક્તિગત સ્ટૉક તે કંપનીના ફન્ડામેન્ટલ્સ પર ચાલશે. જેથી બજાર ઉપરાંત  સ્ટૉકસ પર પણ વધુ ધ્યાન આપવું જોઈશે. આ સાથે ગ્લોબલ સંકેતો-ઘટનાનું સતત નિરીક્ષણ કરતા રહેવું જરૂરી રહેશે. જેમાં અત્યારે તો કોરોના વાઇરસની અસર  ખાસ છે. ગ્લોબલ ઇન્વેસ્ટરો ભારતીય માર્કેટ અને ઇકૉનૉમીની મંદ ગતિ વિશે વાકેફ છે, કિન્તુ સાથે-સાથે તેઓ આ ઘટના પર નજર રાખી પોતાના વ્યુહ બનાવતા રહેશે. જો તેઓ હાલ ખરીદી કરતા રહ્યા છે તો એનો અર્થ એ જ થાય કે તેઓ રિકવરી માટે મોટા આશાવાદી છે. કોરોના વાઇરસની ચીન પર સંભવિત વધુ અસરને ધ્યાનમાં રાખીને પણ ભારતીય માર્કેટ ગ્લોબલ ઇન્વેસ્ટરો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.


ગ્લોબલ અને સ્થાનિક ચિંતાના વાઇરસ

ગયા સોમવારે બજારની શરૂઆત નેગેટિવ થઈ હતી. જેની માટેનું કારણ નફાનું બુકિંગ ઉપરાંત ગ્લોબલ સંકેતોનું હતું. ચીનમાં કોરોના વાઇરસના અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. જેને લીધે ચીનમાં ઘણા ઉત્પાદન એકમો-સર્વિસિસ બંધ કરવાની ફરજ પડી છે, અન્ય દેશોમાંથી આવન-જાવન પણ બંધ થવા લાગી છે. તેની નિકાસબજાર પર પણ અસર થઈ છે. વૈશ્વિક બજારો પર આની અસર પડ્યા વિના રહી શકે નહીં. જપાન, હૉન્ગકૉન્ગ સહિત અન્ય દેશોમાં પણ આનો પ્રભાવ પહોંચી રહ્યો છે. સૌથી મોટી ઇકૉનૉમી હોવા ઉપરાંત ચીન વિશાળ વપરાશકાર પણ છે, જો આ વાઇરસની અસર ચાલુ રહી તો જે દેશો ચીનમાંથી મોટેપાયે આયાત કરે છે તેમણે પણ ગંભીર સ્થિતિનો સામનો કરવાનો આવી શકે છે.  દરમ્યાન ગ્લોબલ રોકાણ સંસ્થા ગોલ્ડમેન સેશે ચીનનો જીડીપી આ વરસે નીચે રહેવાની ધારણા વ્યક્ત કરી છે. સોમવારે બજાર પર એક અસર દિલ્હી ચૂંટણી પરિણામની શક્યતાની પણ હતી, જેમાં બીજેપીની હારના સંકેતને કારણે બજારમાં સાવચેતીનું વલણ હતું. માર્કેટ વધુ ઘટીને રિકવર થયા બાદ સેન્સેકસ ૧૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૭૦ પૉઇન્ટ માઈનસ થઈ બંધ રહ્યા હતા. કંપનીઓનાં પરિણામ અને ભાવિ પગલાં સિલેક્ટિવ ધોરણે રોકાણકારોને પસંદગીની તક આપી રહ્યા છે.


હળવાશની સારી અસર

મંગળવારે  કોરોના વાઇરસનું વિસ્તરણ અટક્યું યા હળવું થયું હોવાના અહેવાલે બજારે પોઝિટિવ ટર્ન લઈ ઇન્ડેકસને ઘટતો અટકાવ્યો હતો. ફોરેન ઇન્વેસ્ટરો ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ ધરાવે છે, તેમનો રોકાણ પ્રવાહ અહીં આવતો રહેશે એવા મતલબના નાણાપ્રધાનના નિવેદનની અસર પણ હતી.  સેન્સેકસ ૨૩૬ પૉઇન્ટ અને નિફ્ટી ૭૬ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. હવે પછી કોરોના વાઇરસનો કહેર અટકે તો ગ્લોબલ માર્કેટને પણ પૉઝિટિવ કરન્ટ મળે એવી આશા છે. બુધવારે પણ આવા જ કારણસર માર્કેટ પૉઝિટિવ રહીને  ૩૪૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યું હતું, જ્યારે નિફ્ટી ૯૩ પૉઇન્ટ પ્લસ થઈને ૧૨૨૦૦ ઉપર બંધ રહ્યો હતો. નાણાંપ્રધાન ઇકૉનૉમીના રિવાઈવલ માટે સારા સંકેતના દાવા કર્યા હતા. જોકે બજારના વધારા માટે મુખ્યત્ત્વે ગ્લોબલ સંજોગો વધુ કામ કરી રહ્યા છે અને કરશે.

નાણાપ્રધાનના આશાવાદ સામે પડકાર

નાણાપ્રધાનના મતે  સીધા વિદેશી રોકાણનો વધારો, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોનો પ્રવાહ,  પરચેઝ મૅન્યુફૅકચરિંગ ઇન્ડેકસમાં વધારો, જીએસટી કલેકશનમાં વૃદ્ધિ, વિદેશી હૂંડિયામણનો વધારો અને શૅરબજારની તેજી  ભારતના અર્થતંત્રમાં કરન્ટ માટેના સંકેત સમાન છે. જોકે બીજી બાજુ જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો (મોંઘવારીનો દર)  વધ્યો હોવાના અને ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું હોવાના અહેવાલ બહાર આવતા ગુરુવારે બજાર નેગેટિવ ખૂલ્યું હતું. અર્થાત નાણાપ્રધાન આશા અપાવતા રહે છે, કિન્તુ વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે. બૅન્ક સ્ટૉકસમાં ગાબડાં પડ્યા હતા. આ સાથે બજારમાં કંઈક અંશે ઇન્ડેકસ શૅરોમાં નફો બુક કરાયો હતો, જેને પરિણામે માર્કેટ ડાઉન ગયું હતું, જોકે તે પછીથી રિકવર થઈને અંતમાં સેન્સેક્સ ૧૦૬ પૉઇન્ટ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. શુક્રવારે માર્કેટે કરેકશનને જ આગળ વધાર્યું હતું. બૅન્ક સ્ટૉકસ અને એફએમસીજી સ્ટૉકસ સાથે બજાર ઘટાડાતરફી રહીને સેન્સેક્સ ૨૦૨ પૉઇન્ટ તેમ જ નિફ્ટી ૬૧ પૉઇન્ટ ઘટીને અનુક્રમે ૪૧૨૫૭ અને ૧૨૧૧૩ બંધ રહ્યા હતા.

બજેટ ઉપરાંત પગલાં આવશે

શુક્રવારે નાણાપ્રધાને બજેટ ઉપરાંત પણ ઘણાંબધાં પ્રોત્સાહક પગલાં સરકાર વિચારી રહી હોવાનું એક બેઠકમાં જણાવ્યું હતું, જેમાં ફાઇનૅન્શિયલ સેક્ટર સહિત વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિઓ સામેલ હતા. જોકે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓની માગણી નહીં સ્વીકારીને તેમને માર્ચમાં નાણાં જમા કરાવી દેવાનો આદેશ આપ્યો હતો, જેને લીધે ટેલિકૉમ ઉદ્યોગ કઠણાઈમાં મુકાશે. આની અસર નેગેટિવ થશે, ખાસ કરીને બૅન્કોના ધિરાણ અટવાઈ જવાની ભીતિ છે. આની અસર નવા સપ્તાહમાં પણ કંઈક અંશે રહે તો નવાઈ નહીં.

ગ્લોબલ રેટિંગ એજન્સીનો આશાવાદ

શુક્રવારે જાહેર થયેલા એક સમાચાર મુજબ ગ્લોબલ રેટિંગ એજન્સી એસઅૅન્ડપીએ ભારતના સોવરેન રેટિંગને જાળવી રાખીને આગામી અમુક વર્ષમાં અર્થતંત્રની રિકવરીની ઊંચી આશા વ્યક્ત કરી હતી, જે લાંબા ગાળાના રોકાણકારો માટે સારા સંકેત ગણી શકાય. એસઅૅન્ડપીના મતે વર્ષ ૨૦૨૨માં ભારત ૭.૪ ટકાનો જીડીપી ગ્રોથરેટ હાંસલ કરી શકશે. કેન્દ્રમાં સ્થિર અને મજબૂત સરકાર પૉલિસીની સ્થિરતાની ખાતરી આપે છે.  વર્ષ ૨૦૨૦-૨૪ દરમ્યાન ભારતનો જીડીપી દર સરેરાશ  ૭.૧ ટકાના દરે ટકી રહેશે એવો અંદાજ પણ વ્યક્ત કરાયો હતો. આ માટે સરકારે ફિસ્કલ શિસ્ત જાળવવાની રહેશે અને પ્રોત્સાહક નીતિઓ પણ ચાલુ  રાખવી પડશે. રેટિંગ એજન્સીના અભિપ્રાય અનુસાર સ્લો ડાઉન કે આર્થિક મંદ ગતિ સાઇક્લિકલ છે. અનુકૂળ કૉર્પોરેટ ટૅક્સ માળખાંથી તેમ જ જીએસટી, આઈબીસી વગેરે જેવા સુધારાથી હાલ ભલે તકલીફ હોય, કિન્તુ લાંબે ગાળે આને કારણે ગ્રોથ વેગ પકડશે. ગ્લોબલ ફન્ડસ, ઇન્વેસ્ટરો, નાણાં સંસ્થાઓ વગેરે ભારત પર રોકાણ માટે નજર રાખી રહ્યા છે એટલું જ નહીં, તેમનો રોકાણપ્રવાહ સતત ચાલુ પણ છે. ચોક્કસ અનિશ્ચિતતા દૂર થયા બાદ આ રોકાણપ્રવાહ હજી વેગ પકડે તો નવાઈ નહીં. ચીનની સમસ્યાનો લાભ ઘણેખરે અંશે ભારતને મળે એવું જણાય છે.

બધાની નજર કોરોના વાઇરસ પર

હાલ તો ગ્લોબલ હોય કે સ્થાનિક બજાર કે અર્થતંત્ર હોય, દરેકની દૃષ્ટિ કોરોના વાઇરસ પર છે. આનો વધુ ફેલાવો કે ગંભીરતા ગ્લોબલ સહિત દરેક ઇકૉનૉમિને ટેન્શનમાં રાખશે અને ટેન્શન વધારશે, જ્યારે કે આ વાઇરસની સ્થિતિમાં હળવાશ આવતા ધીમે-ધીમે સુધારાનો દોર શરૂ થશે. જેથી  ટૂંકા ગાળામાં તો બજાર આ વાઇરસના અહેવાલે પોતાના વહેણને ગતિ આપશે. અર્થાત મોટી વધઘટને બદલે બજાર કભી ઉપર, કભી નીચે ચાલ્યા કરશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટરો આ સંજોગોમાં નિશ્ચિંતપણે સિલેક્ટિવલી આગળ વધી શકે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 12:04 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK