બજાર પાસે વધવા માટે એકેય કારણ નથી, ઘટવા માટે કોરોના ઉપરાંત અનેક કારણ છે

Published: Mar 23, 2020, 12:50 IST | Jayesh Chitalia | Mumbai Desk

શૅરબજારની સાદી વાત : કોરોનાએ ઇન્વેસ્ટરો, બ્રોકરો અને કંપનીઓને કન્ફયુઝ કરી નાખ્યા છે! બજાર હજી ઘટી શકે છે એ તૈયારી સાથે ખરીદવાની હિંમત, ધીરજ અને હોલ્ડિંગ ક્ષમતા હોય તો જ ખરીદી કરાય.

બજાર હજી કેટલું ઘટી શકે? આ ભાવે નવી ખરીદી કરાય કે ઍવરેજ કરાય? કે પછી બધું વેચીને છૂટા થઈ જવાય? અથવા વેઇટ ઍન્ડ વૉચ મોડમાં રહેવાય? આવા સવાલ સાથે ઇન્વેસ્ટરો નિરાશા સાથેની અસાધારણ મૂંઝવણમાં છે. બજાર હજી ઘટી શકે છે એ તૈયારી સાથે ખરીદવાની હિંમત, ધીરજ અને હોલ્ડિંગ ક્ષમતા હોય તો જ ખરીદી કરાય.

કોરોના, કોરોના અને કોરોના. ભય, ભય અને ભય. મંદી, મંદી અને મંદી આ શબ્દો હાલમાં બજાર પર છવાઈ ગયા છે. આ વખતના સમય અને સંજોગ અસાધારણ છે. શૅર સાથે અન્ય તમામ એસેટસના ભાવ સતત ઘટી રહ્યા હોવાનું ભાગ્યે જ બને છે. સોનું, ચાંદી, મેટલ્સ, ક્રૂડ અને કરન્સી બધાંના ભુક્કા બોલાઈ ગયા છે. ઇન્ડેકસમાં જેમનો મોટો ફાળો છે એ સ્ટૉકસ મુખ્યત્ત્વે તૂટી રહ્યા છે. શૅરબજારની બાજી માત્ર મંદીવાળાઓના હાથમાં છે. ઘટતા ભાવે એવરેજ કરવાનું પણ મોંઘું પડી રહ્યું છે, કારણ કે રોજ બજાર નવા કડાકા બતાવે છે. બૉટમની શોધ પણ બંધ થઈ ગઈ છે. આ વાત માત્ર ભારતીય શૅરબજારની નથી, વિશ્વનાં તમામ બજારોની સ્થિતિ આવી જ છે. લોકો પાસે એક જ સવાલ છે, હવે કયાં સુધી બજાર તૂટતું રહેશે? હવે કયા લેવલે ખરીદી શરૂ કરાય? આ ભાવે ખરીદી ન કરાય તો કયા ભાવે કરાય? શું જે હાથમાં છે તે વેચીને છૂટા થઈ જવાય? અને પછી વધુ નીચા ભાવે પુનઃ ખરીદાય? હજી માર્કેટ કયાં સુધી તૂટવાની શકયતા? ગ્લોબલ મંદીના સતત સંકેત મળ્યા કરે છે. આટલી ભયંકર હદે તૂટતાં માર્કેટમાં પણ સેબી શોર્ટ સેલ્સ પર પ્રતિબંધ કેમ નથી મૂકતું? ઘણા દેશોના નિયમનકારોએ મૂકી દીધો છે. આવા અનેક સવાલો સાથે રોકાણકારોની મૂંઝવણ સર્વોચ્ચ સપાટીએ અને નિરાશા નિમ્નત્તમ સપાટીએ છે.

કડાકા સાથે સપ્તાહની શરૂઆત
ગયા સોમવારનો આરંભ ફરી કડાકા સાથે જ થયો હતો. શૅર ખરીદવામાં યા રાખવામાં જ જાણે કોરાના વાઇરસ લાગી જવાનો હોય એમ ગ્લોબલ સહિત સ્થાનિક શૅરબજારમાં ધૂમ વેચવાલી આવી હતી. યુએસ માર્કેટ, ઑસ્ટ્રેલિયા, કોરિયા, ન્યુ ઝીલૅન્ડ અને એશિયન માર્કેટ તૂટતાં ભારતીય માર્કેટ પણ કડડડભૂસ થઈ હતી. વિદેશી રોકાણકારોની ગભરાટભરી ભારે વેચવાલી હતી. યુએસ ફેડરલ રિઝર્વે આક્રમક બની વ્યાજદર ઝીરોથી ૦.૨૫ ટકા આસપાસ કરવાની જાહેરાત કરી હતી તેમ જ ઇકૉનૉમી માટે વધુ રાહત પૅકેજની જાહેરાત કરી હતી. ગ્લોબલ સ્લો ડાઉન વધવાના ભય સાથે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને ૩૦ ડૉલરથી નીચે આવી ગયો હતો, જે ઘટાડો આયાતકાર દેશ માટે આવકાર્ય ગણાય, છતાં ઇક્વિટીના ભાવ તૂટ્યા હતા. સેન્સેક્સ સોમવારે વધુ ૨૭૧૩ પૉઇન્ટ તૂટીને ૩૧૩૯૦ બંધ અને નિફ્ટી ૭૫૮ પૉઇન્ટ તૂટીને ૯૧૯૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો, જેણે આગલા શુક્રવારના સુધારા પર પણ પાણી ફેરવી નાખ્યું હતું.

અફરાતફરી સાથે માત્ર કડાકા
વિવિધ દેશો જે મુજબ ઇકૉનૉમીને સપોર્ટ કરવા પૅકેજ જાહેર કરી રહ્યા છે એના પરથી પ્રતિત થાય છે કે કોરોનાનો કેર વધુ ગંભીર બનતો જાય છે. સોમવારે લિસ્ટેડ થયેલા એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓએ પણ રોકાણકારોને ઘોર નિરાશા આપી હતી. અનેકગણો છલકાયેલો આ ઇશ્યુ ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થતાં લાખો રોકાણકારોને પહેલા દિવસે જ ખોટ ગઈ હતી. લિસ્ટિંગ પર જ વેચવાનો પ્લાન રાખતા રોકાણકારોએ પણ આંચકો અનુભવ્યો હતો. મંગળવારે ૧૪૦૦ પૉઇન્ટ જેટલી અફરાતફરી સાથે બજાર નિફ્ટીને ૯૦૦૦ની નીચે લઈ ગયું હતું. શરૂમાં વધતું રહેલું માર્કેટ છેલ્લા એકાદ કલાકમાં ૮૧૧ પૉઇન્ટ તૂટીને ૩૧૦૦૦નું લેવલ તોડીને ૩૦૫૭૯ બંધ રહ્યું અને નિફ્ટી૨૩૦ પૉઇન્ટના ઘટાડા સાથે ૮૯૬૭ બંધ રહ્યો હતો. આ સાથે સ્મૉલ-મિડ કૅપ સ્ટૉકસનો ઘટાડો પણ સતત ચાલુ રહ્યો હતો. મંગળવારનો ઘટાડો વધુ એકવાર કોરોના અને ગ્લોબલ બજારોને કારણે હતો.

આંખના પલકારામાં ભાવ તૂટતા રહ્યા
બુધવારે પણ બજારે અફરાતફરી સાથે શરૂઆત કરી હતી. બજાર સતત વૉલેટિલિટી સાથે ચાલ્યું હતું. આંખના પલકારામાં ઇન્ડેક્સ પ્લસ-માઇનસ થયા કરતા હતા. દિવસ દરમ્યાન ૨૪૦૦ પૉઇન્ટની વધ-ઘટ સાથે સેન્સેક્સ ૧૭૦૯ પૉઇન્ટ નીચે ઊતરીને ૨૮૮૭૦ના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી ૪૯૮ પૉઇન્ટના કડાકા સાથે ૮૪૬૮ બંધ રહ્યો હતો. આ દિવસે ફરી ૬ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. બુધવારે ડાઉ જૉન્સ પણ ભારે તૂટ્યો હતો, કેમ કે ગ્લોબલ મંદીનો ભય વધતો જાય છે. માર્કેટ હજી ઘટશે એવા સંકેત અને ધારણા સતત સેન્ટિમેન્ટને દબાણ હેઠળ રાખી રહ્યાં હોવાથી બજારને રિકવરી બાદ તરત કરેક્શનનો ભેટો થઈ જાય છે. ગુરુવારે પણ બજારે શરૂઆત ૨૦૦૦ પૉઇન્ટના કડાકા સાથે કરી હતી, જેમાં પછીથી રિકવરી થઈ હતી, જેને પગલે સેન્સેક્સ અંતમાં ૫૮૧ પૉઇન્ટ અને નિફ્ટી ૨૦૫ પૉઇન્ટ માઇનસ થઈ અનુક્રમે ૨૮૨૮૮ અને ૮૨૬૩ બંધ રહ્યા હતા.

શુક્રવાર ફરી સુખદ રહ્યો
શુક્રવાર ફરી એક વાર સુખદ રહ્યો હતો. ગ્લોબલ માર્કેટ અને યુરોપિયન માર્કેટના સુધારાને પરિણામે ભારતીય માર્કેટમાં શરૂઆતથી જ સુધારો ચાલુ રહ્યો હતો, જેમાં વૉલેટિલિટી સાથે અંતમાં સેન્સેક્સ ૧૬૨૭ પૉઇન્ટ પ્લસ સાથે ૨૯૯૧૫ બંધ રહ્યો અને નિફ્ટી ૪૮૨ પૉઇન્ટ પ્લસ સાથે ૮૭૪૫ બંધ રહ્યો હતો. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સમાં પણ સુધારો થયો હતો. જોકે આ સુધારો મુખ્યત્વે શૉર્ટ કવરિંગને કારણે હતો, જેથી તેને કામચલાઉ જ ગણી શકાય છતાં બજારનું ઘટતું અટકવું પણ હાલ મોટું આશ્વાસન બની જાય છે, જેમાં રિકવરી પણ મોટી થાય છે. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં જે જાહેરાત કરી હતી એમાં કોરોનાની ગંભીરતા અને એની સામે અગમચેતીનાં પગલાંની ગંભીરતા પણ વ્યક્ત થતી હતી. મોદીએ આ સાથે અર્થતંત્ર તેમ જ જનતાના હિતમાં આર્થિક પૅકેજની જાહેરાત કરવા માટે ટાસ્ક ફોર્સની રચના પણ કરી હતી. બાકી હવે પછી વધુ ને વધુ લૉકડાઉનના સંકેત મળે છે, જેને લીધે અર્થતંત્રને વધુ ફટકો પડશે એ નક્કી છે, પરંતુ હાલમાં આનો કોઈ વિકલ્પ નથી.

રિકવરી કામચલાઉ જ રહેશે
હવે ગ્લોબલ સહિતની ભારતના અર્થતંત્રની દશા એવી છે કે કોરોનાનો વ્યાપ ઘટે તો પણ બજાર પાસે વધવા માટે ફન્ડામેન્ટલ કારણો નહીંવત છે. પરિણામે ઘટાડાનો ટ્રૅન્ડ હજી લાંબો ચાલી શકે છે. આ સપ્તાહમાં પણ માર્કેટમાં નિરાશા - નકારાત્મકતા વધુ જોવા મળી શકે. વોલેટિલિટી સાથે બજાર એકંદરે નીચે જવાની સંભાવના વધુ રહેશે. રિકવરી માત્ર ચોક્કસ કારણ પૂરતી અને કામચલાઉ જ રહેશે. આમ પણ બજાર પાસે વધવા માટે કોઈ જ નકકર ફન્ડામેન્ટલ કારણ નથી. જ્યારે કે ઘટવા માટે અનેક કારણ છે.

નિરાશા અને નકારાત્મકતાનો સંગમ
બજાર વધ્યા બાદ ફરી તૂટે તો છે જ, પરંતુ કોરોનાને કારણે એને તૂટવાનાં નવાં કારણ પણ મળતાં જાય છે. મુખ્ય કારણ તો ગ્લોબલ ઇકૉનૉમીની કથળતી દશા અને હજી કથળવાની ધારણા છે. ગ્લોબલ નાણાં સંસ્થા અને ઇન્વેસ્ટમેન્ટ સંસ્થા ગોલ્ડમેન સાશ તેમ જ મોર્ગન સ્ટેનલીએ કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખી ગ્લોબલ મંદીતરફી માહોલ બની રહ્યું હોવાનો અંદાજ વ્યકત કર્યો છે, જેની અસર બજારો પર નેગેટિવ થવી સહજ છે. બીજી બાજુ રેટિંગ એજન્સી મૂડીઝ અને સ્ટાન્ડર્ડ અૅન્ડ પુઅર્સે વરસ ૨૦૨૦ માટે ભારતનો ગ્રોથ રેટનો અંદાજ ઘટાડ્યો છે. વર્તમાન સંજોગોમાં આઇપીઓ પણ મોકૂફ રહેવા લાગ્યા છે. કંપનીઓના ફંડ રેઈઝિંગ પ્લાન હાલ તો અભરાઈએ ચઢી ગયા છે.

રોકાણકારો આમ ન કરે
બજાર સતત ઘટતું જતું હોવાથી મોટા ભાગના પોર્ટફોલિયો બહુ ખરાબ રીતે નેગેટિવ થઈ ગયા છે. રોકાણકારો આવા સમયમાં નવી ખરીદી ન કરી શકે તો કંઈ નહીં, કિન્તુ ગભરાટમાં સારા સ્ટૉક્સ વેચવાની ભૂલ તો ન જ કરવી જોઈએ. નાના ઇન્વેસ્ટરો એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ધરાવતા હોય તો તેમણે પૅનિકમાં કે એની યોજનાની ઘટતી નેટ ઍસેટ વૅલ્યુ જોઈને પ્લાન બંધ કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ. આ સમય હોલ્ડિંગનો કપરો સમય છે. એ ખરું કે રિકવરી વધુ સમય લેશે. આ સંજોગોમાં અનિવાર્ય સંજોગો સિવાય વેચાણથી દૂર રહેવામાં સાર રહેશે. તેમ છતાં પોર્ટફોલિયો રિવ્યુ સતત જરૂરી છે. એકેક સ્ટૉક પર કોલ લેવો પડશે, રાખવા, વેચવા કે વધુ ખરીદવા.

શોર્ટ સેલ્સ પર અંકુશથી વોલેટિલિટી ઘટશે?
સતત તૂટતા અને તોફાની વધઘટવાળા બજારના સંજોગોને ધ્યાનમાં રાખી નિયમન સંસ્થા સેબીએ શુક્રવારે એક મહત્ત્વના નિર્ણયમાં શોર્ટ સેલ્સ (ખોટા વેચાણ-અર્થાત શૅર હાથ પર ન હોય છતાં વેચાણ કરવું) પર મર્યાદિત અંકુશ મૂકયા હતા. આ બાબત ફયુચર્સ- ઑપ્શન્સમાં પણ લાગુ થશે. આને કારણે ઇરાદાપૂર્વક મંદીના ખેલ કરતાં સટોડિયા વર્ગ પર અંકુશ આવી શકશે. આ નિયમ ફોરેન ઇન્વેસ્ટરોને પણ લાગુ થશે. આને પરિણામે બજારના ઘટાડાને કંઇક અંશે બ્રેક લાગી શકે એવી આશા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK