Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇકૉનૉમી અને માર્કેટ વચ્ચે હાલ કોઈ જ કનેક્શન નથી

ઇકૉનૉમી અને માર્કેટ વચ્ચે હાલ કોઈ જ કનેક્શન નથી

24 August, 2020 10:40 AM IST | Mumbai
Jayesh Chitalia

ઇકૉનૉમી અને માર્કેટ વચ્ચે હાલ કોઈ જ કનેક્શન નથી

બીએસઈ

બીએસઈ


ભારતીય સ્ટૉક માર્કેટ રિયલ (વાસ્તવિક) ઇકૉનૉમી સાથે ચાલી રહ્યું નથી, પરિણામે તેમાં કરેક્શન અવશ્ય આવશે, ક્યારે આવશે એ કહી શકાય નહીં એવું વિધાન આ કૉલમમાં તો વારંવાર થયું છે, પરંતુ શુક્રવારે આ વિધાન રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કર્યું હતું. છેલ્લા પાંચેક મહિનામાં થોડા કરેક્શન સામે ઝાઝી રિકવરીનો તાલ રહ્યો છે, જેમાં માર્કેટ ઇકૉનૉમિના કપરા કાળમાં ૧૨૦૦૦ પૉઇન્ટ જેટલું વધી ગયું છે. હજી માર્કેટની દિશામાં અનિશ્ચિતતા જ છે, ગ્લોબલ અને સ્થાનિક પ્રવાહિતા અને આશાવાદના જોર પર માર્કેટ ચાલી રહ્યું છે એટલું સ્પષ્ટ સમજી જવાની જરૂર છે.

આગલા સપ્તાહના આખરી દિવસે શુક્રવારે કડાકા બાદ માર્કેટમાં કરેક્શન ચાલુ રહેશે એવી ધારણા મુકાતી હતી, પરંતુ સોમવારે શરૂઆત ઠંડી પણ પૉઝિટિવ થઈ હતી. કરેક્શન ચાલુ રહેવાની શક્યતા સામે નજીવો સુધારો જોવાયો હતો. ગ્લોબલ સંકેત પણ મિશ્ર હતા. તેમ છતાં સેન્સેક્સ અંતમાં ૧૭૩ પૉઇન્ટ વધીને ૩૮૦૫૦ અને નિફ્ટી ૬૮ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧૨૪૭ બંધ રહ્યો હતો. બજાર જેમ જેમ વધે તેમ તેમ રોકાણકારોએ સાવચેત થવાની જરૂર રહે છે. મંગળવારે પણ માર્કેટનો આરંભ સેન્સેક્સના પોણાબસો પૉઇન્ટના ઉછાળા સાથે થયો હતો. જોકે બીજી બાજુ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુએ વૈશ્વિક શૅરબજારમાં ભાવ વધુપડતા ઊંચા થઈ ગયા હોવાનું મંતવ્ય વ્યક્ત કરતાં ચિંતાની લાગણી હતી, જ્યારે કે ભારતીય માર્કેટને જુદી રીતે જોવામાં આવે છે, જેથી ભારતીય માર્કેટ સંબંધી નિષ્ણાતો બફેટના મત સાથે સહમત નથી, તેમ છતાં સાવચેતી જરૂરી હોવાનું માને છે. ભારતીય ઇકૉનૉમી વેગ પકડી રહી હોવાની વાતો પણ સમાચારમાં વહેતી થઈ રહી છે, પરંતુ તેના સચોટ સંકેત બહુ ઓછા નજરે પડે છે. આમ તેજી આગળ વધે તોય સજાગતા રાખવામાં શાણપણ છે.



મંગળવારે બજારના અંતે સેન્સેક્સ ૪૭૭ પૉઇન્ટ જેવો નોંધપાત્ર વધીને ૩૮૫૨૮ બંધ રહ્યો અને નિફ્ટી ૧૩૮ પૉઇન્ટ ઊછળીને ૧૧૩૮૫ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપ પણ ઊંચા બંધ રહ્યા હતા. ઇન્ડેક્સમાં વધારા માટે રિલાયન્સ, એચડીએફસી સહિતની ટોચની કંપનીઓનો મોટો ફાળો હતો. સરકાર તરફથી અગ્રણી જાહેર સાહસોના ખાનગીકરણની વાત આગળ વધી હોવાની પૉઝિટિવ અસર પણ હતી, જ્યારે ગ્લોબલ સ્તરે પણ સકારાત્મક સંકેત હતા. જોકે એક બાબત નોંધવી રહી કે આ સમયમાં સ્થાનિક સંસ્થાઓ સતત વેચવાલ રહી છે, જ્યારે ફોરેન ફન્ડસ બાયર્સ રહ્યા છે. બુધવારે પણ માર્કેટે સકારાત્મક પ્રારંભ કર્યો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટીએ છ મહિનાની નવી ઊંચાઈ હાંસલ કરી હતી. ફોરેન બાયર્સની સતત ખરીદીનો આ ઊંચાઈમાં નોંધપાત્ર ફાળો રહ્યો હોવાનું જોવાયું છે. ભારતીય માર્કેટ હાલ ગ્લોબલ માર્કેટને અનુસરી રહ્યું હોવાનું જણાય છે, જેને હાલ પ્રવાહિતાનો મોટો ટેકો છે.


જોકે ભારતીય બજારમાં દિવસના અંત પૂર્વે પ્રોફિટ બુકિંગ થતાં સુધારો ઘટી ગયો હતો અને આખરમાં સેન્સેક્સ ૮૬ પૉઇન્ટ વધીને ૩૮૬૦૦ પાર અને નિફ્ટી ૨૩ પૉઇન્ટ પ્લસ થઈ ૧૧૪૦૦ પાર કરી ગયો હતો. સ્મૉલ અને મિડ કૅપનો સુધારો પણ ચાલુ રહ્યો હતો. નોંધનીય વાત એ હતી કે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં મોટા સુધારા જોવાયા હતા. કંપનીઓના બીજા છમાસિક ગાળાના પરિણામ સારા નહીં રહે એવા અહેવાલ વચ્ચે એવું પણ કહેવાય છે કે બીજા ક્વૉર્ટરમાં ધારણા કરતાં પરિણામ સારા રહ્યા હતા. કોવિડની અસર રૂપે કંપનીઓના ક્વૉર્ટરલી પરિણામ પર નેગેટિવ અસર થવી સ્વાભાવિક હતી, તેમ છતાં આ કામગીરી ધારણા કરતાં સારી રહી હતી. જોકે રોકાણકારો ૨૦૨૧ને ધ્યાનમાં રાખી આગળ વધે એમાં સાર અને સાર્થકતા રહેશે. ૨૦૨૧માં વેક્સિન અને ઇકૉનૉમી રિકવરી વિશે શુભ સમાચારની અપેક્ષા રાખવામાં આવે છે. સંકુચિત રોકાણકારો આ મામલે શંકા ધરાવતા હોય તો ૨૦૨૨ને ધ્યાનમાં રાખીને રોકાણ વ્યૂહરચના ઘડી શકે છે. વૈશ્વિક નિષ્ણાતો માને છે કે કરેક્શન ચોક્કસ આવશે, કિન્તુ માર્કેટ ક્રેશ (કડાકા) નહીં થાય. રોકાણકારો ફંડામેન્ટલ્સવાળા સ્ટૉકસ પર વધુ ધ્યાન આપે એ જરૂરી છે.

યુએસની ઇકૉનૉમિની ચિંતા


ગુરુવારે યુએસ ફેડરલની મીટિંગ બાદ ઇકૉનૉમી માટે નિરાશાજનક ચિત્ર રજૂ થતાં માર્કેટ નબળું રહ્યું હતું, જેને પગલે ભારતીય માર્કેટ પણ બુધવારના વધારા સામે ગુરુવારે ૩૦૦ પૉઇન્ટ માઇનસ સાથે આરંભાયું હતું. યુએસ ફેડરલ રિઝર્વે કોરોનાને પરિણામે લેબર સમસ્યા અને ઇકૉનૉમી પર વિપરીત અસર થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આની ગ્લોબલ અસર થઈ હતી તે ઉપરાંત ભારતીય બજારમાં પ્રોફિટ બુકિંગ પણ થયું હતું. માર્કેટનાં અંતે સેન્સેક્સ ૩૯૪ પૉઇન્ટ અને નિફ્ટી ૯૬ પૉઇન્ટ ડાઉન થયા હતા.

રિઝર્વ બૅન્કની ચેતવણી કે ઇશારો સમજો

શુક્રવારે બજારનો આરંભ પૉઝિટિવ થયો હતો. ગ્લોબલ સંકેતના ઇશારે ભારતીય માર્કેટમાં રિકવરી દેખાઈ હતી. સેન્સેક્સ ૨૧૪ પૉઇન્ટ પ્લસ થઈ ૩૮૪૩૪ અને નિફ્ટી ૫૯ પૉઇન્ટ વધીને ૧૧૩૭૧ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપમાં પણ સુધારો ચાલુ રહ્યો હતો.

રિઝર્વ બૅન્કના ગવર્નરે શુક્રવારે શૅરબજાર વિશેના અભિપ્રાયમાં કરેક્શન આવવાની શક્યતા દર્શાવી હતી. કેમ કે માર્કેટ ઇકૉનૉમિને ફોલો કરતું નથી. તેજીના ટ્રૅન્ડ માટે પ્રવાહિતા મુખ્ય કારણ જણાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. આને રિઝર્વ બૅન્કની ચેતવણી અથવા ખરા સંકેત પણ કહી શકાય, જેની અસર સંભવતઃ આ સપ્તાહમાં જોવા મળી શકે. જોકે બજાર હાલ ઇકૉનૉમી કરતાં ભાવિ આશાવાદ, ગ્લોબલ સંકેત, વધુ પ્રમાણમાં પ્રવાહિતાને કારણે ચાલી રહ્યું છે. જ્યારે પણ મોટું કરેક્શન આવશે તો એને ખરીદીની મોટી તક બનાવી શકાય. અત્યારે ઇન્વેસ્ટરોએ વરસ ૨૦૨૨ને નજરમાં રાખીને ચાલવું જોઈશે.

અર્થતંત્રની રિકવરી પર વિશ્વાસ

જેમને ભારતીય અર્થતંત્રમાં ભરોસો છે, સરકારની નીતિઓ, આર્થિક સુધારાના પગલાં અને વૈશ્વિક સંજોગોનો જેઓ અભ્યાસ કરી શકે છે તેઓ હાલ લાંબા ગાળાના વ્યૂહ સાથે પોતાનો પોર્ટફોલિયો ઘડી રહ્યા છે. પ્રવાહિતા ભરપૂર છે અને અન્ય રોકાણસાધનોના વળતર નીચા રહે છે ત્યારે બહેતર વિકલ્પ ઇક્વિટી જ જણાય છે. પોર્ટફોલિયો રિસ્ટ્રકચરિંગનો આ ઉત્તમ સમય ગણી શકાય. આ સંજોગોમાં સુધારાને અવકાશ છે, પણ તેને મિનિમમ દોઢથી બે વરસ જેટલો સમય લાગી શકે છે. અલબત્ત રોકાણકારોએ તો એથી પણ વધુ ધીરજ રાખવી પડે. આ બાબતો જેમની સમજની બહાર હોય તેઓ મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે આગળ વધે એમાં જ શાણપણ છે. આ વખતે માર્કેટ અને ઇકૉનૉમિનું મુખ્ય ડ્રાઇવર એન્જિન ગ્રામ્ય-કૃષિ ક્ષેત્ર બનશે એવા વર્તારા વધુ સંભળાય છે. આ ક્ષેત્રની પ્રગતિ અને ગતિવિધિ પણ તેનો નિર્દેશ કરે છે.

અર્થતંત્ર-માર્કેટના સારા-બુરા સમાચાર સંકેત

સરકારે બુધવારે કેટલાંક મહત્ત્વના નિર્ણય લીધા હતા, જેમાં અમુક અૅરપોર્ટસને લીઝ પર આપવાની મંજૂરી હતી. નૅશનલ રિક્રૂટમેન્ટ એજન્સી સ્થાપવાની દરખાસ્ત હતી, જે બેરોજગારીની સમસ્યાના ઉપાયનું કાર્ય કરશે. વીજ વિતરણ કંપનીઓને ચોક્કસ રાહત આપી હતી.

આર્થિક રિકવરીની બાબતમાં ચીન, યુરોપ અને અમુક હદ સુધી યુએસ ભારત કરતાં આગળ રહ્યા છે. આ માટે ભારતમાં વધુ સમય ચાલેલા લૉકડાઉનને કારણ માનવામાં આવે છે. જોકે ભારતની રિકવરી માટે પણ આશાવાદ વધી રહ્યો છે. આ રિકવરીમાં ગ્લોબલ ભૂમિકા મહત્વની હશે.

એપલ કંપનીના શૅરમાં દસ વરસ પહેલાં ૧૦૦૦ ડૉલરનું રોકાણ કરનારને હાલ આના ૧૨,૯૦૦ ડૉલર મળી રહ્યા છે. જૂનના અંતે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરોએ ૨૦૦ સ્ટૉકસમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા જણાતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 10:40 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK