Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારોમાં કાતિલ અફરાતફરી : સોનામાં મોટી તેજી-મંદી

બજારોમાં કાતિલ અફરાતફરી : સોનામાં મોટી તેજી-મંદી

30 March, 2020 10:20 AM IST | Mumbai Desk
Biren Vakil | vakilbiren@gmail.com

બજારોમાં કાતિલ અફરાતફરી : સોનામાં મોટી તેજી-મંદી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના ક્રાઇસિસથી રિસેશન આવવાનું તો નક્કી જ છે. અટકળનો મુદ્દો એટલો જ છે કે ૨૦૦૯ની તુલનાએ આ રિસેશન મોટું હશે કે નાનું. શૅરબજારમાં ૩૫ ટકાના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જેવા ઘટાડા પછી સરકારે ૨૦૦૦ અબજ ડૉલરનું રાહત પૅકેજ જાહેર કર્યું અને ફેડે ફન્ડિંગ માર્કેટમાં ડૉલરની અછત રોકવા રોજિંદી ૧૦૦૦ અબજ ડૉલરની લિક્વિડિટી તૈયાર રાખવા સાથે એક તબક્કે ૫૦૦૦ અબજ ડૉલરનું કમિટમેન્ટ આપ્યું એટલે અતિ ઝડપી સુધારામાં ડાઉ ૨૧ ટકા વધ્યો. કોરોના ક્રાઇસિસની ગંભીરતા જોતાં ફેડે આગોતરા આયોજન રૂપે એમ પણ કહ્યું છે કે ફેડ જરૂર પડે તો અનલિમિટેડ માત્રામાં બૉન્ડ ખરીદવા તૈયાર છે. આ વખતે ફેડે એમ પણ કહ્યું છે કે એસેટ પરચેઝમાં ૨૦ ટકા હિસ્સો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ બૉન્ડ ઇટીએફનો પણ હશે. એનો મતલબ એ કે પરોક્ષ રીતે બૅન્કોને પણ સંકટમાંથી ઉગારવી. ૧૯૮૭માં શૅરબજારના પેનિક ક્રેશ પછી ફેડ ચૅરમૅન એલન ગ્રીનસ્પાને વ્યાજદરના ઘટાડાની નીતિ અપનાવી અને એને આગળ વધારીને હેલિકૉપ્ટર મનીના માસ્ટર બૅન બર્નાકેએ ૨૦૦૮માં નીચા વ્યાજદર વત્તા ક્યુઇની પૉલિસી અપનાવી એટલે હવે વૉલસ્ટ્રીટ, બૅન્ક અને હેજફન્ડોને નુકસાન થાય તો તારું અને નફો મારો, એ મંત્ર પાકો આવડી ગયો છે. પ્રાઇવેટાઇઝિંગ પ્રોફિટ અૅન્ડ સોશ્યલાઇઝિંગ લૉસિસનો આ ખેલ મૂડીની અસમાનતા વધારી રહ્યો છે. શૅરબજાર તોડો અને સ્ટિમ્યુલસ મેળવો એ જાતની ખંડણી લેવાનું અમેરિકા શીખી ગયું છે અને બીજાને પણ શીખવી દીધું છે. ૨૦૦૮ની મંદી વખતે ફેડની બૅલૅન્સશીટ ૮૦૦ અબજ ડૉલર હતી અને ૨૦૧૬માં ૪૫૦૦ અબજ ડૉલર થઈ. હાલમાં અંદાજે ૩.૭૫ અબજ ડૉલરની છે. હવે ૨૦૦૦ અબજના પૅકેજ અને ૪૦૦૦ અબજ ડૉલરની પ્રાપ્ય લિક્વિડિટી જોતાં આ બૅલૅન્સશીટ વધીને ક્યાં પહોંચે એનું અનુમાન કપરું નથી. લિક્વિડિટી સપ્લાયનો અતિરેક બજાર ક્યાં સુધી સહન કરશે એ પણ વિચારવાનો મુદ્દો હોય છે. ૩૦ વરસ સુધી ઝીરો વ્યાજદર અપનાવી જપાને કશું હાંસલ કર્યું નથી. પૉઇન્ટ ઑફ નો રિટર્નની સ્થિતિ આવી ગઈ છે. યુરોપ જપાનને રસ્તે ચાલ્યું, એને પણ નેગેટિવ રેટની નીતિથી લાભ કરતાં નુકસાન વધારે થયું છે. નેગેટિવ રેટ નોકરિયાત અને પેન્શન ક્લાસની બચત ખાઈ જાય છે. ખોટા હાથોમાં ખોટા નાણાં મૂકે છે અને સટ્ટાકીય રોકાણને ઉત્તેજે છે. 

બજારોની વાત કરીએ ડૉલરમાં સાર્વત્રિક તેજીથી એક તબક્કે રૂપિયો ૭૬.૩૦ના નવા સ્તરે ગયા પછી ડૉલરમાં નોંધપાત્ર ઘટાડો થતાં રૂપિયો સુધરીને ૭૪.૪૦ થયો હતો. ડોલેકસ ૧૦૩થી ઘટી ૯૮.૬૦ થઈ ગયો હતો. સોનામાં બે દિવસમાં ૨૫૦ ડૉલરની તેજી-મંદી થઈ હતી. નિફ્ટી ૭૪૦૦થી ઊછળી ૯૦૦૦ થઈ ૮૫૦૦ બંધ હતો. ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત પછી બજારો તૂટ્યાં પછી સરકારે ૧.૭૦ લાખનું આર્થિક પૅકેજ અને વેપાર ઉદ્યોગો માટે રાહતો જાહેર કરતાં મંદી અટકી હતી. આગામી કેટલાંક સપ્તાહો અનિર્ણાયકતાના છે.
વિશ્વ બજારોમાં ડૉલરમાં જોરદાર તેજી પછી એવો જ મોટો ઘટાડો આવ્યો હતો. શનિવારે આ લખાય છે ત્યારે વૈશ્વિક કોરોના કેસો ૬ લાખ અને અમેરિકામાં ૧ લાખનો આંકડો વટાવી ગયા હતા. ઇટલી પછી હવે સ્પેનમાં માતમ વરસ્યો છે. પાઉન્ડ એક તબક્કે તૂટીને ૧.૧૪૫૦ થયો હતો તે જોરદાર ઊછળીને ૧.૨૪ અને યુરો ૧.૦૬થી વધીને ૧.૧૧૫૦ થઈ ગયો છે. યુરોપ પાસે અમેરિકાની જેમ અનલિમિટેડ ક્યુઇની જોગવાઈ નથી કેમ કે માશટ્રિટ સંધિને કારણે એના હાથ બંધાયેલા છે. જોકે કોરોના બૉન્ડ જેવા ઑફ બૅલૅન્સશીટ સપોર્ટ વડે તેઓ લિક્વિડિટી વધારી શકે છે. અત્યારે મોટી ચિંતા બેકારીની છે. અમેરિકાને તો કદાચ વાંધો નહીં આવે, પણ ભારત કે ચીન કે ઇમર્જિંગ દેશો માટે બેરોજગારી મોટો પડકાર છે. ભારત માટે ચાર અઠવાડિયાં નિર્ણાયક છે. વાઇરસની રસી શોધવા સંખ્યાબંધ કંપનીઓ રાત-દિવસ મહેનત કરે છે. કોરોનાએ આખા જગતને ઘૂંટણિયે પાડી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 10:20 AM IST | Mumbai Desk | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK