Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધ-ઘટની અવઢવ વચ્ચે શૅરબજાર મામૂલી સુધર્યું

વધ-ઘટની અવઢવ વચ્ચે શૅરબજાર મામૂલી સુધર્યું

15 January, 2021 01:09 PM IST | Mumbai
Mumbai correspondent

વધ-ઘટની અવઢવ વચ્ચે શૅરબજાર મામૂલી સુધર્યું

વધ-ઘટની અવઢવ વચ્ચે શૅરબજાર મામૂલી સુધર્યું

વધ-ઘટની અવઢવ વચ્ચે શૅરબજાર મામૂલી સુધર્યું


મહત્ત્વપૂર્ણ ઘટનાઓને ધ્યાનમાં લઈને જોરદાર ઉછાળો માર્યા બાદ શૅરબજાર કોઈ નોંધનીય ટ્રિગરના અભાવે સામસામા રાહે અથડાયું હતું. એક બાજુ અમુક શૅરોમાં પ્રૉફિટ બુકિંગ થતાં ઇન્ડેક્સ ઘટ્યા હતા. એવામાં ઇન્ડેક્સમાં વધુ વેઇટેજ ધરાવતા સ્ટૉક્સે બાજી સુધારી લીધી હતી. બજાર પાસે વધવા કે ઘટવા માટે કોઈ કારણ નહીં દેખાતાં હવે તેજીને થાક લાગ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં તેજીના વલણને પ્રૉફિટ બુકિંગનું નડતર સતાવી રહ્યું છે. આથી, અગાઉ કહ્યા મુજબ હવે બજેટ સુધી કોઈ મોટી વધ-ઘટની સંભાવના દેખાતી નથી.
ગુરુવારે સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારના કામકાજની શરૂઆત ધીમી રહી હતી અને એક તબક્કે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૪૯,૧૮૨ની ઇન્ટ્રા-ડેની નીચી સપાટીએ પહોંચ્યો હતો. પછીથી લેવાલી જળવાઈ રહેતાં થોડીઘણી ચડ-ઊતર ચાલુ રહી હતી અને ઇન્ડેક્સ ૪૯,૬૬૪ની ઉપલી સપાટીને અડી આવ્યા બાદ દિવસના અંતે ૯૧.૮૪ (૦.૧૯ ટકા)ની મામૂલી વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ), ઇન્ડસઇન્ડ બૅન્ક, લાર્સન ઍન્ડ ટુબ્રો, આઇટીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બજારને સુધારવામાં મદદ કરી હતી. આ સ્ટૉક્સ અનુક્રમે ૨.૮૯ ટકા, ૨.૮૪ ટકા, ૧.૮૦ ટકા, ૧.૩૫ ટકા અને ૧.૧ ટકા વધીને અનુક્રમે ૩૨૫૦.૧૫, ૯૬૯.૫૫, ૧૩૭૬.૪૦, ૨૧૪.૧૦ અને ૧૯૬૦.૬૦ બંધ રહ્યા હતા. સેન્સેક્સના વધનારા અન્ય સ્ટૉક્સમાં હિન્દુસ્તાન યુનીલિવર, સન ફાર્મા, કોટક બૅન્ક સામેલ હતા, જે અડધાથી એક ટકો વધ્યા હતા. ઘટનારા મુખ્ય શૅર એચસીએલ ટેક (૨.૬૩ ટકા), ઍક્સિસ બૅન્ક (૧.૭૧ ટકા), એશિયન પેઇન્ટ (૧.૩૨ ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ (૧.૨૬ ટકા) અને ઇન્ફોસિસ (૧.૨૩ ટકા) હતા. એકંદરે સેન્સેક્સના ૧૫ શૅર વધ્યા હતા અને ૧૫ ઘટ્યા હતા.
ઇન્ફોસિસ અને વિપ્રોમાં પ્રૉફિટ બુકિંગ
ઇન્ફોસિસ અને વિપ્રો સારાં પરિણામોને કારણે બુધવારે વધ્યા બાદ ગુરુવારે પ્રૉફિટ બુકિંગને પગલે ઇન્ટ્રા-ડે ધોરણે અનુક્રમે ૫ અને ૬ ટકા ઘટ્યા હતા. બન્નેમાં દિવસ દરમિયાન સુધારો થતાં તેઓ અનુક્રમે ૧.૨૩ ટકા અને ૦.૯૪ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૧૦ ટકા વધ્યો
નોંધનીય રીતે હિન્દુસ્તાન ઍરોનોટિક્સમાં બીએસઈ પર ૯.૫૭ ટકા (૮૮.૧૦ રૂપિયા)નો વધારો થતાં ભાવ ૧૦૦૯ પહોંચ્યો હતો. સરકારે કંપની પાસેથી ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભારતીય હવાઈ દળ માટે ૮૩ તેજસ યુદ્ધ વિમાનો ખરીદવા માટે મંજૂરી આપતાં સ્ટૉક ઊછળ્યો હતો. ઇન્ટ્રા-ડે ધોરણે આ શૅર લગભગ ૧૪ ટકા વધ્યો હતો. આ જ રીતે લાર્સન ઍન્ડ ટુબ્રોને બાંધકામ ક્ષેત્રે મોટા ઑર્ડર મળી રહ્યા હોવાથી સ્ટૉક બીએસઈ પર એક તબક્કે ૩ ટકા વધીને ૧૩૯૦ રૂપિયાની બાવન સપ્તાહની ટોચની સપાટી સુધી પહોંચ્યો હતો. દિવસના અંતે એ ૨૪.૪૦ રૂપિયા (૧.૮૦ ટકા) વધીને ૧૩૭૬.૪૦ બંધ રહ્યો હતો. ટીસીએસ પણ ઇન્ટ્રા-ડે ધોરણે ૩૨૬૭ની બાવન સપ્તાહની નવી ટોચે પહોંચ્યા બાદ છેવટે ૨.૮૯ ટકા (૯૧.૩૫ રૂપિયા) વધીને ૩૨૫૦.૧૫ બંધ રહ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરનું અપેક્ષા કરતાં ઘણું સારું પરિણામ જાહેર કર્યું હોવાથી એનો ભાવ પરિણામના એક જ સપ્તાહની અંદર ૭.૫ ટકા વધી ગયો છે અને એનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૫,૬૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે વધ્યું છે. હાલ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૧૨.૪૩ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપથી જરાક પાછળ રહીને ૧૨.૨૩ લાખ કરોડના સ્તરે છે.
નિફ્ટી-૫૦માં ૩૦.૭૫ પૉઇન્ટ (૦.૨૧ ટકા)ની વૃદ્ધિ થતાં દિવસના અંતે ઇન્ડેક્સ ૧૪,૫૯૫.૬૦ રહ્યો હતો. એના ૨૬ સ્ટૉક્સ વધ્યા હતા અને ૨૪ ઘટ્યા હતા. એમાં ટોચના વધનારા પાંચ સ્ટૉક્સ યુપીએલ (૩.૭૦ ટકા), ભારત પેટ્રોલિયમ (૩.૧૮ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૩ ટકા), ટીસીએસ (૨.૯૦ ટકા) અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (૨.૨૩ ટકા) હતા. નિફ્ટી-૫૦ના સૌથી વધુ ઘટનારા પાંચ સ્ટૉક્સ એચસીએલ ટેક (૨.૩૬ ટકા), ગ્રાસિમ (૧.૭૭ ટકા), જેએસડબ્લ્યુ સ્ટીલ (૧.૬૬ ટકા), ઍક્સિસ બૅન્ક (૧.૬૪ ટકા) અને ટેક મહિન્દ્રા (૧.૩૭ ટકા) હતા.
મેટલ ઇન્ડેક્સ ૧ ટકો ઘટ્યો
એનએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી ફાર્મા અને એફએમસીજી અનુક્રમે ૦.૮ ટકા અને ૦.૭ ટકા વધ્યા હતા, જ્યારે મેટલ ઇન્ડેક્સ ૧ ટકો નીચે ગયો હતો.
બ્રૉડર માર્કેટમાં બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ અનુક્રમે ૦.૨૯ ટકા અને ૦.૧૭ ટકા વધ્યા હતા.
એનર્જી, કૅપિટલ ગુડ્ઝ અને ઑઇલ ઍન્ડ ગૅસ સેક્ટરમાં સુધારો
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં એનર્જી ૧.૧૩ ટકા, એફએમસીજી ૦.૮૪ ટકા, હેલ્થકૅર ૧.૦૭ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૩ ટકા, ટેલિકૉમ ૦.૨૨ ટકા, યુટિલિટીઝ ૦.૨૪ ટકા, ઑટો ૦.૩૦ ટકા, કૅપિટલ ગુડ્ઝ ૧.૬૭ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૩૮ ટકા અને પાવર ૦.૭૭ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટીરિયલ્સ ૦.૫૯ ટકા, સીડીજીએસ ૦.૨૬ ટકા, ફાઇનૅન્સ ૦.૦૫ ટકા, આઇટી ૦.૦૪ ટકા, બૅન્કેક્સ ૦.૨૦ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૭ ટકા, મેટલ ૧.૨૪ ટકા, રિયલ્ટી ૦.૦૩ ટકા અને ટેક ૦.૦૬ ટકા ઘટ્યા હતા. બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૩ કંપનીઓમાં ૫-૫ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી, જેમાં અદાણી ગ્રીન, સુવેન લાઇફ સાયન્સિસ અને મેજેસ્કો લિમિટેડ સામેલ હતી. યારી ડિજિટલને ૫ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ‘બી’ ગ્રુપની ૨૯ કંપનીઓને ઉપલી અને ૨૦ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૭૪ કંપનીઓમાંથી ૩૩૩ કંપનીઓને ઉપલી અને ૨૪૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૨,૨૧,૭૯૫.૦૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૫,૦૬૧ સોદાઓમાં ૧૮,૬૫,૮૦૯ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૭,૪૫,૫૭૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨.૬૩ કરોડ રૂપિયાના ૧૫ સોદામાં ૨૩ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૦,૯૨૩ સોદામાં ૧૭,૩૧,૦૬૮ કોન્ટ્રેક્ટ સાથે ૨,૦૭,૮૨૧.૮૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૪૧૨૩ સોદામાં ૧,૩૪,૭૧૮ કોન્ટ્રેક્ટ સાથે ૧૩,૯૭૦.૫૪ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ટેક્નિકલ દૃષ્ટિએ
નિફ્ટીમાં હેન્ગિંગ મૅન પૅટર્નની અનિર્ણાયકતા દેખાઈ રહી છે. ઇન્ડેક્સ ૧૪,૬૫૩ની મહત્ત્વપૂર્ણ સપાટી કુદાવી શક્યો નહીં હોવાથી આ અનિર્ણાયકતા લંબાવાની સંભાવના છે. બજારમાં તેજી માટે ૧૪,૬૮૦ની સપાટી તૂટવાની જરૂરિયાત વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ ટ્રેડરોને નવાં ખરીદીનાં ઓળિયાં ઊભાં નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
બજાર કેવું રહેશે?
દેશમાં હોલસેલ ફુગાવો ઘટ્યો છે અને ટૂંકા ગાળામાં અર્થતંત્રના સુધારાનો અંદાજ વ્યક્ત થયો છે એથી વિદેશી ભંડોળની આવક ચાલુ રહી છે. બજારમાં આવી રહેલો આ નાણાપ્રવાહ ઊંચાં વૅલ્યુએશનને ટકાવી રાખે એવી શક્યતા બજેટ સુધી વર્તાઈ રહી છે. જોકે, બજારમાં હવે તેજી કરતાં સાવચેતીનું વલણ અપનાવાયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 01:09 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK