બીજા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

Published: Oct 01, 2019, 10:06 IST | મુંબઈ

રિલાયન્સ, ઇન્ફોસિસ અને ટીસીએસના સહારે ઇન્ડેક્સના ઘટાડાની તીવ્રતા ઓછી રહી: બૅન્કિંગ અને સ્મૉલ કૅપનું ધોવાણ: ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ૩૪ ટકા ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: સતત બીજા દિવસે પણ ભારતીય શૅરબજાર ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે તેમનું વહીવટી તંત્ર ચીનની અમેરિકન સ્ટૉક માર્કેટમાં નોંધાયેલી કંપનીઓની નોંધણી રદ કરી શકે છે અને ચીનમાં અમેરિકન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ઘટાડવા માટે સૂચના આપી શકે છે. આ અસરથી અમેરિકન બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એની અસર એશિયામાં પણ જોવા મળી હતી. આ બધાની વચ્ચે ભારતીય બૅન્કોના એનપીએ વધી શકે છે એવી આગાહી કરતો એક અહેવાલ પણ ફૉરેન બ્રોકરેજ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેની બજારના માનસ ઉપર અસર જોવા મળી હતી. આજે બૅન્કિંગ, નાણાકીય સેવાઓ, મીડિયા અને ઑટો શૅરમાં વેચવાલી જોવા મળી હતી. 

દિવસના અંતે સેન્સેક્સ ૧૫૫ પૉઇન્ટ ઘટી ૩૮,૬૬૭.૩૩ અને નિફ્ટી ૩૫.૧૫ પૉઇન્ટ ઘટી ૧૧,૪૭૭.૨૫ની સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં વેચવાલી જોકે વ્યાપક હતી. સ્મૉલ કૅપ અને મિડ કૅપ વધારે તીવ્રતાથી ઘટ્યા હતા. વધનારા કરતાં ઘટનારા શૅરની સંખ્યા વધારે હતી. જોકે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી ૪ ટકા અને સેન્સેક્સ ૩.૫ ટકા વધીને બંધ આવ્યા છે જે ૨૦૧૩ પછી સૌથી સારો સપ્ટેમ્બર મહિનો રહ્યો હતો.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરના ઇન્ડેક્સમાંથી માત્ર આઇટી ઇન્ડેક્સ ૧.૯૧ ટકા અને એફએમસીજી ૦.૯ ટકા વધ્યા હતા બાકી બૅન્કિંગ અને મેટલ્સની આગેવાની હેઠળ બધામાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૨૬ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૨૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૫૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૯૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૪૨ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા જયારે ૨૧૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૩૨૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૨૧ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૧૩ ટકા ઘટ્યા હતા.
બજારમાં રિલાયન્સ ૧.૮૨ ટકા વધી ૧૩૩૨.૬૦ રૂપિયા, ટીસીએસ ર.૦૭ ટકા વધી ૨૦૯૯.૬૦ રૂપિયા અને ઇન્ફોસિસ ૨.૯૩ ટકા વધી ૮૯૩.૫૦ રૂપિયા વધીને બંધ આવ્યા હોવાથી બજારમાં ઇન્ડેક્સમાં ઘટાડો ઓછો લાગી રહ્યો છે. આ ત્રણ કંપનીઓના કારણે ઇન્ડેક્સમાં ૨૦૦ પૉઇન્ટની વૃદ્ધિ જોવા મળી હતી.
ઇન્ડિયાબુલ્સ ગ્રુપના શૅરોમાં કડાકો
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સના શૅરમાં એના લિસ્ટિંગ પછી આજે સૌથી વધુ એક દિવસનો ઘટાડો જોવા મળ્યો હતો. શૅરના ભાવ એક તબક્કે ૩૮ ટકા ઘટી ૨૪૦ રૂપિયાની બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા અને દિવસના અંતે ૨૫૫.૩૦ રૂપિયાની સપાટીએ એટલે કે ૩૪ ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા. જૂથની અન્ય કંપનીઓમાં ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૯.૯૧ ટકા ઘટી ૪૫.૫૦ રૂપિયા, ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સ ૧૯.૯૮ ટકા ઘટી ૧૨૩.૭૫ રૂપિયા અને ઇન્ડિયાબુલ્સ ઇન્ટિગ્રેટેડ પણ ૪.૨૯ ટકા ઘટી ૧૨૯.૫૫ રૂપિયા બંધ આવ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટમાં જૂથ સામે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી કે જેમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે એ કોર્ટ સુનાવણી માટે સ્વીકારી લેતાં કંપનીના શૅર ઘટ્યા હતા. આ ઉપરાંત, લક્ષ્મી વિલાસ બૅન્ક સામેના પ્રસ્તાવિત મર્જરની અસર પણ માનસ ઉપર જોવા મળી રહી છે.
દરમ્યાન, રિઝર્વ બૅન્કે લક્ષ્મી વિલાસ બૅન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન હેઠળ મૂકી છે. આથી બૅન્ક નવું ધિરાણ કરી શકે નહીં અને નવી બ્રાન્ચ ખોલી શકે નહીં એવા નિયંત્રણ આવી ગયાં છે. આથી શૅરનો ભાવ સતત બીજા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટ સાથે ૩૪.૭૫ રૂપિયા ઉપર બંધ આવ્યો હતો.
બૅન્કિંગ શૅરોમાં વેચવાલી હજી પણ ચાલુ
ગઈ કાલે પણ બૅન્કિંગ શૅરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૨.૫૯ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૩.૪૭ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૪૭ ટકા ઘટ્યા હતા. ખાનગી બૅન્કોમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૬.૮૪ ટકા, ફેડરલ બૅન્ક ૩.૫૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૫૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૩૧ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩૫ ટકા ઘટ્યા હતા. સરકારી બૅન્કોમાં સિન્ડિકેટ બૅન્ક ૬.૮૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૬.૧૫ ટકા, આંધ્ર બૅન્ક ૬.૦૩ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૬૮ ટકા ઘટ્યા હતા.
વિદેશી બ્રોકરેજ હાઉસ જેફ્રીઝે આજે એવો અહેવાલ બહાર પાડ્યો હતો કે બૅન્ક ઑફ બરોડા, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નૉન-પર્ફોર્મિંગ ઍસેટમાં વધારો થઈ શકે એવી શક્યતા છે. આ અહેવાલમાં જણાવ્યું હતું કે ટેલિકૉમ અને બાંધકામ ક્ષેત્રના કારણે આ બધી બૅન્કોની નબળી લોન વધી શકે છે અને નફો ઘટી શકે છે.
યસ બૅન્કના શૅર ૧૦ વર્ષના તળિયે
ખાનગી બૅન્ક યસ બૅન્કના શૅર આજે વધુ એક વખત ગબડ્યા હતા. દિવસના અંતે શૅર ૧૫ ટકા ઘટી ૪૧.૪૫ રૂપિયા બંધ આવ્યો હતો જે છેલ્લાં ૧૦ વર્ષની સૌથી નીચી સપાટી છે. શૅરના ભાવ છેલ્લા એક સપ્તાહમાં ૨૬ ટકા જેટલા ઘટી ગયા છે. જોકે, મૂડી વધારવા માટે રિઝર્વ બૅન્કે પરવાનગી આપી દીધી છે. બજારમાં ચિંતા છે કે જે રીતે બૅન્કના શૅર ઘટી રહ્યા છે એમાં મૂડી ઊભી કરવા માટેની શક્યતાઓ ઘટી રહી છે.
સિપ્લાના શૅર ઘટ્યા
દેશની દવા બનાવતી અગ્રણી કંપની સિપ્લાના શૅર આજે ૩.૨૮ ટકા ઘટીને બંધ આવ્યા હતા. અમેરિકન ડ્રગ રેગ્યુલેટર દ્વારા કંપની પર કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં ૧૨ જેટલી ઉણપો મળી હોવાની સ્ટૉક એક્સચેન્જને જાણ કરવામાં આવી હતી. આ ઉણપો જ્યાં સુધી દૂર થાય નહીં અને ડ્રગ રેગ્યુલેટર સંતુષ્ટ થાય નહીં ત્યાં સુધી કંપનીની દવાઓને અમેરિકામાં વેચવા ઉપર અસર પડી શકે છે.
અનિલ અંબાણી જૂથની કંપનીઓના શૅરમાં ઘટાડો
અનિલ અંબાણી જૂથની વિવિધ કંપનીઓની આજે વાર્ષિક સભા હતી. કંપનીએ રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ ઇન્ફ્રામાં દેવું ઘટાડવા માટે જાહેરાત કરી હતી. કંપનીએ એવી ખાતરી પણ આપી હતી કે દરેક દેવા ઉપર સમયસર વ્યાજની ચુકવણી થઈ રહી છે, પણ બજાર ઉપર એની કોઈ અસર જોવા મળી નહોતી. રિલાયન્સ કૅપિટલના શૅર આજે ૧૨.૩૨ ટકા ઘટી ૨૪.૫૫ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રાના શૅર આજે ૧૨.૨૮ ટકા ઘટી ૨૯.૩૦ રૂપિયા બંધ આવ્યા હતા.
અનિલ અંબાણીએ રિલાયન્સ નિપ્પોનમાં પોતાનો ૭૫ ટકા હિસ્સો વેચવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ કાર્યવાહી પૂર્ણ થયા પહેલાં સતત વધી રહેલા રિલાયન્સ નિપ્પોનના શૅરમાં ગઈ કાલે નફો ૨.૧૩ ટકા ઘટ્યો હતો. કંપની હવે જપાનની વીમા ક્ષેત્રની અગ્રણી કંપની નિપ્પોનની સહયોગી કંપની બનશે અને અનિલ અંબાણી જૂથનો કોઈ હસ્તક્ષેપ કંપનીમાં રહેશે નહીં.
આઇટી શૅરમાં થોડી ખરીદી
આજે આઇટી ક્ષેત્રના શૅરોમાં થોડી ખરીદી જોવા મળી હતી. એચસીએલ ટેક્નો ભાવ ૩.૭૬ ટકા, ઓરેકલ ફાઇનૅન્શિયલ ૩.૫૨ ટકા, ઇન્ફોસિસ ૨.૯૩ ટકા, ટીસીએસ ૨.૦૬ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬૦ ટકા, હેક્ઝાવેર ૧.૫૨ ટકા અને વિપ્રો ૧.૪૨ ટકા વધ્યા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ ૧.૯૧ ટકા વધ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK