Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના પૅનિકથી શૅરબજાર અને રૂપિયો તૂટ્યાં

કોરોના પૅનિકથી શૅરબજાર અને રૂપિયો તૂટ્યાં

09 March, 2020 03:44 PM IST | Mumbai Desk
Biren Vakil | vakilbiren@gmail.com

કોરોના પૅનિકથી શૅરબજાર અને રૂપિયો તૂટ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના કેસ એક લાખનો આંકડો પાર કરી ગયા છે અને શનિવારે ઇટલીએ મિલાન આસપાસ અંદાજે ૧૬ લાખ લોકોને લૉકડાઉન કર્યા છે. ચીનમાં કોરોનાનો ફેલાવો ઘટ્યો છે, પણ યુરોપ અને અમેરિકામાં કેસ વધ્યા છે. કોરોનાના દેકારામાં ઘણા લોકોને પોતાનો પાપડ શેકી લેવો હશે. ફાર્મા કંપનીઓને માસ્ક સૅનિટાઇઝર અને વૅક્સિન વેચીને રળી લેવું છે. શૅરબજારના મોટા સટોડિયાઓને ગભરાટ ફેલાવીને લગડી શૅરો મફતના ભાવે પડાવી લેવા છે. ગભરાટની તેજીમાં સોનું ઉત્પાદનખર્ચથી બમણા ભાવે વેચાઈ રહ્યું છે. માઇનર્સને બખ્ખા છે. અમેરિકામાં વિપક્ષો પાસે કોઈ મુદ્દો જ નથી, તો શૅરબજાર તૂટે અને નવેમ્બરની ચૂંટણીમાં ટ્રમ્પ હારી જાય એવા દિવાસ્વપ્ન પણ વિપક્ષ જોતો હોય. કોરોના પૅનિકમાં ટ્રમ્પવિરોધી મીડિયાની ચિચિયારીઓ મલીન ઇરાદાભરી દેખાય છે. કોરોના એક બાયોલૉજિકલ વેપન છે એવાં તિકડમ ચલાવીને ચીનને બદનામ કરવાની સજિશ પણ હોઈ શકે. અમેરિકામાં ૩૨ કરોડની વસ્તીમાં ૮ લાખ ફ્લુ કેસ થયા અને એમાં ૧૦,૦૦૦ મોત થયાં, મીડિયા ચૂપ છે. એની સામે ચીનમાં ૧૪૩ કરોડની વસ્તીમાં કોરોનાના ૮૦,૦૦૦ કેસ અને આખા વિશ્વમાં ૫૫૦ કરોડની વસ્તીમાં ૧ લાખ કેસમાં અને જેમાં મરણાંક ૩ ટકાથી નીચો છે એમાં ખાલી કોરોના માટે જ આટલો ગોકીરો કેમ? સાર્સમાં મરણાંક ૮ ટકા અને અછબડામાં ૨૫ ટકા તથા ઇબોલા વાઇરસમાં મરણાંક ઘણા ઊંચા હતા. ભય અને નફરત ફેલાવવાની આ રેસમાં જરા હટકે વિચારી લેવા જેવું છે.

બજારોની વાત કરીએ તો કોરોના પૅનિકને ચગાવી ફેડને ડરાવીને ફેડ પાસેથી ૫૦ બેઝિસ પૉઇન્ટ રેટ કટ કરાવવામાં વૉલ સ્ટ્રીટ સફળ થયું છે. શુક્રવારે જૉબ ડેટા સૉલિડ હતો, પણ એની ખાસ અસર નહોતી. ૧૮ માર્ચે ફેડની મીટિંગ અગાઉ બજાર તોડીને હજી એક રેટ કટ આંચકવા પ્રયાસ થશે. કોરોના મામલે ઓવરપૅનિક અને ડિમાન્ડ ડિઝરપ્શનને કારણે સેકન્ડ ક્વૉર્ટરમાં આર્થિક ડેટા ઘણા કમજોર આવશે. બૅન્કો રેટ કટ કરીને અને સરકારો સ્ટિમ્યુલસ આપીને આર્થિક મંદીને રોકવા કમર કસશે.



રૂપિયાની વાત કરીએ તો કોરોના પૅનિકથી શૅરબજારો તૂટ્યાં હતાં, અધૂરામાં પૂરું યસ બૅન્કની કટોકટી આવતાં શૅરબજાર ૧૫૦૦ તૂટ્યું હતું. રૂપિયો ૭૪.૦૫ થઈ ગયો હતો. રિઝર્વ બૅન્ક પાસે ફોરેક્સ રિઝર્વ ૪૮૧ અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ છે. ઓપેકમાં ઉત્પાદનકાપના મામલે સાઉદી અને રશિયા વચ્ચે મતભેદો થતાં કાર્ટેલ પડી ભાંગી છે. સાઉદીએ ગુસ્સે ભરાઈને ક્રૂડના ભાવ રશિયન ક્રૂડથી નીચા કરી નાખ્યા છે. ઉત્પાદન વધારવાની ધમકી આપી છે. શુક્રવારે ક્રૂડ પાંચ ટકા તૂટ્યું હતું. શનિવારે સાઉદીએ પ્રાઇસવૉર છેડી દેતાં હવે ક્રૂડ ૩૨-૩૫ ડૉલર થવાની સંભાવના વધુ છે. ક્રૂડની મંદી ભારત માટે આશીવાર્દરૂપ બનશે. રૂપિયામાં હાલ પૂરતી રેન્જ ૭૩.૩૭-૭૪.૪૪ છે. સંભવતઃ રૂપિયો ૭૩.૩૭ નીચે જાય તો ફરી ૭૧.૭૦-૭૨.૨૦ આવી શકે. જોકે જ્યાં સુધી કોરોનાનું સંકટ ટળે નહીં ત્યાં સુધી રૂપિયો દબાણમાં રહી શકે.


મુખ્ય કરન્સીમાં ડૉલર ઇન્ડેક્સ તૂટતાં યુરોમાં ફરી ઉછાળો આવી યુરો ૧.૧૩ થઈ ગયો હતો. પાઉન્ડ પણ થોડો સુધર્યો હતો. યેનમાં શાનદાર તેજી હતી. સેફ હેવન બાઇંગને કારણે યેન વધીને ૧૦૫ થઈ ગયો હતો. સ્વિસ ફ્રાન્ક પણ સેફ હેવન બાઇંગને કારણે વધીને ૦.૯૬ થયો હતો. ગભરાટનુ બેરોમીટર વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧૦ વર્ષની ઊંચી સપાટી ૫૦ થઈ ગયો હતો.

કૉમોડિટી કરન્સીમાં મેક્સિકન પેસો, બ્રાઝિલ રિયાલ, ઇન્ડોનેશિયા રૂપિયો, રશિયન રૂબલમાં કડાકો બોલી ગયો હતો. ઘણા ખરા દેશોમાં દેવાનો મોટો બોજો છે. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધુ છે. નિકાસો પર નભતાં અર્થતંત્રો, કૉમોડિટી નિકાસ આધારિત અર્થતંત્રોને મોટો ફટકો પડશે. ચીનમાં સેકન્ડ ક્વૉર્ટરના ડેટા કમજોર હશે, પણ ચીન થર્ડ ક્વૉર્ટરમાં રિબાઉન્ડ થશે એમ લાગે છે. તાપમાનમાં જોરદાર વધારો થાય તો વાઇરસ આપમેળે મરી જશે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 03:44 PM IST | Mumbai Desk | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK