બજારની નજર પ્રોત્સાહક પગલાં, ગ્લોબલ અને લોકલ રાહત પૅકેજ પર છે

Published: Oct 05, 2020, 13:13 IST | Jayesh Chitalia | Mumbai

અનલૉક-૫, યુએસ પૅકેજ, ભારત સરકારના રાહત તેમ જ ઇકૉનૉમી બુસ્ટર પગલાંની આશાએ શૅરબજારમાં નવો કરન્ટ આવ્યો છે. કરેક્શન તરફ આગળ વધનારી સંભાવના ધરાવતી ગાડી રિકવરી તરફ ઊંચે જવા લાગી છે, લપસી ન પડાય, ધ્યાન રાખજો

શૅર માર્કેટ
શૅર માર્કેટ

ઈન્સાન સોચતા કયા હૈ ઔર હોતા કયા હૈ? ઈસે કહેતે હૈ ભાગ્ય. અત્યારના દિવસોમાં શૅરબજારની ચાલને આ વિધાન બરાબર બંધબેસતું થાય છે. ઇન્વેસ્ટર સોચતા કયા હૈ, ઔર હોતા કયા હૈ! રિકવરી અને કરેક્શનની લડાઈ ચાલી રહી છે. જ્યારે માર્કેટ ઘટવું જોઈએ અથવા ઘટવાના જ કારણ ભેગા થયા હોય ત્યારે માર્કેટ વધે છે અને વધવાના કારણ લાગે ત્યારે ઘટે છે. માર્કેટ બ્લાઈન્ડ રમતું હોય એવી પ્રતીતિ થાય છે. આગલા સપ્તાહમાં નોંધપાત્ર છ દિવસના સતત કરેક્શન બાદ છેલ્લા દિવસે શુક્રવારે મોટી રિકવરી થઈ હતી. સંજોગો ધુંધળા હતા અને હજી પણ છે, તેમ છતાં વીતેલું સપ્તાહ પ્રથમ દિવસથી પૉઝિટિવ રહ્યું હતું અને નવા સપ્તાહમાં પણ સેન્ટિમેન્ટ સારું રહેવાની ધારણા છે.

સોમવારની શુભ શરૂઆત

ગયા સોમવારે બજારમાં કરેક્શન આવવાની ધારણા સામે બજારે શરૂથી જ વધવાનું વલણ અપનાવ્યું હતું. ગ્લોબલ સારા સંકેત અને સ્ટિમ્યુલસ પૅકેજની આશા તેમ જ ભારત સરકાર તરફથી પણ રાહત પૅકેજ અને ઇકૉનૉમીને બુસ્ટ કરતાં પગલાની ધારણાએ બજારને માત્ર સુધારો નહીં, બલકે ઉછાળો આપ્યો હતો. સેન્સેક્સ ૫૯૨ પૉઇન્ટ વધીને ૩૭૯૮૧ અને નિફટી ૧૭૭ પૉઇન્ટ વધીને ૧૧૨૨૭ બંધ રહ્યા હતા. માર્કેટ કૅપમાં ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલો વધારો થયો હતો. આમ આગલા સપ્તાહનું મૂડીધોવાણ રિકવર થવા લાગ્યું હતું. સ્મૉલ અને મિડ કૅપમાં પણ નોંધપાત્ર રિકવરી થઈ હતી. મંગળવારે બજાર એકંદરે સ્થિર રહ્યું હતું. ઇન્ડેકસમાં સાવ જ નજીવો ઘટાડો થયો હતો. બુધવારે બજાર વધઘટ સાથે અંતમાં સેન્સેક્સ ૯૪ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. છેલ્લા અમુક દિવસથી વિદેશી રોકાણકાર વેચવાલ રહ્યા હોવાથી પણ માર્કેટ ધીમું પડ્યું હતું. આ સામે સ્થાનિક સંસ્થાઓ મહદ્અંશે લેવાલ રહી હતી.

યુએસ-અનલૉકનો ઉછાળો

ગુરુવારે બજારે સવારથી પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપવાનું શરૂ કર્યું હતું, શરૂના સમયમાં જ સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટ ઉછળી પડયો હતો. તેને આ માટે વેલિડ કારણ અને સેન્ટિમેન્ટ પણ પ્રાપ્ત થયા હતા. યુએસમાં સ્ટીમ્યુલસ પૅકેજ જાહેર થવાના દિવસો નજીક આવી રહ્યા છે. યુએસ ઇકૉનૉમિમાં જીડીપી ૩૧ ટકા જેવો નોંધપાત્ર ડાઉન આવવાથી પૅકેજ અનિવાર્ય બન્યું છે. આમ પણ લાંબા સમયથી આ બાબત એજન્ડા પર હતી જ. આની અસર રૂપે ગ્લોબલ માર્કેટમાં જબ્બર કરન્ટ આવ્યો, જેને પગલે ભારતીય માર્કેટમાં પણ નવું ચેતન ગુરુવારે જોવાયું હતું. સેન્સેક્સ ૬૨૯ પૉઇન્ટના સુધારા સાથે ૩૮૬૯૭ અને નિફ્ટી ૧૬૯ પૉઇન્ટના સુધારા સાથે ૧૧૪૧૬ બંધ રહ્યા હતા. સ્મોલ અને મિડ કૅપમાં પણ રિકવરી હતી. શુક્રવારે ગાંધી જયંતી નિમિત્તે બજારના કામકાજ બંધ રહ્યા હતા. આમ વીતેલું સપ્તાહ એકંદરે પૉઝિટિવ રહ્યું હતું, જેણે અગાઉના સપ્તાહના ધોવાણને કવર કરી લીધું હતું.

હવે આગામી દિવસોમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે, પરંતુ સાથે-સાથે મોદી સરકારના અને યુએસના રાહત પૅકેજ તથા બુસ્ટર પગલાની અસરે સેન્ટિમેન્ટ સકારાત્મક રહેવાની આશા છે. યુએસમાં નવેમ્બરમાં આવી રહેલી ચૂંટણીની અસર પણ ભારતીય માર્કેટ પર જોવા મળશે એ નોંધવું રહ્યું.

આઇપીઓ અને અનલૉક-૫

આઇપીઓની સફળતાની સાક્ષી પૂરતા વધુ કિસ્સા ગુરુવારે બજારમાં જોવાયા હતા. કેમકોન સ્પેશ્યલિટી કેમિકલ્સનો શૅર ૧૧૫ ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો અને કેમ્સના શૅર ૨૩ ટકા ઊંચા ખૂલ્યા હતા. પૉઝિટિવ સેન્ટિમેન્ટમાં આ બાબતે પણ ઉમેરો કર્યો હતો.

વધુમાં ભારતમાં અનલૉક-5ની જાહેરાત થતા ઘણી પ્રવૃત્તિઓ ફરી કાર્યરત થશે. આ સમાચારે પણ આર્થિક વેગનું કારણ આપ્યું છે. ઑટો સેલ્સના આંકડા પણ સારા સંકેત આપી રહ્યા છે. અગાઉના અનલૉકની અસર રૂપે ઉત્પાદન ડેટામાં સુધારો નોંધાયો છે. રેલવે નૂરભાડાની આવકમાં પણ વધારો નોંધાયો હતો. પાવર અને પેટ્રોલનો વપરાશ પાંચ ટકા જેટલો વધ્યો હતો. મહિન્દ્રના ટ્રેકટર અને મારુતિની કારના વેચાણમાં સુધારો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન વધ્યું હતું.

નાણાપ્રધાનના સંકેત

નાણાપ્રધાને તાજેતરમાં કરેલા નિવેદન મુજબ શૅરબજારમાં પ્રવેશી રહેલા નવા ઇન્વેસ્ટર આશાવાદના સંકેત સમાન છે. સરકાર કોવિડ-19ને ધ્યાનમાં રાખી ઇકૉનૉમિને બુસ્ટ કરવા માટે રાહતનાં પગલાં લેવા સજ્જ છે. સરકાર આ પગલાં લેવા માટે કોવિડની સિચ્યુએશન સુધરવાની રાહ નહીં જુએ. સરકાર ફુગાવાને બદલે ગ્રોથ અને રોજગાર સર્જન પર વધુ ધ્યાન આપવા માગે છે. સરકાર અર્થતંત્રને ટેકો આપવા વિવિધ માર્ગ વિચારી રહી છે, આ વિષયમાં સરકાર ખુલ્લું મન ધરાવે છે. સરકાર એલઆઇસીમાંથી ૨૫ ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે, જે નાણાં બજેટખાધ પુરવામાં ઉપયોગી થાય એવો ઉદ્દેશ છે.

જિમ રોજર્સની ચેતવણી

ગયા સપ્તાહના આરંભમાં જ વૈશ્વિક ઇન્વેસ્ટર અને એક્સપર્ટ જિમ રોજર્સે શૅરબજારના રોકાણકારોને ગંભીર ચેતવણીના શબ્દોમાં કહ્યું હતું કે શૅરોના ભાવ અસાધારણ ઊંચા ગયા છે, મોંઘા સ્ટૉકસ વધુ મોંઘા થઈ રહ્યા છે અને સસ્તા વધુ સસ્તા. બુલ માર્કેટના અંતની આ નિશાની ગણી શકાય. ગ્લોબલ માર્કેટનો અનુભવ ધરાવતા જિમે કહ્યું છે કે બજારનો ખરાબમાં ખરાબ સમય હજી હવે પછી આવશે. ઊંચા ગયેલા સ્ટૉક્સ મોટા આંચકા પણ આપી શકે છે. આવા સંજોગોમાં લોકો ગોલ્ડ-સિલ્વર તરફ વળે તો નવાઈ નહીં. ઇમર્જિંગ માર્કેટ્સમાં વિશ્વમાં ભારતીય માર્કેટ આકર્ષક ગણાય છે, પરંતુ જ્યારે મંદી શરૂ થશે ત્યારે સૌથી વધુ કડાકા પણ ભારતીય માર્કેટને નડશે.

જોકે આ જિમસાહેબના મત સાથે એકસો ટકા સહમત થવું ફરજિયાત નથી અને તેને લીધે પેનિકમાં આવી જવાની પણ જરૂર નથી, પરંતુ સાવચેતીમાં શાણપણ. ઊંચા ભાવના સ્ટૉકસ લેતા પહેલાં બે ને બદલે ચારવાર વિચારવું. ક્યાંક ભરાઈ ન પડાય. નીચા ભાવે ખરીદતા પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ જાણી લેવા. માત્ર ભાવ ઘટી ગયા છે તેથી ખરીદી કરવા દોડી જવાનું ગાંડપણ કરવું નહીં.

બૅન્કોને બુસ્ટ મળશે?

કેન્દ્ર સરકાર તરફથી બૅન્કો માટે ૨૦,૦૦૦ કરોડના મૂડી સપોર્ટની જાહેરાત ગમે ત્યારે સંભવ બની શકે એવા સંકેત નક્કર બન્યા છે. બીજી બાજુ બૅન્કોએ ગ્રાહકોને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ધિરાણ માટે રાહત ઑફર આપવાની શરૂઆત કરી દીધી છે. આપણે ગયા સપ્તાહમાં જેની વાત કરી હતી એ રાહત પૅકેજ સરકાર હવે ગમે ત્યારે જાહેર કરશે એવી આશા કિનારે આવી પહોંચી છે. કોવિડ-19નો સામનો કરવા સરકારે ૨૦૨૦માં હજી ભરપૂર સપોર્ટ આપવો પડશે.

આવી પણ શક્યતા

અનલૉકની સાથે કયાંક-કયાંક લૉકડાઉન ફરી ચાલુ થવાની કે વધવાની શક્યતા સંજોગોને આધિન વધી રહી છે. સરકારે ખર્ચ કરવાની પ્રાયોરિટી બદલવી પડશે, ડેફિસિટની ચિંતા વધશે, રેવન્યુ કલેક્શન પર વિપરીત અસર વધશે. સપ્લાય ચેઈન અસર પામશે, ડિમાંડ ડગમગ્યા કરશે. લોકો મોટેભાગે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદશે. આગામી સપ્તાહ અને ઑકટોબર મહિનો બજારની વધઘટ માટે વધુ સંવેદનશીલ બની શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK