Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શી જિનપિંગે દાવોસના પ્લૅટફૉર્મ પરથી ટ્રમ્પની નીતિઓને પડકારી

શી જિનપિંગે દાવોસના પ્લૅટફૉર્મ પરથી ટ્રમ્પની નીતિઓને પડકારી

23 January, 2017 06:31 AM IST |

શી જિનપિંગે દાવોસના પ્લૅટફૉર્મ પરથી ટ્રમ્પની નીતિઓને પડકારી

શી જિનપિંગે દાવોસના પ્લૅટફૉર્મ પરથી ટ્રમ્પની નીતિઓને પડકારી



china


અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી


ડોનલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરવા સાથે વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે ડ્રાઇવરની સીટ પર બેઠેલા આ સૌથી જૂના લોકશાહી દેશમાં નવા રાષ્ટ્રનો ઉદય થયો છે. વિશ્વમાં ગ્લોબલાઇઝેશનનાં વળતાં પાણી થયાં છે. એને ટ્રમ્પના કટ્ટર રાષ્ટ્રવાદ અને સંરક્ષણવાદને કારણે વેગ મળશે. ટ્રમ્પ વિરોધાભાસી અને અકળ વિધાનો કરવા માટે જાણીતા છે. વર્તમાન કાયદાઓ, સંસ્થાઓ કે પદ્ધતિઓને તોડી પાડીને અમેરિકા ફસ્ર્ટને તેમના શાસનમાં અગ્રક્રમ આપવાની વાતને ટ્રમ્પે ફરી એક વાર દોહરાવી છે.

તેમની શપથગ્રહણની વિધિના પહેલા જ આગઝરતા ભાષણમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો (રિપબ્લિક્ન અને ડેમોક્રૅટિક) અને શાસકો પર સામાન્ય અમેરિકન પ્રજાનાં હિતોને નજરઅંદાજ કર્યાનો આરોપ મૂક્યો છે. અમેરિકાના વિકાસનાં ફળ મુઠ્ઠીભર લોકોને જ ચાખવા મળ્યાં છે, જ્યારે મોટા ભાગની પ્રજાએ એ માટેની કિંમત ચૂકવી છે. વેપારનો હોય, કરવેરાનો હોય, વિદેશી સંબંધોની વાત હોય કે ઇમિગ્રેશનનો ઇશ્યુ હોય; કોઈ પણ ભોગે અમેરિકાના અને અમેરિકનના હિતને જાળવવા કે વધારવા ગમે એવા આકરા નીતિવિષયક નિર્ણયો તેઓ લેશે. અમેરિકા હવે વિશ્વના અન્ય દેશોને સખાવત કરવાનું બંધ કરી પોતાના દેશની બગડતી જતી માળખાકીય સવલતો સુધારવા મૂડીરોકાણ વધારશે. અમેરિકા આટલાં વર્ષોમાં ગુમાવેલી સંપત્તિ, નોકરીની તકો અને સરહદો પાછી મેળવીને જ જંપશે એવું વચન તેમણે અમેરિકનોને આપ્યું છે. એના ઘેરા પ્રત્યાઘાત વિશ્વના આર્થિક વિકાસ પર પણ પડશે જ. અમેરિકાના ચીન, રશિયા, ઇરાક, ભારત, પાકિસ્તાન, મધ્ય-પૂર્વના દેશો સાથેના સંબંધોનાં નવાં સમીકરણ રચાવાનાં એ વાત નિશ્ચિત છે. દુનિયા નિશ્ચિત રીતે અનિશ્ચિત ન કલ્પ્યા હોય એવા નવા વર્લ્ડ ઇકૉનૉમિક ઑર્ડર તરફ આગળ વધી રહી છે.

બ્રિટનનાં પોતાનાં હિતોની જાળવણી માટે EUમાંથી બહાર નીકળ્યા પછી (બ્રેક્ઝિટ પછી) EUના બીજા દેશો સાથે મુક્ત વેપારના કરાર કરવા માટે કટિબદ્ધ હોવા છતાં યુરોપના અન્ય દેશોમાંથી બ્રિટનમાં થતાં માઇગ્રેશનને રોકવાના પ્રયત્નો અકબંધ રહેશે. એમ કરવામાં આડે આવે એવા કોઈ કરાર બ્રિટન નહીં કરે. સોવિયેટ યુનિયનમાંથી છૂટા પડેલા રશિયાના પ્રમુખ પુતિનનો વિશ્વના અર્થકારણ અને રાજકારણ પર એટલો જ પ્રભાવ છે. સામ્યવાદ નહીં પણ કટ્ટર રાષ્ટ્રવાદના સમર્થક પુતિન આડકતરી રીતે પહેલાંના સોવિયેટ યુનિયનમાંથી સમાયેલા બધા દેશો પર તેમનું વર્ચસ રહે એવું ઇચ્છે છે. યુરોપિયન-અમેરિકન અને જૅપનીઝ એવા ત્રિપાંખિયા જોડાણ (જેનો સમગ્ર વિશ્વનાં આર્થિક / રાજકીય પરિબળો પર જબરો પ્રભાવ છે)ને તોડવા માટેની બાજી પણ પુતિન ગોઠવી રહ્યા છે. ક્રૂડ ઑઇલ માટે રશિયાની બીજા દેશો પરની નિર્ભરતા, સર્વવ્યાપી ભ્રષ્ટાચાર અને દેશમાં વૃદ્ધોનું વધતું જતું પ્રમાણ રશિયાને એની આ ચાલમાં સફળ થવા દેશે કે નહીં એ એક પ્રશ્ન છે.

સ્થાનિક અમેરિકનોને જૉબ મળે એ માટે શરૂઆતથી જ H-1B વીઝા પર નિયંત્રણ મૂકવાના તેમના નિર્ણયમાં ટ્રમ્પ આગળ વધશે. અત્યારે H-1B વીઝાનો ઉપયોગ ભારતની IT કંપનીઓ તેમના નિષ્ણાત એન્જિનિયરોને અમેરિકા મોકલવા માટે કરે છે એમાં કાપ આવશે. અમેરિકામાં ભણીને તૈયાર થયેલા યુવાનોને H-1B વીઝા માટે અગ્રતા અપાશે. H-1B વીઝા સાથેની નોકરી માટેનું વાર્ષિક વેતન ૬૦,૦૦૦ ડૉલરમાંથી વધારીને એક લાખ ડૉલર કરવાની દરખાસ્ત પણ છે. આ વેતન આપવાનું અમેરિકન કંપનીઓને પોસાવાનું નહીં અને એ આપ્યા પછી પણ આ કંપનીઓને ભારતના IT એન્જિનિયર જેવા કાર્યદક્ષ અને ખંતીલા યુવાનો (બીજા દેશના અમેરિકામાં ભણેલા કે અમેરિકન યુવાનોના રૂપમાં) મળવાની સંભાવના ઓછી છે એટલે આવા સુધારાઓનો અમેરિકન કંપનીઓ દ્વારા વિરોધ થાય તો એ આખરે કેવું સ્વરૂપ લે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જોકે હકીકતમાં અમેરિકામાં સ્થાનિક IT એન્જિનિયરો જોઈતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી એટલે H-1B વીઝાના કાયદાના ફેરફારથી તો IT એન્જિનિયરોની કૃત્રિમ તંગી ઊભી થવાની. ભારતની IT કંપનીઓની ૪૮થી ૭૮ ટકા આવક અમેરિકામાંથી થતી હોવાથી અને H-1B વીઝામાં ભારતનો સૌથી મોટો હિસ્સો હોઈ આના ગંભીર પ્રત્યાઘાતો પડે એ સ્વાભાવિક છે.

કરવેરામાં કાપ અને માળખાકીય સવલતો વધારવા પાછળના મૂડીરોકાણથી અમેરિકન અર્થતંત્રને કેટલો ફાયદો થશે એ પ્રશ્ન છે. જ્યાં આર્થિક વિકાસ સ્થગિત હોય કે મોટા પાયે બેકારી હોય એ દેશને ટ્રમ્પોનોમિક્સ (ટ્રમ્પની આર્થિક નીતિઓ) ફાયદો કરી શકે; પણ અમેરિકામાં ૨૦૦૮ની આર્થિક કટોકટી પછી છેલ્લાં આઠ વર્ષથી આર્થિક વિકાસ ધીમો પણ નિયમિત રીતે વધતો રહ્યો છે, વેતનના દર વધતા રહ્યા છે અને બેકારીની સમસ્યા એટલા પ્રમાણમાં ઓછી થઈ રહી છે કે જેને અર્થશાસ્ત્રની ભાષામાં લગભગ સંપૂર્ણ રોજગારી અને ઓછામાં ઓછી બેકારીની સ્થિતિ ગણી શકાય એટલે ટ્રમ્પ દ્વારા ખર્ચમાં વધારો કરાય તો થોડાં ક્ષેત્રો કે જ્યાં નોકરિયાતોની અછત હોય ત્યાં વેતન વધે. એને કારણે ભાવવધારો થાય, ફેડરલ રિઝર્વને વ્યાજના દર વહેલા વધારવાની ફરજ પડે અને એને કારણે આર્થિક મંદીની શક્યતા ઊભી થાય.

ભલે અમેરિકામાં છેલ્લાં આઠ વર્ષમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર બે ટકાથી ભાગ્યે જ વધ્યો હોય, પણ નિષ્ણાતોના મતે અમેરિકન અર્થતંત્રની ક્ષમતા જ આટલી છે અને અત્યારનો બેકારીનો ૪.૭ ટકાનો દર લગભગ સંપૂર્ણ રોજગારીમાં ખપાવી શકાય. બેકારીનો દર ખૂબ નીચો ગયો હોય અને ફેડ દ્વારા વ્યાજના દર ન વધારાયા હોય એવા સંજોગોમાં અમેરિકામાં થોડેઘણે અંશે આર્થિક મંદી આવી હોવાનો પણ અનુભવ છે.

ગ્લોબલાઇઝેશનનો સૌથી મોટો ફાયદો છેલ્લાં થોડાં વર્ષોમાં ચીન અને ભારતને થયો છે. ગ્લોબલાઇઝેશનને કારણે વિશ્વના GDP (પર્ચેઝિંગ પાવર - પૅરિટીના આધારે)માં ચીનનો હિસ્સો ૧૯૯૦માં ૪.૧ ટકામાંથી વધીને ૨૦૧૬માં ૧૭.૯ ટકા થયો છે. ભારતનો હિસ્સો પણ આ ગાળામાં ૩.૭ ટકાથી વધીને ૭.૩ ટકા થયો છે. આ ગાળામાં G-7 (અમેરિકા, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જપાન અને બ્રિટન) દેશોનો હિસ્સો ૫૧ ટકાથી ઘટીને ૩૧ ટકા થયો છે. EU દેશોનો હિસ્સો ૨૮ ટકામાંથી ઘટીને ૧૭ ટકા થયો છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની દાવોસમાં મળેલી વાર્ષિક કૉન્ફરન્સમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે ગ્લોબલાઇઝેશનની જોરદાર તરફેણ કેમ કરી એ સમજી શકાય એમ છે. ચીનને ગ્લોબલાઇઝેશનનો સૌથી મોટો ફાયદો થતો હોય ત્યારે આર્થિક વિકાસનો દર ધીમો પડતો હોય એ સંદર્ભમાં રાષ્ટ્રવાદ વકરે તો સૌથી મોટું નુકસાન ચીનને થાય. ૨૦૧૬માં ચીનના આર્થિક વિકાસનો ૬.૭ ટકાનો દર ૨૬ વર્ષનો સૌથી નીચો દર છે. હમણાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ચીનના કેટલાક પ્રાંત આર્થિક વિકાસના દરના આંકડામાં બહુ ઘાલમેલ કરતા હોવાનું બહાર આવ્યું છે. ચીનના અર્થતંત્રને લગતા કોઈ પણ આંકડા આધારભૂત નથી એટલે ચીનના આર્થિક વિકાસના દરમાં બેઝિસ પૉઇન્ટ (૦.૧ ટકા)ના ફેરફારને કારણે ભારતે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસના દરવાળા રાષ્ટ્રનું ટાઇટલ ગુમાવ્યું છે એ કહેવું વાજબી નથી.

ચીન બોલવામાં ભલે ગ્લોબલાઇઝેશનું ચૅમ્પિયન હોવાનો દાવો કરતું હોય, પણ પ્રૅક્ટિસમાં એનો અમલ કરવામાં ઊણું ઊતરે છે. બીજા દેશો ગ્લોબલાઇઝેશનનો સિદ્ધાંત અનુસરે એટલે ચીનને એનો ફાયદો મળે, પણ વિદેશી મૂડીરોકાણને ચીનમાં લેવલ પ્લેઇંગ ફીલ્ડ (ચીનના આંતરિક મૂડીરોકાણ માટેના અને વિદેશી મૂડીરોકાણ માટેના કાયદા સરખા હોય એ) પૂરું પાડવાની વાત આવે ત્યારે ચીન અખાડા કરે છે. અમેરિકા ચીનમાંથી થતી આયાતો પર ડ્યુટી વધારશે કે ચીનમાંથી થતી આયાતો અટકાવશે તો અમેરિકામાં ચીજવસ્તુઓની કિંમત વધશે એટલે અમેરિકન કંપનીઓ વધુ ને વધુ પ્રમાણમાં ઑટોમેશન તરફ ઢળશે.

અમેરિકાએ એના અત્યારના બહુપક્ષીય (મલ્ટિલેટરલ) વેપારના કરારો ફગાવી દેવાની કે ફરી તપાસવાની વાત કરી છે અને એ રીતે મુક્ત વેપારના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે ત્યારે આ તકને ઝડપી ચીન વિશ્વમાં મુક્ત વ્યાપારનાં મૂળિયાં ઊંડાં નાખવાનો જબરો પ્રયાસ કરશે. ચીનના કોઈ નેતાએ દાવોસની વાર્ષિક કૉન્ફરન્સમાં હાજરી આપી હોય એવો આ પહેલો પ્રસંગ છે. જિનપિંગે સંરક્ષણવાદના બચાવમાં કહ્યું હતું કે ‘સંરક્ષણવાદ એટલે એક અંધારી રૂમમાં પુરાઈ જવું. એમ કરવા જતાં વરસાદ કે પવનના તોફાનથી બચાય, પણ એ સ્થિતિમાં ત્યાં હવા કે સૂર્યનો પ્રકાશ પણ ન પહોંચે એટલે એ આત્મહત્યા કરવા જેવું પગલું ગણાય. ચીન એના ચલણનું અવમૂલ્યન ખોટું કે વધારે પડતું કરીને વિદેશવેપાર ક્ષેત્રે એની સ્પર્ધાત્મક શક્તિ વધારવાનો પ્રયાસ નહીં કરે. તેમણે ટ્રમ્પ અને વિશ્વના રાજકીય અને ઉદ્યોગોના અગ્રણીઓને ક્લાઇમેન્ટ-ચેન્જ વિશે થયેલ પૅરિસ-સમજૂતીને વળગી રહેવાની અપીલ પણ કરી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ જૉન કેરી (અલબત્ત ઓબામા શાસનકાળના) આ બધી વાતો સાથે સહમત થયા એનો અર્થ ઘરઆંગણે ટ્રમ્પ માટે તેમની ક્રાન્તિકારી નીતિઓનો અમલ એટલો આસાન નહીં હોય. જોકે ઇટલી, ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ્સ જેવા દેશો જ્યાં ચૂંટણીઓ હાથવેંતમાં છે ત્યાં ગ્લોબલાઇઝેશનનો વિરોધ કરનારા ફાવે તો નવાઈ નહીં.

અનિશ્ચિતતાઓથી ભરપૂર એવા ૨૦૧૭ના વર્ષે વિશ્વનેતાઓની નજર એશિયા, એમાં ખાસ કરીને ભારત અને ચીન ભણી છે. ચીન એમાં મહત્વની ભૂમિકા ભજવી શકે એમ આ નેતાઓ પણ માને છે. જિનપિંગે દાવોસમાં અમેરિકાનો રોલ ભજવવા માટે ચીન કૃતનિશ્ચયી હોવાની વાત કરી એ જ સમયે એના સમર્થનમાં ચીને વિદેશી મૂડીરોકાણ પરના અંકુશો હળવા કરવાની વાત કરી છે.

દાવોસના પ્લૅટફૉર્મ પર થયેલી વાતોને અવગણવાનું વિશ્વને પરવડે નહીં. ગ્લોબલાઇઝેશન ભલે લાંબા ગાળે સૌના હિતમાં હોય, પણ તાત્કાલિક રીતે કૉર્પોરેટ જાયન્ટોની બૅલૅન્સશીટ તગડી કરવા સાથે નોકરીની નવી તકો ઊભી નહીં કરાય તો ટ્રમ્પ તેમની અમેરિકા ફસ્ર્ટની લડતમાં જીતી પણ જાય. આમ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે, ટેક્નૉલૉજીના ઝડપી વિકાસે અને રોબોના ઉદયે વિશ્વના સાધનવિહોણા છેવાડાના વર્ગ માટે ખતરાની ઘંટી વગાડી છે. In the long run, we are all dead. સમય આપણા સામા પક્ષે છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2017 06:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK