બેરોજગારીની સમસ્યા ટાઇમ બૉમ્બ જેવી છે

Published: Feb 10, 2020, 17:34 IST | Jitendra Sanghvi | Mumbai Desk

બિનજરૂરી ખર્ચ ઘટાડાય તો મૂડીરોકાણ વધાર્યા પછી પણ ફિસ્કલ ડેફિસિટ અંકુશમાં રહે

છેલ્લાં છ ક્વૉર્ટરથી સતત ઘટી રહેલો આર્થિક વિકાસનો દર, ખાનગી ક્ષેત્રે ઘટી રહેલી માગ અને વપરાશખર્ચ તથા અસહ્ય બેરોજગારીનો સામનો કરી રહેલ સરકારના નાણાપ્રધાન માટે ૨૦૨૦-’૨૧નું અંદાજપત્ર આકરી કસોટીરૂપ પુરવાર થવાનું હતું જ. નાણાપ્રધાન સામેના વિકલ્પો ‘ડેવિલ અને ડીપ સી’ વચ્ચેની પસંદગી જેવા હતા એટલે તેમણે લીધેલાં મહત્ત્વનાં બે પગલાં દેશની આર્થિક સમસ્યા હલ કરી શકશે કે નહીં એ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક પગલું એ આવકવેરાના દરનો ઘટાડો (પણ એ સાથે કરદાતાને મળતી છૂટછાટો પાછી ખેંચી લેવી) અને બીજું પગલું એ ફિસ્કલ ડેફિસિટ વધારવાનું.
નાણાપ્રધાને જે કરદાતાઓને હાલની આવકવેરા અંતર્ગતની છૂટછાટોનો લાભ લેવાનું ચાલુ રાખવું હોય તેમને માટે આવકવેરાના જૂના દરોનો વિકલ્પ પણ ચાલુ રાખ્યો છે.
આ વિકલ્પ ચાલુ રાખવાનું એક કારણ એ હોઈ શકે કે ડિમૉનેટાઇઝેશન અને જીએસટીના અમલને પગલે ઘેરી બનેલ દેશની આર્થિક સમસ્યામાંથી સરકારે બોધપાઠ લીધો હોય. એક કે બે વર્ષ માટે સમાંતર રીતે બે વિકલ્પોનો અમલ કરાય, કરદાતાઓ કયો વિકલ્પ અપનાવે છે અને એની અર્થતંત્ર પર કેવી અસર પડે છે એના અભ્યાસ પછી એ વિશેનો આખરી નિર્ણય લઈ શકાય. આમ સરકારનો નિર્ણય ઉતાવળિયો સાબિત ન થાય એવી ગણતરી બે વિકલ્પ આપવા પાછળની હોવર જોઈએ.
સરકારી દાવા પ્રમાણે આવકવેરો ભરનારો ૮૦ ટકા વર્ગ આવકવેરાના કાયદામાં તેમને મળતી કોઈ છૂટછાટનો ઉપયોગ કરતો નથી એટલે છૂટછાટ વગરના કરવેરાના નીચા દરનો નવો વિકલ્પ તેમને માટે લાભદાયી બની શકે જેને કારણે વપરાશખર્ચ વધવાની સંભાવના પણ ખરી.
આ અંગેની એક હકીકત એ છે કે માગ અને વપરાશખર્ચનો ઘટાડો મકાનો માટે, વાહનો માટે કે એફએમસીજી માટે એકસરખો નથી. એટલું જ નહીં, તેના ખર્ચના ફાઇનૅન્સની તરેહ પણ જુદી-જુદી છે. મકાનની ખરીદી માટે શહેરી વિસ્તારમાં ૪૬ ટકા જેટલા ખરીદદારો હાઉસિંગ લોન પર આધાર રાખતા હોય છે અને મોટરગાડીની ખરીદી માટે ૭૪ ટકા ખરીદદારો વાહનો માટેની લોન પર. આ ખરીદદારોના હાથમાં વધુ નાણાં મૂકીને તેમની માસિક હપ્તા ભરવાની ક્ષમતા વધારી શકાય.
પણ સવાલ એ છે કે જ્યાં સુધી બૅન્કોની કે હાઉસિગ ફાઇનૅન્સ કંપનીઓ પાસેની લિક્વિડિટી ન વધે ત્યાં સુધી મકાનોની કે વાહનોની ખરીદી માટેની લોન જ મંજૂર નહીં થવાની તો એની માગ વધે કેમ? આવી લોનો જ્યાં મંજૂર કરાતી હોય ત્યાં વ્યાજના દર ઘટાડાય નહીં તો પણ વપરાશકાર આવા ખર્ચ કરવા તૈયાર નહીં થાય.
ફિસ્કલ ડેફિસિટ વધારાતી જાય એમ વ્યાજના દર તો વધ્યા જ કરવાના. બીજી તરફ લોકો આવકવેરાના નીચા દરનો વિકલ્પ પસંદ કરે અને આવકવેરા અંતર્ગત મળતી છૂટછાટો લેવાનું બંધ કરે તો કેટલેક અંશે લોકો દ્વારા કરાતી બચત પણ ઘટે. હાઉસહોલ્ડ સેવિંગ ઘટે તો ખાનગી ક્ષેત્ર દ્વારા કરાતું મૂડીરોકાણ આવશે ક્યાંથી? નવા મૂડીરોકાણ માટેની સંભાવનાઓ ઘટે તો નવી નોકરીઓનું સર્જન ક્યાંથી થશે? એટલું જ નહીં, મૂડીરોકાણ માટે જરૂરી નાણાંની ઉપલબ્ધિ ઘટતી જાય એથી પણ વ્યાજના દર વધવાના. આ રીતે જોઈએ તો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવાનું કામ ખૂબ કપરું છે. એક સમસ્યા હલ કરવા જાવ તો નવી બે સમસ્યા ઊભી થાય છે.
જાન્યુઆરીમાં પ્રસિદ્ધ કરાયેલ ‘યુએનના વર્લ્ડ એમ્પ્લૉઈમેન્ટ ઍન્ડ સોશ્યલ આઉટલુક’ના વાર્ષિક અહેવાલના આંકડા ચોંકાવનારા છે. આ આંકડાઓ પ્રમાણે વિશ્વમાં ૪૭ કરોડ લોકો બેકાર છે અથવા તેમની પાસે પૂરતું કામ નથી. આઇએલઓના અહેવાલ પ્રમાણે ગયા વર્ષે વિશ્વમાં બેકારીનો દર ૫.૪ ટકા હતો. વિશ્વના ધીમા પડી રહેલા આર્થિક વિકાસને લીધે ચાલુ વર્ષે પણ આ દર વધવાની શક્યતા નથી.
ભારતની સ્થિતિ આનાથી પણ થોડી વધુ ગંભીર છે. ખાનગી ક્ષેત્રે કાર્યરત સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના એક અહેવાલ પ્રમાણે દેશમાં બેકારીના દરમાં સાતમી વખત સતત વધારો થયો છે. મે-ઑગસ્ટ ૨૦૧૭માં બેકારીનો દર ૩.૮ ટકામાંથી વધીને સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં ૭.૫ ટકાનો થયો છે. ગ્રામીણ વિસ્તારમાં આ દર ૬.૮ ટકાનો છે તો શહેરી વિસ્તારમાં એ ૯ ટકાનો છે.
ડિમૉનેટાઇઝેશન અને જીએસટીના અમલને કારણે ટૂંકા ગાળામાં દેશમાં બેરોજગારી વધી છે એની ના કહી શકાય એમ નથી. ખાસ કરીને નાના ઉદ્યોગ-ધંધાઓ અને કૃષિ ક્ષેત્ર કે જ્યાં રોકડાનો વ્યવહાર વધુ પ્રચલિત હતો એવાં ક્ષેત્રો આ બે પગલાંથી વધુ પ્રભાવિત થયાં છે. લાંબે ગાળે ડિમૉનેટાઇઝેશનની અસર નાબૂદ થાય અને જીએસટીના દર ઘટે અને રીટર્ન આદિની પ્રક્રિયા સરળ બને તો એની પણ શરૂઆતની અવળી અસર ભૂંસાઈ જાય, પરંતુ ટૂંકા ગાળામાં બેકારીની સમસ્યા વકરતી જાય એનો ઉપાય તો કરવો જ રહ્યો. બેકારીની સમસ્યા ટાઇમ બૉમ્બ કરતાં જરા પણ ઓછી ગંભીર ન ગણાય. એની અવગણનાની ભારે કિંમત આપણે ચૂકવવી પડે.
આમાં શિક્ષિત બેકારોની સમસ્યા વધુ ગંભીર છે અને એ ઉગ્ર બનતી જાય છે. ૬૦ ટકા ઉચ્ચ શિક્ષિતોને તેમના ક્વૉલિફિકેશન (પાત્રતા કે લાયકાત) પ્રમાણેની જૉબ ન મળે તો તેમનામાં નિરાશા કે હતાશાનું પ્રમાણ વધવાનું. એ સંજોગોમાં આપણું ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ ડેમોગ્રાફિક ડિઝેસ્ટર’માં રૂપાંતરિત થવાની અને દેશમાં મોટી સામાજિક અશાંતિ સર્જાવાની શક્યતા નકારી શકાય એમ નથી.
ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી ઍન્ડ બજેટ મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈ પ્રમાણે નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષે ફિસ્કલ ડેફિસિટ ૩.૩ ટકામાંથી વધારીને ૩.૮ ટકા અને ૨૦૨૦-‘૨૧ માટે એ ૩.૦ ટકામાંથી વધારીને ૩.૫ ટકા કરી છે.
આ ડેફિસિટ દેખાય છે એ કરતાં ઘણી વધુ છે. જાહેર ક્ષેત્રના એકમો જેવા કે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ચૂકવવાનાં નાણાં બાકી રાખીને સરકારનું કુલ ખર્ચ ઓછુ દેખાડાય છે, પણ એ પેમેન્ટ નહીં મળવાને કારણે જાહેર ક્ષેત્રના આવા એકમોને બજારમાંથી નાણાં ઊછીનાં લેવાની ફરજ પડે છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને નહીં ચૂકવાયેલ આ રકમ લગભગ બે લાખ કરોડની છે. સરકારે બતાવેલ ૭.૭ લાખ કરોડની ફિસ્કલ ડેફિસિટમાં જો આ રકમ ઉમેરાય તો ફિસ્કલ ડેફિસિટ જીડીપીના લગભગ પાંચ ટકા જેટલી થાય.
ચાલુ નાણાકીય વર્ષે કરવેરાની અંદાજિત આવકમાં ૧૦ ટકાના ઘટાડાને કારણે, ફિસ્કલ ડેફિસિટના આવા મોટા વધારા પછી પણ સરકારના કુલ ખર્ચમાં અંદાજિત ખર્ચની સરખામણીએ ઘટાડો થયો છે. (૨૭.૮૬ લાખ કરોડને બદલે ૨૬.૯૯ લાખ કરોડ.)
ચાલુ નાણાકીય વર્ષે નોમિનલ જીડીપી ૭.૫ ટકાના દરે વધશે અને કરવેરાની અંદાજિત આવક માત્ર ૪ ટકાના દરે વધશે. કરવેરાની આવકના વધારાના દર અને નોમિનલ જીડીપીના વધારાના દરની આવી રિલેશનશિપ છે. એ સંદર્ભમાં ૨૦૨૦-’૨૧ના વર્ષે સરકારના અંદાજ પ્રમાણે નોમિનલ જીડીપી (ચાલુ ભાવે)માં ૧૦ ટકાનો વધારો થવાનો હોય ત્યારે કરવેરાની અંદાજિત આવકમાં ૧૨ ટકાનો વધારો કેવી રીતે શક્ય બને? અને જો કરવેરાની આવકનો આટલો વધારો શક્ય ન બને તો સરકારે કરેલ અંદાજિત ખર્ચમાં પણ ૧૩ ટકાનો વધારો ન થઈ શકે (૩૦.૪ લાખ કરોડ રૂપિયા) એટલે આ આંકડાઓની વિશ્વસનીયતા વિશે સવાલ ઊભો થાય.
સરકારે આવતા વર્ષની મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉઈમેન્ટ ગૅરન્ટી સ્કીમ માટેના અંદાજિત ખર્ચમાં ૯૬૦૦ કરોડ રૂપિયાનો કાપ મૂક્યો છે. ગામડાંના રસ્તાઓ, ગામડાંઓ માટેનાં મકાનોની યોજના અને નૅશનલ લાઇવલીહૂડ મિશન માટેના ખર્ચની જોગવાઈ વધારાઈ હોય તો પણ ગામડાંઓના રહેવાસીઓના જીવનધોરણને સુધારે એવા કુલ ખર્ચની જોગવાઈ ખૂબ અપૂરતી હોવાથી એ ગ્રામ્યવાસીઓની આવક વધારવામાં કે તેમનું વપરાશખર્ચ વધારવામાં કામયાબ નીવડશે નહીં.
સબસિડી (રોકડ સહાય)નો ખર્ચ છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટ્યા પછી આજે પણ એ ખર્ચ જીડીપીના ૧૦ ટકા જેટલો છે જેમાં ૫.૭ ટકા જેટલી સબસિડી નૉન-મેરિટ (ફૂડ, સ્વાસ્થ્ય અને શિક્ષણખર્ચ સિવાયની) સબસિડી છે. આ ૫.૭ ટકામાંથી ૪.૧ ટકા જેટલી સબસિડી રાજ્ય સરકારો આપે છે અને ૧.૬ ટકા જેટલી સબસિડી કેન્દ્ર સરકાર. આ સબસિડી બંધ કરીને કે ઓછી કરીને ફિસ્કલ ડેફિસિટ અંકુશમાં રાખી શકાય અથવા માળખાકીય સવલતો પાછળનું રોકાણ વધારી શકાય.
એક બાજુ ૧૪મા ફાઇનૅન્સ કમિશનની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર એની કરવેરાની આવકના ૪૨ ટકા જેટલી મોટી રકમ રાજ્ય સરકારોને આપે છે (૧૫મા ફાઇનૅન્સ કમિશને એ ઘટાડીને ૪૧ ટકા કરી છે) અને બીજી તરફ રાજ્ય સરકારો તેમને કેન્દ્ર સરકાર તરફથી મળતાં આ નાણાંનો ઉપયોગ નૉન-મેરિટ સબસિડી આપવામાં કરે છે. એટલું જ નહીં, આ નાણાંનો ઉપયોગ જે-તે રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવામાં પણ કરે છે અને એ દ્વારા પોતાની વોટ-બૅન્ક અને પૉલિટિકલ કૅપિટલ ઊભી કરે છે. આને કારણે ગામડાંઓની માળખાકીય સવલતો નથી સુધરતી કે નથી વધતી.
તદુપરાંત રાજ્યો આ નાણાંનો ઉપયોગ (કે દુરુપયોગ?) કિસાનોને મફત કે ખૂબ ઓછા દરે સિંચાઈ માટે વીજળી પૂરી પાડવા માટે કરે છે. વીજળીના ચાર્જ યુનિટના ખરા વપરાશ પર નહીં, પણ વીજ કનેક્શનના જોડાણના હૉર્સપાવર પર લેવાય છે એટલે ખેતરોના પંપો બિનજરૂરી પણ ચાલુ જ રહે છે જેનાથી પાણીનો દુર્વ્યય થાય છે અને જે-તે પાકની ઉત્પાદકતા માટે એ કાઉન્ટર પ્રોડક્ટિવ પણ બને છે એ વધારામાં.
જળ એ જીવન છે અને એનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો આવતાં થોડાં વર્ષોમાં પાણીની જે તંગી ઊભી થશે એની કલ્પના પણ આજે નહીં કરી શકીએ.
ખેડૂતોના દેવા માફ કરવાની વાત કે કિસાનોને વીજળી અકલ્પનીય નીચા દરે પૂરી પાડવાની વાત કોઈ ચોક્કસ રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત નથી. એક્રોસ પાર્ટી લાઇન આ એક વરવું સત્ય છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો પડશે. શરૂઆત જે રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની સરકાર છે ત્યાંથી કરવી પડે. ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન બધા રાજકીય પક્ષોએ મળીને સાત રાજ્યોના કિસાનોના ૧.૬૬ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યાં છે. રાજકીય કુનેહ સાથે સુચાટુ વહીવટ માટે આંકડાઓની પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે. સરકારે ઑફ-બૅલૅન્સશિટ ખર્ચને રેકૉર્ડ પર લાવવો જોઈએ. એ સાથે બિનઉત્પાદક ખર્ચ ઘટાડીને, જરૂરી ખર્ચની કાર્યક્ષમતા વધારીને તથા માળખાકીય સવલતોના ખર્ચ વધારીને કે જરૂરી મૂડીરોકાણ કરીને પણ ફિસ્કલ ડેફિસિટ અંકુશમાં રાખી શકાય.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેના અંદાજપત્રમાં હૅપિનેસ ઇન્ડેક્સની વાત કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો દ્વારા એ વાતને સમગ્ર દેશમાં વિસ્તારવી પડશે. તો આર્થિક વિકાસનો દર ઓછો-વધારે થાય ત્યારે પણ દેશના નાગરિકો વધારે સુખચેનથી જીવી શકશે. અત્યાર સુધી જે અમલમાં નથી મુકાયું એનો અમલ કરીને દેશવાસીઓએ જેને ભારે બહુમતીથી જિતાડ્યા છે એ પક્ષ અને સરકારે પ્રજાની કદર કરવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK