શૅરબજારમાં નિફ્ટીમાં કડાકા પછી ગઈ કાલે નીચા મથાળે ખરીદી જોવા મળી

Published: 26th September, 2020 11:20 IST | Stock Talk | Dalal Street Mumbai

આગલા દિવસનો કડાકો પચાવી, પીટાયેલા ક્ષેત્રોમાં સ્થાનિક ફન્ડ્સની ખરીદી વચ્ચે શૅરબજારમાં વૃદ્ધિ

શૅર માર્કેટ
શૅર માર્કેટ

છ સત્ર સુધી સતત ઘટી રહેલાં શૅરબજારમાં નિફ્ટીમાં ૬.૮૯ ટકાના કડાકા પછી ગઈ કાલે નીચા મથાળે ખરીદી જોવા મળી હતી. આ સાથે ઑક્ટોબર વાયદા સીરિઝનો શાનદાર પ્રારંભ થયો હતો. અમેરિકન શૅરબજારમાં ટેક્નૉલૉજી શૅરોમાં ખરીદી, એશિયાઇ બજારોમાં વૃદ્ધિ સાથે ગઈ કાલે ગુરુવારનો મોટાભાગનો ઘટાડો પચાવી ભારતીય બજાર ઊછળ્યાં હતાં. સૌથી વધુ પીટાયેલા બૅન્કિંગ, મેટલ્સ અને ઑટો શૅરોમાં જોરદાર ખરીદી નીકળી હતી અને ગઈ કાલે સ્મૉલ કૅપ અને મિડ કૅપ શેરો પણ ઊછળ્યા હતા. આજની વધતી બજારમાં પણ વિદેશી સંસ્થાઓએ ૨૦૮૦ કરોડના શૅર વેચ્યા હતા સામે સ્થાનિક સંસ્થાઓએ ૨૦૭૧ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી.

સેન્સેક્સ ગઈ કાલે ૮૩૫.૦૬ પૉઇન્ટ કે ૨.૨૮ ટકા વધી ૩૭,૩૮૮.૬૬ અને નિફ્ટી ૨૪૪.૭૦ પૉઇન્ટ કે ૨.૨૬ ટકા ઊછળી ૧૧૦૫૦.૨૫ વધ્યા હતા. નિફ્ટી ઇન્ડેક્સમાં આજથી ફેરફાર થયા હતા. નવા સામેલ ડીવીઝ લેબના શૅર એક ટકો વધ્યા હતા તો સામે એસબીઆઇ લાઇફના શૅર એક ટકા ઘટ્યા હતા. આજની તેજીમાં ઇન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક અને ભારતી એરટેલ ઝળક્યા હતા.

ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી બધા ઇન્ડેક્સ વધીને બંધ આવ્યા હતા. સૌથી વધુ ઉછાળો મીડિયા, ઑટો, આઇટી, બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ અને ફાર્મામાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૨૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૬ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૧ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૯૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૭૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૫૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૩૧ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૯૦ ટકા વધ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૩,૫૨,૦૨૦ કરોડ વધી ૧૫૨.૨૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

ગુરુવારનો ઘટાડો ભૂંસાયો પણ સાપ્તાહિક રીતે ઘટાડો

ગુરુવારે ભારતીય શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૧૧૪ અને નિફ્ટી ૩૨૬ પૉઇન્ટ ઘટ્યો હતો. ગઈ કાલે ચોતરફ નીચલા મથાળે નીકળેલી ખરીદીમાં બજારમાં આ ઘટાડો ભૂંસાયો હતો. આમ છતાં આ સપ્તાહમાં સેન્સેક્સ ૩.૭૫ ટકા અને નિફ્ટી ૪ ટકા ઘટીને બંધ આવ્યા છે.

આ સપ્તાહમાં બધા જ ક્ષેત્રના ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા. લગભગ એકેય ઇન્ડેક્સ આમાંથી બાકી રહ્યો નહોતો. આ સપ્તાહમાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૯ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૮ ટકા, નિફ્ટી મેટલ્સ ૮ ટકા, નિફ્ટી રીઅલ એસ્ટેટ ૭.૭ ટકા, નિફ્ટી ઑટો ૬ ટકા, નિફ્ટી ફાર્મા ૫.૯ ટકા, નિફ્ટી સ્મૉલ કૅપ ૫.૬ ટકા, નિફ્ટી મિડકૅપ ૫.૧ ટકા, નિફ્ટી બૅન્ક ૪.૮ ટકા, નિફ્ટી એફએમસીજી ૨.૭ ટકા, નિફ્ટી આઇટી ૦.૧ ટકા ઘટ્યા છે.

સપ્ટેમ્બરમાં પ્રોફિટ બુકિંગ પછી ફરી ઑટોમાં ખરીદી

સપ્ટેમ્બરની વાયદાની સીરિઝમાં ૯.૩ ટકાના ઘટાડા પછી ગઈ કાલે નીચલા મથાળે ખરીદી નીકળી હતી અને નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૩.૩૮ ટકા વધ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં વાહનોનું વેચાણ વધશે અને હવે તહેવારોની મોસમ આવી રહી હોવાથી તેમાં સુધારો જોવા મળશે એવી આશાએ ઑટો શૅરમાં દાવ લાગી રહ્યો છે. ગઈ કાલે અશોક લેલેન્ડ ૧૩.૪૩ ટકા, એક્સાઈડ ઇન્ડસ્ટ્રીઝ ૫.૮૫ ટકા, મધરસન સુમી ૫.૮૨ ટકા, બોશ લિમિટેડ ૪.૩૫ ટકા, આઇશર મોટર્સ ૩.૯  ટકા, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ૩.૫૪ ટકા, તાતા મોટર્સ ૩.૪૨ ટકા, અમરરાજા બૅટરી ૩.૩૬ ટકા, એમઆરએફ ૩.૨૧ ટકા, મારુતિ સુઝુકી ૩.૦૨ ટકા, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ૨.૯૬ ટકા, હીરો મોટોકોર્પ ૨.૮ ટકા, ભારત ફોર્જ ૨.૭૯ ટકા, ટીવીએસ મોટર્સ ૨.૭ ટકા અને બજાજ ઑટો ૦.૯૯ ટકા વધ્યા હતા.

એક દિવસના આંચકા પછી આઇટી શૅર પણ ઊછળ્યા

ગુરુવારે આઇટી શૅરોમાં સૌથી વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આઇટી ઇન્ડેક્સ ૪.૨ ટકા ઘટ્યો હતો. અમેરિકામાં આઇટી શૅરોમાં ગુરુવારે તેજી સાથે ભારતમાં પણ આઇટી શૅરોમાં ખરીદી જોવા મળી હતી. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૩.૪૬ ટકા વધ્યો હતો. ગઈ કાલે કોરફોર્જ ૯.૦૧ ટકા, એચસીએલ ટેક ૫.૩ ટકા, ટીસીએસ ૩.૬૭ ટકા, ઇન્ફોસિસ ૩.૨ ટકા, વિપ્રો ૩.૦૨ ટકા, ટેક મહિન્દ્ર ૩.૦૧ ટકા, નોકરી ડોટ કોમ ૨.૧૮ ટકા, એલઅૅન્ડટી ઇન્ફોટેક ૧.૮૯ ટકા, માઇન્ડટ્રી ૧.૫૧ ટકા અને એમ્ફેસીસ ૦.૭૬ ટકા વધ્યા હતા.

બૅન્કિંગમાં ફરી આશાનું કિરણ, બૅન્કિંગમાં પણ ઉછાળો

સપ્ટેમ્બર મહિનામાં બૅન્કિંગ શૅરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સાથે બજારનું સેન્ટિમેન્ટ પણ નબળું પડ્યું હતું. ગઈ કાલે બૅન્કિંગ શૅરોમાં ચોતરફ ખરીદી નીકળી હતી. નિફ્ટી બૅન્ક ગઈ કાલે ૨.૫૭ ટકા વધ્યો હતો. ગઈ કાલે સરકારી બૅન્કોનો ઇન્ડેક્સ નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૨.૯ ટકા વધ્યો હતો. સરકારી બૅન્કોમાં ઇન્ડિયન ઓવરસીઝ ૭.૩૪ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૫.૦૯ ટકા, કૅનરા બૅન્ક ૪.૮ ટકા બૅન્ક ઑફ બરોડા ૪.૭૭ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૩.૫૭ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩૫ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૯૩ ટકા, યુકો બૅન્ક ૨.૦૯ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧ ટકો વધ્યા પણ સામે યુનિયન બૅન્ક ૨.૨૧ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ૨.૭૧ ટકા ઘટ્યા હતા.

ખાનગી બૅન્કોનો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૬૧ ટકા વધ્યો હતો. આઇડીએફસી ફર્સ્ટ ૮.૩૩ ટકા, ઇન્ડસઇન્ડ ૪.૪૪ ટકા, આરબીએલ બૅન્ક ૪.૩૭ ટકા, ફેડરલ બૅન્ક ૪.૨૬ ટકા, બંધન બૅન્ક ૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૫૨ ટકા, એક્સીસ બૅન્ક ૨.૬૮ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૧૮ ટકા, કોટક બૅન્ક ૦.૪૭ ટકા વધ્યા હતા જ્યારે સિટી યુનિયન બૅન્ક ૦.૩ ટકા ઘટ્યો હતો.

અન્ય શૅરોમાં વધઘટ

ભારત સરકારના આવકવેરા વિભાગ સામે ૨૦૧૨ના એક કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં ચાલી રહેલા એક વિવાદ કેસમાં વોડાફોનનો વિજય થયો હતો. સિંગાપોર કોર્ટે વોડાફોનની તરફેણમાં ચુકાદો આપતા ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના આવકવેરાના આ કેસમાં હવે કંપનીને મોટી રાહત મળી છે. આ સમાચારથી ગઈ કાલે વોડાફોનના શૅર ૧૩.૬૦ ટકા વધી ૧૦.૩૬ રૂપિયા બંધ રહ્યા હતા.

અમેરિકન ડ્રગ રેગ્યુલેટર તરફથી એક દવાની અંતિમ મંજૂરી મળતાં સિપ્લાના શૅર ૫.૧૦ ટકા વધ્યા હતા. કેડિલા હેલ્થને પણ આવી એક મંજૂરી મળતાં તેના શૅર ૨.૫૪ ટકા વધ્યા હતા. ગ્રેન્યુઅલ ઇન્ડિયાને પણ એક ડ્રગની અમેરિકાએ મંજૂરી આપતાં શૅર ૪.૨૦ ટકા વધ્યા હતા. ઓરોબિંદો રીઅલ્ટીને પોતાના પોર્ટ એસઇઝેડ બિઝનેસનો ૫૧ ટકા હિસ્સો વેચવાની જાહેરાત સાથે જીએમઆર ઇન્ફ્રાના શૅર ૧૧.૦૮ ટકા ઊછળ્યા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK