સપ્ટેમ્બર મહિનો ભારત માટે સારા દિવસોની આશા લાવ્યો

Published: 5th October, 2020 14:04 IST | Jitendra Sanghavi | Mumbai

અમેરિકાના પ્રમુખની ચૂંટણી અને આર્થિક વિકાસના દર વિશ્વના આર્થિક અને રાજકીય સમીકરણો બદલી શકે

ઈન્ડિયન ઈકૉનોમી
ઈન્ડિયન ઈકૉનોમી

 

કોરોના મહામારીની શરૂઆતના થોડા મહિનાઓ પછી શરૂ થયેલ વિશ્વની આર્થિક રિકવરીની ઝડપ હવે થોડી ધીમી થતી જણાય છે. શરૂઆતની ઝડપ અનેક દેશોની સરકારો અને કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા જાહેર કરાયેલ લગભગ ૨૦,૦૦૦ બિલ્યન ડૉલર (૧૪૦ લાખ કરોડ રૂપિયા)ના સ્ટિમ્યુલસ પૅકેજને આભારી ગણાય. જુદા જુદા દેશોની રિકવરીનો દર પણ જુદો જુદો રહ્યો છે.

યુકે અને ઇઝરાયલ જેવા દેશોમાં મહામારી શાંત થયા પછી ફરી દેખાવા માંડી છે એટલે આ દેશો ફરી લૉકડાઉનનો આશ્રય લઈ રહ્યા છે એ પણ વિશ્વની આર્થિક રિકવરી ધીમી પડી રહી હોવા માટેનું એક મજબૂત કારણ ગણાય.

અમેરિકામાં એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ૩૧ ટકા જેટલો ઘટ્યો છે જે ૧૯૫૮ના જાન્યુઆરી માર્ચ ક્વૉર્ટરના ૧૦ ટકા ઘટાડા પછીનો સૌથી મોટો ઘટાડો છે. આ તુલના હાલની પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અર્થશાસ્ત્રીઓ અમેરિકાનો આર્થિક વિકાસનો દર ૩૦ ટકા જેટલો વધવાની અપેક્ષા રાખે છે. જે અમેરિકાના અગાઉના ૧૯૫૦ના જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરના આર્થિક વિકાસના વધારાના ૧૭ ટકા દરનો રેકૉર્ડ તોડશે.
નવેમ્બર મહિને થનાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ટાણે અમેરિકન અર્થતંત્ર સુધરવાના સંકેત મળે તો ડોનલ્ડ ટ્રમ્પની જીત પર તેનો પ્રભાવ પડ્યા વિના રહે નહીં.

જો અમેરિકન સરકાર બીજું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરવામાં નિષ્ફળ જાય કે કોરોનાની મહામારી જોર પકડે તો ઑકટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ૪ ટકા જેટલો નીચો પણ જઈ શકે. પ્રમુખપદની રસાકસીભરી ચૂંટણીના સમયે જાહેર કરાતાં આ બધા આંકડાઓની વિશ્વસનિયતા વિશે પણ પ્રશ્ન ઊઠે જ. છતાં અમેરિકાના પ્રમુખની ચૂંટણી અને આર્થિક વિકાસના દરના વધારા કે ઘટાડાની મોટી અસર ભારત-અમેરિકાના આર્થિક અને રાજકીય સંબંધો પર પડે એ દૃષ્ટિએ આ આંકડાઓ અને પૃથ્થકરણના મહત્ત્વને સમજવું પડે.

વિશ્વની અને અમેરિકાની આર્થિક પરિસ્થિતિ પર ઊડતી નજર કર્યા પછી આપણા દેશની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના જીએસટી કલેક્શન, રેલવે દ્વારા કરાતી માલસામાનની હેરફેર કે મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રના પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેકસ (પીએમઆઇ) ના આંકડાઓ આર્થિક રિકવરી બાબતે આશા જન્માવે તેવા છે. દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની પરિસ્થિતિમાં છૂટછાટ મુકાતા કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતાં અને ન પૂરી થઈ શકેલ ચીજવસ્તુઓની માગને કારણે જૂન મહિને આર્થિક રિકવરી શરૂ થઈ. જુલાઈ-ઑગસ્ટમાં આ ચિત્ર થોડું ધૂધળું રહ્યું, કારણ કે મહામારીના ફેલાવાના આધાર પર રાજ્યો દ્વારા પ્રાદેશિક લૉકડાઉનની જાહેરાતો કરાઈ. થોડા અપ્સ અને ડાઉન્સ પછી ફરી એક નવી આશા જન્મી છે. તહેવારોના મહિનાઓમાં વધુ માગ નીકળે (અનિશ્ચિત પરિસ્થિતિને કારણે રોકડ રકમ ખર્ચવાને બદલે હાથ પર રાખવાનું અને બચાવવાનું માનસ ઊભું થયું હતું.) તો તેની સારી અસર પણ આર્થિક રિકવરીની ઝડપ વધારવામાં ઉદ્દીપન (કેટાલિસ્ટ)નું કામ કરી શકે.

સપ્ટેમ્બર મહિનાનો મૅન્યુફૅકચરિંગ માટેનો ૫૬.૮નો ઇન્ડેક્ષ (ઑગસ્ટમાં પરનો ઇન્ડેક્ષ) સતત બીજે મહિને વધ્યો છે અને ૫૦ની ઉપર છે (જે મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રના વિસ્તરણનો સૂચક છે) એટલું જ નહીં તે જાન્યુઆરી ૨૦૧૨ પછીનો (એટલે કે છેલ્લાં સાડાઆઠ વર્ષનો) સૌથી ઊંચો આંક છે. આ વધારો છેલ્લા છ મહિનામાં થયેલા નિકાસોના ઘટાડા પછીના વધારાને અને ડૉમેસ્ટીક માગ ફરી એકવાર વધવાને આભારી છે. એ ધ્યાનમાં રહે કે લૉકડાઉનની છૂટછાટ વધવા કે ઘટવા સાથે મન્થ ટુ મન્થ થતા ફેરફારની ઔદ્યોગિક ઉત્પાદનના આંક પર મર્યાદિત અસર જોવા પણ મળે. સપ્ટેમ્બર મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો દર ઘટી શકે (તે ઘટાડો કદાચ સિંગલ ડિજિટનો હોય).

મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રનો દેખાવ સુધરી રહ્યો હોવા છતાં કંપનીઓ કારીગરોનો સ્ટાફ વધારવા માટે બહુ ગંભીર નથી. તો કેટલીક કંપનીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોને કારણે પણ કારીગરો (જે છૂટા કરાયા છે) વધારી શકતી નથી.

સપ્ટેમ્બર મહિને છ મહિનાના ઘટાડા પછી નિકાસમાં ૫.૩ ટકાનો વધારો થયો છે. યુરોપિયન દેશોમાં કોરોનાના બીજા મોજાને કારણે આ વધારો ટકી રહેશે કે કેમ એ એક પ્રશ્ન છે.

સપ્ટેમ્બર મહિને ફિસ્કલ ૨૧માં પ્રથમવાર જીએસટીની આવક વધી છે (રૂપિયા ૯૫,૪૮૦ કરોડ), ઑગસ્ટ ૨૦૨૦ કરતાં તે ૧૦.૪ ટકા વધુ છે, પણ સપ્ટેમ્બર ૨૦૧૯ કરતાં પણ તે ૪ ટકા જેટલી વધારે છે. એપ્રિલ મહિને આ આવક ઘટીને રૂપિયા ૩૨,૧૭૨ કરોડ જેટલી થઈ ગઈ હતી. સપ્ટેમ્બરની ૩૦મીએ એક મહિના પહેલાંની સરખામણીમાં વીજળીની માગ પાંચ ટકા જેટલી વધુ હતી.

જોકે સપ્ટેમ્બરની ૨૬ સુધી મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ ૨.૯ કરોડ લોકોએ કામની માગણી કરેલ. આ આંકડો લૉકડાઉનના રિસ્ટ્રિકશન્સ મેના અંતમાં હળવા થવા માંડ્યા ત્યાર પછીનો સૌથી નીચો છે, જે કારીગરો અને શ્રમિકોને શહેરોમાં મળતાં કામ અને નોકરી-ધંધાનો વધારો સૂચવે છે.

રેલવે દ્વારા થતી માલસામાનની હેરફેરમાં સપ્ટેમ્બર મહિને ગયા વરસની સરખામણીએ ૧૫ ટકાનો વધારો થયો છે.

ઑગસ્ટ ૨૦૨૦ની સરખામણીએ પણ તે ૮ ટકાનો વધારો દર્શાવે છે. સપ્ટેમ્બર મહિને પ્રથમવાર જ એ હેરફેર ૧૦૦ મિલ્યન ટનથી વધુ થઈ છે. તો આ મહિને ઈ-વે-બિલ (૫૭.૪ મિલ્યન) ની સંખ્યાએ એક નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે (ઑગસ્ટની સરખામણીએ ૧૬ ટકાનો વધારો ગણાય). સપ્ટેમ્બરની ૩૦મીએ જનરેટ કરાયેલ (૨.૬૨ મિલ્યન) ઈ-વે બિલ એક દિવસમાં જનરેટ થયેલ ઈ-વે બિલનો નવો વિક્રમ છે.

પેસેન્જર વેહિકલનાં વેચાણમાં આગલા વરસની સરખામણીએ ૩૧ ટકાનો અને આગલા મહિનાની સરખામણીએ ૨૫ ટકાનો વધારો થયો છે.

પૂરા થયેલ સાઉથ વેસ્ટ મૉન્સૂન (જૂનથી સપ્ટેમ્બર)માં સતત બીજા વરસે વરસાદ નોર્મલથી (લાંબા ગાળાની એવરેજ કરતાં ૯ ટકા) વધારે રહ્યો છે. પરિણામે ખરીફ સિઝનમાં વાવેતર હેઠળની જમીનમાં ગયા વરસ કરતાં પાંચ ટકાનો વધારો થયો છે.

સામાન્ય રીતે વિદેશી મૂડીનો ઇન્ફલો (પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કે વિદેશી દેવાંના રૂપમાં) ને કારણે આપણા વિદેશી હૂંડિયામણમાં વધારો થતો હોય છે. ૧૯૯૧ પછી પ્રથમવાર જ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં સેવાઓની વધેલી નિકાસોને કારણે એટલે કે કરન્ટ અકાઉન્ટની સરપ્લસને કારણે આપણા વિદેશી હૂંડિયામણમાં ૨૮ બિલ્યન ડૉલરનો વધારો થયો છે. આમાંનો ૮ બિલ્યન ડૉલરનો વધારો વૅલ્યુએશન ગેઇનને કારણે થયો છે.

આ ઘટના અર્થતંત્રના માળખાનો બદલાવ સૂચવે છે (જેમાં સોનાની આયાતો ઘટી છે અને ડૉમેસ્ટીક મૅન્યુફૅકચરિંગને કારણે આયાતો ઘટી છે) અને નજીકના ભવિષ્યમાં તે ચાલુ રહેશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. અર્થતંત્રમાં ઘટેલી માગને કારણે આયાતો ઘટી હોય અને તે માગ વધતાં આ ઘટનાનું પુનરાવર્તન ન પણ થાય. આવનાર સમય જ તે બાબતે વધુ પ્રકાશ પાડી શકે. આપણે ‘આત્મનિર્ભર ભારત’ના આપણા લક્ષ્યાંકમાં કેટલા સફળ થઈએ છીએ તેના પર આ માળખાકીય બદલાવનો આધાર રહેવાનો. એપ્રિલ-જૂનમાં થયેલ વિદેશી હૂંડિયામણનો વધારો અર્થતંત્રની મજબૂતાઈને કારણે થયો છે કે અર્થતંત્રની નબળાઈને કારણે તે પ્રશ્ન વિચારણા માગી લે છે.

આપણું અર્થતંત્ર સુધરી રહ્યું છે અને બિઝનેસનો કૉન્ફિડન્સ વધી રહ્યો છે તેનો એક પુરાવો સપ્ટેમ્બર મહિને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ તેમના દેવાંમાં કરેલ લગભગ ૪૨૦૦ કરોડ રૂપિયાના વધારામાં મળે છે. છેલ્લા આઠ-દસ મહિનામાં તેમનાં દેવાંમાં ૧.૨૧ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રૂપિયાની બાહ્ય કિંમતની સ્થિરતાએ પણ આમાં ભાગ ભજવ્યો છે. સિનેમા થિયેટરો, રેસ્ટોરાં ખોલવા માટે સરકારે આપેલ પરવાનગી પણ અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં માગમાં વધારો કરશે.

ઘણાબધા આર્થિક પેરામીટર્સમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં સપ્ટેમ્બર ૨૦૧૯ કરતાં તો વધારો થયો જ છે, પણ અગાઉના મહિના એટલે ઑગસ્ટ ૨૦૨૦ કરતાં પણ વધારો થયો છે જે લૉકડાઉનના હળવા થઈ રહેલા રિસ્ટ્રિકશન્સનું સૂચન કરે છે. મહામારીના ફેલાવાની સાથે પણ બધી સાવચેતી વચ્ચે અર્થતંત્ર અનલૉક થવાનું ચાલુ રહે તો સારા દિવસો જલદી જોવાની આશા રાખી શકાય.

ફિસ્કલ ૨૧માં આર્થિક વિકાસનો દર તો ઘટવાનો (એપ્રિલ-જૂન ક્વૉર્ટરના ૨૪ ટકાના ઘટાડાને કારણે) પણ હવે સપ્ટેમ્બર મહિને જોવા મળેલ અર્થતંત્રનો સુધારો ચાલુ રહે તો ફિસ્કલ ૨૧માં આર્થિક વિકાસના ઘટાડાનો દર ઓછો થાય.

નવી મોનેટરી પૉલિસી કમિટી રચાઈ ન હોવાથી રિઝર્વ બૅન્કે તેની આ કમિટીની ઑકટોબર મહિનાની રિવ્યુ મીટિંગ મુલતવી રાખી છે. વ્યાજના દર વિશે અને કેન્દ્ર સરકારના સ્ટિમ્યુલસ પૅકેજ અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા જેટલી વહેલી દૂર થશે તેટલી અર્થતંત્રની રિકવરી ઝડપી બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK