Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાલુ વર્ષે આર્થિક વિકાસનો માઇનસ દર ૧૧ વર્ષનો સૌથી નીચો ને હજી ઘટશે

ચાલુ વર્ષે આર્થિક વિકાસનો માઇનસ દર ૧૧ વર્ષનો સૌથી નીચો ને હજી ઘટશે

01 June, 2020 01:44 PM IST | Mumbai Desk
Jitendra Sanghvi

ચાલુ વર્ષે આર્થિક વિકાસનો માઇનસ દર ૧૧ વર્ષનો સૌથી નીચો ને હજી ઘટશે

આર્થિક વિકાસનો માઇનસ દર

આર્થિક વિકાસનો માઇનસ દર


જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦ના ક્વૉર્ટરનો આર્થિક વિકાસનો ૩.૧ ટકાનો દર (૨૦૧૯- જાન્યુઆરી માર્ચમાં ૫.૭) છેલ્લા ૪૪ ક્વૉર્ટરનો સૌથી નીચો દર છે. આ સાથે સરકારી આંકડા મુજબ ૨૦૧૯- ૨૦ના વર્ષ માટેનો ૪.૨ ટકાનો દર (૨૦૧૮-૧૯માં ૬.૧ ટકા) પણ છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી નીચો દર છે. લૉકડાઉનના ૧૪ દિવસ સાથે માર્ચ ૨૫ના રોજ શરૂ થયેલ દેશવ્યાપી લૉકડાઉનના ૬૮ દિવસ ગઈ કાલે પૂરા થયા.

જાન્યુઆરી માર્ચ ૨૦૨૦માં જપાન, ચીન અને ઇયુ દેશો માટે આર્થિક વિકાસનો દર માઇનસ રહ્યો. અમેરિકાએ આર્થિક વિકાસનો નજીવો (૦.૨ ટકા) દર નોંધ્યો. એપ્રિલ, જૂનમાં આપણા વિકાસનો દર માઇનસ ૪૦-૪૫ ટકાનો હોઈ શકે.
૨૦૨૦-૨૧ના આર્થિક વિકાસનો દર માઇનસ પાંચ ટકા રહી શકે જે છેલ્લાં ૪૦ વર્ષનો કદાચ સૌથી નીચે હશે.
આ આંકડા એકદમ જ સરખાવી શકાય તેમ નથી, કારણ કે કોરોનાની મહામારી જુદા-જુદા દેશોમાં જુદા-જુદા સમયે શરૂ થઈ કે તેનો વ્યાપ વધ્યો.
આપણું લૉકડાઉન માર્ચની ૨૫મીએ શરૂ થયું એટલે માર્ચ મહિને આપણી આર્થિક પ્રવૃત્તિઓ માત્ર એક જ અઠવાડિયા માટે ઠપ થઈ હતી. એક અઠવાડિયાનો કંગાળ દેખાવ આપણું આર્થિક ચિત્ર આટલી હદે ખરડી ન શકે. છેલ્લા ૮-૧૦ ક્વૉર્ટરથી આપણા વિકાસનો દર (કોરોનાને કારણે નહીં) ધીમો પડી ગયો હતો. એટલે ૨૦૧૯-૨૦ના ૧૧ વર્ષના નીચા દર પર એની સામૂહિક અસર જોવા મળી છે.
લૉકડાઉનનો પ્રથમ અને બીજો તબક્કો એટલે એપ્રિલ મહિનો પૂરો થયો કે જ્યારે આપણી આર્થિક પ્રવૃત્તિઓ તદ્દન થંભી ગઈ હતી. મે મહિને (૧૭ મે સુધી) લૉકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ઉદ્યોગ ધંધા અને સેવાઓ લગભગ બંધ જ રહ્યા. સ્થગિત થયેલી આર્થિક પ્રવૃત્તિઓ મર્યાદિત રીતે ચાલુ કરવાની છૂટ મળી મે ૧૮થી, તે પણ મહામારી વ્યાપક હોય તેવા રેડ ઝોન છોડીને.
એનો અર્થ એ થયો કે ૨૦૨૦-૨૧ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં તો આર્થિક વિકાસના દરમાં ધરખમ ઘટાડો થવાનો. અને ઘટાડાનો દર કેટલો હશે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.
પછીના ત્રણ ક્વૉર્ટરમાં અનેક પડકારો વચ્ચે આ પ્રવૃત્તિઓ કેવો વેગ પકડે છે તેના પર ચાલુ વર્ષના આર્થિક વિકાસના દરનો આધાર રહેશે.
લૉકડાઉનને કારણે જાન્યુ-માર્ચ ૨૦૨૦ના આંકડાઓ મેળવવાની મુશ્કેલીને કારણે આ ક્વૉર્ટરના આંકડા પણ બદલાવાની સંભાવના સરકારી એજન્સીએ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિને મૅન્યુફૅકચરિંગ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્ષ (જે સામાન્ય રીતે ૫૦-૫૫ની આસપાસ રહે છે) ઘટીને ૨૭.૪ થઈ ગયો. તો મે મહિને ધીમે પગલે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતાં સીએમઆઇઇના અહેવાલ પ્રમાણે બે કરોડ નોકરીઓ પાછી અસ્તિત્વમાં આવતાં રોજગારીનો દર એપ્રિલના ૨૭ ટકામાંથી વધીને ૨૯ ટકા થયો.
હવે જ્યારે લૉકડાઉન ૪.૦ પૂરો થયો છે ત્યારે પણ મોટા ભાગનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો લૉકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાની તરફેણમાં નથી એટલે આપણી આર્થિક પ્રવૃત્તિઓ તો હજી પણ ખોડંગાતી જ ચાલવાની.
લાખોની સંખ્યામાં માઇગ્રન્ટ શ્રમિકો તેમના વતન પાછા ફર્યા છે. (અને હજી પણ ફરી રહ્યા છે) ત્યારે આવતાં બે અઠવાડિયાં મહામારીના ફેલાવા માટે બહુ મહત્ત્વના પુરવાર થઈ શકે. કેરાલા કે ચીનની માફક મહામારીનું બીજું મોટું મોજું આવી શકે, એટલે જે પણ કરીએ તેમાં પૂરેપૂરી સાવધાની વર્તવી રહી.
આમેય ભારત કોવિડ-૧૯થી સંક્રમિત દરદીઓની સંખ્યાના હિસાબે દુનિયાના દસ દેશોમાં નવમા સ્થાન પર પહોંચ્યું છે. સંક્રમિત થતા દરદીઓની સંખ્યા બમણી થવાના દિવસો પણ ઘટતા જાય છે. સમયસરના લૉકડાઉન સિવાય આ બાબતે આપણે અમેરિકાની સ્પર્ધા પણ કરતા હોત. ભારત સંક્રમિત કેસ બાબતે અને મરણના આંક બાબતે ચીનથી આગળ નીકળી ગયું છે.
જો કે મરણને શરણ થનારનો આપણો ૩.૩ ટકાનો દર વિશ્વના છ ટકાના દર કરતાં નીચો છે. રશિયાનો આ દર આપણા કરતાં પણ નીચો ૧.૧ ટકાનો છે.
એટલે લૉકડાઉનને કારણે લોકોની જાન બચાવવાનો જે ફાયદો થયો તે ધોવાઈ ન જાય તેની પણ ચિંતા સરકારને હોય જ.
ભારતનાં મુંબઈ અને થાણે, અમદાવાદ, સુરત, પુણે, દિલ્હી, જયપુર, ઇન્દોર, બૅન્ગલોર, ચેન્નઈ, કલકત્તા જેવાં ૧૧ શહેરોમાં કોરોનાના ૭૦ ટકા દરદીઓ નોંધાયા છે એટલે આજથી આ શહેરોને છોડીને દેશના અન્ય ભાગોમાં આર્થિક પ્રવૃત્તિઓની વધુને વધુ છૂટ મળતી જવાની સંભાવના ખરી. આ શહેરો સંખ્યાની રીતે માત્ર ૧૧ ભલે હોય પણ સામાન્ય સંજોગોમાં દેશની આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતાં કેન્દ્રો છે, ઉત્પાદનના હિસાબે કે સેવાઓને હિસાબે પણ. દેશની આર્થિક પ્રવૃત્તિઓ પૂરા જોશથી ચાલુ કરવામાં તેમનો હિસ્સો મહત્ત્વપૂર્ણ હોઈ તેમને છોડીને દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમી
શકે નહીં.
મૅન્યુફૅકચરિંગ ક્ષેત્ર લગભગ ભાંગી પડ્યું છે (જાન્યુ.-માર્ચના ૧.૪ ટકાનો ઘટાડો) ત્યારે કૃષિક્ષેત્ર ચાલુ વર્ષે તેની ખોટ પૂરી કરી શકે (જાન્યુ.-માર્ચમાં ૬ ટકાનો વધારો). પણ દુકાળમાં અધિક માસની જેમ તાજેતરના તીડ (લોકસ્ટ) ના આક્રમણે આઠ રાજ્યોને અડફેટમાં લીધાં છે. ઊભો પાક અમર્યાદિત રીતે નાશ કરી શકતા તીડોનું આ આક્રમણ છેલ્લાં ૨૫ વર્ષનું સૌથી મોટું આક્રમણ છે. કોરોનાનું સંકટ જાણે કે આપણને હચમચાવવા માટે પૂરતું ન હોય તેમ ગરમીનાં મોજાં (હીટવેવ) અને તીડનાં ટોળાં પણ આપણી સાથે સ્કોર સેટલ કરવાની રેસમાં ઊતર્યા છે. અધૂરામાં પૂરું ચીન સરહદ ઉપર સક્રિય બનીને દેશનું ધ્યાન કોવિડ-૧૯ સામેની લડતમાંથી વિચલિત કરવાના પૂરા પ્રયાસ કરી રહ્યું છે.
વધારે ને વધારે પ્રમાણમાં કોરોના પૉઝિટિવ બનતું જતું ભારત આર્થિક વિકાસના ટેસ્ટમાં નેગેટિવ સાબિત થઈ રહ્યું છે જે સ્વાભાવિક છે.
વિધિની વક્રતા છે કે જે સરકાર બરાબર એક વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણીની ઐતિહાસિક જીતનો ઉત્સવ મનાવી રહી હતી તે સરકાર આજે કોરોનાની કરુણ હોનારતનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારની બીજી ટર્મના પ્રથમ વર્ષની બીજી સિદ્ધિઓને કોરોનાની મહામારીએ ઝાંખી પાડી દીધી છે.
વડા પ્રધાને પૂરા આત્મવિશ્વાસથી દેશવાસીઓને સંબોધતા પત્રમાં કહ્યું છે કે સરકાર અને પ્રજાજનોના સામૂહિક બળ અને દૃઢનિશ્ચયે અનેક યાતનાઓ છતાં આપણી સાથે થઈ શકે એવા એક મોટા અકસ્માતમાંથી આપણને ઉગારી લીધા છે.
જો કે સરકારે જાહેર કરેલ ૨૦ લાખ કરોડ રૂપિયાનું રાહતનું પૅકેજ ઉદ્યોગ-ધંધા કે બેરોજગાર અને શ્રમિકો માટે ટૂંકું પડે છે. સાચો રસ્તો તો એ છે કે જે રાહતો જાહેર કરાય છે તેના અસરકારક અમલ આડે જે પણ ત્રુટિઓ ભણી નિર્દેશ કરાય તેમાં યોગ્ય સુધારા-વધારા કરવાના ઓપન માઇન્ડથી તાત્કાલિક રીતે તેનો અમલ કરાય.
૪૪ લાખ જેટલા પ્રવાસી શ્રમિકો તેમને વતન પરત ફરતા (રિવર્સ માઇગ્રેશન) જ ઉ. પ્રદેશ, બિહાર, મ. પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં સંક્રમિતોની સંખ્યા વધવા માંડી છે. એટલે લૉકડાઉન સારું પગલું હતું કે ખરાબ તેનું અનુમાન કઠિન છે, માત્ર તે અનિવાર્ય હતું તેમ ચોક્કસપણે કહી શકાય. કેન્દ્ર સરકારના અંદાજ પ્રમાણે લૉકડાઉનનો અમલ ન થયો હોત તો ૧૪થી ૨૯ લાખ જેટલી સંક્રમિતની સંખ્યા વધી હોત અને ૩૭૦૦થી ૭૮,૦૦૦ વચ્ચે વધારાનાં મોત થયાં હોત. હાલના આંકડા (૧.૮૨ લાખ સંક્રમિત અને ૫૨૦૦ની અંદરનો મૃત્યુનો આંક)ની સરખામણીએ મહામારીએ અનેકગણું વ્યાપક અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત.
શહેરોમાં માઇગ્રન્ટ શ્રમિકો માટે સમયસરની રાહત અપાઈ હોત તો તેમની વતનભણીની કૂચ ઓછી થઈ હોત. લૉકડાઉન હળવો કરાતાં આ શ્રમિકો શહેરની પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં હાથવગા કામ લાગત. આ લેબર આપણી આર્થિક પ્રવૃત્તિઓનો નજીવો પણ બહુ સંવેદનશીલ અને મહત્ત્વનો ભાગ છે તેવું આજે સમજાતા તેમના બાકી નીકળતાં વેતનની ચુકવણી સાથે ઇન્સેન્ટિવ બોનસ આપીને પણ તેમને પાછા બોલાવાતા હોવાના દાખલા પણ નોંધાયા છે.
રિઝર્વ બૅન્કે વિકાસના દર પર એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ ફરી ચાલુ કરવા ધ્યાન કેન્દ્રિત કરી સિસ્ટમમાં કૅશ (રોકડ રકમ) તો વધારી જ છે સાથે પૉલિસી રેટસ પણ ઘટાડ્યા છે. કેન્દ્ર સરકાર માટે રિઝર્વ બૅન્કના આ બધાં પગલાંને પૂરક થાય એવાં નાનાં મોટાં પગલાં લેવાનો અવકાશ છે.
એકવીસમી સદી ભારતની સદી હશે એવા વરતારા થતા રહ્યા છે તે અંદાજો સાચા પુરવાર થાય અને એકવીસમી સદી એક વસમી સદી ન બને તે માટે હજી વધારાના અને મક્કમ ઝડપી પગલાની પ્રજાને અપેક્ષા છે.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 01:44 PM IST | Mumbai Desk | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK