Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારને તંદુરસ્તી માટે જોઈએ છે કેટલાંક તાજાં કરેક્શન

બજારને તંદુરસ્તી માટે જોઈએ છે કેટલાંક તાજાં કરેક્શન

08 February, 2021 01:01 PM IST | Mumbai
Jayesh Chitalia

બજારને તંદુરસ્તી માટે જોઈએ છે કેટલાંક તાજાં કરેક્શન

બજારને તંદુરસ્તી માટે જોઈએ છે કેટલાંક તાજાં કરેક્શન

બજારને તંદુરસ્તી માટે જોઈએ છે કેટલાંક તાજાં કરેક્શન


શૅરબજારમાં તેજીનો દોર જે રીતે ચાલી રહ્યો છે તે સવાલ-શંકા ઉઠાવે એવો થતો જાય છે. આ સમયમાં સેન્સેક્સ ૫૧૦૦૦ અને નિફ્ટી ૧૫૦૦૦ની સપાટી વટાવી પાછો ફર્યો છે. જોકે ટ્રેન્ડ તેજીનો છે. રિઝર્વ બૅન્કની પૉલિસીએ પણ તેજીને બળ મળે એવી જ જાહેરાત કરી છે. જોકે આખરે હવે શું કરવું એ બાબતે રોકાણકારોની મૂંઝવણ વધતી જાય છે. અલબત્ત રોકાણકારોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે.

હવે અમારે શૅરબજારમાં શું કરવું? અમે હવે શૅર ખરીદવાનું શરૂ કરીએ? કે પછી હવે કરેક્શનની રાહ જોઈએ? ચાર-પાંચ હજાર પૉઇન્ટ ઘટે પછી લઈએ? કે પછી વર્તમાન ભાવે પણ ખરીદી કરતા રહીએ? આટલા ઊંચા ભાવે શૅર મોંઘા તો નહીં પડે ને? એવું ન બને કે ઊંચા ભાવે લાંબા સમય માટે ભેરવાઈ જઈએ, અમે તો ૫૦૦૦૦ના સેન્સેકસ વખતે પણ નફો અંકે કરવામાં રહી ગયા, તેમ છતાં માર્કેટ તો સતત વધતું જ જાય છે, તો હવે શું કરીએ? હજી વધવાની રાહ જોઈએ? આવા અનેકવિધ સવાલ બજેટ બાદ શૅરબજારના રોકાણકારોમાં ફરતા થઈ ગયા છે. સેન્સક્સે ૫૦૦૦૦ની ઉપર બંધ બતાવી દીધો છે અને
બજેટે જે આશા જગાવી દીધી છે તેને લીધે હવે લોકોને બૉટમ દેખાવાની બંધ થઈ ગઈ છે અને વધુ ને વધુ ટોપ દેખાવાની શરૂ થઈ છે. તેજીની આ મીઠી મૂંઝવણમાં શું સમજવાની જરૂર છે તેની ચર્ચા કરીએ.
ઘોડા સાથે ગધેડા પણ દોડશે
બજેટના નામે તેજી ચાલી અને ચાલશે અને તેજીના નામે કંઈ પણ ચાલશે, ઘોડા સાથે ગધેડા પણ દોડશે, જેથી ધ્યાન એ રાખવાનું રહેશે કે તમારા હાથમાં ઘોડાને નામે ગધેડા ન આવી જાય. આવા સમયમાં ઓપરેટરો, લેભાગુઓ અને સટોડિયાઓ કોઈ પણ શૅર ચલાવવાની રમત રમતા હોય છે, જે વધતા જોઈ તમે એની પાછળ ભાગશો તો જેવું સોનાના હરણની પાછળ દોડેલા રામનું થયું હતું, તેમ તમારા હાથમાંથી સીતા પણ ચાલી જશે, અર્થાત બીજા શૅરોમાં તમે જે કમાણી કરી હશે તે કમાણી આવા સોનાના (ખોટા) હરણ જેવા શૅરો ખાઈ જાય એવું બની શકે.
કરેક્શનનો અભાવ જોખમી
બજેટ સારું છે, વિકાસલક્ષી છે, તેને કારણે આર્થિક રિકવરીને ઝડપ મળશે, જીડીપીનો દર પૉઝિટિવ થઈ આગામી વરસે ઊંચો જશે, ધંધા-પાણી વધશે, ઉત્પાદન વધશે, મૅક ઇન ઇન્ડિયાનો વ્યાપ વધશે એ બધી વાત સાચી, પરંતુ આ બધું રાતોરાત નહીં થાય કે બે-ચાર મહિનામાં નહી થાય, પરંતુ એકથી બે વર્ષ સહેજેય લેશે. એમાં પણ વચ્ચે અવરોધ આવી શકે છે, રાજકીય સમસ્યાના અવરોધ, ગ્લોબલ સંજોગોના અવરોધ, યોજનાના અમલીકરણની ગતિના અવરોધ, કાયદાની આંટીઘૂંટીના અવરોધ, વિદેશી રોકાણના પ્રવાહમાં અવરોધ, વગેરેને ધ્યાનમાં રાખવા પડે. આ વિષયમાં આપણે નેગેટિવ વિચારીએ નહીં, તેમ છતાં સજાગતા માટે પણ આવું વિચારવું જોઈએ. કરેક્શનના સદંતર અભાવ વિનાનું શૅરબજાર જોખમી બની શકે, જેમાં છેલ્લે રહી જનાર રોકાણકારો ઊંચા ભાવે ફસાઈ કે અટવાઈ જાય
એવું ઘણીવાર બન્યું છે અને બનતું રહે છે.
સેક્ટર અને સ્ટૉક સિલેક્શન
સેકટર અને સ્ટૉક સિલેક્શનમાં સાવધ રહેવું જોઈશે. હવે પછી ઇન્ફ્રાસ્ટ્રકચર સમાન સેક્ટર વધુ ચાલશે. આમ તો બજેટે દરેક ક્ષેત્રને ટેકો-પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં બજારની બ્લુ-ચીપ કહી શકાય એવી બધી જ સ્ક્રિપ્સ બાવન સપ્તાહની ઊંચી સપાટી પર પહોંચી ગઈ છે, ઉપરથી આવી કંપનીઓનાં પરિણામ પણ સારા આવી રહ્યાં હોવાથી ઇન્વેસ્ટરોનો રસ તેમાં વધી રહ્યો છે. એટલે જ વર્તમાન સમય લાંબા ગાળા માટે વધુ બહેતર ગણાય છે, કેમ કે આ લેવલે ગમે ત્યારે કરેક્શન આવી શકે છે. એ ન પણ આવે તોય ઊંચા ભાવની ખરીદી જોખમી બની શકે છે. પરિણામે લાંબા ગાળાનો અભિગમ રાખવામાં જ શાણપણ છે. સંભવ હોય ત્યાં સુધી ઇન્ડેકસ બહારના સ્ટૉકસમાં ન જવામાં સાર રહેશે. બૅન્કો માટે સ્કોપ વધવાના છે, તેમ છતાં તેમાં પણ સિલેક્ટિવ બનવું જોઈશે.
માર્કેટની હાલની ચાલ અને તાલ
શૅરબજારની બજેટ બાદની ચાલને સમજવા આપણે ગયા સોમવારથી શુક્રવાર સુધીની વધઘટ જોઈએ તો અંતમાં ઊંચાઈ જ જોવા મળે છે. અર્થાત માર્કેટને તેજી અને માત્ર તેજી દેખાય છે. સોમવારથી શુક્રવાર સુધીમાં બજાર સતત વધતું જ રહ્યું છે, જ્યારે કે વચ્ચે પ્રોફિટ બુકિંગ થયું છે ખરું, તેમ છતાં હજી પ્રોફિટ બુકિંગનો બહુ જ અવકાશ અને શક્યતા છે. ગુરુવારે મુંબઈ શૅરબજારે ૨૦૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપ વટાવીને નવો રેકૉર્ડ સ્થાપ્યો હતો, આમ મૂડીબજાર દેશની સંપત્તિ સર્જનમાં કેટલી
ઉપયોગી ભૂમિકા ભજવી રહ્યું છે તે સાબિત થાય છે. અર્થાત માત્ર સેન્સેક્સ જ નથી વધતો, માર્કેટનું મૂડીકરણ પણ વધી રહ્યું છે.
રિઝર્વ બૅન્કની પૉલિસી પણ પ્રોત્સાહક
શુક્રવારે જાહેર થયેલી રિઝર્વ બૅન્કની નાણાનીતિએ બજારને કોઈ વિપરીત અસર કરી નહોતી, કારણ કે રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નહોતા, પરંતુ ઊંચો ફુગાવો ચિંતાનો વિષય ચોક્કસ ગણાય. અલબત્ત હાઉસિંગ સેક્ટરમાં નીકળેલી ડિમાંડ માર્કેટના સેન્ટિમેન્ટને પૉઝિટિવ અસર કરશે. રિઝર્વ બૅન્કે બજેટની પૉલિસીને સાથે રાખી ચાલવાનું નક્કી કર્યું હોવાનું પ્રતિત થાય છે. સેન્સેક્સે ૫૦૦૦૦ની ઉપરનું લેવલ (છેલ્લો બંધ ૫૦૭૦૦) બનાવ્યું હતું. આ સંદર્ભે બજારમાં ઉત્સાહ ખરો, સાથે-સાથે ચિંતા પણ છે, જે રોકાણકારોને સજાગ રહેવાનો સંકેત પણ આપે છે. સેન્સેક્સ ૫૧૦૦૦થી બહુ દૂર નથી અને નિફ્ટી ૧૫૦૦૦થી દૂર નથી. જોકે નવા સપ્તાહમાં નફો બુક થવાનું જોર વધી શકે છે. બજાર પાસે હાલ ભલે કોઈ નેગેટિવ કારણ ન હોય, પરંતુ બજાર વધવાની શક્યતા ઓછી જણાય છે. ઇન શોર્ટ, બજારની તંદુરસ્તી માટે તાજાં કરેક્શનની તાતી જરૂર છે.
સરકારી સિક્યૉરિટીઝમાં રોકાણની સુવિધા
રિઝર્વ બૅન્ક જાહેર કરેલા એક અતિ મહત્ત્વના પગલા મુજબ હવે પછી રિટેલ રોકાણકારો સીધા ઑનલાઈન ધોરણે સરકારી સિક્યૉરિટીઝ માર્કેટમાં રોકાણ કરી શકશે. આ સાધન માર્કેટમાં ગિલ્ટ તરીકે જાણીતું છે. આ એક સલામત ફિકસ્ડ ઇન્કમ રોકાણ સાધન ગણાય છે. રિઝર્વ બૅન્કે આ માર્ગ નાના રોકાણકારો માટે ખુલ્લો કરીને નાના રોકાણકારોને સીધી રોકાણ તક આપવા સાથે સરકાર માટે ભંડોળ ઊભું કરવાની સરળ-સારી વ્યવસ્થા કરી છે. સલામત રોકાણ સાધન પસંદ કરતા રોકાણકારો માટે આ સારી તક બનશે તેમ જ અન્ય રોકાણકારો માટે પણ વૈવિધ્યીકરણ માટે આ એક નવું સાધન બનશે.
વિદેશી રોકાણકારોને બજેટની ગિફટ
બીજી બાજુ સરકાર અને નિયમનકાર સેબી હવે એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો)ને ગિફ્ટ સિટીમાં આવેલા ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટરના રૂટ મારફત રોકાણ કરવા પર પ્રોત્સાહન-રાહત આપવાની તૈયારીમાં લાગ્યા છે, જેની બજેટમાં ઓલરેડી જાહેરાત થઈ છે. આ પગલું ફોરેન ઇન્વેસ્ટરોને બજેટે આપેલી ગિફ્ટ સમાન છે. જેને લીધે રોકાણપ્રવાહ આ તરફ વધે એવી આશા સહજ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 01:01 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK