Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહ કા આલમ ક્યા હોગા!

જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહ કા આલમ ક્યા હોગા!

16 November, 2020 12:46 PM IST | Mumbai
Jayesh Chitalia

જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહ કા આલમ ક્યા હોગા!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુએસ ઇલેક્શનનાં પરિણામ બાદ ભારતીય માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટમાં નવો કરન્ટ આવ્યો છે. સ્ટિમ્યુલસ પૅકેજ મારફત પ્રવાહિતા, ઉત્પાદન, ડિમાન્ડ, વપરાશ, વધવાની તેમ જ આર્થિક સુધારા મારફત ઇકૉનૉમી રિવાઇવ થવાની આશાનો ઉજાસ વધ્યો છે. બજારે કપરા વર્ષમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે, તો સતત આગળ વધનારા ઇકૉનૉમિક રિવાઇવલમાં શું થશે એ વિચારી લો

વીતેલા સપ્તાહના આગલા સપ્તાહમાં આપણે જોયું હતું કે બજારે પાંચે-પાંચ દિવસ વધીને લાભપાંચમ ઊજવી હતી. વીતેલા સપ્તાહમાં આ ઉત્સાહ અને ઉમંગે વધુ લાભમાં લઈ જવાની પ્રથમ દિવસથી શરૂઆત કરી, જેને પરિણામે સોમવારે બજારે અત્યાર સુધીની નવી ઊંચી સપાટી હાંસલ કરતાં સેન્સેક્સ ૭૦૪ પૉઇન્ટના ઉછાળા સાથે ૪૨૫૯૭ અને નિફટી ૧૯૮ પૉઇન્ટના કૂદકા સાથે ૧૨૪૬૧ બંધ થયા હતા. બીજા દિવસે મંગળવારે પણ સેન્સેક્સે ૬૮૦ પૉઇન્ટ અને નિફ્ટીએ ૧૭૦ પૉઇન્ટ ઊછળીને વધુ ઊંચી સપાટી તરફની યાત્રા ચાલુ રાખી હતી. આ સાત દિવસોના સતત વધારામાં ફોરેન ઇન્વેસ્ટરોની ખરીદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમને સાત દિવસમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નેટ ખરીદી કરી હતી, જોકે સામે સ્થાનિક ફંડસે સતત વેચવાલી કરીને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ માલ વેચ્યો હતો. આ દિવસોમાં બૅન્ક-ફાઇનૅન્સ શૅરોમાં જબ્બર તેજી જોવાઈ હતી. બુધવારે માર્કેટે સુધારાની ગતિ ધીમી પાડી હતી, કિંતુ ચાલુ રાખતા સેન્સેક્સ ૩૧૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૮ પૉઇન્ટ ઊંચે ગયા હતા. બુધવારે એક જ દિવસમાં ફોરેન ઇન્વેસ્ટરોએ ૬૦૨૭ કરોડ રૂપિયા જેટલી જંગી નેટ ખરીદી કરી હતી.
જોકે ગુરુવારે બજાર કરેક્શન સાથે શરૂ થયું હતું, બપોર સુધીમાં માર્કેટ ૩૦૦ પૉઇન્ટ જેવું નીચે પણ ગયું હતું, અલબત્ત, કરેક્શન જરૂરી હતું અને અપેક્ષિત પણ હતું, કેમ કે કરેક્શન વિના માર્કેટ ડેન્જરસ મોડમાં જઈ શકવાની સંભાવના રહે છે, પરંતુ મોટા કડાકા નહોતા, સેન્સેક્સ ૨૩૬ પૉઇન્ટ અને નિફ્ટી ૫૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા, કારણ કે નાણાપ્રધાને જાહેર કરેલા સ્ટિમ્યુલસ પૅકેજમાં બજારને ખાસ દમ લાગ્યો નહોતો. નાણાપ્રધાન હજી બહેતર કરી શક્યા હોત. તેમ છતાં સરકાર હજી પગલાં લાવશે એવી આશા અકબંધ છે.
૧૦ દિવસમાં ૪૦૦૦ પૉઇન્ટ
શુક્રવારે માર્કેટ શરૂમાં ઘટીને રિકવર થયું હતું, જોકે એકદંરે પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું. ખાસ કરીને છેલ્લા અમુક દિવસોમાં ફાઇનૅન્સ અને બૅન્ક સ્ટૉક્સમાં થયેલા અસાધારણ વધારાએ બ્રેક મારીને કરેક્શન તરફ ટર્ન લીધો હતો. તેમ છતાં બજાર અંતમાં તો પૉઝિટિવ દિશામાં જ આગળ વધ્યું હતું, જેથી માઇનસમાંથી પ્લસ થઈ સેન્સેક્સ ૮૫ પૉઇન્ટના વધારા સાથે ૪૩,૪૪૩ બંધ રહ્યો હતો, જ્યારે નિફટી ૨૯ પૉઇન્ટના વધારા સાથે ૧૨૭૨૦ બંધ રહ્યો હતો. નવેમ્બરમાં માત્ર ૧૦ દિવસમાં સેન્સેક્સ ૪૦૦૦ પૉઇન્ટ જેટલો વધીને બંધ રહ્યો હતો. જેનો યશ મહદ્ અંશે વિદેશી રોકાણકારોને ભાગે હતો, કારણ કે આ મહિનામાં તેમને આક્રમક ખરીદી ચાલુ રાખી હતી. ભારતીય અર્થતંત્રના રિવાઇવલ અને વિકાસ માટે તેમનો વિશ્વાસ સંભવતઃ ભારતીય રોકાણકારો કરતાં વધુ હોવાનું કહેવાય છે. વિદેશી રોકાણકારોએ આ નવેમ્બરમાં અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરી દીધું છે, બાકીના સમયમાં નવેમ્બર અંત સુધીમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું વધુ રોકાણ આવવાની શકયતા છે.
પ્રોત્સાહન પૅકેજ આવ્યું ખરું, પરંતુ
આર્થિક પુનરુત્થાન માટે અન્ય સબળ કારણમાં મોદી સરકાર તરફથી જાહેર થયેલા વધુ રાહત પૅકેજનો ફાળો પણ ગણવો જોઈએ. નાણાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કદમ ભર્યા હોવાની વાત કરી છે. સરકાર ધીમે-ધીમે સતત રાહત-પ્રોત્સાહન આપતી રહી છે એ નોંધવું રહ્યું. આમાં ફરિયાદ કહો કે ક્ષતિ કહો, એ એટલી છે કે સરકારની રાહતનું પ્રમાણ ઓછું રહે છે, જેથી તેની અસર પણ ઓછી રહે છે, બીજી વાત એ કે આ રાહતોની તરત અસર થાય એવું ઓછું બને છે, જે-તે ક્ષેત્રને તેનો લાભ મળતા સમય લાગે એવી હોય છે. આ વખતના પૅકેજમાં સરકારે જીડીપીના એક ટકાથી વધુ સપોર્ટ આપ્યો છે. સરકારે એકેક ક્ષેત્ર અને સમસ્યા પર ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો છે એટલું જ નહીં, જેને હજી સપોર્ટ નથી અપાયો એ ક્ષેત્ર માટે પણ તૈયારી ચાલુ જ છે. ગરીબો માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, નાના-મધ્યમ એકમો માટે, પીએમ આવાસ યોજના, બે કરોડ રૂપિયા સુધીના ઘર માટે આવકવેરા રાહત યોજના, સરકારી બાંધકામ અને માળખાકીય પ્રોજેકટ માટે રાહત, ખાતર સબસિડી, પીએમ ગરીબ કલ્યાણ રોજગાર યોજના વગેરેનો સમાવેશ થાય છે.
વધુ રાહત પણ આવશે
સરકાર તરફથી ૧.૪૫ લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શન ઇન્સેન્ટિવ પૅકેજ ઉપરાંત હવે સ્ટ્રેસ્ડ સૅક્ટર્સ માટે પણ સ્ટિમ્યુલસ પૅકેજ લાવવાની તૈયારી છે, આ સૅક્ટરમાં હૉસ્પિટાલિટી, રિટેલ, એવિયેશન અને ટૂરિઝમ સૅક્ટરનો સમાવેશ થશે. આ સૅક્ટર્સને નાના-મધ્યમ એકમોને અપાઈ હતી એવી ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ જેવી રાહત આપવાની દરખાસ્ત છે. મહામારીની અસર રૂપે મંદા થયેલા આ ધંધાઓને સરકાર કોલેટરલ ફ્રી લોન્સ ઉપલબ્ધ બનાવશે. શહેરી વિસ્તારોમાં રોજગાર સર્જન માટે ટેકો અપાશે. આ પૅકેજ ટૂંક સમયમાં જાહેર થવાની આશા છે. આની અસર તેજીને ટકાવવામાં અથવા વેગ આપવામાં નિમિત્ત બનશે.
માર્કેટની તેજીમાં કોની અસર
યુએસ ચૂંટણીનાં પરિણામની અસર, ભારતની અનલૉકની અસર અને આર્થિક રીકવરીની અસર તથા તહેવારોમાં વધેલી ડિમાન્ડની તેમ જ કંપનીઓના ક્વૉર્ટરલી પરિણામની અસર એમ ટોટલિટીમાં બધી પૉઝિટિવ અસર મળીને સેન્સેક્સ તેમ જ નિફ્ટી નવા હાઈ લેવલ પર પહોંચ્યા હતા. શૅરબજારમાં તેજીના ટ્રૅન્ડ માટે પોલિટિકલ કારણ તરીકે મોદીની બિહાર અને ગુજરાતમાં થયેલી જીત પણ નિમિત્ત બની હતી. મોદી સરકાર પર વધતો વિશ્વાસ આગામી સુધારા માટે મહત્ત્વનો ટેકો બની શકે છે. શૅરબજારમાં આ વખતે એક ઘટના સાવ પહેલીવાર બની છે, આ ઘટનામાં નિફ્ટીનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમવાર ૧૦૦ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે હજી તો આર્થિક સુધારાની શરૂઆત છે, તેના અમલ અને અસર સાથે વધુ માર્કેટ રીકવરી નિશ્ચિત મનાય છે. ભારતની લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ ધરાવતા વર્ગ માટે રોકાણની ઉત્તમ તક ગણાય. આ સાથે ગમે ત્યારે કરેક્શનનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2020 12:46 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK